કપ્પૂરમંજરી
કપ્પૂરમંજરી (સંસ્કૃત: કર્પૂરમંજરી) કવિરાજ રાજશેખરે ઇ.સ. દસમી સદીમાં રચેલ પ્રાકૃત ભાષાનું સંગીતરૂપક છે. માત્ર પ્રાકૃતભાષામાં રચાયેલાં નાટકોને સટ્ટક કહેવામાં આવે છે અને આ સટ્ટકો પૈકી કપ્પૂરમંજરી સૌપ્રથમ અને વિશિષ્ટ છે.[૧]
લેખન
[ફેરફાર કરો]હર્ષની રત્નાવલીની જેમ કપ્પૂરમંજરીનું કથાવસ્તુ ચાર જવનિકા એટલે કે અંકોમાં બનેલું છે. આ કથામાં રાજા ચંડપાલ અને કુંતલની રાજકુમારી કર્પૂરમંજરીની પ્રણયગાથાને પદ્યાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. કાપાલિક ભૈરવાનંદ તંત્રવિદ્યાથી નાયિકાને રાજસભામાં હાજર કરે છે. નાયિકાને જોતાં જ ચંડપાલ પ્રથમ ર્દષ્ટિએ જ તેને ચાહવા લાગે છે. ત્યારબાદ વિદૂષકની મદદથી બંનેનું મિલન યોજાય છે. આ દરમિયાન મહારાણી વિભ્રમલેખા પ્રણયમાં વિઘ્નરૂપ બને છે. અંતે કાપાલિક ભૈરવાનંદની સહાયથી રાજા અને કર્પૂરમંજરીના વિવાહ થાય છે.[૧]
રમણિકભાઈ મ. શાહના મતે "અનુપમ પદલાલિત્ય અને ગીતિસૌન્દર્યથી મંડિત ‘કપ્પૂરમંજરી’ પ્રાકૃત ભાષાનું ઉત્તમ રૂપક ગણાય છે."[૧]