ગાંધી વિદ્યાપીઠ, વેડછી
ગાંધી વિદ્યાપીઠ, વેડછી એ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામમાં આવેલી અને જુગતરામ દવેએ સ્થાપેલી ગાંધીવાદી સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૬૭માં કરવામાં આવી. આ નિવાસી ગ્રામપીઠમાં બુનિયાદી શિક્ષણ, યંત્રવિદ્યા, સમાજશાસ્ત્ર વગેરેની તાલીમ આદિવાસીઓને આપવામાં આવે છે.[૧]
| સ્થાપના | ૧૯૬૭ |
|---|---|
| સ્થાપક | જુગતરામ દવે |
| સ્થાન | વેડછી |
પૂર્વસંસ્થા
[ફેરફાર કરો]૧૯૬૭માં આ વિદ્યાપીઠની સ્થાપના થઈ તેના ૪૦ વર્ષ પહેલાં ચૂનીભાઈ મહેતા અને જુગતરામભાઈ દ્વારા આ વિસ્તારમાં આદિવાસીઓને શિક્ષણ અને સ્વાવલંબનનું સંસ્કાર-સિંચન કરવા માટે આશ્રમ સ્થાપી ખાદી અને બુનિયાદી શિક્ષણનાં માધ્યમોનો સહારો લેવામાં આવ્યો હતો.[૧] શિક્ષણક્ષેત્રે ગાંધીમૂલ્યોને અમલમાં મૂકવા વેડછી ખાતે જુગતરામભાઈએ ‘આશ્રમ ઉદ્યોગશાળા’ સ્થાપીને ત્યાં કાંતણ, વણાટ, ગણિત, ભાષા વગેરે જેવા વિષયોનો બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કર્યો.[૧]
૧૯૩૭માં વર્ધા શિક્ષણ યોજનાના અમલમાં આવ્યા પછી ઉદ્યોગ દ્વારા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ત્યારબાદ વેડછી આશ્રમે બે વર્ષને સ્થાને ચાર વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કર્યો તથા તેમાં કાંતણવણાટ, ખેતીકામ, સુથારીકામ, પશુપાલન, નામું વગેરે વિષયોનો સમાવેશ કર્યો. અન્ય વિષયોમાં ગુજરાતી, હિંદી, સંસ્કૃત વગેરે ભાષાઓ, ગણિત અને ટૅક્નિકલ વિષયોનું જ્ઞાન અને સામાન્ય જ્ઞાનના વિષયો ઉમેરવામાં આવ્યા.[૧]
સ્વતંત્રતા પછી વેડછી વિસ્તારમાં બુનિયાદી શિક્ષણનો ફેલાવો ઉત્તરોત્તર વધતો જ ગયો. ૧૯૪૮માં વેડછી આશ્રમે ઉત્તર બુનિયાદી તાલીમના વર્ગો શરૂ કર્યા અને ચાર વર્ષ બાદ ૧૯૫૨માં અધ્યાપન મંદિર સ્થાપ્યું અને આવું જ અધ્યાપન મંદિર બોરખડીમાં પણ સ્થાપ્યું.[૧] આ અધ્યાપન મંદિરોએ અનેક આશ્રમશાળાઓમાં શિક્ષકો પૂરા પાડ્યા.[૧]
સ્થાપના
[ફેરફાર કરો]બુનિયાદી અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયો વેડછી વિસ્તારમાં જેમ વધ્યાં તેમ તેમાંથી વધુ ને વધુ વિનીતો બહાર પડ્યા. તેમને શિક્ષણ આપવા માટે સ્થાનિક આગેવાનો તથા વિદ્વાનોના પ્રોત્સાહનથી જુગતરામ દવેએ વેડછી આશ્રમથી દોઢ કિમી દૂર વાલોડની સરહદમાં આવેલ ૪૫.૨ હેક્ટર જમીન ખરીદી ત્યાં ૧૯૬૭માં ગાંધી વિદ્યાપીઠ સ્થાપવામાં આવી.[૧] પ્રથમ કુલપતિ કાકાસાહેબ કાલેલકર અને ઉપકુલપતિ જુગતરામ દવે બન્યા.[૧] અહીં ૫૧ સભ્યોની સાધારણ સભા અને ૧૫ સભ્યોની કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવી.[૧]
સંસ્થાગત પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]ગાંધી વિદ્યાપીઠ એક એવી શૈક્ષણિક સંસ્થા છે જ્યાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ પરિસરમાં જ વસવાટ કરે છે. આ સંસ્થામાં મુખ્યત્વે આર્થિક રીતે નબળા પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. સંસ્થાનું જીવન આત્મનિર્ભરતા અને શારીરિક શ્રમના મૂલ્યો પર આધારિત છે. વિદ્યાર્થીઓ પોતાના હાથે જ કેમ્પસ, મકાનો અને વર્ગખંડોની સફાઈ કરે છે. તેઓ દૈનિક રસોઈના કામમાં સહભાગી થાય છે, પોતાના ભાંડા સ્વચ્છ કરે છે અને પોતાના વસ્ત્રો પણ પોતે જ ધોએ છે.[૧]
આ સંસ્થામાં પરંપરાગત વ્યાખ્યાન પદ્ધતિને બદલે પ્રવૃત્તિ-આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હેતુ માટે એક વિશેષ અભ્યાસ ખંડ અને પ્રવૃત્તિ કક્ષ બનાવવામાં આવ્યો છે, જેમાં પુસ્તકો, સામયિકો અને શૈક્ષણિક સાધનસામગ્રી ઉપલબ્ધ છે. આ અભિગમની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે: (૧) વ્યાખ્યાન પદ્ધતિનો સંપૂર્ણ અભાવ. (૨) સામૂહિક કાર્ય, ચર્ચા અને સ્વ-નિયંત્રિત અધ્યયન. (૩) સમસ્યાઓનું સ્વતંત્ર વિશ્લેષણ અને સ્વતંત્ર નિષ્કર્ષો.[૧]
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય
[ફેરફાર કરો]નારાયણ દેસાઈ અહીંના સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના પ્રાચાર્ય છે.[૧]