મચ્છુ નદી

વિકિપીડિયામાંથી
મચ્છુ નદી
મચ્છુ નદી, મોરબી પાસે.
સ્થાન
જિલ્લોસુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી
વિસ્તારસૌરાષ્ટ્ર
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનજસદણ ટેકરીઓ
લંબાઇ141.75 km (88.08 mi)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેબેટી, અસોઇ
 • જમણેજંબુરી, બેણિયા, મચ્છુરી, મહા
બંધમચ્છુ-૧, મચ્છુ-૨

મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. ૧૪૧ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ (catchment area) લગભગ ૨,૫૧૫ ચોરસ કિલોમીટર જેટલો છે.[૧] મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા થઇને અંતે માળિયા (મિ.) તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.

દંતકથા[ફેરફાર કરો]

એકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઇક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથએ ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઇ, બંને પુત્રોને નદીકિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીનાં માછલાંનો અવતાર મળ્યો. આમ મચ્છ અને મત્સ્ય પરથી આ નદી મચ્છુ નદી તરીકે ઓળખાવા લાગી.

સિંચાઇ[ફેરફાર કરો]

સિંચાઇના હેતુને અનુલક્ષીને ૧૯૬૧ના વર્ષમાં વાંકાનેરની ઉપરવાસમાં, ૨૩ કિલોમીટર જેટલા અંતરે મચ્છુ-૧ બંધનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી તાલુકામાં જોધપુર નદી ગામ પાસે, (મોરબીથી ૬ કિલોમીટર ઉપરવાસમાં) મચ્છુ-૨ બંધનું કામ શરુ થયું હતું, જે ૧૯૭૨ના વર્ષની આસપાસ પુરું થયું હતું.

જળ હોનારત[ફેરફાર કરો]

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મચ્છુ-૨ જળબંધમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને બપોરે ૩.૩૦ કલાકે મચ્છુ-૨ નો માટીનો પાળો તૂટી ગયો હતો. જેથી ભયંકર જળ હોનારત સર્જાઈ હતી. જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયા હતા. મોરબી મચ્છુ-૨ બંધ જળ હોનારતમાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતોની સ્મૃતિમાં રાણી બાગમાં, મણીમંદિરની સામે, એક સ્મૃતિ સ્મારક ઉભુ કરવામાં આવેલ છે. આ ભયંકર જળ હોનારત ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીના છાત્રોએ કરેલું સંશોધન પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મચ્છુ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૭.
  2. "Book on 1979 Morbi dam disaster rubbishes Act of God theory". The Indian Express (અંગ્રેજીમાં). 2012-07-25. મેળવેલ 2021-06-10.