લખાણ પર જાઓ

ગણેશ શંકર વિદ્યાર્થી

વિકિપીડિયામાંથી
ગણેશ શંકર વિદ્યાર્થી
ગણેશ શંકર વિદ્યાર્થી (૧૯૪૦)
જન્મની વિગત(1890-10-26)26 October 1890
પ્રયાગરાજ, સંયુક્ત પ્રાંત, બ્રિટિશ ભારત
મૃત્યુની વિગત25 March 1931(1931-03-25) (ઉંમર 40)
કાનપુર, સંયુક્ત પ્રાંત, બ્રિટિશ ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયપત્રકાર
સક્રિય વર્ષ૧૮૯૦ - ૧૯૩૧

ગણેશ શંકર વિદ્યાર્થી (૨૬ ઓક્ટોબર ૧૮૯૦ - ૨૫ માર્ચ ૧૯૩૧) એક ભારતીય પત્રકાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા હતા. તેઓ હિન્દી સમાચારપત્ર પ્રતાપના સંસ્થાપક તંત્રી તરીકે જાણીતા છે.

જીવન પરિચય

[ફેરફાર કરો]

ગણેશ શંકર વિદ્યાર્થીનો જન્મ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હથગાંવ ખાતે કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા મુન્શી જયનારાયણ ગ્વાલિયર રિયાસતમાં ઍંગ્લો વર્નાક્યુલર શાળાના મુખ્યશિક્ષક હતા.[૧] પિતાના હાથ નીચે જ ગણેશ શંકરે શાળાનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો અને મુંગાઓલી અને વિદિશામાં અભ્યાસ કર્યા બાદ ૧૯૦૭ માં ખાનગી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા નહીં અને કરન્સી ઓફિસમાં ક્લાર્ક તરીકે નિમણૂક મેળવી અને બાદમાં કાનપુરની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૪ જૂન ૧૯૦૯ના રોજ ચંદ્રપ્રકાશવતી સાથે તેમના વિવાહ થયા.[૨]

રાજકીય જીવન

[ફેરફાર કરો]

તેમનો વાસ્તવિક રસ પત્રકારત્વ અને જાહેર જીવનમાં હતો. તેઓ દેશમાં થઈ રહેલા રાષ્ટ્રવાદી ઉદયના પ્રભાવ હેઠળ આવ્યા તથા હિન્દી અને ઉર્દૂના જાણીતા ક્રાંતિકારી સામયિકો 'કર્મયોગી' અને 'સ્વરાજ'ના એજન્ટ બન્યા અને તેમાં યોગદાન આપવાનું શરૂ કર્યું. અહીંથી તેમણે 'વિદ્યાર્થી' (જ્ઞાનના સાધક) કલમ-નામ અપનાવ્યું. ૧૯૧૧માં વિદ્યાર્થી હિન્દી પત્રિકા સરસ્વતીમાં પંડિત મહાવીર પ્રસાદ દ્વિવેદીના સહાયક તરીકે જોડાયા. જોકે, ગણેશ શંકરને વર્તમાન પ્રવાહો અને રાજકારણમાં વધુ રસ હતો આથી સરસ્વતી છોડી તે સમયના રાજકીય હિન્દી સાપ્તાહિક "અભ્યુદય"માં સહાયક સંપાદક તરીકે જોડાયા. અહીં તેઓ સપ્ટેમ્બર ૧૯૧૩ સુધી જોડાયેલા રહ્યા. બે મહિના બાદ, ૯ નવેમ્બર ૧૯૧૩ના રોજ તેમણે કાનપુરથી પોતાનું હિન્દી સાપ્તાહિક પ્રતાપ શરૂ કર્યું.[૩] આ વખતથી વિદ્યાર્થીનું રાજકીય, સામાજિક અને પુખ્ત સાહિત્યિક જીવન શરૂ થયું. આ સાપ્તાહિક દ્વારા જ તેમણે રાયબરેલીના પીડિત ખેડૂતો, કાનપુર મિલના કામદારો અને ભારતીય રાજ્યોના દલિત લોકો માટે પોતાની પ્રખ્યાત લડત લડી હતી. આ લડત દરમિયાન તેમને અસંખ્ય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો, ભારે દંડ ભરવો પડ્યો હતો અને જેલની પાંચ સજા ભોગવવી પડી હતી. ૧૧ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ તેમણે નીચેનું અવતરણ કહ્યું :

“હવે સમય આવી ગયો છે કે આપણી રાજકીય વિચારધારા અને રાજકીય ચળવળને અંગ્રેજી શિક્ષિત લોકો સુધી મર્યાદિત ન કરતાં સામાન્ય જનતા સુધી ફેલાવો કરવામાં આવે. ભારતીય જનમત એ થોડા શિક્ષિત વ્યક્તિઓનો અભિપ્રાય નહીં પરંતુ દેશના તમામ વર્ગોના વિચારોને પ્રતિબિંબિત કરે… લોકશાહી શાસન ખરેખર જનમતનું શાસન છે”

શ્રીમતી ઍની બેસન્ટની હોમરૂલ ચળવળમાં વિદ્યાર્થીએ ખૂબ જ ખંતથી કામ કર્યું અને કાનપુરના મજૂર વર્ગના વિદ્યાર્થી નેતા બન્યા. તેઓ કોંગ્રેસના વિવિધ આંદોલનોમાં ભાગ લેવા માટે ૫ વખત જેલમાં ગયા હતા અને અધિકારીઓના અત્યાચારો સામે હિંમતપૂર્વક "પ્રતાપ"માં લેખો લખતા ગયા હતા. અગાઉ તેઓ લોકમાન્ય તિલકને પોતાના રાજકીય ગુરુ તરીકે વિચારતા હતા, પરંતુ ગાંધીજીના રાજકારણમાં ઉતર્યા પછી તેઓ તેમના વિશિષ્ટ ભક્ત બની ગયા. તેઓ પહેલી વાર ૧૯૧૬માં લખનૌમાં ગાંધીજીને મળ્યા હતા અને રાષ્ટ્રીય ચળવળમાં પોતાની જાતને પૂરા દિલથી હોમી દીધી હતી. તેમણે ૧૯૧૭-૧૮ના હોમરુલ આંદોલનમાં અગ્રણી ભાગ લીધો હતો અને કાનપુરમાં કાપડ કામદારોની પ્રથમ હડતાળનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૨૦માં તેમણે પ્રતાપની દૈનિક આવૃત્તિ શરૂ કરી હતી અને આ વર્ષે જ રાયબરેલીના ખેડૂતોના પ્રશ્નોને અવાજ આપવા બદલ તેમને બે વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. ૧૯૨૨માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને ફતેહગઢ ખાતે પ્રાંતીય રાજકીય પરિષદના પ્રમુખ તરીકે "રાષ્ટ્રદોહી" ભાષણ આપવા બદલ તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા.[૪]

૧૯૨૫માં જ્યારે કોંગ્રેસે પ્રાંતીય વિધાન પરિષદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને સ્વરાજ પાર્ટીનું આયોજન કર્યું ત્યારે ગણેશ શંકરે કાનપુરથી કોંગ્રેસ વતી શાનદાર જીત મેળવી અને ૧૯૨૯માં કોંગ્રેસના આદેશથી રાજીનામું આપ્યું ત્યાં સુધી યુ.પી. વિધાન પરિષદના સભ્ય તરીકે સેવા આપી. ૧૯૨૫માં ગાંધીજીએ કાનપુરમાં બીચ વાલા ચોક મંદિરની સ્થાપના કર્યા બાદ વિદ્યાર્થી વારંવાર બેઠકોનું આયોજન કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા.[૫] ૧૯૨૬માં કોંગ્રેસના મહત્વના સભ્ય તરીકે નિમણૂંક થતા વિદ્યાર્થીએ શિવ નારાયણ ટંડનને પણ કોંગ્રેસ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૯૨૮માં તેમણે મજદૂર સભાની સ્થાપના પણ કરી હતી અને ૧૯૩૧માં તેમના મૃત્યુ સુધી તેનું નેતૃત્વ કર્યું હતું.[૬] ૧૯૨૯માં તેઓ ઉ.પ્ર. કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમને યુ.પી.માં સત્યાગ્રહ આંદોલનનું નેતૃત્વ કરવા માટે પ્રથમ 'સરમુખત્યાર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ હિન્દી ભાષાના સમર્થક હતા અને ૧૯૩૦માં ગોરખપુર[૭] અને નવી દિલ્હીના શ્રદ્ધાનંદ પાર્ક[૮] ખાતે આયોજીત હિન્દી સત્યાગ્રહ સંમેલન પરિષદમાં ભાગ લીધો હતો. આ જ વર્ષે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ૯ માર્ચ ૧૯૩૧ના રોજ ગાંધી-ઇરવિન કરાર હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

જ્યારે તેઓ કોંગ્રેસના સત્રમાં ભાગ લેવા માટે કરાચી જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કાનપુરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ગણેશ શંકર વિદ્યાર્થીએ આ રમખાણોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના હજારો નિર્દોષ વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન તોફાની ટોળાએ તેમને ઘેરી લીધા હતા, થોડા દિવસો પછી જ કચરા પાસે મળી આવ્યા હતા જ્યાં શરીર પર છરીના અનેક ઘાને કારણે તેમને ઓળખવામાં થોડો સમય લાગ્યો હતો.[૯][૧૦][૧૧]

સન્માન

[ફેરફાર કરો]
૧૯૬૨ની ભારતીય ટપાલ ટિકિટ પર ગણેશ શંકર વિદ્યાર્થી
 • ૧૯૮૯થી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે જાણીતા પત્રકારોને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર આપવામાં આવે છે.
 • કાનપુર મેડિકલ કોલેજનું નામ તેમના સ્મરણમાં ગણેશ શંકર વિદ્યાર્થી સ્મારક (જીએસવીએમ) મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે.
 • ગોરખપુર શહેરની મધ્યે આવેલા એક ચોકનું નામ ગણેશ ચોક રાખવામાં આવ્યું છે.
 • અગાઉ કાનપુરના રાણી ઉદ્યાન તરીકે ઓળખાતા ફૂલ બાગને 'ગણેશ વિદ્યાર્થી ઉદ્યાન' નામ આપવામાં આવ્યું છે.
 • ૧૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ ઉત્તર પ્રદેશ સરકારે ભારતની સ્વતંત્રતા માટે તેમના યોગદાનને માન આપવા માટે કાનપુર હવાઈમથકનું નામ ગણેશ શંકર વિદ્યાર્થી એરપોર્ટ કરવામાં આવ્યું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. Neeraj Shukla. Ganesh Shankar Vidyarthi Samajik Chetna Ke sarthi. Lokvani Prakashan Delhi. પૃષ્ઠ 25. ISBN 9789381487853.
 2. "Ganesh Shankar Vidyarthi: Penman in the battle against communalism". merinews.com. 18 April 2015. મૂળ માંથી 19 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 10 September 2015.
 3. Burton, Antoinette; Hofmeyr, Isabel (2014). Ten Books That Shaped the British Empire: Creating an Imperial Commons. Duke University Press. ISBN 978-0822375920.
 4. Ahuja, M. L. (2008). Eminent Indians: Revolutionaries. Rupa & Co. ISBN 978-8129113955.
 5. "Midnight flag hoisting at Beech Wala Chowk Manir". timesofindia.indiatimes.com. 15 August 2015. મેળવેલ 10 September 2015.
 6. Brass, Paul R. (1965). Factional Politics in an Indian State: The Congress Party in Uttar Pradesh. University of California Press. પૃષ્ઠ 169–196.
 7. Kothari, Rita (1998). Modern Gujarati Poetry: A Selection. Sahitya Akademi. પૃષ્ઠ 48. ISBN 978-8126002948.
 8. Gould, William (2004-04-15). Hindu Nationalism and the Language of Politics in Late Colonial India. Cambridge University Press. પૃષ્ઠ 61–100. ISBN 978-1139451956.
 9. Gooptu, Nandini (2001). The Politics of the Urban Poor in Early Twentieth-Century India. Cambridge University Press. પૃષ્ઠ 90–376. ISBN 978-0521443661.
 10. Gandhi, Rajmohan (2006). Gandhi: The Man, His People, and the Empire. University of California Press. પૃષ્ઠ 327. ISBN 978-0520255708.
 11. Bakshi, S. R. (1988). Gandhi and the Mass Movements. Atlantic Publishers. પૃષ્ઠ 198.