ખાજા

વિકિપીડિયામાંથી
ખાજા
બંગાળી ખાજા

ખાજા એ મેંદો, સાકર(ખાંડ), અને અન્ય ખાધ્ય તેલ વાપરીને બનાવવામાં આવતી એક મિઠાઈ છે. આને સમગ્ર ભારત વર્ષમાં બનાવાય અને ખવાય છે. વિવિધ ક્ષેત્રોમાં આને વિવિધ નામે ઓળખાય છે.

પુરીના જગ્ગનાથ પ્રભુની આ અતિપ્રિય મિઠાઈ છે. કહે છે પ્રભુ જગ્ગનાથ સ્વયં એક માણસના સ્વપ્નમાં આવ્યાં અને ખાજા કેમ બનાવવા તે સમજાવ્યું. બીજા દિવસે તેણે આવા ખાજા તૈયાર કરીને પ્રભુને ધર્યાં અને પ્રભુએ તે સ્વીકારી લીધા.

ખાજાઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ રાજ્યની લોકપ્રિય મિઠાઈ છે.

એમ માનવામાં આવે છે કે ૨૦૦૦ વર્ષો પહેલાં પણ, ગંગાની દક્ષિણ તરફના મેદાન પ્રદેશમાં ઉત્તર પ્રદેશ, બિહારથી ઉડિસા (ઓરિસ્સા) સુધી ખાજા બનતા હતાં. ખાજાની જન્મભૂમિ એવો આ પ્રદેશ, એક સમયે મૌર્ય અને ગુપ્ત શાસકોનો કેન્દ્ર વર્તી રાજ્ય પ્રદેશ હતો.

હાલમાં, ખાજા ઉનાઓ, પટના, ગયા, બહરામપુર અને પશ્ચિમ બંગાળ અને બિહારના અન્ય શહેરોમાં બનાવીને વેચાય છે પણ સિલાવ (નાલંદા) અને રાજગૃહીના ખાજા અન્ય શહેરોના ખાજા કરતા વધુ સારા હોય છે. તે મોં માં નાખતાજ ઓગળી જાય તેવા નરમ અને મધુર હોય છે.

બિહારથી પ્રચલિત થઈ ખાજા ભારતના આંધ્ર પ્રદેશ અહિત અન્ય પ્રદેશોમાં વિસ્તર્યાં. કિનારપટ્ટીના કાકીનાડા ક્ષેત્રના ખાજા બહુ વખણાય છે. તાપેશ્વરમના ખાજા પણ પ્રચલિત છે.

સૌ પ્રથમ, ઘૌંનો લોટ (મેંદો, માવો અને તેલને મદદથી કણક બનાવવામાં આવે છે. તે કડક બને ત્યા સુધી તેને તળવામાં આવે છે. પછી "પાક" તરીકે ઓળખાતી સાકરની ચાસણીમાં તેને બોળવામાં આવે છે. આ કરકરા ગોળા જ્યાંસુધી ચાસની પીને મીઠા ન બને ત્યાં સુધી તેને પલાળી રાખવામાં આવે છે. કાકીનાડાના ખાજાની એ જ વિશેષતા છે કે તે બહારથી સુકા હોય છે પણ અંદરથી એકદમ રસાળ હોય છે. મોંમાં મુકતાં જ તે એકદમ ઓગળી જાય છે.

દક્ષિણ ભારતમાં આ પ્રકારની જ એક વાનગી બને છે જેને બાદુસાહી કે પાદુસાહી કહે છે. આજ માવાની અંદર સૂકામેવાનો સાંજો ભરીને ઘૂઘરાના આકારની ચંદ્રકલા (અર્ધ ગોળ) કે સૂર્ય કલા (પૂર્ણ ગોળ) વાનગી બને છે.