કાન્હડદે પ્રબંધ

વિકિપીડિયામાંથી

કાન્હડદે પ્રબંધ અપભ્રંશ (જૂની ગુજરાતી) ભાષામાં ઇસવીસન ૧૪૫૫માં લખાયેલું એક પુસ્તક છે. તે મૂળ કાવ્યના સ્વરૂપમાં છે; તેનું લેખન વીસલનગરા નાગર બ્રાહ્મણ અને જાલોરના રાજ્યાશ્રિત કવિ પદ્મનાભે કર્યું છે.[૧] તે જાલોરના રજપૂત રાજા કાન્હડદેનો અલાઉદ્દીન ખિલજી નામના મુસ્લિમ સુલતાન સામેનો પ્રતિકાર દર્શાવે છે.[૨]

વિષય[ફેરફાર કરો]

પદ્મનાભ જાલોરના રાજા અખેરાજજીના રાજ્યશ્રિત કવિ હતા અને આ કૃતિના કેન્દ્રસ્થાને અખેરાજજીના પૂર્વજ કૃષ્ણદેવ ચૌહાણ (કાન્હડદે) છે.[૧] ગુજરાતના વાઘેલા વંશના રાજા કરણસિંહ વાઘેલાએ તેના મંત્રી માધવ મહેતાનું અપમાન કર્યું જેથી તેણે રોષે ભરાઈને દિલ્લીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે તૈયાર કર્યો.[૧] ગુજરાત પર આક્રમણ કરતા સમયે જાલોરના રાજા કાન્હડદેએ સુલતાનની સેનાને માર્ગ ન આપ્યો; ખિલજીએ ગુજરાત જીત્યું, ત્યાં સોમનાથ મંદિરને તોડ્યું અને લૂંટફાટ કરી વળતાં કાન્હડદે પર આક્રમણ કર્યું.[૧]

કાન્હડદેએ તેને પરાજય આપ્યો. તેથી અલાઉદ્દીને નાહર મલિકના નેતૃત્વમાં મોટી સેના મોકલી જેણે કાન્હડદેના ભત્રીજા સાંતલસિંહના ગઢ સમિયાણાને ઘેરો ઘાલ્યો પરંતુ સાંતલસિંહ અને કાન્હડદેની સેનાએ મલિકની મુસ્લિમ સેનાના હાલહવાલ કરી નાખ્યા.[૨]

હવે, આ હારથી અલાઉદ્દીન ખિલજી જાતે ચડી આવ્યો જેમાં તેની પુત્રી પિરોજા પણ સાથે હતી. સમિયાણાના ગઢ પર આવેલા જળાશયને ગાયના લોહીથી દૂષિત કરી નાખ્યું અને આમ સાત વર્ષ રહીને સમિયાણા પડ્યું.[૨] જાલોર પર ખિલજીએ ચડાઈ કરતાં આઠ વર્ષ સુધી રજપૂતોએ વીરતાથી તેમનો સામનો કર્યો પણ ઇસવીસન ૧૩૧૨માં વીકા સેજપાલ નામના એક દેશદ્રોહી રજપૂતે ગુપ્તમાર્ગ બતાવતા કાન્હડદે અને તેમનો પુત્ર વીરમદે વીર-ગતિ પામ્યા.[૨] પિરોજાના વીરમદે પ્રત્યેના એકપક્ષીય પ્રેમનું નિરૂપણ છે, અંતિમ સમયે વીરમદે તેનું મોઢું પણ જોવા તૈયાર થતો નથી; વીરમદેના મૃત્યુ પછી તેનું માથું દિલ્લી લઈ જવાય છે અને ત્યાં પણ આ કવિતા અનુસાર તે માથું ફેરવી લે છે. છેલ્લે તે મસ્તકને દાહ આપી પિરોજા યમુનામાં સમાધિ લે છે.[૨]

વિવેચન[ફેરફાર કરો]

જૂની ગુજરાતીમાં રચાયેલ આ પ્રબંધની રચના ઘટના બન્યા પછી ૧૪૪ વર્ષે થઈ હતી 'છતાં તે સમયની નાનીમોટી હકીકતો એ ગૂંથે છે' અને 'યુદ્ધોના અનેક મોરચાઓને તે ચોકસાઈથી અને વાસ્તવિક વીગતોથી આલેખે છે તથા સમગ્ર હકીકતની સીલસીલાબંધ રજૂઆત કરે છે'.[૨] સાથે જ, તે સમયના સમાજજીવનનું ચિત્રણ ઝીણવટભર્યું છે.[૨]

આ કૃતિમાં વિવિધ રસો જેવા કે વીરરસ, વીરકરૂણરસ, સમર્પણરસ, શૃંગારરસ વગેરેનું નિરૂપણ છે.[૧] કૃતિ દુહા, ચોપાઈ, રાસ, અને ગીતના ઢાળ ધરાવે છે.[૧] આ પ્રબંધ 'હમ્મીરપ્રબંધ' જેવી કૃતિઓ માટે અનુકરણીય બન્યું છે.[૨]

પિરોજાના વીરમદે પરના એકપક્ષીય પ્રેમનું પ્રકરણ મોટેભાગે કાલ્પનિક ગણવામાં આવે છે.[૧][૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • કરણ ઘેલો, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા જેમાં ખિલજીના ગુજરાતના આક્રમણનું વર્ણન છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ પંડ્યા, ભાનુપ્રસાદ (૨૦૧૮). કાન્હડદે પ્રબંધ. ગુજરાતી વિશ્વકોશ (ખંડ ૪, પૃ:૫૬૧). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ કા.વ્યા (૧૯૮૯). કાન્હડદેપ્રબંધ. ગુજરાતી સાહિત્યકોશ (ખંડ ૧, પૃ:૫૩–૫૪). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]