ગળધરા

વિકિપીડિયામાંથી
ગળધરા
—  ગામ  —
ગળધરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°19′34″N 71°01′38″E / 21.326111°N 71.027222°E / 21.326111; 71.027222
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો ધારી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ખોડિયાર માતાજીના ધામ તરીકે પ્રસિધ્ધ ગળધરા ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મુખ્ય મથક ધારીથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે આવેલું છે. આ ગામમાં શેત્રુંજી નદીના કાંઠે ખુબ જ પ્રભાવશાળી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે[૧]. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર બંધ તરીકે ઓળખાય છે. આ બંધનું પાણી આજુબાજુના ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

જુનાગઢના રાજા રા'નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશિર્વાથી જ રા'નવઘણનો જન્મ થયો હતો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોએ કુળદેવી તરીકે પુજવાનું શરૂ કર્યુ હતું. રા'નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે જયારે રા'નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વ્હારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે.

અહીં પહોંચવા માટે ધારીથી પાકા સડક માર્ગ દ્વારા એસ.ટી. બસ અથવા ખાનગી વાહન દ્વારા જઇ શકાય છે. જેનો રસ્તો ખોડિયાર બંધના બાંધકામ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવાલાયક હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-26.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]