શેહરે પનાહ

વિકિપીડિયામાંથી

શેહરે પનાહઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ થાય છે શહેર ને આશ્રય- સુરક્ષા આપવી.[સંદર્ભ આપો] ૧૬ મી સદી દરમ્યાન જ્યારે સુરત સમગ્ર ભારતનું સૌથી ધનાઢ્ય અને વિક્સીત શહેર તથા બંદર હતું, સુરત સોનાની મૂરત ગણાતું. મોગલ સામ્રાજ્યના શાહી ખજાનાની મોટા ભાગની આવક અહીની જકાત અને વેપારથી આવતી હતી. ઉપરાંત સુરત બંદરેથી હજારો હાજીઓ મક્કાની હજ પઢવા જતા–આવતાં. ધાર્મિક લોકોની સંખ્યા પણ વિશેષ રહેતી હતી, તેથી મુઘલ સરકારે આ મહત્વનાં શહેરને મરાઠા તેમજ અન્ય પ્રજાથી રક્ષણ આપવા સમગ્ર શહેર ફરતે એક મજબુત ઉંચો કોટ બનાવવાનું નક્કી કર્યું અને આ કોટ બન્યા બાદ તેનું નામ શેહરે પનાહ રાખવામાં આવ્યું.

સ્થાપત્ય રચના[ફેરફાર કરો]

શેહરે પનાહ કોટની ઉંચાઇ ૨૦ થી ૨૫ ફુટ જેટલી રાખવામાં આવી હતી અને આ કોટ લગભગ ૪ થી ૫ ફુટ જેટલો જાડો હતો તેની દિવાલનું બાંધકામ ચપટી અને લાંબી લાલ ઈંટોથી થયું હતુ. વળી તેના પાયામાં મજબુત મોટા તપખીરીયા પથ્થરો ગોઠવેલા હતા. શહેરની બહાર લગભગ ૪ કિ.મી. લાંબા આ કોટની ફરતે ખાડીનું નિર્માણ થયેલું હતું. આ કોટના અમુક અમુક અંતરે શહેરની બહાર જવા માટે લગભગ ૧૨ જેટલા દરવાજા પણ બનાવાયા હતાં. કહેવાય છે કે આ કોટની અંદરનું શહેર સુંદર રીતે અમુક વિભાગોમાં વહેંચાયેલું હતું જેને 'ચકલા' કહેવામાં આવતા. ઉદા. બડેખા ચકલા, વડા ચકલા, ચકલા બાઝાર, ચોક ચકલો વગેરે. આ કોટની અંદર નાણાવટ, મુગલીસરા, શાહપોર, ભાગળ, ચોક, સોની ફળીયા, રાણી તળાવ, લાલગેટ, ચૌટા પુલ, ભાગા તળાવ જેવા વિસ્તારોનો સમાવેશ થતો હતો. આજે આ ઐતિહાસીક કોટ લગભગ નાશ પામ્યો છે. છતાં તેનાં થોડા ઘણા અવશેષો સૈયદ પુરા, હરીજન વાસ પાસે જોઈ શકાય છે.