હરેલા ઉત્સવ
હરેલા ઉત્સવ ઉત્તરાખંડ રાજ્યના લોકોનો પરંપરાગત અને ખેતી સાથે જોડાયેલો એક તહેવાર છે. હરેલા ઉત્સવ આમ તો વર્ષ દરમ્યાન ત્રણ વાર આવતો હોય છે.-
- ૧- ચૈત્ર માસમાં - પ્રથમ દિવસે વાવણી કરવામા આવે છે તથા નવમા દિવસે કાપણી કરવામાં આવે છે.
- ૨- શ્રાવણ માસમાં - શ્રાવણ શરૂ થવાના નવ દિવસ પહેલાં અષાઢમાં વાવણી કરવામાં આવે છે અને દસ દિવસ બાદ શ્રાવણના પ્રથમ દિવસે કાપણી કરવામાં આવે છે.
- ૩- આસો માસમાં - આસો માસ માં નવરાત્રીના પહેલા દિવસે વાવણી કરવામાં આવે છે અને દશેરાના દિવસે એટલે કે દસમા દિવસે કાપણી કરવામાં આવે છે.
પરંતુ ઉત્તરાખંડ રાજ્યમાં શ્રાવણ માસમાં આવતા હરેલા પર્વને જ અધિક મહત્વ આપવામાં આવે છે, કેમ કે શ્રાવણ માસ શંકર ભગવાનજીને વિશેષ પ્રિય છે. આ તો સર્વવિદિત છે કે ઉત્તરાખંડ એક પહાડી પ્રદેશ છે અને પહાડો પર જ ભગવાન શંકરનો વાસ હોવાની માન્યતા છે. આ માટે પણ ઉત્તરાખંડમાં શ્રાવણ માસમાં પડતા હરેલા પર્વનું અધિક મહત્વ છે.
શ્રાવણ શરૂ થવાના નવ દિવસ પહલાં અષાઢ મહિનામાં હરેલા વાવવા માટે કોઇ થાળી જેવા પાત્ર યા ટોપલીની પસંદગી કરવામાં આવે છે. આમાં માટી નાખી ઘઉં, જવ, ધાન, ગહત, ભટ્ટ, અડદ, સરસવ આદિ ૫ યા ૭ પ્રકારના બીજની વાવણી કરવામાં આવે છે. નવ દિવસ સુધી આ પાત્ર માં રોજ સવારે પાણી છાંટી પુજન કરવામાં આવે છે. દસમા દિવસે આ હરેલાની કાપણી કરવામાં આવે છે. ૪ થી ૬ ઇંચ લાંબા આ છોડવાને જ હરેલા કહે છે. ઘરના સદસ્ય આને ખૂબ આદર સાથે પોતાના માથા પર રાખે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિના પ્રતીક રૂપે હરેલા વાવીને તેની કાપણી કરવામાં આવે છે! આનાં મૂળમાં આ માન્યતા નિહિત છે કે, હરેલા જેટલાં મોટાં થશે તેટલો જ પાક સારો થશે. સાથે જ પ્રભૂ પાસે પાક સારો થવાની કામના પણ કરવામાં આવે છે.