હોમિયોપેથી

વિકિપીડિયામાંથી

હોમિયોપેથી અથવા સમચિકિત્સાવિજ્ઞાન એ એક ચિકિત્સાવિજ્ઞાન છે, કે જેને તેના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનમાનના નામ પરથી 'હૉનમાનની ચિકિત્સાપદ્ધતિ' પણ કહેવામાં આવે છે. તે ઍલોપથી (allopathy) અને અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે. ગ્રીક શબ્દ 'homois' (એટલે like = સમ) અને 'pathos' (એટલે suffering = દર્દ) પરથી તેનું નામ હોમિયોપેથી આપવામાં આવ્યું છે.[૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

સેમ્યુઅલ હૉનમાન

ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હૉનમાને આ ચિકિત્સાપદ્ધતિની ૧૭૯૬માં સ્થાપના કરી. તેઓ ઍલોપથીય ચિકિત્સક હતા. ૧૭૯૦માં જર્મનીમાં તબીબ તરીકેની માન્યતા મળવા છતાં તેમને ઍલોપથીય ચિકિત્સાથી સંતોષ ન હતો; તેથી તેમણે ૧૭૯૦માં જ આ ચિકિત્સાપદ્ધતિ છોડી દઈ આજીવિકા માટે વૈદકીય પુસ્તકોનું ભાષાંતર કરવાનો આરંભ કર્યો. વિલિયમ કુલેનના ઔષધ નિઘંટુ (materia medica) ના ગ્રંથનો અનુવાદ કરતાં તેમને હોમિયોપેથીનો વિચાર આવ્યો. તેમને પોતાના પર અને સગાંસંબંધીઓ પર સિંકોનાની છાલના કેટલાક પ્રયોગો કર્યા. તેમણે જોયું કે સિંકોનાની છાલ ખાવાથી જઠરનાં કેટલાંક લક્ષણો ઉપરાંત તાવ, ટાઢથી ધ્રૂજવું, સાંધાનો દુખાવો જેવાં મલેરિયાની શરૂઆતમાં જોવા મળતાં લક્ષણો જેવાં જ લક્ષણો ઉત્પન્ન થાય છે.[૧][૨]

સમરૂપનો સિદ્ધાંત (Law of Similars)

હૉનમાને તેમને થયેલા અનુભવોને આધારે ચિકિત્સાનો સમરૂપનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત 'like cures like' (લેટીન: similia similibug curentur) તરીકે પણ જાણીતો છે. એટલે કે જે ઔષધ કે દ્રવ્ય રોગનાં લક્ષણો ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે; તે જ ઔષધ કે દ્રવ્યની સૂક્ષ્મ માત્રા વડે શીઘ્ર અને ખૂબ સારી રીતે તે રોગ મટી શકે છે. હૉનમાને ૨૦ વર્ષ સુધી ૭૦૦ જેટલી વનસ્પતિઓમાંથી ઍલોપથી કરતાં જુદી રીતે હોમિયોપેથીય ઔષધો બનાવી અને તંદુરસ્ત વ્યક્તિઓ ઉપર પ્રયોગો કરી પોતાની નવી ચિકિત્સાપદ્ધતિની સ્થાપના કરી.[૧][૨]

હોમિયોપેથીય ઔષધો[ફેરફાર કરો]

ઓસ્કિલો, હોમિયોપેથીય ગોળીઓ

હોમિયોપેથીય ઔષધો ગંધક, પારો, સોનું, જસત, કલાઈ, ચાંદી, લોખંડ, ચૂનો, તાંબુ અને ટેલ્યૂરિયમ જેવા તત્વો તેમજ છોડ કે તમનાં મૂળ, છાલ, વિવિધ પ્રાણીઓનાં અંગો કે વિષ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તત્વોનાં સંયોજનોમાંથી પણ આ ઔષધો તૈયાર કરવામાં આવે છે. હોમિયોપેથીના ઔષધ નિઘંટુમાં ૨૬૦ થી ૨૭૦ ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પૈકી મોટા ભાગનાં ઔષધોનું પુરુષ, સ્ત્રી કે બાળકો ઉપર પરીક્ષણ કરી તેમના રોગોત્પાદક ગુણ નિશ્ચિત કરવામાં આવ્યા છે, બાકીના ઔષધો અનુભવસિદ્ધ છે.

હોમિયોપેથીય ઔષધોનો સ્વાદ થોડો થોડો મીઠો અને રંગ સફેદ હોય છે. આ ઔષધો ગોળી, ચૂર્ણ અને પ્રવાહી એમ ત્રણ સ્વરૂપમાં આપવામાં આવે છે. ઘણાં ઔષધો સ્પિરિટ, ઈથર અથવા ગ્લિસરિનમાં મેળવી તેનું અર્ક બનાવવામાં આવે છે. તેને મૂલાર્ક (mother tincture) કહે છે. આ ઔષધો વિષહીન અને બિન-હાનિકારક હોય છે તેમજ રોગનાશનમાં પ્રબળ અને શરીરના ગઠન માટે નિષ્ક્રિય હોય છે. ઍલોપથીનાં મોંઘા ઔષધોની તુલનામાં આ ઔષધો એકંદરે સસ્તા હોય છે અને મોટે ભાગે તેની આડ અસરો થતી નથી, તેથી ઘણા લોકો હોમિયોપેથીય ઔષધો વધારે પસંદ કરે છે.[૧]

જીવરાસાયનિક ઔષધવિજ્ઞાન
ડૉ. વિલ્હેમ હેનરી શુસ્લર (૧૮૨૧-૧૮૯૮)

હોમિયોપેથીના ઔષધ-નિર્માણના સિદ્ધાંતને આધારે હૉનમાનના સમકાલીન ડૉ. શુસ્લરે જીવરાસાયણિક ઔષધવિજ્ઞાન નામની નવિ ચિકિત્સાપદ્ધતિ શોધી, જેમાં શુસ્લરે જીવનના અત્યંત પાયારૂપ મહત્વના ૧૨ થી ૧૫ જેટલા ક્ષારા કાઢી તેની હોમિયોપેથી પદ્ધતિ પ્રમાણે સફેદ-મીઠી ગોળીઓ બનાવી. આ ગોળીઓ કોઈ પણ દર્દમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ચિકિત્સાપદ્ધતિ હોમિયોપેથીની નાની શાખા સમાન છે.[૧]

ચિકિત્સાપદ્ધતિ અને સારવાર[ફેરફાર કરો]

હોમિયોપેથીય ચિકિત્સકનું મુખ્ય કાર્ય રોગી દ્વારા દર્શાવવામાં આવેલ રોગનાં લક્ષણો સાંભળી તે પ્રકારનાં લક્ષણો ઉત્પન્ન કરનાર ઔષધોની પસંદગી કરવાનું છે. રોગનાં લક્ષણ અને ઔષધના લક્ષણમાં જેટલું સામ્ય વધારે તેટલી રોગીની સ્વસ્થ થવાની સંભાવના વધારે રહે છે. ચિકિત્સકોની ધાર઼ણા હોય છે કે પ્રત્યેક જીવંત પ્રણાલીમાં અંગો પોતાનો ક્રિયાશીલ માનક (functional norm) જાળવી રાખવાની પ્રવૃત્તિ કરે છે; પરંતુ આ ક્રિયાશીલ માનકમાં ફેરફાર થાય ત્યારે જીવંત પ્રણાલી આ માનકને જાળવવા અનેક પ્રતિક્રિયાઓ કરે છે. પ્રણાલીને ઔષધ દ્વારા આ પ્રયાસમાં સહાયતા મળે છે. ઔષધ અલ્પ માત્રામાં આપવામાં આવે છે, કેમ કે રોગની ક્રિયા દરમિયાન રોગી અતિસંવેગી હોય છે. ઔષધની અલ્પ માત્રા ન્યૂનતમ પ્રભાવકારી હોવાથી માત્ર એક જ પ્રભાવ પ્રગટ થાય છે. રોગની અવસ્થામાં પેશીની રૂપાંતરિત સંગ્રાહકતાને કારણે આ એકાવસ્થા (monophasic) પ્રભાવ સ્વાસ્થ્યના પુન:સ્થાપનમાં વિશેષ સહાયરૂપ થાય છે. તે શરીરની આંતરિક શક્તિની વિચલિતતા દૂર કરે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ પનારા, વૈદ્ય બળદેવપ્રસાદ; દોશી, પ્રદીપ; પટેલ, બળદેવભાઈ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૮૪-૬૮૬.
  2. ૨.૦ ૨.૧ સંઘવી, ડૉ. કલ્પિત (૧ માર્ચ ૨૦૧૮). "હોમિયોપેથી એક પરિચય". My Gujarat. મૂળ માંથી 2018-04-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]