કહારયણકોસો
કહારયણકોસો (સંસ્કૃત: કથારત્નકોશ) દેવભદ્રસૂરિ-રચિત પ્રાકૃત ભાષાનો કથાકોશ છે. ૫૦ કથાઓના આ કોશની રચના ભરૂચના મુનિસુવ્રત ચૈત્યાલયમાં ઇસવીસન ૧૧૦૧(વિક્રમ સંવત: ૧૧૫૮)માં થઈ હતી.[૧]
લેખન
[ફેરફાર કરો]નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિએ આ ગ્રંથની રચના ભરૂચના મુનિસુવ્રત ચૈત્યાલયમાં ઇસવીસન ૧૧૦૧(વિક્રમ સંવત: ૧૧૫૮)માં થઈ હતી. આ ગ્રંથમાં કુલ ૫૦ કથાઓ છે. આ કથાકોશ બે અધિકારોમાં વિભાજિત છે: પહેલો ધર્માધિકારી – સામાન્ય ગુણવર્ણનાધિકાર અને બીજો વિશેષ ગુણવર્ણનાધિકાર. પહેલા અને બીજા અધિકારમાં અનુક્રમે ૩૩ અને ૧૭ કથાઓ છે.[૧]
આ કથાકોશમાં કથાકારે કથાપ્રવાહને ગતિશીલ બનાવવા માટે ઉપવન, ઋતુ, રાત્રિ, યુદ્ધ, સ્મશાન, રાજપ્રાસાદ, નગર વગેરેનાં સરસ વર્ણનો આપ્યાં છે.[૧] આ સમગ્ર કથાઓમાં જાતિવાદનું ખંડન તથા માનવતાવાદની પ્રતિષ્ઠા જોવા મળે છે.
ગ્રંથના લેખનમાં ગદ્યપદ્યમિશ્ર તથા શૈલી પ્રવાહી છે. તેની મુખ્ય ભાષા પ્રાકૃત છે પણ કયાંક ક્યાંક અપભ્રંશ તથા સંસ્કૃતનો પ્રયોગ જોવા મળે છે.[૧]