કિરણ મઝુમદાર-શો

વિકિપીડિયામાંથી
કિરણ મઝુમદાર-શો
જન્મ૨૩ માર્ચ ૧૯૫૩ Edit this on Wikidata
બેંગલુરુ Edit this on Wikidata
પુરસ્કારો
  • Othmer Gold Medal (૨૦૧૪)
  • Global Economy Prize (૨૦૧૪)
  • Corresponding Fellow of the Royal Society of Edinburgh (૨૦૨૨, ૨૦૨૨)
  • Honorary Member of the Order of Australia (For significant service to advancing Australia's bilateral relationship with India, particularly in promoting commercial and educational links., Dr Kiran MAZUMDAR-SHAW, ૨૦૨૦) Edit this on Wikidata

કિરણ મઝુમદાર-શો ( હિંદી:किरण मजूमदार-शॉ, ( કન્નડ: ಕಿರಣ್ ಮಜುಮ್ದರ್ ಷ) (જન્મ : ૨૩ માર્ચ, ૧૯૫૩) ભારતના ઉદ્યોગસાહસિક છે. તેઓ બાયોકોન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

કિરણ મઝુમદાર-શો ભારતના મહિલા ઉદ્યોગસાહસિક, ટેકનોક્રેટ, સંશોધક અને ભારતના બેંગ્લોરમાં આવેલી અગ્રણી બાયોટેકનોલોજી કંપની બાયોકોનના સ્થાપક છે. તેઓ બાયોકોન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ સિનજીન ઇન્ટરનેશનલ લિમિટેડ અને ક્લિનિજીન ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન છે.

તેમણે ઇ. સ. ૧૯૭૮માં બાયોકોનની સ્થાપના કરી હતી અને પ્રોડક્ટ્સનો સંતુલિત બિઝનેસ પોર્ટફોલિયો અને મધુપ્રમેહ, ઓન્કોલોજી અને ઓટો-ઇમ્યુન બિમારીઓ પર સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની કંપનીને ઔદ્યોગિક ઉત્સેચક ઉત્પાદક કંપનીમાંથી એક સંપૂર્ણ સંકલિત બાયો-ફાર્માસ્યુટિલ કંપની બનાવામાં આગેવાની લીધી હતી. તેમણે બે પેટાકંપનીઓની પણ સ્થાપના કરી હતી, જેમાં ડિસ્કવરી રિસર્ચ માટેની વિકાસ સહાય સેવા પૂરી પાડવા સિનજીન (૧૯૯૪) અને ક્લિનિકલ ડેવલપમેન્ટ સર્વિસિસ માટે ક્લિનિજીન (૨૦૦૦)નો સમાવેશ થાય છે.[ref ૧][ref ૨]

તેઓ બાયોટેકનોલોજીને એક ક્ષેત્ર તરીકે વિકસાવવામાં રસ ધરાવે છે તેમજ કર્ણાટકના વિઝન ગ્રૂપ ઓન બાયોટેકનોલોજીના અધ્યક્ષ છે. ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગની સલાહકાર કાઉન્સિલના સભ્ય તરીકે તેમણે ભારતમાં બાયોટેકનોલોજી ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા ભારતની સરકાર, ઉદ્યોગો અને શિક્ષણવિદોને એક મંચ પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ ક્ષેત્રમાં તેમની સંશોધન કામગીરીથી તેમને ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મશ્રી (૧૯૮૯) અને પદ્મભૂષણ (૨૦૦૫) સહિતના કેટલાંક એવોર્ડ મળ્યા છે. કોર્પોરેટ વિશ્વમાં ખૂબ આદરણીય સ્થાન ધરાવે છે અને બાયોટેકનોલોજીમાં તેમની ચીલો ચાતરતી કામગીરીથી ભારતના આ ઉદ્યોગ અને બાયોકોન બંનેને વૈશ્વિક ખ્યાતી મળી છે. ટાઇમ મેગેઝિને તાજેતરમાં વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી ૧૦૦ (સો) વ્યક્તિઓની યાદીમાં તેમને સ્થાન આપ્યું હતું. તેમણે ફોર્બ્સની વિશ્વની સૌથી પ્રભાવશાળી ૧૦૦ (સો) મહિલાઓ અને ફાઇનાન્સિયલ ટાઇમ્સની ટોચની ૫૦ (પચાસ) બિઝનેસ મહિલાઓનીની યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે.[ref ૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

બેંગ્લોરમાં જન્મેલા કિરણ મઝુમદાર-શોએ શહેરની બિશપ કોટન ગર્લ્સ હાઇ સ્કૂલ (1968)માં સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. તેઓ મેડિકલ સ્કૂલમાં જોડાવા માગતા હતા, પરંતુ તેની જગ્યાએ તેમણે જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને બેંગ્લોર યુનિવર્સિટીમાંથી (1973માં) બીએસસી (BSc) ઝૂઓલોજી ઓનર્સ કોર્સ કર્યો હતો. તેમણે પછીથી મેલબોર્ન યુનિવર્સિટી (1975)ની બોલરેટ કોલેજમાંથી માલ્ટીંગ એન્ડ બ્રુઇંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી.[ref ૨]

તેમણે મેલબોર્નની કાર્લટન એન્ડ યુનાઇટેડ બ્રુઅરિઝમાં ટ્રેની બ્રુઅર અને ઓસ્ટ્રેલિયાની બેરેટ બ્રધર્સ એન્ડ બર્સ્ટનમાં ટ્રેની માલ્સ્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે કલકત્તાની જ્યુપિટર બ્રુઅરિઝમાં ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે થોડો સમય કામ કર્યું હતું તેમજ 1975થી 1977 દરમિયાન વડોદરાની સ્ટાન્ડર્ડ માલ્ટિંગ કોર્પોરેશનમાં ટેકનિકલ મેનેજર તરીકે કામગીરી બજાવી હતી.[ref ૨]

બાયોકોન[ફેરફાર કરો]

તેઓ 1978માં કોર્ક આયર્લેન્ડની બાયોકોન બાયોકેમિકલ્સ લિમિટેડમાં ટ્રેની મેનેજર તરીકે જોડાયા હતા. આ જ વર્ષે તેમણે નાની પ્રારંભિક મૂડી સાથે બેંગ્લોરમાં તેમના ભાડાના મકાનના ગરાજમાં બાયોકોનની શરૂઆત કરી હતી, પ્રારંભિક મૂડી રૂ. 10,000ની હતી.

શરૂઆતમાં યુવા વય, જાતિ અને નવા બિઝનેસ મોડલ માટે વિશ્વસનિયતાના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. બેન્કો ધિરાણ આપવા માગતી ન હોવાથી માત્ર ભંડોળની સમસ્યા ન હતી, પરંતુ તેમના નવા સાહસમાં લોકોની ભરતી કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મક્કમ અભિગમ સાથે તેમણે આ પડકારો પર વિજય મેળવ્યો હતો, પરંતુ તેમણે માળખાગત સુવિધાના અભાવની સમસ્યાનો સામનો કરતા દેશમાં બાયોટેક બિઝનેસનું સર્જન કરવાના પ્રયાસ સંબંધિત ટેકનોલોજિક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. તે સમયે ભારતમાં અવિરત વીજ પૂરવઠો, સારી ગુણવત્તાનું પાણી, સ્ટરાઇલ લેબોરેટરીઝ, આયાતી રિસર્ચ ઇક્વિપમેન્ટ અને આધુનિક વૈજ્ઞાનિક કૌશલ્ય સરળતાથી ઉપલબ્ધ ન હતા. પરંતુ કદી સરળતાથી હાર ન માનવાનો અભિગમ ધરાવતા મઝુમદારે આ પડકારો સામે બાથ ભીડી હતી અને બાયોકોનને નવી ઊંચાઈએ લઈ જવા આ મર્યાદિત સ્થિતિમાં કામ કર્યું હતું.[ref ૨]

તેમણે જણાવ્યું હતું કે ‘‘સફળતા મેળવવા માટે હેતુની સમજણ અને પડકારની ભાવના સાથે દૃષ્ટિને આગળ ધપાવવું પડે છે. સફળતાનો કોઈ ટૂંકો માર્ગ નથી અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. હું માનું છું કે સફળતા એટલે જરા હટકે અભિગમ સાથે કંઇ કરવું- અલગ તરી આવવાનું સાહસ કરવું, જેથી તમે બીજાથી અલગ બની શકો. બાયોકોનનું સૂત્ર છેઃ ‘ભિન્નતા આપણા ડીએનએમાં (DNA) છે’ અને અમે તમામ તેમાં માનીએ છીએ. અમે બીજી કંપનીઓનું અનુકરણ કરતા નથી, પરંતુ અમારી બિઝનેસ નિયતી અમે જાતે ઘડી કાઢી છે.’’ [ref ૨]

બાયોકોનને વિકાસ અને સંશોધનના માર્ગે લઈ જવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સ્થાપનના એક વર્ષમાં બાયોકોન ઉત્સેચકોનું ઉત્પાદન કરનાર તેમજ તેનું અમેરિકા અને યુરોપમાં નિકાસ કરનાર ભારતની પ્રથમ કંપની બની હતી. 1989માં બાયોકોન પ્રોપરાઇટરી ટેકનોલોજી માટે અમેરિકાની નાણાકીય સહાય મેળવનારી ભારતની પ્રથમ કંપની બની હતી. 1990માં તેમણે પ્રોપટાઇરી સોલિડ સબસ્ટ્રેટ ફર્મેન્ટેશન ટેકનોલોજીના આધારે બાયોકોનના ઇન-હાઉસ સંશોધન કાર્યક્રમને અપગ્રેડ કર્યો હતો. આ પ્રોગ્રામની વેપારી સફળતાથી 1996માં ત્રિસ્તરીય વિસ્તરણ થયું હતું અને બાયોકોન બાયોફાર્માસ્યુટિકલ્સ અને સ્ટેટિન્સ (લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ નીચી રાખતી દવા) ક્ષેત્રમાં પ્રવેશી હતી. 1997માં ઉત્પાદન સુવિધા મારફત માનવીય આરોગ્યસંભાળમાં નવી પહેલ હાથ ધરી હતી. [ref ૨]

યુનિલિવર 1998માં બાયોકોનમાં રહેલા તેનું શેરહોલ્ડિંગ ભારતીય પ્રમોટર્સને વેચવા સંમત થઈ હતી અને બાયોકોન સ્વતંત્ર કંપની બની હતી. બે વર્ષ પછી બાયોકોનની સોલિડ મેટ્રીક્સ ફર્મેન્ટેશન આધારિત પ્લાફ્રેકટરટીએમ (PlafractorTM) નામની બોયોરિએક્ટરને અમેરિકામાં પેટન્ટ મળ્યા હતા અને કિરણ મઝુમદાર-શોએ સ્પેશ્યલ્ટી ફાર્માસ્યુટિકલ્સનું ઉત્પાદન કરવા બાયોકોનનો પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક સબમર્જ ફર્મેન્ટેશન પ્લાન્ટ શરૂ કર્યો હતો. 2003માં પિચિયા એક્સપ્રેસ સિસ્ટમ આધારે હ્યુમન ઇન્શ્યુલિન વિકસિત કરનારી બાયોકોન વિશ્વની પ્રથમ કંપની બની હતી.[ref ૨]

આ જ વર્ષે તેમણે ક્યુબન સેન્ટર ઓફ મોલેક્યુલર ઇમ્યુનોલોજી સાથેના સંયુક્ત સાહસમાં બાયોથેરાપેટિક્સની પસંદગીની રેન્જનું ઉત્પાદન અને વેચાણ કરવા બાયોકોન બાયોફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી.

2004માં તેમણે બાયોકોનનો રિસર્ચ પ્રોગ્રામ આગળ ધપાવવા માટે મૂડીબજારમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. બાયોકોનનો આઇપીઓ (IPO) 32 ગણો ભરાયો હતો અને શેરબજારમાં લિસ્ટિંગના પ્રથમ દિવસે કંપનીનું બજારમૂલ્ય 1.11 અબજ ડોલર થયું હતું, તેનાથી લિસ્ટિંગના પ્રથમ દિવસે 1 અબજ ડોલરના બજારમૂડીકરણને પાર કરનારી બાયોકોન ભારતની બીજી કંપની બની હતી.[ref ૨]

તેમણે 2005 અને 2010ની વચ્ચે ફાર્માસ્યુટિકલ્સ અને બાયો-ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં ઊંચા મૂલ્યના 2,200થી વધુ આર એન્ડ ડી (R&D) લાઇસન્સિંગ અને બીજા સોદા કર્યા હતા તેમજ બીજા બિઝનેસની ખરીદી, ભાગીદારી અને ઇન-લાઇન્સિંગ સમજૂતીઓ મારફત ઊભરતા અને વિકસિત બજારોમાં વૈશ્વિક હાજરી સ્થાપિત કરવામાં બાયોકોનને મદદ કરી હતી. આરોગ્યવિષયક જરૂરિયાતો માત્ર સસ્તા સંશોધનથી પૂરી કરી શકાય છે તેવી તેમની માન્યતા તેમની ફિલસુફીનું પ્રેરકબળ છે અને તેનાથી સસ્તી દવાનું ઉત્પાદન અને વેચાણ કરવામા મદદ મળી છે.

2007-08માં અમેરિકાના અગ્રણી વેપાર મેગેઝિન મેડ એડ ન્યૂઝે વિશ્વની અગ્રણી બાયોટેકનોલોજી કંપનીઓમાં બાયોકોનને 20મું સ્થાન આપ્યું હતું અને વિશ્વની 7માં ક્રમની સૌથી વધુ બાયોટેક નોકરીદાતા કંપની તરીકે ઓળખાવી હતી. બાયોકોનને શ્રેષ્ઠ લિસ્ટેડ કંપની તરીકે 2009માં બાયોસિંગાપોર એશિયા પેસિફિક બાયોટેકનોલોજી એવોર્ડ મળ્યો હતો.[ref ૨]

તેમના નેતૃત્વને કારણે હાલમાં બાયોકોન ઉત્પાદન અને માર્કેટિંગ પ્રવૃત્તિમાં અત્યાધુનિક ક્ષમતાઓ, વૈશ્વિક વિશ્વસનિયતા અને વૈશ્વિક વ્યાપ તૈયાર કરી રહી છે. બાયકોન એશિયાની સૌથી મોટી ઇન્સ્યુલિન અને સ્ટેટિન સુવિધાઓ તેમજ પર્ફ્યુસન આધારિત સૌથી મોટી એન્ટીબોડી ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.

માનવતાવાદી પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

2004માં તેમણે સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના લાભ માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રોગ્રામ ચાલુ કરવા બાયોકોન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશનના માઇક્રો-હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ 70,000 ગ્રામીણ સભ્યોને આવરી લેવામાં આવ્યા છે.[ref ૨]

ફાઉન્ડેશનના 7 એરી (ARY) ક્લિનિક્સ એવા સ્થળો પર આવેલા છે, કે જ્યાં આરોગ્યસંભાળ સુવિધા નબળી છે અને આ ક્લિનિક ગરીબ લોકોને ક્લિનિકલ સારવાર, જેનેરિક દવા અને પાયાની તબીબી કસોટી પુરી પાડે છે. દરેક ક્લિનિક 10 કિમીના ઘેરાવામાં રહેલા 50,000 લોકોની વસતીને આ સેવા પૂરી પાડે છે.[ref ૨] તમામ ક્લિનિક નેટવર્ક હોસ્પિટલમાંથી ફિઝિશિયન અને ડોક્ટર લાવીને દૂરના ગામડામાં નિયમિત અંતરે સામાન્ય આરોગ્ય તપાસ કાર્યક્રમોનું આયોજન કરે છે. દર વર્ષે ફાઉન્ડેશન તેના આ આરોગ્યસંભાળ અભિગમ મારફતે 300,000 વધુ લોકોને સેવા પૂરી પાડે છે.

ફાઉન્ડેશન મોબાઇલ મેડિકલ સર્વિસ પણ પૂરી પાડે છે તેમજ રોગ અટકાવવાના આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ અને મફત આરોગ્ય-સંભાળ શિબિરનું આયોજન કરે છે.

તેમણે 2007માં નારાયણ હૃદયાલયના ડો. દેવી શેટ્ટી સાથે બેંગલોરના ભૂમ્મસાન્ડ્રા ખાતે નારાયણ હેલ્થ સિટી કેમ્પસમાં 1,400 પથારીના કેન્સર કેર સેન્ટરની સ્થાપના કરવામાં મદદ કરી હતી. મઝુમદાર શો કેન્સર સેન્ટર (એમએસસીસી (MSCC)) તરીકે ઓળખાતું આ સેન્ટર તેના પ્રકારની પાંચ લાખ ચોરસફીટ વિસ્તારમાં પથરાયેલી સૌથી મોટી કેન્સર હોસ્પિટલમાં સ્થાન ધરાવે છે. તે મગજ અને ગળાના કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે.

અન્ય ભૂમિકાઓ[ફેરફાર કરો]

કિરણ મઝુમદાર-શો ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશનની ગર્વનિંગ બોડી અને જનરલ બોડીના સભ્ય છે. તેઓ સોસાયટી ફોર ધ ફોર્મેશન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ બાયોલોજી અને રિજનરેટિવ મેડિસિનના સ્થાપક સભ્ય છે. તેઓ વાણિજ્ય અને વેપાર મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના બોર્ડ ઓફ ટ્રેડના પણ સભ્ય છે.

તેઓ ભારત સરકારની નેશનલ ઇનોવેશન કાઉન્સિલના તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરના બોર્ડ ઓફ ગવર્નર્સના પણ સભ્ય છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયની સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ કાઉન્સિલ (એસઇઆરસી (SERC))ના અને બીઆઇઓ (BIO) વેન્ચર્સ ફોર ગ્લોબલ હેલ્થના બોર્ડના સભ્ય છે તેમજ કર્ણાટકમાં આઇરિશ દૂતાલયમાં માનદ કોન્સ્યુલ છે.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમણે સ્કોટલેન્ડના વતની અને ભારતપ્રેમી જોહન શો સાથે લગ્ન કર્યા હતા. જોહન શો 1991-1998 સુધી મદુરા કોટ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. હાલમાં જોહન શો બાયોકોન લિમિટેડના વાઇસ-ચેરમેન છે.

કિરણ મઝુમદાર-શો કલાના કદરદાન છે અને તેમની પાસે પેઇન્ટીંગ અને બીજી કલાકૃતિનો મોટો ખજાનો છે. તેઓ કોફી ટેબલ બુક એલી એન્ડ આર્ટીઃ ધ સ્ટોરી ઓફ બીયરના લેખક છે.

સામાજિક કાર્યકર તરીકે તેઓ બેંગ્લોર એજન્ડા ટાસ્ટ ફોર્સ (બીએટીએફ (BATF)) જેવા બેંગ્લોર શહેરમાં સુધારા કરતા વિવિધ કાર્યક્રમોમાં જોડાયેલા છે.

પુરસ્કારો[ફેરફાર કરો]

કિરણ મઝુમદાર-શોએ ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યા છે, જેમાં પ્રાદેશિક વૃદ્ધિ માટે નિકી એશિયા પ્રાઇઝ (2009), ગતિશિલ ઉદ્યોગસાહસિકતા માટે એક્સપ્રેસ ફાર્માસ્યુટિકલ લીડરશિપ સમીટ એવોર્ડ (2009), ઇકોનોમિક ટાઇમ્સ ‘બિઝનેસવુમેન ઓફ ધ યર’ (2004), ‘વોવે ક્લિકક્વોટ ઇનિશિયેટિવ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોર એશિયા,’ એર્ન્સ્ટ એન્ડ યંગનો લાઇફ સાયન્સિસ એન્ડ હેલ્થકેર માટે આંત્રેપિન્યોર ઓફ ધ યર એવોર્ડ (2002), વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ‘ટેકનોલોજી પાયોનિયર’ એવોર્ડ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.[ref ૨]

તેમને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ (2002), ઇન્ડિયન બિઝનેસ લીડરશિપ એવોર્ડ કમિટી, સીએનબીસી-ટીવી18 (CNBC-TV18) (2006) તરફથી ‘બિઝનેસ વુમેન ઓફ ધ યર’ એવોર્ડ, ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ડાયમંડ જ્યુબિલી એન્ડોવમેન્ટ ટ્રસ્ટનો ‘એમિનેન્ટ બિઝનેસપર્સન ઓફ ધ યર એવોર્ડ’ (2006) અને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ‘કોર્પોરેટ લીડરશિપ એવોર્ડ’ પણ મળ્યા છે.[ref ૨]

બાયોટેકનોલોજીમાં યોગદાન બદલ તેમની માતૃસંસ્થા બેલારેટ યુનિવર્સિટીએ 2004માં વિજ્ઞાનમાં માનદ્ ડોક્ટરેટની પદવી આપી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ એબરટે, ડુન્ડી, બ્રિટનએ (2007), યુનિવર્સિટી ઓફ ગ્લેસગો, યુકે (UK) (2008) અને હેરિયોટ-વાટ યુનિવર્સિટી, એડિનબરો, યુકે (UK) (2008) દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

નોંધો[ફેરફાર કરો]

  1. બાયોકોન વાર્ષિક અહેવાલ, 2010 (http://www.biocon.com/docs/AR10-BIOCON.pdf)
  2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ ૨.૧૧ ૨.૧૨ ૨.૧૩ બાયોકોન વેબસાઇટ (http://biocon.com/)

સંદર્ભો[ફેરફાર કરો]