વ્રત

વિકિપીડિયામાંથી

વ્રત એટલે નિયમ લઈને આચારવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિંદુ ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. હિન્દૂ પૌરાણિક કથાઓમાં વિવિધ વ્રતો વિષયક જાણકારીઓ અને રીતો મળી આવે છે. શબ્દકોશમાં વ્રત શબ્દના અન્ય અર્થો; પ્રતિજ્ઞા, અગડ, આખડી, નિયમપૂર્વક આચરવાનું પુણ્યકર્મ, અમુક કરવા ન કરવાનો ધાર્મિક નિશ્ચય વગેરે દર્શાવાયા છે.[૧]

હિંદુ પુરાણોમાં નીચે પ્રમાણેના વ્રતનાં પ્રકાર દર્શાવાયા છે.

  • ’કાયિક વ્રત’ : કાયા, દેહ, શરીર દ્વારા કરાતાં વ્રતો. જેમાં સ્નાન, ઉપવાસ, જાગરણ વગેરેનો સમાવેશ થાય છે.
  • 'વાચિક વ્રત’ : વાચા, વાણીને લગતાં વ્રતો. જેમાં સત્ય બોલવું, કઠોર વચન કે અપશબ્દયુક્ત કે નિંદાયુક્ત વાણી ન બોલવી, મૌન, વગેરેનો સમાવેશ થાય છે.
  • ’મનસા વ્રત’ : મનસા અર્થાત મન, ઇચ્છા, મરજી, મનછા, મંછા, કામના; અભિલાષા; મનોરથ. ટૂંકમાં, મન સાથે સંબંધિત વ્રતો. જેમાં પૂર્વગ્રહો, હઠ, કુવિચારો, કામ, ક્રોધ જેવા મન સંબંધીત વિકારોને કાબુમાં કરવાના ઉપાયરૂપ વ્રતોનો સમાવેશ થાય છે.

આમ હિંદુ ધર્મના પુરાણોનુસાર વ્રતો "મનસા-વાચા- કર્મણા" એટલે કે, મન, વચન ને કર્મથી કરાય છે.

જૈન ધર્મમાં વ્રત[ફેરફાર કરો]

હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ વ્રતનું ઘણું જ મહત્વ જણાય છે. જૈન ધર્મમાં વ્રતનાં બે પ્રકાર ગણાવાયા છે. (૧) મહાવ્રત-જે જૈન સાધુઓ કરે છે. અને (૨) અણુવ્રત-જે જૈન શ્રાવકો (ભક્તજનો) એ કરવાનાં હોય છે. જૈનધર્મમાં કુલ બાર વ્રતનું વર્ણન છે. જેમાં પ્રથમના પાંચ ’પંચ મહાવ્રત’ અને પછીના સાત ’સાત ગુણવ્રત’ ગણાય છે. જે આ પ્રમાણે છે; અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમાણ, દેશાવકાસિક, ભોગોપભોગ પરિણામ, અનર્થદંડ, સામાયિક, પૌષધ અને અતિથિ સંધિભાગ.

ગાંધીજીનાં અગિયાર મહાવ્રત[ફેરફાર કરો]

મહાત્મા ગાંધીએ આપેલાં અગિયાર મહાવ્રતો બહુ જાણીતા છે. એ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે; સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું; બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું; અભય, સ્વદેશી, સ્વાદ ન કરવો, સર્વ ધર્મી સરખાં ગણવાં.

સંદર્ભો[ફેરફાર કરો]