કેદારેશ્વર મંદિર બારડોલી
શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર બારડોલી ધુલે માર્ગ (રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬) પર બારડોલીથી આશરે ચાર કિ.મી. દૂર આવેલું છે. તેની ઉત્તર બાજુ બારેમાસ વહેતી મીંઢોળા નદી આવેલી છે. બારડોલી અને તેની આજુબાજુમાં વસતા ભક્તો પ્રેમથી કેદારેશ્વર મહાદેવને કેદારદાદા બોલાવે છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]આ શિવાલયની સ્થાપના ઈ.સ. ૫૦૦થી ઈ.સ. ૬૦૦ની વચ્ચે થયેલી એમ માનવામાં આવે છે. પ્રસિદ્ધ ચીની પદયાત્રી હ્યુંએનસંગ ઈ.સ. ૬૨૯થી ઈ.સ. ૬૪૪ દરમ્યાન તેની પ્રસિદ્ધ ભારત યાત્રા પર આવ્યા. આ યાત્રા દરમ્યાન તેમણે આ શિવાલયની મુલાકાત લીધી છે અને તેની ભવ્યતાનું વર્ણન કર્યું છે[સંદર્ભ આપો]. આમ આ મંદિર ખૂબજ પૌરાણિક અને તે સમયે ભવ્ય અને જાહોજલાલીવાળું હોવાની હકીકત માલુમ પડી છે. આ શિવાલયનું નિર્માણ એકથી વધુ વાર થયેલ છે. હાલમાં પુન:નિર્માણ માટે તોડવામાં આવેલું મંદિર ૧૦૦ વર્ષથી પણ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે.
લોકવાયકાઓ
[ફેરફાર કરો]એક પ્રસિદ્ધ લોકવાયકા મુજબ આ શિવલિંગનું પ્રાગટ્ય રહસ્યમય રીતે થયું છે. તેમુજબ હાલની આ જગ્યા ત્યારે જંગલના છેવાડાની જગ્યા હતી જ્યાં રહેલા ગોચરોમાં પશુઓને નિયમિત ચરવા લાવવામાં આવતા. તે સમયે કોઈ એક ગાય રોજ એક જગ્યાએ ઊભી રહી પોતાના દુધની સેર છોડતી હતી. આથી ઘરે ગાયનું દૂધ ઓછું નીકળતું આ અંગે તપાસ કરતા ઉપરોક્ત હકીકત સામે આવી. બીજી બાજુ શ્રી.શિવે સ્વપ્નમાં તે ગાયના માલિકને ત્યાં ખાનન કરીને આ શિવલિંગને બહાર કાઢવા પ્રેરણા આપી. આથી અહી આ શિવાલયનું સ્થાપન થયું. વખત જતા આ શિવાલય ઉત્કર્ષ પામી ભવ્યતમ બન્યું.
આ શિવાલયમાં એકથી વધુ રાતા રંગના ચરુ કે ઘડા આકારના પથ્થર હતા, જેને ભાવિક ભક્તો ઉચકવાની કોશિશ કરે છે અને કહેવાય છેકે, જેના પર કેદારદાદા પ્રસન્ન થાય તે ભક્તથી આ ચરૂ ઉચકી શકાય છે અને તે પથ્થરઆકૃતિ કેદારધામમાંથી અદ્રશ્ય થાય છે અને ભક્તને સુખ-સંપતિ પ્રાપ્ત થાય છે. હવે આમાંનો એક જ ચરૂ બાકી રહેલ છે.
ભારતના રાજકીય ઈતિહાસમાં સ્થાન
[ફેરફાર કરો]ઈ.સ. ૧૬૬૩-૬૪ માં છત્રપતિ શિવાજીએ મોગલ સમયના સુરત પર ચઢાઈ કરી ત્યારે તેઓએ આ શિવાલયની મુલાકાત કરી તેના આશીર્વાદ લીધા તેમજ મંદિરના શિખરે સ્વયં ભગવી ધજા ચઢાવી હતી એવું કહેવાય છે.
રાષ્ટ્રીય દ્રષ્ટીએ જોવા જઈએતો મહાત્મા ગાંધીજીના દેહવિલય બાદ એમના અસ્થિને દેશના પવિત્ર સ્થળોએ વિસર્જન કરવા આપ્યા. તેમાનો એક અસ્થીકુંભ બારડોલીને મળ્યો હતો. આ અસ્થીકુંભને સ્વરાજ આશ્રમમાં રાખ્યો હતો ત્યાંથી સેકડો લોકોએ ભજન કરતા આ પવિત્ર તામ્રકુંભને શ્રી. કેદારેશ્વર મંદિર લાવી તેની નજીક રહેલી મીઢોળા નદીમાં સ્વતંત્રસેનાની અને બારડોલીના નિસ્પૃહી લોકસેવક ડો. કપિલરામ વ્યાસે તેનું જાતે વિસર્જન કર્યું હતું.
જીણોધ્ધાર
[ફેરફાર કરો]આ શિવાલયનો જીણોધ્ધાર એક થી વધુ વાર થયો છે.
હાલમાં આ મંદિરનો વહીવટ શ્રી. કેદારેશ્વર મહાદેવ અને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ કરે છે. હાલનું આધુનિક શિવાલયનું નવનિર્માણ ઈ.સ.૨૦૦૦ ના મે-જૂન માસમાં શરૂ કરાયું હતું. આ નવીન શિવાલયને નવું રૂપ આપવાનું કાર્ય વઢવાણના વાસ્તુકાર શ્રી. પ્રવીણભાઈ સોમપુરાને સોપાયું. આ શિવાલય અને તેની આસપાસમાં રહેલા મંદિરોના નિર્માણમાં બંસીપાલપુર નામના પથ્થરનો ઉપયોગ થયો છે. આ બાંધકામમાં લોખંડનો ઉપયોગ થયો નથી. મંદિર કુલ ૨૨ સ્તંભોથી બનેલ છે. મંદિરના પથ્થરોને જોડવા માટે સિમેન્ટ અને પથ્થરના ભૂકાનો ઉપયોગ થયો છે. પથ્થર પર કારીગરોએ પોતાના હાથથી કોતરણી કરેલ છે. જમીન થી મંદિર પરના કળશની ઉચાઇ આશરે ૮૫ ફૂટ છે. મંદિર ના મુખ્ય ગુંબજ (નંદીજી ની ઉપર રહેલા) ની ઉંચાઈ આશરે ૫૦ ફૂટ છે. આ પરિસરમાં શિવાલય ઉપરાંત શ્રી. લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી. બળિયા દેવનું મંદિર, શ્રી. હનુમાન મંદિર અને શ્રી. સાઈબાબાના મંદિરનું નિર્માણ થયું છે. આ ઉપરાંત શિવાલયની ઉત્તર દિશામાં રહેલી સ્મશાનભૂમિનું નવીનીકરણ તથા મંદિરની દક્ષિણ બાજુએ જશુબા સંસ્કૃતિકભવનનું નિર્માણ કર્યું છે. આ બધા નિર્માણમાં આશરે ૧૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ શિવાલયનું નિર્માણ સમાપન ઈ.સ. ૨૦૧૦ના ડીસેમ્બરમાં થયું.
શિવાલયની રચના
[ફેરફાર કરો]શિવાલયના પ્રવેશદ્વાર બાદ પગ પક્ષાલન માટે હોજ ની રચના કરેલી છે જેમાં રહેલું પાણી બદલાતું રહે છે. ત્યારબાદ શ્રી.નંદી અને શ્રી.કાચબા ના દર્શન થાય છે. શિવાલયના પ્રવેશ બાદ તેના ગુમ્બજો વિશેષ ધ્યાન આકર્ષિત કરે છે. શિવાલયના ગર્ભમાં શ્રી. શિવપંચાયતન તથા પ્રાચીન સમયથી સ્વયંભુ પ્રગટ શિવનું સ્વરૂપ શિવા રૂપે છે. તે ઉપર ભવ્ય ચાંદીનો મોટો નાગ, આરસનું થાળું અને છત્ર છે તથા જલધારામાટે કમાનની રચના છે. મુખ્ય મંદિરની જમણી બાજુ શ્રી.લક્ષ્મીનારાયણજીનું મંદિર તથા ડાબીબાજુ શ્રી.સાઈ મંદિર રહેલું છે. મુખ્ય મંદિર ની ઉત્તર બાજુએ વિઘ્ન નિવારણ સ્વરૂપ શ્રી. હનુમાનજીની ધોકાવાળી મૂર્તિ પુરાણકાળથી સ્થપાયેલ છે. તે ઉપરાંત શ્રી. બળિયા દેવનું મંદિર તથા શ્રી. શીતળામાતાની મૂર્તિની સ્થાપના કરેલ છે. મંદિરના પાછળના ભાગમાં રહેલી જગ્યાને યજ્ઞ, મુંડન, કથા, પ્રવચન વિ. જેવા પવિત્ર કાર્યો માટે તૈયાર કરેલ છે.
આધ્યાત્મિક પ્રવૃતિઓ
[ફેરફાર કરો]આ શિવાલયમાં લઘુરુદ્ર, મહારુદ્ર, શિવ આરાધના, યજ્ઞ, ભજન-કીર્તન, મુંડનવિધિ જેવા પવિત્ર કાર્યો માટે વિશાળ જગ્યા ફાળવેલ છે. જ્યાં ભક્તજનો વાર તહેવારે ઇષ્ટદેવ કેદારદાદાની આરાધના કરે છે. દરવર્ષે મહાશિવરાત્રિના તહેવારે અહી અશેષ મહાપૂજા થાય છે અને ઘીના કમળ અર્પણ થાય છે. દરવર્ષે ચૈત્ર માસની પૂનમે અહી મોટો મેળો ભરાય છે. પરિસરમાં છેલ્લા ૧૬૫ વર્ષો ઉપરાંતથી અખંડ શિવનામ સ્મરણ સપ્તાહ દરવર્ષની ગોકુલઅષ્ઠમી (શ્રાવણ વદ આઠમ) થી શ્રાવણ વદ અમાસ સુધી ઉજવવામાં આવે છે. આ સપ્તાહનું સંચાલન બારડોલી ઔદીચ્ય બ્રાહ્મણ શિવ સપ્તાહ મંડળ કરે છે.
સામાજિક પ્રવૃતિઓ
[ફેરફાર કરો]મુખ્યમંદિરની દક્ષિણ બાજુ રહેલા જશુબા સંસ્કૃતિક ભવન આવેલું છે. જે પોતાની વિશાળતા અને વ્યવસ્થાને લીધે લગ્ન, સમાજ સંમેલનો, સમૂહ લગ્નો વિ. જેવા સામાજિક/શુભ કાર્યોનું આયોજન માટે ભાડાથી મળે છે.