જોડકણાં

વિકિપીડિયામાંથી

જોડકણાંગુજરાતી ભાષાનું એક પ્રકારનું પદ્ય સાહિત્ય છે. આમાં કોઈ એક પરિસ્થિતિને અનુલક્ષીને કે ત્યાં ઉપસ્થિત સજીવ કે નિર્જીવને અનુલક્ષીને બોલાતી એક, બે કે ચાર કડીઓ હોય છે. આમાં ખાસ કરીને નાનાં નાનાં બાળકોને રમાડવા માટે બોલાતી બે કે ચાર કે તેથી વધુ કડીઓની રચનાઓ, પરંપરાગત રીતે અત્યંત પ્રચલિત થયેલી જોવા મળે છે. આ જોડકણાંઓ પ્રદેશ પ્રમાણે થોડાં કે વધુ પ્રમાણમાં ભિન્ન સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારનું સાહિત્ય પરાપૂર્વથી મૌખિક રીતે સમાજમાં બોલાતું હોવા છતાં તેનું અત્યંત ઓછા પ્રમાણમાં અક્ષરાંકન થયેલું જોવા મળે છે.

જોડકણામાં વાપરવામાં આવતી કડીઓમાં કેટલીક વાર કડીના આગલા-પાછલા ભાગ વચ્ચે કે પહેલી-બીજી કડીઓ વચ્ચે કાંઈ જ સંબંધ ન હોય તેમ પણ જોવા મળે છે. જોડકણાંની કડીઓમાં સામાજિક પ્રસંગોનાં, ગામનું દૈનિક જીવનનાં, ઋતુઓનાં, જ્ઞાતિઓનાં, વાતાવરણમાંની કુદરતી વસ્તુઓનાં, પશુ-પંખીઓનાં, વૂક્ષોનાં, ફળોનાં, ઘરેણાંનાં, વિસ્તારોનાં, શહેરોનાં જેવી વિવિધ પ્રકારનાં નામો વપરાયેલાં જોવા મળે છે. બાળકો માટેનાં જોડકણાંઓમાં આખી વાર્તા આવતી હોય, ગાતાં ગાતાં રમત રમી શકાતી હોય એવાં પણ જોડકણાંઓ જોવા મળે છે. આ ઉપરાંત જોડકણાંમાં ઉખાણાં પણ હોય છે, જેનો જવાબ સાંભળનારાએ શોધી કાઢવાનો હોય છે.

ઉદાહરણ[ફેરફાર કરો]

૧.

આજ દિવાળી, કાલ દિવાળી,
ગામનાં છોકરાં ખાય સુંવાળી, મેઘ મેઘ રાજા.

૨.

સૂરજ બાપજી તડકો કરો, તમારાં છોકરાં ટાઢે મરે;
ટાઢે મરે તો તાપે, ઘી ને રોટલા કાપે.

૩.

બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા ને ત્રીજી ગાવડી.
ચાંદા ચાંદા ! ઘી ગોળ માંડા, ધીં કે દૂધડી માંખણ ફૂદડી,
ખાય મારો બેટડો હબૂક પોળી.

૪. ઉખાણું

અહીંથી નાખ્યો વાલોણીઓ, ને ઊગ્યો અમદાવાદ,
ફૂલફાલ માળવે ને શીંગ અમદાવાદ.

જવાબ : ચંદ્રમા.