શંખ

વિકિપીડિયામાંથી
સાચો શંખ

શંખ દરિયામાં થતું એક જળચર પ્રાણી છે. અથવાતો વધુ સારી રીતે કહીએતો તે ખારા પાણીમાં રહેતાં એક પ્રકારનાં પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. પ્રાણી શાસ્ત્રનાં વર્ગિકરણ પ્રમાણે તેનો મૃદુકાય (Mollusks) વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. શંખ અનેક પ્રકારનાં જોવા મળે છે, જે નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે.

વૈજ્ઞાનિક રીતે ફક્ત સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે, પરંતુ, સામાન્ય બોલીમાં અને ગુજરાતીમાં આપણે આ આકારનાં બધાજ પ્રાણીઓને શંખ તરીકે ઓળખીએ છીએ.

શરીર રચના[ફેરફાર કરો]

શંખનું રેખા ચિત્ર

આપણે જેને શંખ તરિકે ઓળખીએ છે તે મૃદુકાય પ્રાણીનું કવચ છે. આ કવચ સામાન્ય રીતે ડાબી બાજુનાં વલય તરિકે રચાયેલું હોય છે, પરંતુ જવલ્લે તે જમણા વલય વાળું પણ જોવા મળે છે. આ કવચ મહદ્ અંશે કેલ્શિયમ કાર્બોનેટ (CaCO) એટલે કે ચાકનું બનેલું હોય છે.

શંખનાં શરીરમાં એક પાતળી અને લાંબી ખાંચ હોય છે અને શરીરનું પોલાણ એક લાંબી નળી રૂપે હોય છે જેમાં પ્રાણી વસવાટ કરતું હોય છે. શંખ જ્યારે પુખ્તતાએ પહોંચે ત્યારે ખાંચનો ખુલ્લા હોઠ જેવો ભાગ રચાય છે. શંખ પોતાનાં દાંતરડા આકરનાં પાદ રંધ્રો દ્વારા સપાટી ઉપર ચાલે છે અને શ્લેશ્મમય લાંબા સૂત્ર સાથે જોડાયેલાં ઇંડા મુકે છે.

ઉપયોગો[ફેરફાર કરો]

ખોરાકમાં[ફેરફાર કરો]

શંખ (અંદર રહેલા મૃદુકાય જીવ)નો ઉપયોગ અનેક ખાદ્ય વાનગીઓમાં વિશ્વભરમાં થતો જોવા મળે છે. તેને વિવિધ રીતે ખાવામાં આવે છે, જેમકે કાચા, સલાડ/કચૂમ્બરમાં, રાંધીને ખાસ વાનગી તરિકે કે બર્ગર વિગેરેની વચ્ચે પુરણ કરીને. પૂર્વ એશિયાઇ વનગીઓમાં તેને સમારીને, બાફી અને વઘારીને શાકની જેમ ખાવામાં આવે છે. એલ સાલ્વાડોર દેશમાં શંખના કીડાને જીવતો ખાવામાં આવે છે, તેની ઉપર લીંબુનો રસ રેડવામાં આવે છે, જેથી તે તરફડે અને કોચલું વળી જાય છે, આમ કોચલું વળેલો કીડો ટામેટા, ડુંગળી અને અન્ય શાકની સાથે મુકીને આખોને આખો કીડો ગળી જવામાં આવે છે.

સુશોભનમાં[ફેરફાર કરો]

ચાંદીમાં મઢેલો તિબેટન શંખ

ઘણી વખત શંખનો સુશોભનમાં પણ ઉપયોગ થતો જોવા મળે છે, મોટા શંખની અંદર શોભાનાં છોડ ઉગાડવામાં આવે છે, ક્યારેક તેનો ઉપયોગ રંગ ભરવા, શાહીનાં ખડીયા તરીકે, વગેરે. તેને વલયાકારે આડો કાપીને તેની તક્તિઓનો બંગડી તરીકે ઉપયોગ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આભુષણ તરીકે થાય છે. તેમાથી માથામાં નાંખવાનાં બકલો વગેરે પણ બનાવવામાં આવે છે.

અન્ય[ફેરફાર કરો]

અનેક સંસ્કૃતિઓમાં શંખને ચિત્ર કળામાં વિવિધ રીતે ઉપયોગમાં લેવાતો વર્ણવવામાં આવ્યો છે, જેમકે પાત્ર તરિકે, યોદ્ધાઓનાં હાથનાં પંજાની ઢાલ રૂપે, વાધ્ય તરિકે, વિગેરે. ભારતમાં સોમનાથ, દ્વારકા, ગોવા, રામેશ્વર, મદ્રાસ વગેરે દરિયા કિનારાનાં પ્રવાસન સ્થળોએ શંખ અને છીપમાંથી વિવિધ પ્રકારનાં ઝુમ્મરો, પેન હોલ્ડર, તક્તિઓ, બનાવીને તેના ઉપર રોજી રળતાં હજારો લોકો જોવા મળશે. આ ઉપરાંત શંખ ઉપર ચિત્રો દોરીને કે નામ અથવાતો નામનાં અક્ષરો લખીને તેને શો પીસ તરીકે અથવાતો કી ચેઇન તરીકે વેચાતા પણ જોઇ શકાય છે.

મઢેલો શંખ ફુંકી રહેલા સાધુ

હિંદુ ધર્મ અને શંખ[ફેરફાર કરો]

હિંદુ ધર્મમાં શંખનું અલાયદું જ સ્થાન છે. હિંદુ પુજા સામગ્રીમાં શંખનો સમાવેશ થાય છે. ઘરે અને મંદિરમાં ભગવાનનાં દ્વાર ખોલતાં પહેલાં શંખ વગાડવામાં આવે છે. પુજામાં રાખવામાં આવતાં શંખ ઘણી વખત સોના કે ચાંદીથી મઢીને સુશોભીત કરવામાં આવે છે. ભગવાનનાં અભિષેકમાં પણ શંખ વપરાય છે. ફુંકવા માટે ડાબો શંખ અને પુજા કે અભિષેક માટે જમણો શંખ વપરાય છે.

પુરાણોમાં અને ખાસ કરીને શ્રીમદ્ ભાગવતમાં યુદ્ધ દરમ્યાન શંખનો વાધ્ય તરિકે અને ઘોષણા કરવા માટે ઉપયોગ થયાનું વારંવાર વર્ણન જોવા મળે છે. હિંદુ દેવતા (ભગવાન) વિષ્ણુના ચતુર્ભૂજ સ્વરૂપમાં શંખ તેમનાં એક હાથમાં વર્ણવવામાં આવે છે. મહાભારતનાં વિવિધ પાત્રોનાં શંખનાં જુદા જુદા નામોનું વર્ણન ભગવદ્ ગીતાનાં પહેલા અધ્યાયમાં જોવા મળે છે. જેમાં, કૃષ્ણનો શંખ પાંચજન્ય અને અર્જુનનો દેવદત્ત તથા ભીમનો પૌંડ્ર, વિગેરે છે.

અવાજ[ફેરફાર કરો]