આંગળિયાત
લેખક | જોસેફ મેકવાન |
---|---|
અનુવાદક | રીટા કોઠારી |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | નવલકથા |
પ્રકાશક | ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (અંગ્રેજી અનુવાદ) |
પ્રકાશન તારીખ | ૧૯૮૬ |
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ | ૨૦૧૦ |
પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૯) |
આંગળિયાત જોસેફ મેકવાનની ૧૯૮૬માં પ્રકાશિત એક જાનપદી નવલકથા છે, જે ચરોતરના પદદલિત-વણકરોના જીવનની સમસ્યાઓનું વર્ણન કરે છે. નવલકથા સમાજમાં દલિતોના શોષણની સાથે સાથે સામાજિક સંદર્ભમાં ન્યાય, સમાનતા, માનવતા જેવા મુદ્દાઓને ઉજાગર કરે છે.[૧]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]આંગળિયાત ચરોતર-ખેડા જિલ્લાની દલિત લોકોની પ્રાદેશિક, સામાજિક અને ચરોતરી પછાત બોલીને રજૂ કરતી એક કથા છે.[૧] નવલકથાના પાત્રો વાસ્તવિક છે. આ નવલકથા વાસ્તવિક ઘટના પર આધારિત છે.[૨]
આ નવલકથાનો સમયગાળો ૧૯૩૦થી ૧૯૬૦નો છે. ૧૯૧૦-૧૧ ના સમયગાળામાં વાલજી-ટીહાનો જન્મ થયો, ત્યાર પછી ૧૯૩૨માં વાલજીની હત્યા થઇ. ટીહાની પણ ૧૯૬૬માં હત્યા કરાઈ.[૨]
કથા
[ફેરફાર કરો]ભારતીય સ્વતંત્રતાના પહેલાના અને પછીના બે દાયકા દરમિયાન સમાજમાં દલિતો- વણકરોની સામાજિક-આર્થિક સ્થિતિને આ નવલકથામાં વર્ણવવામાં આવી છે. વાલજી અને ટીહો નામના દલિત યુવકો મોજ-માદરપાટ-પછેડી જેવા કાપડોને વહેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ સવર્ણોના શોષણ અને પજવણીથી કંટાળી ગયા છે. તે સંઘર્ષમાં વાલજીનું મોત નિપજે છે, ત્યારબાદ કંકુ, ટીહો અને તેની પ્રિયતમા મેઠીની કથા છે.[૧] જીવણ, દાનજી વગેરે ગામમાંથી શહેરમાં ચાલ્યા જાય છે.[૨] સવર્ણો દ્વારા કરવામાં આવતા અત્યાચાર અને રાજકારણને રજૂ કરવામાં આવ્યું છે.[૧] નવલકથામાં પ્રણયને પણ કેન્દ્રમાં રાખવામાં આવેલ છે કંકુ અને કાનજી અને ટીહા અને મેથીની પ્રણયકથા આબેહૂબ વર્ણવવામાં આવે છે.[૨]
લેખકે શોષિત અને શોષક વર્ગના સંઘર્ષનું આબેહૂબ ચિત્રણ કર્યું છે. અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવા અને સામાજિક પરિવર્તનના ધ્યેયને ધ્યાનમાં રાખી આ નવલકથામાં રજૂ કરવામાં આવી છે.[૨]
ભાષા શૈલી
[ફેરફાર કરો]નવલકથાની ભાષાશૈલી પ્રભાવકની સાથે-સાથે પ્રવાહી, વેગવંતી, અર્થસભર અને સક્ષમ છે. નવલકથામાં મુખ્યત્વે દલિત લોકબોલીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આંગળિયાત રસાત્મક દ્રષ્ટિએ પણ સીમાચિન્હરૂપ નવલકથા છે.[૨]
અનુવાદ
[ફેરફાર કરો]રીટા કોઠારીએ આ નવલકથાને અંગ્રેજીમાં અનુવાદિત કરી છે, જે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત થઇ હતી.[૩]
આવકાર અને ટીકા
[ફેરફાર કરો]ડૉ . મંજુ ઝવેરી કહે છે: “આંગળિયાત' નવલકથા વાંચતાં જાણે કે હું એક જુદી જ સૃષ્ટિમાં પ્રવેશ પામી , જેનું પ્રવેશદ્વાર આજ સુધી મારે માટે બંધ હતું ... દલિત સાહિત્યના આક્રોશ અને આત્મીયતાથી ઊંચેરી ઊઠતી આ નવલકથામાં પહેલી વાર આત્મવિશ્વાસ અને સંકુલ ભાવન – પરિસ્થિતિનાં દર્શન થાય છે , અફાટ અનુભવ - વિશ્વ લેખક પાસે પડ્યું છે અને એમાં ભળી છે માણસના આંતર મનને પામવાની લેખકની સદૈવ જાગૃત કુતૂહલતા; અને એની સામાજિક ચેતનાને લાગ્યો છે સર્જકત્વનો પાશ . અહીં કોઈક વિરલ સંયોગ સધાયો છે . પ્રથમ વાર જ કહેવાતી પછાત અસ્પૃશ્ય કોમના જીવતા જાગતા માણસ એમનું સમસ્ત ભાવવિશ્વ લઈને આપણી સમક્ષ ખડા થઈ જાય છે ... આ વિશિષ્ટ કથા હોવા છતાં અનેક સ્તરીય બૃહદ્ માનવની કથા બની રહે છે ... લેખક અહીં એક પ્રતિબદ્ધ વ્યક્તિ કરતાં સર્જક તરીકે વધુ પુરવાર થયા છે . ” ( ‘ ફાર્બસ ત્રૈમાસિક ' - ૧૯૮૬ ).[૪]
ડૉ. ધવલ મહેતા કહે છે કે ગુજરાતી ગ્રામકથામાં એ “ચોથું મોજું છે . ઝવેરચંદ મેઘાણી – કૃત ‘ સોરઠ , તારાં વહેતાં પાણી ' , પન્નાલાલ પટેલ – કૃત “ માનવીની ભવાઈ ” અને રઘુવીર ચૌધરીની ‘ ઉપરવાસ - કથાત્રયી ’ પછી ૧૯૮૬ માં પ્રગટ થયેલી આ “ આંગળિયાત ' એક સીમાસ્તંભ છે . અલબત્ત , એ “ માનવીની ભવાઈ ' જેવી મહાનવલ નથી કે “ ઉપરવાસ કથાત્રયી ' જેવી સંક્રાન્તિકથા નથી , પણ દલિત સમાજની વેદનાના નિર્દભ નિરૂપણની કથા તરીકે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે."[૪]
ડૉ. મોહન પરમાર નોંધે છે કે "જે સમાજમાં જન્મીને એમને અસહ્ય અપમાનો સહન કરવા પડ્યાં તે સમાજનું દસ્તાવેજી ચિત્રણ આ કૃતિમાં જે રીતે ઉપસ્યું છે તે જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે ભલે આ કૃતિ કલાનાં માપદંડોમાં ઊંણી ઉતરતી હોય પણ પોતાની ભીતરમાં સળવળતી વેદનાનું વિશ્વ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે."[૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ પટેલ, મણિલાલ હ. (૨૦૧૪). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૩૩.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ પટેલ, ડૉ. બેચરભાઈ (2018). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૩૮૨-૩૮૫.
- ↑ Yôsepha Mekavāna; Rita Kothari (૨૦૦૪). The Stepchild. Oxford University Press. ISBN 978-0-19-566624-3. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭.
- ↑ ૪.૦ ૪.૧ પટેલ, ડૉ. બેચરભાઈ (2018). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૩૮૫.
- ↑ "Sahityasetu- ISSN:2249-2372". sahityasetu.co.in. મેળવેલ 2021-02-05.