કૃષ્ણસાગર તળાવ
કૃષ્ણસાગર તળાવ | |
---|---|
સ્થાન | બોટાદ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°10′30″N 71°39′47″E / 22.175°N 71.663°E |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
બેસિન દેશો | ભારત |
સપાટી વિસ્તાર | ૧૩૦ હેક્ટર |
રહેણાંક વિસ્તાર | બોટાદ |
કૃષ્ણસાગર તળાવ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના મુખ્યમથક બોટાદ શહેર નજીક આવેલ એક ઐતિહાસિક તળાવ છે. આ તળાવ બોટાદ શહેરની પશ્વિમ દિશામાં આશરે ૧૩૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે અને શહેરની અંદાજીત ૧.૧૩ લાખની વસતી માટે પીવાના પાણીનો સ્ત્રોત છે. આ તળાવ ૧.૦૬ મિલીયન ક્યુબિક મીટરની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહજી દ્વારા નિર્મિત આ તળાવમાં હાલમાં એટલે કે એપ્રિલ ૨૦૧૭ના સમયમાં નર્મદાના નીર પહોંચાડવાની સવલત શરૂ કરવામાં આવી છે.[૧]
ઈતિહાસ
[ફેરફાર કરો]ભારત દેશની આઝાદી પહેલાંના ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બોટાદ વિસ્તારમાં અપૂરતા વરસાદ અને વારંવારના દુષ્કાળના કારણે ઉભી થતી પીવાના પાણીની વિકટ સમસ્યાના નિવારણ માટે બોટાદ શહેરના ઉપરવાસમાં ઈ.સ. ૧૯૩૮ના વર્ષમાં મોટા તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ તળાવ એ જ કૃષ્ણસાગર તળાવ. આ તળાવમાંથી બોટાદ શહેર માટે ઈ.સ. ૧૯૮૫ સુધી પીવાનું પાણી મેળવવામાં આવતું હતુ. ત્યારબાદ સુખભાદર યોજનાના નિર્માણ બાદ ૧૯૮૫ના વર્ષ પછી બોટાદ શહેર માટે સુખભાદર સિંચાઈ યોજના ખાતેથી અને કૃષ્ણ સાગર તળાવના પાણીનો પણ પીવાના પાણી પુરવઠા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ મહી પરીએજ યોજના ખાતેથી પણ બોટાદ શહેર માટે પાણી પુરવઠો મેળવવામાં આવતો હતો.
આ તળાવના નિર્માણના એક વર્ષ બાદ ઈ.સ. ૧૯૩૯ના વર્ષમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કૃષ્ણ સાગર તળાવ ભરાઈ જવાથી અને પાણીનો સતત વેગ વધતાં તળાવની પાળની માટીમાં સાંજના સમયે ગાબડું પડયું હતું અને રાત્રે ૮ વાગતા સુધીમાં મસ્તરામજી મહારાજની જગ્યા, ભરવાડ વાડો, નાગલપર દરવાજા વગેરે જેવા નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો ઘરવખરી છોડીને સલામત જ્ગ્યાએ ખસી ગયા હતા. તંત્ર તેમ જ લોકોની સમયસરની જાગૃતિના કારણે તે વખતે કોઈપણ જાનહાની ન થઈ હતી.
આ તળાવમાં નર્મદાના નીર લાવવાની સવલત માટે ઈ. સ. ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યનું ખાતમૂર્હુત કર્યું હતું. આ કાર્ય પૂર્ણ થતાં તા. ૧૭મી એપ્રિલ, ૨૦૧૭ના દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ અબતક મિડિયા. "બોટાદનું કૃષ્ણસાગર તળાવ નર્મદા નીરથી છલકાશે". મેળવેલ ૨૦૧૭-૦૬-૨૦.
- ↑ અકિલા ન્યૂઝ. "રાજવી કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલ બોટાદનું કૃષ્ણસાગર તળાવ નર્મદાના નીરથી છલકાશે". મૂળ માંથી 2017-04-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૬-૨૦.