સોનાર (ટેકનીક)

વિકિપીડિયામાંથી
ફ્રેન્ચ બનાવટના લા મોટે પિક્વેટ નામક ફ્રિજેટ-જહાજ પર બેસાડવામાં આવેલ VDS - વેરીએબલ ડેપ્થ સોનાર ઉપકરણ

સોનાર (અંગ્રેજી: Sonar) એક ટેકનીક છે, જેનો ઊપયોગ સમુદ્રના જળની ઊંડાઈ માપન તેમજ સમુદ્રના તળના અભ્યાસ માટે કરવામાં આવે છે. દરિયાના પાણીમાં ડૂબકી માર્યા વગર જહાજમાં ગોઠવેલા સોનાર ઉપકરણ વડે ઊંડાઈ-માપન તેમ જ તળનો અભ્યાસ થઈ શકે છે. મૂળ અંગ્રેજી શબ્દ સોનાર SOund Navigation And Rangingનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.

સોનાર એ ધ્વનિના મોજાં ઉત્પન્ન કરતું સાદું ઉપકરણ છે. આ ધ્વનિના મોજાંઓ ઉપકરણમાંથી નિકળીને દરિયાના તળિયે અથડાઈને પાછાં ફરે છે. ઉપકરણમાં પરત ફરેલાં ધ્વનિનાં મોજાંને ઝીલવાની સગવડ હોય છે. ધ્વનિના મોજાં કેટલા સમયમાં પાછા ફરે છે, તે સમયના માપ ઉપરથી સમુદ્રની ઊંડાઈ જાણી શકાય છે.

આ ઉપરાંત દરિયાના તળિયે પડેલી મોટા કદની વસ્તુઓ ધ્વનિના મોજાના પથમાં વિક્ષેપ પાડે છે. આ ખલેલનો અભ્યાસ કરી તળમાં પડેલી વસ્તુ કેવી અને કેટલી મોટી છે, તેનો અંદાજ બાંધી શકાય છે. જહાજમાંથી અવાજના મોજાંની એક કરતાં વધુ શ્રેણીઓ પ્રસારિત કરી વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે, જેને મલ્ટીબીમ સોનાર કહેવામાં આવે છે. ધ્વનિનાં મોજાં સમુદ્રના ભૂતળને અથડાઈને ૧૫ સેકંડ જેટલા સમયમાં જ પરત આવે છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]