નટવરલાલ સુરતી

વિકિપીડિયામાંથી
નટવરલાલ સુરતી
જન્મની વિગત૧૮૮૫
મૃત્યુ1958(1958-00-00) (ઉંમર 72–73)
ભરૂચ
વ્યવસાયભાવનગર રજવાડાના નાયબ દિવાન (૧૯૩૮-૧૯૪૮)
જીવનસાથીશાંતાબેન
સંતાનોચાર પુત્રો અને બે પુત્રીઓ
માતા-પિતાશિવગંગા-માણેકલાલ

નટવરલાલ સુરતી ભાવનગર રજવાડાના નાયબ દિવાન હતા. ગોહિલોના ભાવનગર રાજના ૧૭૨૩થી ૧૯૪૭ સુધીના સુવર્ણયુગના ઉત્તરાર્ધમાં તેનું ભારત ગણરાજ્યમાં વિલીનીકરણ કરવાની જવાબદારી છેલ્લા દિવાન અનંતરાય પટ્ટણી અને સાથી નાયબ દિવાન નટવરલાલ સુરતીની જોડીએ પૂરી કરી.

જીવન[ફેરફાર કરો]

મૂળ ભરુચવાસી પ્રતાપશાળી પિતા માણેકલાલે વર્ષો પહેલાં વતન છોડી કાઠિયાવાડના લીંબડી વગેરે દેશી રાજ્યોના કારભાર કરી રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષક તરીકે નોકરી સ્વિકારી હતી. રાજાઓ સાથે પરદેશની મુસાફરી કરવા માટે શાણી દશા મોઢ વાણિયાની નાતે માણેકલાલને નાત બહાર તો કર્યાં પણ વધુ વિચારે તે નાતના હિતમાં નથી એમ નક્કી કરીને પાછા અપનાવી લીધા. ત્યારે નાતિલાઓ કટાક્ષમાં તેમને માણેકલાલ સુરતીને બદલે માણેકલાલ “વિલાયતી” કહેતા.

રાજકુમાર કોલેજમાંથી નિવૃત્તિ લઈને માણેકલાલ ભરુચ આવીને વસ્યા. નાનપણથી તરવાનો શોખ હતો, તેમાં નર્મદા નદીના ચોમાસાના ઘોડાપુરમાં ઝંપલાવ્યુ પણ સામે તીરે નર્મદામૈયાએ પહોંચવા ના દીધા અને પોતાના ખોળામાં સમાવી લીધા.

નટવરલાલે મુંબઈ યુનીવર્સિટીમાં બી.એ. પાસ કરી વકીલ બનવા એલ.એલ.બી. કર્યું. ભાવનગર રાજ્યમાં ન્યાયાધીશ તરીકે શરુઆત કરી ચીફ જસ્ટીસ સુધી આગળ વધ્યા. તે બાદ રાજ્યે તેમને રેવેન્યુ કમિશ્નર તરીકે નિમ્યાં. ગામે ગામ ફરી તેમણે ખેડુતોએ શાહુકારો પાસેથી કરેલા દેવાના હિસાબ એકઠા કર્યાં. પ્રજાવત્સલ મહારાજા ભાવસિંહજીએ ખેડુતોનું ત્રણ કરોડ રુપિયાનું દેવું ભરપાઈ કરી દેવાનો આદેશ આપ્યો. વર્ષો સુધી ખેડુતો અને ગણોતિયાઓ રાજાની આ ભલમનસાઈ ભુલ્યાં નહોતાં.

પોતાનાં અંગત જીવનમાં નટવરલાલ પણ લોકોના “સુરતી સાહેબ” સાહિત્ય રસિક હતા અને સાહિત્યકારોને હર પ્રકારે મદદ કરવા તત્પર રહેતાં. ગુજરાતના ભૂતપૂર્વ ખબરપત્રી અને કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીને ૧૯૩૪માં અમેરિકા અભ્યાસ માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા તેમણે કરી આપી હતી. એટલું જ નહી પણ, પોતાનો એક મહિનાનો પગાર ભેટ આપ્યો હતો. ૧૯૪૮માં આ પરોકપારી કુશળ મહાનુભાવે નિવૃત્તિ લીધી અને વતન ભરુચમાં જઈ વસ્યા. ત્યાં પણ તેમણે સંસ્કૃત ભાષાનું શિક્ષણ, વિદ્યાર્થીઓને આર્થિક મદદ વગેરે પરોપકારી પ્રવૃત્તિઓ જીવન પર્યંત જારી રાખી.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ડો. કનક રાવળ – અસલ માહિતી માટે શ્રી શૈલેશ સુરતી અને પ્રો. સંદીપ પકવાસા, ૨૧ ઓક્ટોબર ૨૦૦૮