ખારાઘોડા (તા. દસાડા)

વિકિપીડિયામાંથી
ખારાઘોડા
—  ગામ  —
ખારાઘોડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°12′00″N 71°43′38″E / 23.20008°N 71.72709°E / 23.20008; 71.72709
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
વસ્તી ૧૦,૯૨૭ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ખારાઘોડા ભારતનાં ગુજરાત રાજ્યમાં કચ્છનાં નાનાં રણના છેવાડે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલું એક ગામ છે. મીઠા ઉદ્યોગના વિકાસને કારને આ ગામ મીઠાના વેપારનું એક અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ખુબ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાના મોટા ભાગના વેપારીઓ ૮ કિ.મી. દૂર આવેલા પાટડી ગામમાં રહે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

મુંબઇ રાજ્યના બ્રિટિશ શાસન દરમ્યાન ખારાધોડા અમદાવાદ જિલ્લાનો ભાગ હતું પણ હવે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. વિરમગામ-ખારાઘોડા રેલ્વે લાઇન ત્યાંના મીઠાના ઉત્પાદનના કારણે બી.બી. એન્ડ સી. આઇ. રેલ્વેના જમાનામાં નાખવામાં આવી હતી. રણના કિનારે આવેલું ખારાઘોડા મીઠાના ઉત્પાદનમાં સૌથી મોખરે હતું. ખારાઘોડાની આસપાસની વસ્તીના મજુર વર્ગને રોકીને ખાનગી પેઢીઓ દ્વારા મીઠું પકવવામાં આવતું. આ મજુરો અગરીયા તરીકે ઓળખાય છે. તેઓ વરસાદના સમયમાં જે પાણી વરસે અને જમીનમાં ઉતરે તેને બોર દ્વારા ખેંચી તેને પાટા નામે ઓળખાતા મીઠાનાં ખેતરોમાં ભરી તેના દ્વારા કાદવ જેવી થયેલી માટીને પગ દ્વારા કેળવતા. ત્યારબાદ તેમાં ક્ષાર વાળું પાણી ભરી રાખતા. તાપના કારણે પાણી ઉડી જઇ પાછળ બચેલું મીઠું દાંતી દ્વારા ખેંચી રેલ્વેના વેગનોમાં ભરી ખારાધોડા લાવવામાં આવતું જ્યાંથી દેશભરમાં તેની નિકાસ થતી. કૂવાના ખારા પાણી દ્વારા પકવવામાં આવતા મીઠાને વરાગડું કહેવાય છે.[૧]

એક જમાનામાં મુંબઇના ટેક્સી ડ્રાઇવરો અહીં ટ્રક ચલાવવા આવતા. કારણકે, ઉનાળામાં મીઠું અગરમાંથી ખેંચાય તે દરમ્યાન અહીં રોજીની ખૂબ તકો ઉભી થતી. પરંતુ ઋતુ ન હોય ત્યારે ગામમાં રોજી ન હોવાથી ગામની જનતાની પ્રગતિ જોઇએ તેવી થઇ ન હતી.

ઉદ્યોગ[ફેરફાર કરો]

સરકારી મીઠાની કંપની હિન્દુસ્તાન સોલ્ટ ના નામે ચાલે છે, જેનું પ્રારંભિક નામ ભારત સોલ્ટ હતું . હિન્દુસ્તાન સોલ્ટના પગરણ પછી મીઠાની પેઢીઓ નુકશાનમાં જવા લાગી. પરિણામે, અગરીયાઓની સહકારી મંડળી દ્વારા મીઠું પકવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. મીઠામાંથી આડપેદાસમાં બ્રોમાઇડ અને મેગ્નેશિયમ મળતું હોવાથી અહીં તેની પણ ફેકટરીઓ છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી મુજબ[૨], ખારાધોડાની વસ્તી ૧૦,૯૨૭ હતી. જે પૈકી ૫૪% પુરુષો અને ૪૬% મહિલાઓ છે. ખારાઘોડાનું સરેરાશ સાક્ષરતા પ્રમાણ ૪૧% છે જે રાષ્ટ્રીય સરેરાશ (૫૯.૫%) કરતા નીચું છે: પુરુષ સાક્ષરતા પ્રમાણ ૫૨% છે જ્યારે ૨૯% સ્ત્રીઓ સાક્ષર છે. કુલ વસ્તીનાં ૧૬% છ વર્ષથી નાની વયના બાળકો છે.

સુવિધાઓ[ફેરફાર કરો]

અહીંની એકમાત્ર હોસ્પીટલ હિંદુસ્તાન સોલ્ટ લિમીટેડ દ્વારા ચલાવવામાં આવે છે. ગામમાં અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવેલું એક પુસ્તકાલય પણ છે, જેમાં હજુ પણ ખુબજ સારા પુસ્તકોનો સંગ્રહ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Patel, Vallabhbahi Lallubhai (1925-03-31). ગુજરાત પ્રાંત (Gujarat Prant) (PDF). Ahmedabad: The Gujarat Oriental Book Depot. પૃષ્ઠ 33.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01.

 આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "BOMBAY PRESIDENCY". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 4 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 181.CS1 maint: ref=harv (link)