લખાણ પર જાઓ

અણસાર

વિકિપીડિયામાંથી

અણસાર ૧૯૯૨માં પ્રકાશિત થયેલી વર્ષા અડાલજાની એક નવલકથા છે. આ નવલકથાને દિલ્હીની સાહિત્ય અકાદમીનો વર્ષ ૧૯૯૫નો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો પુરસ્કાર મળ્યો હતો.[][]

પુસ્તક વિશે

[ફેરફાર કરો]

અણસાર એ એક સમસ્યાપ્રધાન સામાજિક નવલકથા છે જેમાં તેમણે સમાજમાંથી તિરસ્કૃત રક્તપિત્તના રોગથી પીડાતા લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. સેંકડો દાયકાઓથી માત્ર સમાજ જ નહીં પરંતુ સ્વજનો થકી પણ થઈ રહેલી રક્ત પિત્તના રોગીઓની ઉપેક્ષા એ આ નવલકથાનો મુખ્ય આધાર છે.[]

નવલકથાના પાત્રોની પીડાને સમજવા માટે આ નવલકથાના લેખન પહેલાં તેઓ આ રોગથી પીડાતા લોકોની વચમાં જઈને રહ્યાં હતાં. નારાયણ દેસાઈ કહે છે લેખિકાનો આ પ્રયાસ "એક સાધના બની રહ્યો છે". આ નવલકથા લખવાના ઉદ્દેશ્ય વિશે લેખિકા કહે છે કે, તેમનો હેતુ ‘સમાજના એક અંધારા ખૂણામાં એક આખો માનવસમૂહ કશા અપરાધ વિના સબડી રહ્યો છે, તેના પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાનો હતો. રક્તપિત્ત ચેપી રોગ નથી તથા એ રોગના દર્દીઓ સારી એવી માવજત અને સારવારથી સાજા થતા હોય છે, છતાં એવા સાજા થયેલા દર્દીઓથી પણ દૂર ભાગવાની મનોદશા સમાજના પ્રત્યેક વર્ગમાં જોવા મળે છે’. તેમણે નવલકથામાં કોઈ સાચા પ્રસંગ ઉપરથી રૂપાનું પાત્ર સર્જીને કથા આલેખી છે.[]

કથાસાર

[ફેરફાર કરો]

આ નવકથામાં મુખ્ય પાત્ર રૂપા છે. તેને કુષ્ઠરોગનું નિદાન થતાં સમગ્ર કુટુંબની નજરમાં તે ઉપેક્ષિત બને છે. તેનો પોતાનો પતિ પણ એની પત્નીની ઉપેક્ષા થતી જોઈ લાચારી અનુભવે છે. રૂપાની સાસુ તેને રક્તપિત્તની હૉસ્પિટલમાં રૂપાને છોડી આવવાના આગ્રહી છે. હોસ્પિટલમાં રૂપા અન્ય રોગીઓ, નર્સો, મળવા આવનારા સગાંવહાલાં આદિનું વલણ વગેરે અનુભવે છે. જેને કારણે રૂપા રુગ્ણ દશામાં પીડાયા કરે છે અને છેવટે તે આ દશામાંથી પોતાને બહાર કાઢી કુષ્ઠરોગના દર્દીઓની સેવામાં જીવન અર્પે છે.[]

આવૃત્તિઓ

[ફેરફાર કરો]

આ નવલકથાના બે પુનર્મુદ્રણો ઈ.સ. ૧૯૯૬માં અને ૧૯૯૭માં થયાં છે.[]

સન્માન

[ફેરફાર કરો]

આ નવલકથાને દિલ્હીની સાહિત્ય અકાદમીનો વર્ષ ૧૯૯૫નો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો એવોર્ડ મળ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "વર્ષા અડાલજા : પ્રેરણા અને પરિશ્રમથી મહેકતો શબ્દ". opinionmagazine.co.uk. મેળવેલ 2021-10-09.
  2. "વર્ષા અડાલજા ‍ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. એમણે વાર્તાલેખન". gu.freejournal.info. મૂળ માંથી 2021-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-09.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "અણસાર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-09.