પ્રમોદકુમાર પટેલ

વિકિપીડિયામાંથી

પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ (૨૦-૯-૧૯૩૩ - ૨૪-૫-૧૯૯૬) : વિવેચક. જન્મ ખારા-અબ્રાહ્મા (જિ. વલસાડ)માં. વતન મોટી કરોડ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખારા-અબ્રાહ્મામાં. ૧૯૫૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯માં ‘ગુજરાતીમાં કાવ્યતત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દીવેટીયા અને મણિલાલ દ્વિવેદીના કાવ્યવિચારનું સમીક્ષાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન. તેમનું મૃત્યુ ૨૪ મેં ૧૯૯૬ના રોજ થયું.

સર્જન[ફેરફાર કરો]

‘રસસિદ્ધાંત-એક પરિચય’ (૧૯૮૦), ‘પન્નાલાલ પટેલ’ (૧૯૮૪) અને ‘ગુજરાતીમાં વિવેચન તત્વવિચાર’ (૧૯૮૫) એમના સળંગ પ્રકરણબદ્ધ ગ્રંથો છે. પહેલા ગ્રંથમાં ભારતીય કાવ્યશાસ્ત્રમાં એક મહત્વના સિદ્ધાંતનું તેની પરિભાષા તેમ જ પરંપરા સાથેનું નિરૂપણ છે; બીજા ગ્રંથમાં પન્નાલાલનું વ્યક્તિત્વ, તેમના પર પ્રભાવ પાડનારાં અને તેમનું ઘડતર કરનારાં પરિબળો, તેમની સર્જકતાનો વિકાસ, તેમના સમગ્ર સાહિત્યના ગુણદોષ, તેમની સર્જનપ્રક્રિયા, તેમનું સાહિત્ય-ઇતિહાસમાં સ્થાન અને પ્રદાન-એ મુદ્દાઓની છણાવટ છે; તો ત્રીજામાં ગુજરાતી વિવેચનસાહિત્યમાં આરંભકાળથી આધુનિક કાળ સુધીમાં થયેલી તાત્વિક પ્રશ્નવિચારણાનો આલેખ છે.

વિવેચનસંગ્રહો પૈકી ‘વિભાવના’ (૧૯૭૭)માં સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનની અદ્યતન વિભાવના અને વલણો તેમ જ ગુજરાતી વિવેચનની સામ્પ્રત સ્થિતિ વિશે વિમર્શ કરતા લેખો ઉપરાંત આપણે ત્યાં થયેલી કાવ્યતત્વવિચારણાનો સ્વાધ્યાય છે; ‘શબ્દલોક’ (૧૯૭૮)માં સિદ્ધાંતચર્ચા, આધુનિક ગુજરાતી કવિતા અને નવલિકા વિશેના અને એ નિમિત્તે એ સ્વરૂપોની બદલાયેલી વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો છે; ‘સંકેતવિસ્તાર’ (૧૯૮૦)માં કાવ્ય અને વિવેચનને લગતી તાત્ત્વિક ચર્ચા તથા જુદા જુદા સમયગાળાના વિભિન્ન દ્રષ્ટિબિંદુ ધરાવતા ગુજરાતી વિવેચકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે; ‘કથાવિવેચન પ્રતિ’ (૧૯૮૨)માં નવલકથા અને ટૂંકીવાર્તાની સ્વરૂપચર્ચા તથા મુનશી, ધૂમકેતુ, મડિયા, જયંત ખત્રીના સાહિત્યનું, ‘મળેલા જીવ’ અને ‘ઉપરવાસ’- ત્રયીનું તથા કેટલીક પ્રયોગશીલ વાર્તાઓનું કૃતિનિષ્ઠ વિવેચન છે; તો ‘અનુભાવન’ (૧૯૮૪)માં કલ્પન-પ્રતીકને લગતી તાત્ત્વિક વિચારણા, આધુનિક ગુજરાતી કવિતાની ભાષા, આકૃતિ, રચનાવિધાનની દ્રષ્ટિએ તપાસ તેમ જ કેટલાક મહત્વના કવિઓની જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી થયેલી વિવેચના છે.

‘પરિશેષ’ (૧૯૭૮), ‘ગદ્યસંચય’-૧ (૧૯૮૨), ‘શેષવિશેષ-૮૪’ (૧૯૮૬) વગેરે એમનાં સંપાદનો-સહસંપાદનો છે.

વિભાવના (૧૯૭૭) : પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખોનો સંગ્રહ. એમાં વિસ્તૃત આઠ અભ્યાસપૂર્ણ અને એક અનૂદિત એમ કુલ નવ લખાણો સમાવ્યાં છે. મુખ્યત્વે સિદ્ધાંતચર્ચાના આ લેખોમાં સાહિત્યશાસ્ત્ર અને સૌન્દર્યશાસ્ત્રના પાયાના પ્રશ્નોને સમજવાનો અને તપાસવાનો ગંભીર ઉપક્રમ છે. કોઈ આગ્રહ કે અભિનિવેશ વગરની આ વિવેચકની વિશ્લેષણમૂલક અને વિસ્તારમૂલક પદ્ધતિ નોંધપાત્ર છે. ‘સુરેશ જોશીની કળાવિચારણા’ આ ગ્રંથનો મહત્વનો લેખ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]