રામકૃષ્ણ પરમહંસ

વિકિપીડિયામાંથી
રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરુપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.

જન્મ[ફેરફાર કરો]

રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.

પરિવાર[ફેરફાર કરો]

સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું. એમના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય કલકત્તા (કોલકાતા)માં એક પાઠશાળાના સંચાલક હતા. તેઓ ગદાધરને પોતાની સાથે કોલકાતા લઇ ગયા. રામકૃષ્ણનું આંતરમન અત્યંત નિર્મળ, છલના વગરનું અને વિનયશીલ હતું. સંકીર્ણતાઓથી તેઓ જોજનો દૂર હતા. પોતાનાં કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા.

જીવનવૃતાંત[ફેરફાર કરો]

સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં. કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં. સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા. વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું - મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો - હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.

રામકૃષ્ણ પરમહંસજીના શિષ્ય નાગ મહાશયે ગંગાતટ પર જ્યારે બે વ્યક્તિઓને રામકૃષ્ણજી માટે અપશબ્દો બોલતા સાંભળ્યા તો ક્રોધિત થયા પરંતુ પ્રભુને પ્રાર્થના કરી કે એમના મનમાં શ્રધ્ધા જગાવી રામકૃષ્ણજીના ભક્ત બનાવી દો. સાચી ભક્તિને કારણે બંને વ્યક્તિઓ સાંજે રામકૃષ્ણજીના ચરણોમાં પડી ક્ષમા માંગવા લાગ્યા હતા. રામકૃષ્ણજીએ એમને ક્ષમા આપી હતી.

એક દિવસ પરમહંસજીએ આમળાં માંગ્યાં. આ સમયે આમળાંની ઋતુ તો હતી નહીં. નાગ મહાશયને શોધતાં શોધતાં જંગલમાં એક વૃક્ષની નીચે આમળાં જોવા મળ્યાં, જે તેમણે પરમહંસજીને આપ્યાં. રામકૃષ્ણજી બોલ્યા - તુ જ લઇ આવશે એની મને ખાતરી હતી, કેમ કે તારો વિશ્વાસ સાચો હતો.

રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા અને તેને કારણે તેમનું શરિર દુર્બળ થતું ચાલ્યું. જ્યારે શિષ્યો તેમને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની વિનંતિ કરતા ત્યારે તેઓ તે વાતને તેમની અજ્ઞાનતા કહીને હસી કાઢતા. બંગાળની પરંપરા પ્રમાને તેમના શિષ્યો તેમને ઠાકુર કહીને સંબોધતા હતાં. તેમના પરમશિષ્ય વિવેકાનંદ થોડાક સમય માટે હિમાલયનાં કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા ચાહતા હતા, તે માટે જ્યારે તેઓ રામકૃષ્ણજીની પાસે ગયા ત્યારે ગુરુએ તેમને કહ્યું કે, "વત્સ, આપણી આસપાસનાં વિસ્તારમાં કેટલાંય લોકો ભૂખ-તરસથી વ્યાકુળ છે. ચારે તરફ અજ્ઞાનનું અંધારૂં છાવાયેલું છે. અહિં લોકો રડે-કકળે છે અને આવા સમયે તું હિમાલયની કોઈક ગુફામાં સમાધિનાં આનંદમાં ડુબી જાય એ શું તારો આત્મા સ્વિકારશે?" આ વાતથી અસર પામેલા વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવામાં પરોવાઇ ગયા. રામકૃષ્ણ મહાન યોગી, ઉચ્ચકોટિનાં સાધક અને વિચારક હતા. સેવા માર્ગને ઇશ્વરિય, પ્રશસ્ત માનીને અનેકતામાં એકતાને જોતા હતાં. સેવાના સમાજની સુરક્ષા તે જ તેમની ચાહના હતી. ગળામાં આવેલા સોજાનું નિદાન કરતા જ્યારે ડોકટરોએ તેમને જણાવ્યું કે તેમને કેન્સર થયું છે અને સમાધિમાં જવાની તથા વધુ વાતો કરવાની ના પાડી, ત્યારે પણ તેઓ મલકાયા હતા. દવા કરાવવાની ના પાડવા છતાં, વિવેકાનંદ તેમની દવા કરતા રહ્યાં. વિવેકાનંદે કહ્યું પણ ખરૂં કે, તમે કાલીમાને રોગમાંથી મુક્તિ અપાવવા માટે કહી દો, તો પરમહંસે કહ્યું કે, હું કોણ છું? તે મારે માટે જે કરશે તે ભલુ જ કરશે. તેઓએ માનવતાનો મંત્ર લોકોને આપ્યો.

ઉપદેશ[ફેરફાર કરો]

શ્રીરામકૃષ્ણજીના શિષ્ય મહેન્દ્રનાથ ગુપ્તાજી

લોકશિક્ષક તરીકે રામકૃષ્ણ પરમહંસ અતિશય લોકપ્રિય હતા. તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં નાની નાની ઉદાહરણરૂપ કથા-વાર્તાઓ કહી ઉપદેશ આપતા. એમના ઉપદેશનો જનમાનસ પર વ્યાપક પ્રભાવ પડતો હતો. ઈશ્વર-પ્રાપ્તિ એ માનવજીવનનો સર્વોચ્ચ લક્ષ્ય છે એવું તેઓ માનતા હતા. એમના મતે, કામ તેમ જ અર્થ મનુષ્યને ઈશ્વરમાર્ગ પરથી ચલિત કરે છે; એમના વિચાર મુજબ “કામ-કાંચન” અથવા “કામિની-કાંચન”નો ત્યાગ કરવાથી ઈશ્વરમાર્ગ પ્રગટ થાય છે. તેઓ ‘માયા’ શબ્દ માટે દર્શાવતા કે જગતમાં ‘અવિદ્યા માયા’ (અર્થાત કામના, વાસના, લોભ, મોહ, નિષ્ઠુરતા ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સૌથી નિમ્નતમ સ્તરે લઇ જાય છે. આ જ માયા મનુષ્યને કર્મના બંધનમાં તેમ જ જન્મ-મૃત્યુના ફેરામાં જકડી રાખે છે. બીજી બાજુ જગતમાં ‘વિદ્યા માય઼ા’ (અર્થાત આધ્યાત્મિક ગુણ, જ્ઞાન, દયા, શુદ્ધતા, પ્રેમ, ભક્તિ ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સર્વોચ્ચ સ્તરે લઇ જાય છે, અને મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે.

શ્રીરામકૃષ્ણજી ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી ધર્મ સહ વિવિધ ધર્મનો અભ્યાસ કરી સર્વ માર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે, એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો. 'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.

કેટલીક ઉદાહરણરૂપ કથા-વાર્તાઓ[ફેરફાર કરો]

૩ લુંટારા[૧][ફેરફાર કરો]

એક વખત એક મુસાફર જંગલ માંથી જઈ રહ્યો હતો, ત્યારે ત્રણ લુંટારાઓએ તેનું બધું લુંટી લીધું. એક લુંટારા એ કહ્યું: "આ ને જીવતો રાખી ને શું ફાયદો?" આમ બોલી ને તેને મારવા માટે તલવાર ઉગામી, ત્યારે બીજા લુંટારાએ એને રોકી ને કહ્યું: "ના! આને મારી ને શું ફાયદો? આના હાથ અને પગ બાંધી દઈએ." લુંટારાઓ એ મુસાફર ના હાથ પગ બાંધી દીધા અને જતા રહ્યા. થોડી વાર પછી ત્રીજો લુંટારો પાછો આવ્યો અને કહ્યું: "અરે! હું ક્ષમા ચાહું છું. તમને વાગ્યું તો નથી ને? હું હમણા જ તમને બંધન માંથી મુક્ત કરું છું. મુક્ત કાર્ય પછી, લુંટારા એ કીધું: "મારી સાથે ચાલો, હું તમને જંગલ બહાર મુખ્ય રસ્તા સુધી લઇ જાઉં છું." ઘણા સમય પછી બંને મુખ્ય રસ્તા સુધી પોંહચી ગયા. મુસાફરે કહ્યું: "તમે મારું સારું કર્યું છે. મારી સાથે મારા ઘરે ચાલો." "અરે, ના!" લુંટારાએ કહ્યું: "હું ત્યાં ના આવી શકું. જમાદાર જાણી જશે."

"આ દુનિયા એક જંગલ જ છે. ત્રણ લુંટારાઓ છે - સત્વ, રજસ, અને તમસ. આ તે જ છે જે મનુષ્ય નું સત્ય પરત્વે નું જ્ઞાન લુંટે છે. તમસ એને મારવા માંગે છે. રજસ એને સંસાર સાથે સાંકળવા માંગે છે. પરંતુ, સત્વ મનુષ્ય ને રજસ અને તમસ ની ચુન્ગાલ માંથી છોડાવે છે. સત્વ ના રક્ષણ હેઠળ, મનુષ્ય કામ, ક્રોધ, અને તમસ ની બીજી ખરાબ અસરો માંથી છૂટી શકે છે. તથા, સત્વ મનુષ્ય ને સંસાર ની જંજીરો માંથી મુક્ત કરાવે છે. પરંતુ સત્વ પણ લુંટારો તો છે જ. તે મનુષ્ય ને સાક્ષાત્કાર નથી કરાવી શકતો, પરંતુ તે પ્રભુ ના ઘરે જવાનો રસ્તો અવશ્ય બતાવે છે. સત્વ કહેશે: "જુઓ! ત્યાં તમારું ઘર છે." કેમકે ખુદ સત્વ પણ બ્રહ્માજ્ઞાન થી દૂર છે.

મીઠાની પુતળી[ફેરફાર કરો]

એક વખત મીઠાની પુતળી સમુદ્રમાં તેની ઊંડાઈ માપવા ગઈ. તે બધા ને કહેવા માંગતી હતી કે સમુદ્ર કેટલો ઊંડો છે. પરંતુ આ થઇ ના શક્યું, કેમ કે જેવી તે સમુદ્રના પાણી માં પ્રવેશી, તે ઓગળી ગઈ. હવે કોણ કરે સમુદ્રની ઊંડાઈ નો અહેવાલ?

સમાધિમાં બ્રહ્મજ્ઞાન મળે છે - બ્રહ્મ જાણીલે છે. તે પરિસ્થિતિમાં તર્ક સંપૂર્ણપણે બંધ થઇ જાય છે, અને મનુષ્ય મૌન બની જાય છે. તે બ્રહ્મ સમજાવા માટે અસમર્થ બની જાય છે.

રત્નકણિકાઓ[ફેરફાર કરો]

૧) તમે રાધા કે કૃષ્ણ ને સ્વીકારો કે નહિ, પરંતુ તેમનું એક બીજા પ્રત્યે નું આકર્ષણ અવશ્ય સ્વીકારો. તમારા હૃદય માં પ્રભુ પ્રત્યે ની એવીજ ઉત્કઠનાં પેદા કરો. પ્રભુ ને પામવા માટે માત્ર ઉત્કઠનાંજરૂરી છે.

૨) ભગવાનને ઘણા બધા રસ્તાઓ થી પામી શકાય છે. બધા જ ધર્મો સત્ય છે. મહત્વ ની વસ્તુ એ છે કે, છત સુધી પોહાચવું. તમે તેને પથ્થરની સીડી વડે કે લાકડાની સીડી અથવા વાંસ પગલાંઓ અથવા દોરડા વડે પણ પહોંચી શકો છો.તમે ત્યાં વાંસ નાં ડંડા વડે પણ ચડી શકો છો.

૩) ભગવાન બધા મનુષ્યો માં છે, પરંતુ બધા મનુષ્યો ભગવાન નથી; તેથી જ આપણે પીડાઈએ છીએ.

૪) પ્રભુ બે પ્રસંગોએ હસે છે. એક જયારે દાકતર દર્દી ની માતા ને કહે છે: "ડરશો નહિ, હું ચોક્કસ તમારા પુત્ર ને બચાવી લઈશ." પ્રભુ હસતા વિચારે છે: "હું આની જીંદગી લેવાનો છું અને આ માણસ કહે છે કે તને બચાવી લેશે!" દાકતર વિચારે છે કે તે જ સર્વોચ્ચ છે, જયારે ભૂલી જાય છે કે તે નહિ પરંતુ ભગવાન સર્વોચ્ચ છે. પ્રભુ બીજી વાર ત્યારે હસે છે જયારે બે ભાઈઓ પોતાની જમીન નાં ભાગ કરે છે, એવું કહી ને કે: "આ ભાગ મારો છે અને પેલો તારો." પ્રભુ હસી ને વિચારે છે: "સમસ્ત બ્રહ્માંડ મારું છે, અને આ લોકો કહે છે આ મારું અને પેલું તારું.

૫) ઘણાં લોકોને લાગે છે કે જ્ઞાન અથવા તો પુસ્તકો વગર ભગવાન ને સમજવા અશક્ય છે. પરંતુ, સંભાળવું એ વાંચન કરતા સારું છે, અને જોવું એ સંભાળવા કરતા સારું છે. બનારસ વિષે સંભાળવું એ તેના વિષે વાંચવા કરતા અલગ છે. જયારે, બનારસ જોવું એ તો તેના વિષે સંભાળવું કે વાંચન કરવું, તેનાથી સંપૂર્ણ અલગ છે.

૬) બે મિત્રો ફળોની વાડી એ ગયા. તેમનો એક કે જેનામાં દુન્યવી શાણપણવાળો છે, તેણે તરત જ કેટલા આંબા, કેટલી કેરીઓ, ગણવા માંડી, અને અંદાજ મારવા લાગ્યો કે સમગ્ર ફળો ની વાડીની આશરે શું કિંમત હોઈ શકે. તેનો સાથીદાર વાડી નાં માલિક જોડે ગયો, મિત્રતા કેળવી, અને શાંતિથી એક આંબા પાસે જઈને, યજમાન ની પરવાનગી થી, કેરી તોડી ને ખાવા લાગ્યો. એમાંથી કોને તમે હોશિયાર ગણશો?

કેરી ખાઓ. તે તમારી ભૂખ ને સંતોષશે. આંબા અને પાંદડા ગણી ને, અને ગણતરી કરવાથી શું ફાયદો? હીન મનુષ્યની બુદ્ધિ તેને વ્યસ્ત રાખે છે "શાથી" અને "શા માટે", જયારે નમ્ર મનુષ્ય તેના કર્તાની સાથે મિત્રતા કેળવી ને તેના પરમ આનંદરૂપી ભેટ ને માણે છે.

૭) કોણ કોનો ગુરુ? ભગવાન જ સમસ્ત બ્રહ્માંડનાં માર્ગદર્શક અને ગુરુ છે.

૮) ગ્રંથોમાંથી તો માત્ર ખ્યાલ મળશેકે કેવી રીતે પ્રભુને પામી શકાય. પરંતુ આ જ્ઞાન મેળવ્યા પછી, તમારે તેના પર કામ કરવાનું ચાલુ કરવું જ જોઈએ, માત્ર તેથી જ તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરી શકશો.

૯) જેમ જેમ તમે પ્રભુની નજીક જતા જશો, તેમ તેમ તમે તર્ક અને દલીલો ઓછી કરતા જશો. જયારે તમે પામી લેશો, ત્યારે બધા અવાજો - બધા જ તર્ક અને વિવાદ - નો અંત આવે છે. પછી તમે સમાધિમાં - નિંદ્રામાં - પ્રભુ સાથે મૌનથી વાતો કરવામાં ચાલ્યા જાઓ છો.

અવસાન[ફેરફાર કરો]

રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-25.