ભગવદ્ગોમંડલ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભગવદ્ગોમંડળની રચના ૨૪ ઓક્ટોબર ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી. તેમણે છવ્વીસ વર્ષના અથાગ સંશોધનને અંતે ગુજરાતી ભાષા અને ગુજરાતને ગૌરવ આપતો ગ્રંથ "ભગવદ્ગોમંડલ" રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ભગવદ્ગોમંડલ શબ્દની સંધી છૂટી પાડતા, 'ભગવત્' અને 'ગોમંડલ' એમ બે શબ્દો મળે છે. માટે આ શબ્દની વ્યુત્પત્તિ વિષે અનેક તર્ક છે, જેને આધારે તેનો અર્થ કંઇક આ રીતે કરી શકાય: 'ભગવત્' એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે 'ગોમંડલ' એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.[૧]

સંશોધન[ફેરફાર કરો]

સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, સામયિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આ પૈકિ જે શબ્દોમાં તેમને સચ્ચાઈ જણાઈ તેનો તેમણે કોશમાં સમાવેશ કર્યો. તેમનો આગ્રહ હતો કે ગુજરાતી લોકોની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ તેમાં હોય. શબ્દોના અર્થની સાથે સાથે, તેની વ્યુત્પત્તિ અને જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા.

તવારિખ અને તથ્યો[ફેરફાર કરો]

પહેલી ઓક્ટોબર ૧૯૨૮ના દિવસે ગોંડલમાં 'ભગવદ્ગોમંડલ' કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે અત્યાર સુધીનાં સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી. ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ ૨૫મી ઓગષ્ટ ૧૯૪૪ના રોજ પ્રસિદ્ધ થયો જેમાં ૯૦૨ પાનાં હતાં જેમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેનાં ૫૧,૩૩૮ અર્થોનો સમાવેશ થયેલો હતો, આ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ ૯ માર્ચ ૧૯૫૫ના પ્રસિદ્ધ થયો હતો. આમ ૧૯૪૪થી ૧૯૫૫ એમ, ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે.[૨] ગુજરાતી ભાષામાં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ કદાચ આ કોશ દ્વારા જ વિશ્વને થઈ.

આમ, છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથની કિંમત તે સમયે રૂ. ૫૪૫ હતી પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતી હતી. અફસોસની વાત એક જ હતી કે આ મહાન ગ્રંથના રચયિતા મહારાજા ભગવતસિંહજી તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની નવમી માર્ચે ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. 'ભગવદ્ગોમંડલ શું છે?'ભગવદ્ગોમંડલની વેબસાઇટ પર
  2. 'શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ' ભગવ્દ્ગોમંડલની વેબસાઇટ પર

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]