રમેશ મ. શુક્લ
રમેશચંદ્ર મહાશંકર શુક્લ (જ. ૨૭ નવેમ્બર ૧૯૨૯ – ૫ ફેબ્રુઆરી ૨૦૧૪) : ગુજરાતી લેખક, સંશોધક, સંપાદક અને વિવેચક હતા.
જીવન
[ફેરફાર કરો]રમેશ શુક્લનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૨૯ના રોજ સુરત ખાતે થયો હતો. તેમણે ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટી ખાતેથી ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું, અને ત્યારબાદ ૧૯૭૮માં ગુજરાતીમાં અને ૧૯૮૯માં સંસ્કૃતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધીઓ મેળવી. તેમણે ૨૦૦૩માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી ડૉક્ટર ઑવું લેટર્સ (સંશોધન)ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૫૪થી ૧૯૭૯ સુધી તેઓ વિવિધ કૉલેજોમાં (સર કે.પી. કૉલેજ ઑફ કૉમર્સ, સુરતમાં; લાલન કૉલેજ, ભુજમાં; શામળદાસ કૉલેજ, ભાવનગરમાં; એમ.પી.શાહ કૉલેજ, સુરેન્દ્રનગરમાં અને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ) અધ્યાપક રહ્યા, અને ૧૯૮૦–૮૭ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાસાહિત્યના રીડર તરીકે સેવાઓ આપી. ૧૯૮૭–૯૦ દરમિયાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સ્થાપિત એકેડેમિક સ્ટાફ કૉલેજના સ્થાપક નિયામક; ૧૯૯૧–૯૩ દરમિયાન તેઓ સાંઈ પ્રકાશન પ્રા. લિ., સુરતના જનરલ મેનેજર તરીકે રહ્યાં અને ૨૦૦૬થી તેઓ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના માનાર્હ નિયામક તરીકે જોડાયા હતા.[૧]
૫ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ તેમનુ અવસાન થયું હતું.[૨]
પ્રદાન
[ફેરફાર કરો]'પ્રેમાનંદ – એક સમાલોચના' (૧૯૬૫), 'નર્મદ – એક સમાલોચના' (૧૯૬૬), 'અનુવાક્' (૧૯૭૬), 'કુન્તકનો વક્રોક્તિવિચાર' (૧૯૭૮), 'અનુસર્ગ' (૧૯૭૯), 'અન્વર્થ' (૧૯૮૧), 'નવલરામ' (૧૯૮૩), 'અનુમોદ' (૧૯૮૪), 'સંભૂતિ' (૧૯૮૪) અને 'નર્મદદર્શન' (૧૯૮૪) એમના વિવેચન અને સંશોધનના ગ્રંથો છે. પ્રેમાનંદ, નર્મદ અને નવલરામ વિશેનાં સમગ્રલક્ષી મૂલ્યાંકન આપવાનો તેમ જ કુંતકના વક્રોક્તિવિચારને ગુજરાતી કવિતામાંથી ઉદાહરણો શોધી બતાવીને સમજાવવાનો એમનો પ્રયત્ન ધ્યાનાર્હ છે. 'કલાપી અને સંચિત' (૧૯૮૧) અને 'સ્નેહાધીન સુરસિંહ' (૧૯૮૫) એમના સંશોધનમૂલક ગ્રંથો છે.
પ્રેમાનંદકૃત 'દશમસ્કંધ' (૧૯૬૬), ભાલણકૃત 'કાદંબરી' (૧૯૬૭), 'વસંતવિલાસ' (૧૯૬૯ બી. આ. ૧૯૮૨) એમનાં મધ્યકાલીન કૃતિલક્ષી સંપાદનો છે. 'ચંદ્રહાસ આખ્યાન' (૧૯૬૧), 'અખાના છપ્પા' (૧૯૬૩), 'કુંવરબાઈનું મામેરું' (૧૯૬૪) અને 'અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭) એમનાં અન્ય સાથેનાં વિદ્યાર્થીભોગ્ય સંપાદનો છે. 'ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ' (૧૯૭૭) અને 'પ્રલંબિતા' (૧૯૮૧) પણ એમનાં સંપાદનો છે. 'ટૂંકીવાર્તા : સ્વરૂપ અને સાહિત્ય' (૧૯૬૭) અને 'સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા' (૧૯૭૪) અન્યના સહયોગમાં તૈયાર થયેલા ગ્રંથો છે. 'ગુજરાતનું સંસ્કૃતિદર્શન' (૧૯૬૪)માં એમણે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ રસળતી શૈલીમાં નિરૂપ્યો છે.
સન્માનો
[ફેરફાર કરો]તેમણે ગુજરાતી સાહિત્યમાં કરેલ મહત્ત્વના પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૯), ક્રાન્તિવીર નર્મદ પુરસ્કાર (૧૯૯૬-૯૭), ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૦૦), મેક્સમૂલર ઇન્ટરનેશનલ એવોર્ડ (૨૦૦૩); ગુજરાત ગૌરવ પુરસ્કાર (૨૦૦૪) અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વિશિષ્ટ સેવા સન્માન (૨૦૦૫) પ્રાપ્ત થયાં હતા.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ઓઝા, રમેશ (૨૦૦૬). "શુક્લ, રમેશચંદ્ર મહાશંકર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (વૉ - ષ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૨૪–૫૨૫. OCLC 162213102.
- ↑ "રમેશ મ. શુક્લ". કુમાર. અમદાવાદ: કુમાર ટ્રસ્ટ. માર્ચ ૨૦૧૪. પૃષ્ઠ ૫૫. OCLC 5107841.