આયરની

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્લાસ્ટિકના ઢગલાની પાસે જ લખવામાં આવેલ વાક્ય: 'પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, પર્યાવરણ બચાવો' આયરનીનું ઉદાહરણ છે

આયરની (English: Irony આયરની) અથવા વિડંબના સાહિત્યિક કે અન્ય અભિવ્યક્તિની એક રીત છે, કે જેમાં પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં અલગ, વિરુદ્ધ હોય છે. તેને વક્રતા કે વ્યંગ્યાર્થ પણ કહે છે. તેના બે પ્રકારો છે: (૧) ભાષાગત વ્યંગ્યાર્થ અને (૨) પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વિડંબના વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે.[૧] આયરનીના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ અને કરુણા નિષ્પન્ન થાય છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

આયરની નામનો આ અંગ્રેજી શબ્દ જૂની ગ્રીક સુખાન્તિકા (કૉમેડિ) ના આઈરન નામના એક પાત્ર પરથી ઊતરી આવ્યો છે. ભોળા હોવાનો દેખાવ કરનાર આ પાત્ર ચતુરો કરતા વધારે બુદ્ધિ અને ચબરાકિયાપણું પ્રગટ કરે છે. ગુજરાતીમાં આયરની માટે વક્રોક્તિ, વ્યંગ્યોક્તિ, અન્યોક્તિ, કટાક્ષવચન, અવળવાણી, માર્મિક કથન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. વિપરીત લક્ષણા અને વ્યાજસ્તુતિ અલંકાર પણ આ જ ભાવર્થને પ્રગટ કરે છે.[૨]

પ્રકારો[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાં આયરનીના (વક્રોક્તિના) પ્રકારો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે:[૨]

 1. શાબ્દિક વક્રોક્તિ
 2. ઘટનાત્મક વક્રોક્તિ
 3. વર્તનની વક્રોક્તિ
 4. આત્મમંથનની વક્રોક્તિ
 5. દાર્શનિક વક્રોક્તિ
 6. હાસ્યજનક વક્રોક્તિ
 7. કરુણ વક્રોક્તિ
 8. નાટ્યાત્મક વક્રોક્તિ
 9. રંગદર્શી વક્રોક્તિ
 10. સામાન્ય વક્રોક્તિ
 11. વિશિષ્ટ વક્રોક્તિ
 12. પાત્રગત વક્રોક્તિ
 13. પ્રાકૃતિક વક્રોક્તિ
 14. વિધિની વક્રતા

પ્રયોજન[ફેરફાર કરો]

આયરનીના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત તાત્વિક ભૂમિકાએ પણ આ રીત પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની આયરની વૈશ્વિક આયરની તરીકે ઓળખાય છે.[૧] આયરનીની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે.[૧] આયરની બે પ્રકારની વાસ્તવિકતાને એકબીજાની પાસે મૂકે છે. એ રીતે વિડંબના વાસ્તવિકતા માત્ર એક જ પ્રકારની હોઈ શકે કે હોય છે એવા ખ્યાલને પડકારે છે. મિલાન કુન્દેરા મુજબ વિડંબના કોઈ પણ પ્રકારની નિશ્ચિતતા (certainity) ને, પછી એ ડાબેરી હોય કે જમણેરી, ઊથલાવી પાડે છે.[૩] નવીન વિવેચકોએ આયરનીનો અર્થ 'ખાસ શબ્દપ્રયોગોથી જન્મતી અસંગતિઓ' એવો કર્યો છે. દાખલા તરીકે, એણે મોટો વાઘ માર્યો - આ ઉક્તિ અતિસામાન્ય કાર્ય કરનાર માટે બોલવામાં આવે ત્યારે વિશિષ્ટ શબ્દપ્રયોગથી અહિં આયરની નિષ્પન્ન થાય છે. વિરોધાભાસ કે વિસંગતિ આયરની માટેની કાચી સામગ્રી છે. આયરનીના આ પ્રકારમાં બાહ્ય ર્દષ્ટિએ હાસ્યજનક લાગતી પરિસ્થિતિ વાસ્તવમાં કરુણનો અનુભવ કરાવે છે. જ્યોર્જ ઑરવેલ કૃત 'ઍનિમલ ફાર્મ'માં આવતા વાક્યો 'યુદ્ધ શાંતિ છે', 'આઝાદી ગુલામી છે', 'અજ્ઞાન એ શક્તિ છે' વગેરે આયરનીના ઉદાહરણ છે.[૨]

સાહિત્યિક અભિવ્યક્તિ માટે આયરની એક વિશિષ્ટ પદ્ધતિ છે. તેમાં પ્રયોજીત શબ્દ કે નિરૂપીત પરિસ્થિતિનો દેખીતો અર્થ એક હોય છે અને સૂચિત કે વિચક્ષિત અર્થ ભિન્ન હોય છે. આ જ રીતે કાવ્યમાં શ્લેષ કે કાકુના ઉપયોગથી અભિપ્રેત અર્થથી ભિન્ન કલ્પના રજૂ કરવામાં આવે છે. નાટક કે કથાસાહિત્યમાં પરિસ્થિતિજન્ય વ્યંગ્યાર્થ નિષ્પન્ન કરવામાં આવે છે. નાટકમાં કે ચલચિત્રમાં ઘટનાનો વળાંક પ્રેક્ષકોને જ્ઞાત હોય અને પાત્ર તેનાથી અજ્ઞાત હોય અથવા તો ધારણા કરતા અન્ય ઘટના બને ત્યારે વિધિવક્રતાનો અનુભવ થાય છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ નાયક, પરેશ (૧૯૯૬). ટોપીવાળા, ચન્દ્રકાન્ત, ed. ગુજરાતી સાહિત્યકોશ ભાગ. ભાગ-૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૫૧૯. 
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ભટ્ટ, વિનોદ (૧૯૯૦). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ - ઈ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. 207-208. 
 3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 145: attempt to compare nil with number.