કનુ દેસાઈ

વિકિપીડિયામાંથી
(કનુભાઇ દેસાઇ થી અહીં વાળેલું)
કનુ દેસાઈ
જન્મની વિગત૧૨ માર્ચ ૧૯૦૭
અમદાવાદ
મૃત્યુ૯ ડિસેમ્બર ૧૯૮૦
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોકનુભાઈ દેસાઈ
નાગરિકતાભારતીય
શિક્ષણ સંસ્થાશાંતિ નિકેતન
પ્રખ્યાત કાર્યચિત્રકળા
પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૮),
ગુજરાત ગૌરવ પુરસ્કાર (૧૯૬૫)

કનુ દેસાઈ (૧૨ માર્ચ ૧૯૦૭ - ૯ ડિસેમ્બર ૧૯૮૦) ભારતના રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એક ગુજરાતી ચિત્રકાર હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૨ માર્ચ ૧૯૦૭ના દિવસે અમદાવાદ, ગુજરાત ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો.[૧] તેઓ પોતાના મોસાળમાં ઉછરેલા હતા. હાઇસ્કૂલના અભ્યાસ બાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. આ દરમિયાન કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે ચિત્રકારીના પાઠ ભણવાના શરૂ કર્યા. ત્યારબાદ ચિત્રકારીના વધુ અભ્યાસ માટે તેઓ બંગાળના શાંતિનિકેતનમાં જોડાયાં. જ્યાં તેમણે ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝ પાસેથી ચિત્રકાળાનો વધુ અભ્યાસ કર્યો.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

કનુ દેસાઇનું એક રેખાચિત્ર

અભ્યાસ બાદ ત્રણ વર્ષ સુધી તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. વર્ષ ૧૯૨૯માં તેમનો પ્રથમ સંગ્રહ સત્તર છાયાચિત્રો પ્રગટ થયો. ત્યાર એક પછી એક એમ તેઓના ૩૦ આલ્બમો પ્રકાશિત થયાં.[૧] ઈ. સ. ૧૯૩૦માં ગાંધીજીની આગેવાની હેઠળ થયેલી દાંડી કૂચના પ્રસંગોને તેમણે પોતાની તુલિકાથી કેનવાસ પર ઉતાર્યાં. બ્રિટીશ સરકારે આ ચિત્રો જપ્ત કરી લીધા, પરંતુ આ ચિત્રોનો સંપુટ લંડનમાં પ્રગટ થયો. બચુભાઇ રાવતના કુમાર તથા દક્ષિણના કલ્કિ જેવાં પ્રસિદ્ધ સામયિકોમાં તેમનાં ચિત્રો પ્રગટ થવા લાગ્યાં.

૧૯૬૪ માં રોરિક મ્યઝિયમ (ન્યૂયોર્ક)માં તેમનાં ચિત્રો પ્રદર્શિત થયાં. ૧૯૬૯માં ગાંધીજીની જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ૧૬ ડબાની બે આખી ટ્રેનો પર તેમને ગાંધી કથા ચીતરી. તેમણે ર. વ. દેસાઈની કથા ઉપર આધારિત ફિલ્મ પૂર્ણિમા ઉપરાંત ઝનક ઝનક પાયલ બાજે, રામરાજ્ય, ભરત મિલાપ, બૈજુ બાવરા જેવી ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપેલું હતું.[૩]

લગભગ પાંચેક હજાર ચિત્રો, ત્રીસ ચિત્ર સંપુટો, પંચાવનથી વધુ ફિલ્મોનું કલાદર્શન, આ ઉપરાંત પણ લગ્ન પત્રિકાઓ, આમંત્રણ પત્રિકાઓ, દિવાળી અંકોના મુખપૃષ્ઠો, દિવાળી કાર્ડ, કેલેન્ડર – ચિત્રો દ્વારા સેંકડો કલાત્મક નમૂના તેમણે કલાજગતને આપ્યાં.

લેખક રજની વ્યાસ અનુસાર, "કનુભાઈએ શુદ્ધ ભારતીય ભાવનાઓ અને ગુજરાતની અસ્મિતાના સ્પર્શ સાથેનાં પોતાનાં કલ્પનાપ્રચુર ચિત્રો દ્વારા ગુજરાતના સમાજજીવનને કલાના સંસ્કાર આપ્યા હતા" તથા "તે દાયકામાં એમનું એકાદ ચિત્ર કે આલ્બમ ઘરમાં હોવું એ સંસ્કારિતાનું દ્યોતક ગણાતું." વ્યાસ લખે છે, ગુજરાતની બહાર "ગુજરાતની કલાની દ્યુતિ પ્રસરી છે, તેમાં કનુ દેસાઈનો મહત્વનો હિસ્સો છે."[૧]

૯ ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે તેમનું અવસાન થયું હતું.[૧]

પુરસ્કાર[ફેરફાર કરો]

૧૯૩૮માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.[૪] ૧૯૫૭માં ઝનક ઝનક પાયલ બાજે ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૫] ૧૯૬૫માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તરફથી તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ 263.
  2. ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધરો. ગાંધીનગર: માહિતિ કમિશ્નર, ગુજરાત રાજ્ય. November 2014. પૃષ્ઠ ૭૦.
  3. "મેઘ અને વૃષ્ટિ - કલાકૃતિ - શ્રી કનુ દેસાઈ". Magazine. ગુજરાત સમાચાર. મેળવેલ 5 એપ્રિલ 2014.
  4. ૪.૦ ૪.૧ "Kanu Desai Biography". NuGa Arthouse. મૂળ માંથી માર્ચ 4, 2016 પર સંગ્રહિત. મેળવેલ June 13, 2014.
  5. "Best Art Director Award Filmfare". Awards&Shows. મેળવેલ June 13, 2013.