સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ
સિદ્ધિવિનાયક મંદિર મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | મુંબઈ મહાનગર |
સ્થાન | |
સ્થાન | મુંબઈ |
રાજ્ય | મહારાષ્ટ્ર |
અક્ષાંશ-રેખાંશ | 19°01′01″N 72°49′49″E / 19.016920°N 72.830409°E |
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર મુંબઈમાં આવેલું ગણેશ મંદિર છે. તે પ્રભાદેવી વિસ્તારમાં આવેલું છે.[૧] તેની સ્થાપના લક્ષ્મણ વિઠુ અને દેહુબાઇ પાટિલે ૧૯ નવેમ્બર ૧૮૦૧માં કરી હતી. આ મંદિર મુંબઈનું સૌથી સમૃદ્ધ મંદિર ગણાય છે.[૨]
સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની જે પ્રતિમાઓમાં સુંઢ ડાબી તરફ વળેલી હોય, તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ હોય છે અને તેના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. કહેવાય છે કે સિદ્ધિવિનાયકનો મહિમા અપરંપાર છે અને તેઓ ભક્તોને તરત જ વાંછિત ફળ આપે છે. માન્યતા છે કે આ ભગવાન ખુબ જ જલ્દીથી ખુશ થાય છે અને એટલા જ ઝડપથી કોપિત પણ થાય છે.
મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર
[ફેરફાર કરો]આમ તો ગણેશજીના ભક્તો વિશ્વના દરેક ખૂણે હોય છે, પરંતુ મહારાષ્ટ્ર ખાતે તેના ભક્તો સૌથી વધુ છે. સમૃદ્ધિના નગર મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર એવાં ગણેશ મંદિરો પૈકીનું એક છે, જ્યાં માત્ર હિંદુઓ જ નહીં પણ દરેક ધર્મના લોકો દર્શન અને પૂજા-અર્ચના માટે આવે છે. જોકે આ મંદિરને ન તો મહારાષ્ટ્રના 'અષ્ટવિનાયક' ગણાય છે અને ન તો સિદ્ધ ટેક સાથે કોઈ સંબંધ ધરાવે છે. છતાં અહીં ગણપતિ પૂજાનું ખાસ મહત્વ છે. મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના સિદ્ધ ટેકના ગણેશજી પણ સિદ્ધિવિનાયક નામથી જાણીતા છે અને તેની ગણના મહારાષ્ટ્રના અષ્ટવિનાયકના આઠ ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ સ્થળોમાં કરવામાં આવે છે. પરંતુ મુંબઈનું મંદિર અલગ હોવા છતાં તેનું મહત્વ ઘણું જ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]એવી દંતકથા છે કે આ મંદિરનું નિર્માણ સંવત ૧૬૧૨માં થયું હતું. પરંતુ સત્તાવાર દસ્તાવેજો અનુસાર આ મંદિર ૧૯ નવેમ્બર ૧૮૦૧ના રોજ પ્રથમ વાર બાંધવામાં આવ્યું હતું. સિદ્વિનાયકનું આ પ્રથમ મંદિર બહુ જ નાનું હતું. છેલ્લા બે દાયકાઓમાં આ મંદિરમાં ઘણીવાર પુનઃનિર્માણ કરવામાં આવેલ છે. તાજેતરમાં એક દાયકા પહેલા ૧૯૯૧ના સમયમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી આ મંદિરના ભવ્ય નિર્માણ હેતુ ૨૦ હજાર ચોરસ ફૂટ જમીન પૂરી પાડવામાં આવેલ છે. હાલમાં સિદ્ધિવિનાયક મંદિર પાંચ મજલી છે અને અહીં આ પ્રવચન ગૃહ, ગણેશ સંગ્રહાલય અને ગણેશ પીઠ ઉપરાંત બીજા માળ પર હોસ્પિટલ પણ છે, જ્યાં દર્દીઓને મફત તબીબી સારવાર મળે છે. એ જ માળ પર રસોડું છે અને ત્યાંથી એક લિફ્ટ સીધી ગર્ભગૃહમાં આવે છે. પુજારી ગણપતિ માટે બનાવવામાં આવેલ પ્રસાદ અને લાડુ અહિંયાથી જ લાવે છે.
ગર્ભગૃહ
[ફેરફાર કરો]નવનિર્મિત મંદિરનો 'ગભારો' એટલે કે ગર્ભગૃહ એવી રીતે બનાવવામાં આવેલ છે કે જેથી વધુ અને વધુ ભક્તો ગણ્પતિનું સભામંડપમાંથી સીધું દર્શન કરી શકાય. પ્રથમ માળનો રવેશ પણ એ રીતે બનાવેલ છે કે ભક્તો ત્યાંથી પણ સીધા દર્શન કરી શકે છે. અષ્ટકોણિય ગર્ભગૃહ ૧૦ ફૂટ પહોળું અને ૧૩ ફૂટ ઊંચું છે. ગર્ભગૃહના ચબુતરા પર સોનેરી શિખરવાળો ચાંદીનો સુંદર મંડપ છે, જેમાં સિદ્ધિવિનાયક બિરાજમાન છે. ગર્ભગૃહમાં ભક્તો માટે જવા માટે ત્રણ દરવાજા છે જેના પર અષ્ટવિનાયક, અષ્ટલક્ષ્મી અને દશાવતારનાં ચિત્રો દોરવામાં આવેલ છે.
સામાન્ય રીતે આ મંદિરમાં દરેક મંગળવારના દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો ગણપતિ દર્શન કરી પોતાની અભિલાષા પૂર્ણ કરે છે. અહીં મંગળવારે એટલી ભીડ હોય છે કે લાઈનમાં ચાર-પાંચ કલાક ઊભા રહ્યા પછી દર્શન કરી શકાય છે. દરેક વર્ષે ગણપતિ પૂજા મહોત્સવ અહીં ભાદરવા સુગ ચોથથી ભાદરવા સુદ ચૌદશના દિવસ સુધી ભવ્ય રીતે મનાવવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Shree Siddhivinayak Mandir". Amazing Maharashtra.
- ↑ "Shree Siddhivinayak". siddhivinayak.org. મૂળ માંથી 2015-05-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૭.