લખાણ પર જાઓ

માનવ શરીર

વિકિપીડિયામાંથી
નર અને માદા માનવ શરીર

માનવ શરીર ના બંધારણ/માળખાની જટિલ રચનાને ૬ વિવિધ ૬ સ્તરોમાં વિભાજીત કરાય છે. નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જઇએ તેમ તેની જટીલતા વધે છે.

માનવ શરીરના બંધારણના સ્તરો - ૧. રસાયણ સ્તર, ૨. કોષ સ્તર, ૩. પેશી સ્તર, ૪. અવયવ સ્તર, ૫. અવયવ તંત્ર સ્તર, ૬. સજીવ સ્તર

સ્તર ૧: રસાયણ સ્તર

[ફેરફાર કરો]

રસાયણ સ્તરમાં પરમાણુઓ અને અણુઓનો સમાવેશ થાય છે. પરમાણુઓ તત્વના સૌથી નાના એકમ છે. કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, વગેરે અણુઓ સજીવોનો મહત્વનો ભાગ છે.

પરમાણુઓનાં રાસાયણિક સંયોજન દ્વારા અણુઓ બને છે. આ અણુઓ સજીવો સાથે સંકળાયેલ હોવાથી તેઓ જૈવિક અણુઓ તરીકે ઓળખાય છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ડીઓક્સી-રાઈબો-ન્યુકિલઇક-એસિડ (ડીએનએ) અને રાઈબો-ન્યુકિલઇક-એસિડ (આરએનએ) જૈવિક અણુઓનાં ઉદાહરણો છે. ઘણી વાર આ જૈવિક અણુઓ સામાન્ય અણુઓની સરખામણીએ ખુબ મોટાં હોવાથી તેમને જૈવિક મહાઅણુઓ પણ કહે છે.

સ્તર ૨: કોષ સ્તર

[ફેરફાર કરો]

કોષ- એ સૌથી નાનો સજીવ એકમ છે. કોષ સજીવ શરીરનો મૂળભૂત રચનાત્મક અને કાર્યાત્મક એકમ પણ છે. પરમાણુઓ એકબીજા સાથે સંકળાય ત્યારે કોષો બને છે. માનવ શરીરમાં ઘણા પ્રકારના કોષ આવેલા છે. કોષોનાં ઉદાહરણોમાં ઉપકલા કોષો, સ્નાયુ કોષો, ચેતા કોષો, વગેરે ગણાવી શકાય.

સ્તર ૩: પેશી સ્તર

[ફેરફાર કરો]

પેશી એટલે સાથે મળીને એક ચોક્કસ કામ કરનારા કોષોનું જૂથ અને તેની આસપાસ રહેલા પદાર્થો. માનવ શરીરમાં પેશીઓ માત્ર ચાર મૂળભૂત પ્રકારની હોય છે- ઉપકલા પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, અને ચેતા પેશી.

સૂક્ષમદર્શક યંત્ર વડે લીધેલાં પેશીઓનાં ચિત્રો જુઓ:

અન્નનળી ની ઉપકલા પેશી
અસ્થિ ની સંયોજક પેશી
રેખિત સ્નાયુ પેશી
ચેતા પેશી

સ્તર ૪: અવયવ સ્તર

[ફેરફાર કરો]

અવયવ સ્તરે બે અથવા તેનાથી વધુ જુદા-જુદા પ્રકારની પેશીઓ જોડાઈને અવયવ બને છે. અવયવોને ચોક્કસ આકાર હોય છે અને શરીરમાં તે ચોક્કસ કાર્ય બજાવે છે. ઉદાહરણ તરીકે, પેટ, ચામડી, હાડકાં, હૃદય, યકૃત, ફેફસાં અને મગજ .

સ્તર ૫: અવયવ તંત્ર સ્તર

[ફેરફાર કરો]

એક-બીજા સાથે સંબંધિત અવયવો સાથે મળીને એક કાર્ય કરે, ત્યારે અવયવ તંત્ર બને છે. માનવ શરીર માં અગિયાર અવયવ તંત્રો જોઈ શકાય છે. તેમની માહિતી નીચે કોષ્ટકમાં જુઓ. આ અવયવ તંત્રો સંપૂર્ણ પણે એક-બીજાથી સ્વતંત્ર નથી હોતા. તે અંદરોઅંદર સંકળાયેલા હોય છે.

ઘણી વાર કોઈક અવયવ એક કરતાં વધુ અવયવ તંત્રનો ભાગ બને છે. જેમ કે, સ્વાદુપિંડ પાચન તંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેનો ભાગ છે.

માનવ શરીરનાં અગિયાર અવયવ તંત્રો:

[ફેરફાર કરો]
અવયવ તંત્ર ઘટકો કાર્યો


બાહ્યાવરણ તંત્ર/આવરણ તંત્ર

  • મુખ્ય ઘટક- ત્વચા/ચામડી.
  • ત્વચાનાં માળખાં સાથે સંકળાયેલ ઘટકો- જેમ કે, વાળ, નખ, પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓ.
  • શરીરને રક્ષણ આપવું.
  • શરીરનાં તાપમાનનું નિયમન કરવું.
  • શરીરનાં બગાડ/કચરાનો નિકાલ કરવામાં મદદ કરવી.
  • વિટામિન-ડી બનાવવું.
  • આ ઉપરાંત ત્વચા માનવ શરીરની પાંચ ઇન્દ્રિયમાંથી એક છે. તે સ્પર્શ અને પીડા, ગરમ અને ઠંડુ જેવી સંવેદનાઓ પારખે છે.

માનવ શરીર નું આવરણ તંત્ર

સ્નાયુ તંત્ર

  • કંકાલ સ્નાયુ પેશીઓથી બનેલા 'કંકાલ સ્નાયુઓ'/‘ઐચ્છિક સ્નાયુઓ’. (સામાન્ય રીતે, અન્ય પ્રકારની સ્નાયુ પેશીઓનો આ તંત્રમાં સમાવેશ નથી થતો. તેઓ જે-તે અવયવ સાથે સંકળાયેલ હોય છે.)
  • શરીરનાં હલનચલનની ક્રિયાઓ માટે જવાબદાર. જેમ કે, ચાલવું, દોડવુ, ચઢવું, ઊડવું અને તરવું.
  • શરીરની સ્થિતિ/મુદ્રાને સ્થિરતા આપવી.
  • ગરમીનું નિર્માણ કરવું.

માનવ શરીર નું સ્નાયુ તંત્ર


કંકાળ તંત્ર

  • હાડકાં/અસ્થિ.
  • હાડકાં સાથે સંકળાયેલ કૂર્ચા/કાસ્થિ.
  • હાડકાં અને કૂર્ચાને એક-બીજા સાથે જોડતા સાંધા.
  • શરીરને ચોક્કસ આકાર અને આધાર આપવો.
  • શરીરનાં આંતરીક અવયવોને રક્ષણ આપવું.
  • શરીરનાં સ્નાયુઓ કંકાળ તંત્રનાં માળખાં ના આધારે ગોઠવાયેલાં હોય છે અને કંકાળ તંત્ર શરીરનાં હલન-ચલન માટે મદદ કરે છે.
  • હાડકાંમાં રક્ત કોશિકાઓ ઉત્પન્ન કરનાર કોષો રહેલા હોય છે જેને બોન-મેરો (Bone Marrow) કહેવાય છે.
  • હાડકાંમાં ચરબી અને ખનીજ તત્વોનો સંગ્રહ પણ થાય છે.

માનવ શરીર નું કંકાળ તંત્ર

ચેતા તંત્ર/જ્ઞાન તંત્ર

  • મગજ.
  • કરોડરજજુ.
  • મગજ અને કરોડરજજુમાંથી નીકળતી ચેતાઓ/ચેતાતંતુઓ.
  • ઇન્દ્રિયો/સંવેદનાગ્રાહી અવયવો જેમ કે, આંખ અને કાન.
  • ચેતા-ઊર્મિવેગો દ્વારા શરીરમાં સંદેશવ્યવહાર કરી શરીરની પ્રક્રિયાઓનું નિયમન કરવું.
  • શરીરના આંતરિક અને બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારોને જાણવા, તેમનું અર્થઘટન કરવું અને પ્રતિક્રિયા આપવી. ચેતા તંત્ર આ પ્રતિક્રિયાઓ મુખ્યત્વે સ્નાયુઓનાં સંકોચન અથવા ગ્રન્થિઓનાં સ્ત્રાવ દ્વારા શરીરમાં જરૂરી ફેરફારો કરીને આપે છે.

માનવ શરીર નું ચેતા તંત્ર

અંતઃસ્ત્રાવી તંત્ર

  • અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ(અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન કરનારી ગ્રંથિઓ)- પિનીયલ, હાયપોથલામસ, પિટ્યુટરી, થાયમસ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ગ્રંથિઓ, એડ્રીનલ ગ્રંથિઓ (મૂત્રપિંડ પાસેની ગ્રંથિઓ), સ્વાદુપિંડ, અંડપિંડ અને શુક્રપિંડ.
  • અંતઃસ્ત્રાવી કોષો ધરાવતા અન્ય અવયવો.
  • અંતઃસ્ત્રાવો દ્વારા શરીરમાં સંદેશવ્યવહાર કરી શરીરની પ્રક્રિયાઓનું નિયમન કરવું. અંતઃસ્ત્રાવો શરીરના રાસાયણિક સંદેશવાહકો છે.

માનવ શરીર નું અંતઃસ્ત્રાવી તંત્ર


રુધિરાભિસરણ તંત્ર

  • હૃદય.
  • રક્તવાહિનીઓ- ધમની, શિરા, રક્તકેશિકાઓ.
  • રક્ત/રુધિર/લોહી.
  • રક્તવાહિનીઓ- રક્તનું વહન કરવું.
  • હૃદય- પંપ જેવું કાર્ય કરી રક્તને રક્તવાહિનીઓમાં વહેતુ રાખવું.
  • રક્ત- આખા શરીરમાં પરિભ્રમણ કરી ઉપયોગી અને બિનઉપયોગી ઘટકોનું વહન કરવું તેમજ શરીરના પ્રવાહી તત્વો/શરીરરસોનાં એસિડ-બેઝ સંતુલન, તાપમાન અને પાણીનાં સ્તરને જાળવી રાખવા મદદ કરવી.
  • આ ઉપરાંત રક્તનાં ઘટકો રોગનો સામનો કરવામાં પણ મદદ કરે છે.

માનવ શરીર નું રુધિરાભિસરણ તંત્ર


લસિકા તંત્ર અને રોગપ્રતિકારક તંત્ર

  • લસિકા પ્રવાહી/લસિકા અને લસિકાવાહિનીઓ.
  • બરોળ, થાયમસ, લસિકા ગાંઠો અને કાકડા.
  • રક્તમાંના પ્રોટીન અને પ્રવાહી/રસને જાળવી રાખવા.
  • પાચન તંત્ર દ્વારા અભિશોષિત થયેલી ચરબીનું પાચન તંત્રમાંથી રક્તમાં વહન કરવું.
  • રોગપ્રતિકારક તંત્રનાં ઘટકોનું નિર્માણ કરવું.

માનવ શરીર નું લસિકા તંત્ર અને રોગપ્રતિકારક તંત્ર


શ્વસન તંત્ર

  • ફેફસાં.
  • બહારથી હવાને ફેફસાં સુધી પહોંચાડતી- કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળી.
  • ફેફસાંમાં હવાને અંદર- બહાર લઈ જતી શ્વાસવાહિનીઓ.
  • ફેફસાંમાં આવેલાં- શ્વાસવાહિકાઓ અને વાયુકોષ્ઠો.
  • બહારનાં વાયુ અને રક્ત વચ્ચે ઓક્સિજન અને કાર્બન-ડાયોક્સાઇડની આપ-લે કરાવવી.
  • શરીરના પ્રવાહી તત્વો/શરીરરસોનું એસિડ-બેઝ સંતુલન જાળવી રાખવા મદદ કરવી.
  • ફેફસાંમાંથી બહાર આવતી વાયુ દ્વારા વોકલ કોર્ડથી ધ્વનિ/અવાજનું નિર્માણ કરવું.

માનવ શરીર નું શ્વસન તંત્ર


પાચન તંત્ર

  • પાચન માર્ગનાં અવયવો- મુખ, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું, મળાશય અને મળમાર્ગ.
  • પાચનમાં મદદ કરનારા સહાયક અવયવો- લાળ ગ્રંથિઓ, યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ.
  • ખોરાકનું પાચન- ભૌતિક અને રાસાયણિક વિઘટન કરવું.
  • પોષક તત્વોનું અભિશોષણ કરવું.
  • શોષી ના શકાય તેવા શરીરનાં કચરાનો ઘન સ્વરૂપે નિકાલ કરવો.

માનવ શરીર નું પાચન તંત્ર


મૂત્ર તંત્ર

  • મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ.
  • મૂત્રનું ઉત્પાદન, સંગ્રહ અને ઉત્સર્જન કરી પ્રવાહી સ્વરૂપે શરીરનાં કચરાનો નિકાલ કરવો.
  • રક્તનાં વોલ્યુમનું અને તેની રાસાયણિક રચનાનું નિયમન કરવું.
  • શરીરના પ્રવાહી તત્વો/શરીરરસોનું એસિડ-બેઝ સંતુલન જાળવી રાખવા મદદ કરવી.
  • શરીરની ખનિજ તત્વોનોનું સંતુલન જાળવવું.
  • લાલ રક્ત કોશિકાઓનાં ઉત્પાદનનું નિયમન કરવું.

માનવ શરીર નું મૂત્ર તંત્ર


નર અને માદાના પ્રજનન તંત્રો

  • પ્રજનન પિંડો:
    • નર જાતિમાં- શુક્રપિંડ.
    • માદા જાતિમાં- અંડપિંડ/અંડાશય.
  • સંકળાયેલ અવયવો:
    • નર જાતિમાં- અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, શિશ્ન, પ્રોસ્ટેટ ગ્રંથિ.
    • માદા જાતિમાં- અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ/યોનિ.
  • પ્રજનન પિંડો- જન્યુ/જનનકોષો/બીજકોષો (નર જાતિમાં- શુક્રકોષો, માદા જાતિમાં- અંડકોષો)નું ઉત્પાદન કરવું. આ જનનકોષો ફલન દ્વારા સંકળાય છે અને તેમાંથી નવા જીવનો નિર્માણ થાય છે.
  • પ્રજનન પિંડોનાં અંતઃસ્ત્રાવો- પ્રજનનનું તેમજ શરીરની અન્ય કેટલીક પ્રક્રિયાઓનું નિયમન કરવું.
  • સંકળાયેલ અવયવો- જનનકોષોનું વહન અને સંગ્રહ કરવો.

માનવ નર અને માદાના પ્રજનન તંત્રો

સ્તર ૬: સજીવ સ્તર

[ફેરફાર કરો]

અગિયાર અવયવ તંત્રો સાથે મળીને કામ કરે ત્યારે સજીવ સ્તરનું - માનવ શરીર બને છે.

માનવ શરીરના અંગો

[ફેરફાર કરો]

જીવવિજ્ઞાન ની દ્રષ્ટિ એ માનવ શરીર એ કુદરતની એક જટિલ રચના છે. માનવ શરીરમાં ઘણા અંગો નો સમાવેશ થાય છે, તેના મુખ્ય બે ભાગ પડે છે 1) બાહ્ય અને 2) આંતરિક અવયવો. મનુષ્ય તેના અંગો દ્વારા અલગ અલગ ક્રિયા કરે છે, જેમકે સાંભળવાની, ચાલવાની, બોલવાની, જોવાની વગેરે. આપણું શરીર સંખ્યાબંધ જૈવિક અંગો નું બનેલું છે, જે આપણા શરીર માં વિશિષ્ટ કાર્યો કરે છે. શરીરના મુખ્ય બાહ્ય અંગો ની સૂચિ તમને નીચે જોવા મળશે.

નંબર માનવ શરીરના અંગો
1 માથું
2 કપાળ
3 વાળ
4 ચહેરો
5 આંખ
6 પાંપણ
7 નાક
8 ગાલ
9 કાન
10 મોં
11 દાંત
12 હોઠ
13 જીભ
14 મૂછ
15 દાઢી
16 જડબું
17 ગળું
18 પેટ
19 નાભિ
20 હાથ
21 ખભો
22 સ્તન
23 છાતી
24 કમર
25 પીઠ
26 કોણી
27 કાંડું
28 હથેળી
29 આંગળી
30 અંગૂઠો
31 નખ
32 બગલ
33 પગ
34 સાથળ
35 જંઘામૂળ
36 શિશ્ન
37 યોની
38 ઢીંચણ
39 પગની પિંડી
40 પગની ઘૂંટી
41 પગનું તળિયું
42 પગની એડી
43 પગની આંગળીઓ

શરીરના બાહ્ય અંગો સિવાય આંતરિક અંગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જે અંગો ને આપણે જોઈ શકતા નથી કારણકે તે શરીર ની અંદર હોય છે. આ અંગો પોતાની રીતે કાર્ય કરે છે જેનું નિયંત્રણ આપણે કરવાની જરૂર હોતી નથી.   

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]