લખાણ પર જાઓ

કીર્તિ તોરણ

વિકિપીડિયામાંથી
કીર્તિ તોરણ
પૂર્વ તરફમાં આવેલું તોરણ
નકશો
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીમારુ-ગુર્જર સ્થાપત્યશૈલી (ચાલુક્ય)
સ્થાનવડનગર, મહેસાણા, ગુજરાત
દેશIndia
અક્ષાંશ-રેખાંશ23°47′27″N 72°38′32″E / 23.7908°N 72.6422°E / 23.7908; 72.6422
તકનિકી માહિતી
બાંધકામ સામગ્રીલાલ પીળો રેતીયો પથ્થર
ઓળખરાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો (N-GJ-156)

કીર્તિ તોરણ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા બે તોરણો (સુશોભન પ્રવેશદ્વાર) છે. ૧૨મી સદીમાં બાંધવામાં આવેલાં આ તોરણો મારુ-ગુર્જર સ્થાપત્યશૈલીના ઉદાહરણો છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૨મી શતાબ્દીના આ બે તોરણો શહેરના કોટ વિસ્તારની ઉત્તરે, શર્મિષ્ઠા તળાવના કાંઠે આવેલા છે.[][] આ તોરણો પૈકી પૂર્વ તરફના તોરણનું બાંધકામ અકબંધ હતું જ્યારે બીજું ખંડિત થઈ ગયું હતું. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા ૨૦૦૭માં આ ખંડિત તોરણનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.[][] પૂર્વ તરફમાં આવેલું તોરણ વર્તમાનમાં ગુજરાતના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ તોરણો કોઈ મંદિર સંકુલના પ્રવેશદ્વાર તરીકે બંધાયા હશે, જોકે આજદિન સુધી આવા કોઈ અવશેષો મળ્યા નથી.[][] તે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક છે.[]

આ તોરણો ૧૫મી સદીના સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નરસિંહ મહેતાના માનમાં નરસિંહ મહેતાની ચૉરી તરીકે ઓળખાતા હતા.

સ્થાપત્ય

[ફેરફાર કરો]
સ્તંભની કોતરણી

કમાનને ટેકો આપતા સ્તંભોની જોડી તરીકે બંધાયેલા આ તોરણો લગભગ ૪૦ ફૂટ (૧૨ મીટર) ઊંચા છે, જે લાલ અને પીળા રેતીયા પથ્થરોથી બાંધવામાં આવ્યા છે. આ બંને તોરણોનું મુખ પૂર્વ તરફનું છે. તેઓ પ્રવેશદ્વારોના કેટલાક હયાત ઉદાહરણો પૈકીના એક છે, જે એક સમયે સોલંકી યુગમાં ગુજરાતના સ્થાપત્ય (મારુ-ગુર્જર સ્થાપત્ય)નું નિયમિત લક્ષણ હતું. તેમની કોતરણીની શૈલી સિદ્ધપુરના રુદ્ર મહાલય મંદિર અને મોઢેરા સૂર્ય મંદિરના સ્તંભો જેવી જ છે, જે સૂચવે છે કે તેઓ સમાન સમયગાળાના છે. કદાચ યુદ્ધના વિજય પછી બાંધવામાં આવેલું આ સ્થાપત્ય યુદ્ધ અને શિકારના દૃશ્યોની કોતરણીથી શણગારવામાં આવ્યું છે. તેના સ્તંભો અને કમાનોના પાયા ભૌમિતિક આકારો (સમભૂજ ચતુષ્કોણ) અને ફૂલોની ભાત (પાંદડા, વેલાઓ અને કમળ), પ્રાણીઓની ભાત, વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલી માનવ આકૃતિઓ અને વિવિધ ભંગિમામાં દર્શાવેલી દૈવી આકૃતિઓથી શણગારવામાં આવેલા છે. આ સ્તંભોમાં પદ્મ, કણી, કીર્તિમુખ, ગજથરા (હાથીની કોતરણીવાળી તકતી), નરથરા (માનવ આકૃતિની કોતરણી વાળી તકતી) શિલ્પયુક્ત કુંભ જેવા તત્ત્વો જોવા મળે છે.

સ્તંભશિખરો અણીદાર છે જેને કોતરણીવાળા પાંદડા અને ગ્રિફિન (સિંહનું શરીર અને ગરુડના માથું ધરાવતું, પાંખોવાળું એક કલ્પિત પૌરાણિક પ્રાણી) તથા અર્ધવર્તુળાકાર કમાનોથી ટેકો આપવામાં આવ્યો છે. તેની ટોચ પર આસન પર બિરાજેલા કાર્તિકેયની એક છબી છે, જેની પડખે ગણેશ અને મકર (એક કલ્પિત પૌરાણિક પ્રાણી)ની આકૃતિઓ છે. સંખ્યાબંધ સ્ત્રી આકૃતિઓ પણ ટોચને અલંકૃત કરે છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "ASI erects ancient Vadnagar gate". The Times of India. 2007-03-15. ISSN 0971-8257. મેળવેલ 2023-10-16. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Sen, Shushmita; Lakhani, Sunita J. "Toran Architecture of Gujarat". Journal of the Oriental Institute. LXI (1-2 (Sept 2009 –Dec 2009)). Department of Archaeology & Ancient History Faculty of Arts, The Maharaja Sayajirao University of Baroda: 85–103. ISSN 0030-5324 – academia.edu દ્વારા.
  3. "Kirti Toran". Gujarat Tourism. મેળવેલ 18 January 2024. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. "પુરાતત્વ ખાતાના રાજ્ય રક્ષિત સ્મારકોની યાદી" (PDF). રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર. મૂળ (PDF) માંથી 2017-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2024-10-27. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)