વિનોબા ભાવે

વિકિપીડિયામાંથી
વિનોબા ભાવે
જન્મ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫ Edit this on Wikidata
મૃત્યુ૧૫ નવેમ્બર ૧૯૮૨ Edit this on Wikidata
વર્ધા Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયલેખક Edit this on Wikidata

વિનોબા ભાવે જે માનપૂર્વક આચાર્ય વિનોબા ભાવે (૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫- ૧૫ નવેમ્બર ૧૯૮૨) તરીકે પણ ઓળખાય છે તેમનું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ મહારાષ્ટ્રના ગાગોદા ખાતે થયો હતો. તેમણે દશ વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને 'અનુશાસન પર્વ' કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા. તેઓ ‘ભૂદાન' ચળવળના પ્રણેતા હતા.

જીવન પરિચય[ફેરફાર કરો]

મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે, ગાગોદા. આ ગામમાં રહેતા ચિતપાવન બ્રાહ્મણ નરહરિ ભાવે ગણિતના પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝ વાળા તથા રસાયણ શાસ્ત્રમાં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરિ ભાવે રાત-દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા. એમને બસ એક જ ધુન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઇએ. એમની પત્ની રુક્મિણી બાઈ વિદુષી મહિલા હતી. ઉદાર-ચિત્ત, આઠે પહોર ભક્તિ-ભાવમાં ડૂબેલી રહેતી. આની અસર એમના દૈનિક કાર્ય પર પણ પડતી હતી. મન ક્યાંય બીજી તરફ રમતું રહેતું જેથી ક્યારેક શાકમાં મીઠું ઓછું પડી જતું, તો ક્યારેક વધારે. ક્યારેક દાળના વઘારમાં હીંગ નાખવાનું ભૂલી જવાતું તો ક્યારેક વઘાર કર્યા વગર જ દાળ પીરસવામાં આવતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું. જેના કારણે આ પ્રકારની નાની-મોટી વાતો પ્રત્યે કોઈનું ધ્યાન જ ન જતું હતું. આવા સાત્વિક વાતાવરણમાં સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૫ના દિવસે વિનોબાનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું. એમની માતા એમને પ્યારથી વિન્યા કહીને બોલાવતી. વિનોબા ઉપરાંત રુક્મિણી બાઈને બે અન્ય પુત્રો હતા. વાલ્કોબા અને શિવાજી. વિનાયક કરતાં વાલ્કોબા નાના હતા, જ્યારે શિવાજી સૌથી નાના હતા. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં નામની પાછળ ‘બા’ લગાડવાનું જે ચલણ છે, દા.ત. તુકોબા, વિઠોબા અને વિનોબા.

માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશાં અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. ન એમને ખાવા-પીવાની સુધ રહેતી કે ન તો સ્વાદની ખાસ પહેચાન રહેતી. માતા જેવું પણ પીરસતી, ચુપચાપ ખાઈ લેતા. રુક્મિણી બાઈનું ગળૂં ખુબ જ મધુર હતું. ભજન સાંભળતાં સાંભળતા તેણી એમાં ડૂબી જતાં. ગાતા ત્યારે ભાવ-વિભોર થઈને, સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સલિલા પ્રવાહિત થવા લાગતી. રામાયણની ચોપાઇઓ તેણી મધુર ભાવથી ગાતી, ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ-વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રુક્મિણી બાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા-પિતા બન્નેના સંસ્કાર મળ્યા. ગણિતની સૂઝ-બૂઝ તથા તર્ક-સામર્થ્ય, વિજ્ઞાન પ્રતિ ગહન અનુરાગ, પરંપરા પ્રતિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને તમામ પ્રકારના પૂર્વાગ્રહોથી અલગ હટીને વિચારવાની કળા એમને પિતાજી તરફથી પ્રાપ્ત થઈ હતી. તે સમયે વિનોબા પિતા સાથે વડોદરા ની કોઠી કચેરી પાસેની કાપડીની પોળમાં રહી અભ્યાસ કરતા. અહીંથી તેઓ અરવિંદ ઘોષ ના વિચારો થી પ્રભાવિત થયા. ૧૯૧૬માં તેઓએ ગૃહત્યાગ કરીને કાશી ગયા. કેટલાક સમય પછી ગાંધીજી ના પ્રવચન થી પ્રભાવિત થઈ અમદાવાદ આશ્રમમાં રહેવા આવી ગયા હતા.

રાજનૈતિક જીવન[ફેરફાર કરો]

વિનોબા ભાવેએ ગાંધીજીને પોતાના ગુરુ માની લીધા હતા કારણ કે તેઓ ગાંધીજીના રાજ નૈતિક અને આધ્યાત્મિક વિચારો થી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સમયનીસાથે વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીજી નો સંબંધ વઘુ મજબૂત બની ગયો. આશ્રમના તમામ કામોમાં બંને સાથે રહેવા માંડયા અરે શૌચાલય પણ બંને ભેગા મળીને સાફ કરતા તેમજને ગીતા અને ઉપનિષદનું અધ્યયન પણ સાથે જ કરતા.

૧૯૨૦માં જ્યારે જમનાલાલ બજાજ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો તેમણે વર્ધામાં પણ એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા દર્શાવી. જેથી આ કામ માટે ગાંઘીજીએ વિનોબાજીને નિયુકત કર્યા. ૮ એપ્રિલ ૧૯૨૧ ના રોજ વિનોબા ગાંધીજીના કહેવાથી તેઓ ગાંધી આશ્રમ નો પ્રારંભ કરવા માટે વર્ધા જતા રહ્યા. વર્ધામાં પ્રવાસ દરમિયાન વિનોબા ભાવેએ મહારાષ્ટ્રમાં ''મહારાષ્ટ્ર ધર્મ'' નામની એક માસિક પત્રિકા શરૂ કરી. આ માસિક પત્રિકા માં મુખ્યત્વે ઉ૫નિષદો પર તેમના નિબંધ સામેલ હતા.

વિનોબાભાવેના રાજનીતિક કાર્યોમાં મુખ્યત્વે અસહયોગ આંદોલન અને દેશને સ્વતંત્રતા આપવાનું લક્ષ્ય સામેલ હતું. ગાંધીજીના દરેકે દરેક અભિયાનમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. તેઓ બધા ભારતીયોને સમાનતા અને બધા ધર્મોને માનતા હતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]