લખાણ પર જાઓ

કલ્યાણભાઈ બાબરભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
કલ્યાણભાઈ બાબરભાઈ પટેલ

કલ્યાણભાઈ બાબરભાઈ પટેલનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામમાં ૨૭ ડિસેમ્બર ૧૯૩૬ના દિને નિરક્ષર ખેડુત તથા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ બાબરભાઈ અને માતાનું નામ ગજરાબેન છે. કલ્યાણભાઈ તેમનાં બીજા ક્રમના સંતાન હતા.

અભ્યાસ

[ફેરફાર કરો]

આર્થિક રીતે અત્યંત કપરા સંજોગોમાં ફાઇનલ પાસ કરીને તેઓ પ્રાથમિક શિક્ષક બન્યા હતા. આ અભ્યાસ પૂર્ણ કરવા માટે તેઓએ ગોવાળીયા અને ટપાલી તરીકે કાર્ય પણ કરવું પડયું હતું.

કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓને ૧૯૫૯ના વર્ષમાં વાંસદા તાલુકાના કુકડા ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળી. આ દરમ્યાન તેમનાં લગ્ન તે સમયના મુંબઇ રાજ્યના નાસિક જિલ્લામાં આવેલા સુરગાણા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી નારણભાઈ લાછાભાઈનાં જ્યેષ્ઠ પુત્રી નંદુબહેન સાથે થયાં. થોડા જ સમયમાં ગુજરાત રાજ્યની રચના થતાં અને ડાંગ વિસ્તારનો એમાં સમાવેશ થતાં ગુજરાત સરકારને ડાંગ વિસ્તાર માટે શિક્ષકોની જરૂર પડી. આ માટે કલ્યાણભાઈ અને નંદુબહેને પહેલ કરી સરકારને ત્યાં જવા માટે ખુશીથી હા પાડી હતી. પરિણામે તેમની નિમણુંક સરકારી આશ્રમશાળા, બારીપાડા ખાતે થઇ હતી. આ સમયે તેમણે ખાદીનાં કપડાં આજીવન પહેરવાનું નક્કી કર્યું હતું, જે આજપર્યંત એમણે જાળવી રાખ્યું છે.

અહીં તેઓ સ્થાનીક લોકો સાથે ઓતપ્રોત થઇ પોતાનું કાર્ય કરતા. અહીં રહી તેમણે ડાંગ જિલ્લાની ડાંગી ભાષા તેમ જ મહારાષ્ટ્ર રાજ્યની સરહદની નજીકનો વિસ્તાર હોવાથી મરાઠી ભાષા પર પણ પૂરેપુરું પ્રભુત્વ મેળવી લીધું હતું. આ કારણે તેઓ સ્થાનીક લોકોની સાથે આત્મીયતા કેળવી શકતા હતા. આ ઉપરાંત તેમણે અન્ય આદિવાસી ભાષાઓ પૈકીની ગામિત તેમ જ ચૌધરી ભાષામાં પણ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું.

સને ૧૯૯૪ના વર્ષમાં ધરમપુર તાલુકાના કેળવણી નિરીક્ષકના પદ પરથી વયમર્યાદાને કારણે તેમની નિવૃતિ થઇ. નિવૃતિ બાદ સામાજિક, રાજકીય, સહકારી ક્ષેત્રે તેમનો ઉદય થયો. હાલમાં તેઓ વાંસદા તાલુકાના કુરેલિયા ગામે નંદુવાડી ખાતે રહી વિવિધ ક્ષેત્રે પોતાની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. ૭૨ વર્ષની વયે તેઓ કોઇપણ યુવાનને પડકારી શકે તેવી તંદુરસ્તી તથા વાકછટા ધરાવે છે.

સન્માન

[ફેરફાર કરો]

તેમની આશ્રમશાળાના વિદ્યાર્થીઓનાં ઉત્તમ પરિણામો મેળવતા. તેમની શાળામાં દરેક વિદ્યાર્થી મોતીના દાણા જેવા અક્ષરો વડે લખી શકતા હતા. તેઓ શારિરીક શિક્ષણની ફરજિયાત તાલિમ અને શિસ્તના આગ્રહી હતા. શિક્ષક તરીકેની આવી સરસ કામગીરી, ફરજનિષ્ઠા, તેજસ્વિતા, સાદાઇ, પરિશ્રમ, પ્રામાણિકતા, સ્વચ્છતા, દક્ષતા, વહીવટી કુશળતા જેવા ઉમદા ગુણોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા કલ્યાણભાઈને સને ૧૯૭૬માં તે સમયના રાજ્યપાલ શ્રી કે.કે.વિશ્વનાથનના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

સમાજસેવા

[ફેરફાર કરો]
  • પ્રખર વક્તા તથા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા શ્રી કલ્યાણભાઈ સને ૧૯૯૫ના વર્ષમાં તેઓ પોતાના સમાજ (શ્રી સમસ્ત ધોડિયા સમાજ)ના પ્રમુખ તરીકેના પદે આરુઢ થયા, જ્યાં તેઓ આજ પર્યંત સેવા આપી રહ્યા છે.
  • ભિનાર ગામની દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તરીકે કલ્યાણભાઈ છેલ્લાં ૧૦ વર્ષથી કાર્યરત રહ્યા છે.
  • છેલ્લાં ૪ વર્ષથી તેઓ વલસાડ જિલ્લા સહકારી બેંકના ડીરેક્ટર પદે સેવા આપી રહ્યા છે.
  • છેલ્લા ૮ વર્ષથી કલ્યાણભાઈ ગુજરાત રાજ્ય આદિવાસી વિકાસ સંઘના પ્રમુખ છે. તેઓએ ખૂબ જ નીડરતાથી અને અભ્યાસ કરી સચોટ રીતે તાલુકામાં, જિલ્લામાં તથા રાજ્યસ્તરે આદિવાસીઓને લગતા પ્રશ્નોની અવારનવાર રજૂઆત કરી, ઉકેલો પણ મેળવ્યા છે.
  • સર્વ સેવા કેન્દ્ર, બીલીમોરા તરફથી વઘઇ ખાતે કાર્યરત કેન્દ્રના ઉપપ્રમુખ તરીકે તેઓ લાંબા સમયથી સેવા આપી રહ્યા છે, જેના ઉપક્રમે ડાંગ જિલ્લામાં કાંતણ, વણાટ અને અન્ય પ્રવૃતિઓ ચાલે છે.
  • ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલતી નઇ તાલીમના કાયમી આમંત્રિત સભ્ય છે. આ ઉપરાંત આશ્રમશાળા અને ઉત્તર બુનિયાદી પગલાં સમિતિના સભ્ય છે.

સ્કાઉટ અને ગાઇડ

[ફેરફાર કરો]

ભારત સ્કાઉટ અને ગાઇડના ગુજરાત રાજ્યના મદદનીશ કમિશનર અને નવસારી જિલ્લાના ચીફ કમિશનર છે.

રાજકારણ

[ફેરફાર કરો]

વલસાડ જિલ્લા પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે લિમઝર બેઠક પરથી ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી. તેમાંથી વિજયી બની તેઓ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યા. આ સમયમાં વલસાડ જિલ્લાનું વિભાજન થતાં તેઓ નવસારી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યા હતા. હાલમાં તેઓ ગુજરાત રાજ્યના ભાજપ આદિવાસી મોરચાના સભ્ય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • "વડલો". શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનો અંક.