ચુંબકીય ટેકરીઓ

વિકિપીડિયામાંથી
ભારતમાં લેહ નજીક આવેલી ચુંબકીય ટેકરી
લેહની ચુંબકીય ટેકરી પાસેનું બોર્ડ
ચુંબકીય ટેકરીઓ, મોન્કટન, કેનેડા

ચુંબકીય ટેકરીઓ વિશ્વમાં અલગ અલગ વિસ્તારોમાં, જુદા જુદા દેશોમાં ૩૦ કરતાં પણ વધારે જગ્યાઓએ આવેલી છે. આ એવી ટેકરીઓ છે કે જેની ટોચ કોઈ મોટું ચુંબક હોય તેમ લાગે છે. અહીં વાહનો નીચેથી ટોચ તરફ ખેંચાય છે, એમ લાગે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ઘટના માત્ર દૃષ્ટિભ્રમ છે, આ જમીનમાં તપાસ કરતાં કોઈ ચુંબકીય બળ હોય એવો અનુભવ થતો નથી. આ પ્રકારનાં સ્થળો ગ્રેવિટી હિલ, મેગ્નેટિક હિલ, મેજિક હિલ, મિસ્ટ્રી હિલ તરીકે જાણીતાં બન્યાં છે, તથા અહીં સહેલાણીઓ આપમેળે નીચેથી ઉપર જતાં વાહનો જોવા જાય છે.

વિશ્વમાં આવેલાં આવી અચરજભરી લાક્ષણિકતા ધરાવતા સ્થળો પૈકી ભારત દેશમાં લડ્ડાખ વિસ્તારના લેહ ખાતે આવેલી ચુંબકીય ટેકરી જાણીતી છે. આ ટેકરી લેહ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર લેહથી ૫૦ કિલોમીટરના અંતરે આવેલી છે. આ સ્થળ સાગરસપાટીથી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવે છે તેમ જ સિંધુ નદીના કિનારે આવેલું છે.[૧][૨]

ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઓરોરો, બોવેન પર્વત અને વિક્ટોરિયા એમ ત્રણ સ્થળોએ, કેનેડામાં પાંચ સ્થળોએ, ચીનમાં એક, ઈટલીમાં ચાર અને કેલિફોર્નિયામાં પાંચ સ્થળોએ આવી ટેકરીઓ આવેલી છે. આ તમામ સ્થળોએ તેની લાક્ષણિકતા દર્શાવતાં બોર્ડ મુકવામાં આવેલાં છે.

સંદર્ભો[ફેરફાર કરો]