ગાંધી સ્મૃતિ

વિકિપીડિયામાંથી
ગાંધી સ્મૃતિ (ભૂતપૂર્વ બિરલા હાઉસ), નવી દિલ્હી, ભારત

ગાંધી સ્મૃતિ, (પ્રાચીન નામ : બિરલા હાઉસ અથવા બિરલા ભવન)મહાત્મા ગાંધીજીને સમર્પિત એક સંગ્રહાલય છે, જે ભારતના નવી દિલ્હીમાં, તીસ જાન્યુઆરી રોડ (પ્રાચીન નામ: અલ્બુકાર્ક રોડ) પર આવેલું છે. આ તે સ્થાન છે જ્યાં મહાત્મા ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ૧૪૪ દિવસો પસાર કર્યા હતા અને જ્યાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઈમારત ભારતીય ઉદ્યોગપતિ, બિરલા પરિવારનું ઘર હતું. હવે તેને ઈટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે, તેની સ્થાપના ૨૦૦૫ માં કરવામાં આવી હતી. [૧]

આ સંગ્રહાલય સોમવાર અને રાષ્ટ્રીય રજાઓ સિવાય દરરોજ ખુલ્લું રહે છે. પ્રવેશ બધા માટે મફત છે. [૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

ઇટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમ, ગાંધી સ્મૃતિ ખાતે એક પ્રદર્શિત કૃતિ
ગાંધી સ્મૃતિ પર 'શહીદ સ્તંભ', એ સ્થળ જ્યાં ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

બાર શયનખંડનું ધરાવતા આ મકાનનું બાંધકામ ઘનશ્યામદાસ બિરલાએ ઈ.સ. ૧૯૨૮ માં કરાવ્યું હતું. [૩] સરદાર પટેલ અને મહાત્મા ગાંધી બિરલાના અવારનવાર મહેમાન બનતા હતા. તેમના અંતિમ રોકાણ દરમિયાન, મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેઓ ૯ સપ્ટેમ્બર ૧૯૪૭ થી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધી અહીં રહ્યા હતા. જવાહરલાલ નહેરુએ ઘનશ્યામદાસ બિરલાને પત્ર લખ્યો હતો કે બિરલા હાઉસનો અમુક ભાગ સ્મારકમાં ફેરવાય.[૪] ઘનશ્યામદાસ તેમની સાથે સંકળાયેલ યાદો ને કારણે આ ઘર છોડી દેવામાં અચકાતા હતા. બિરલા હાઉસને શ્રી કે. કે. બિરલા પાસેથી ઈ. સ. ૧૯૭૧ માં, ભારત સરકાર દ્વારા, લાંબી અને કડક વાટાઘાટો બાદ ખરીદવામાં આવ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ, તેમણે વેચાણના ભાવમાં ફળોના ઝાડની કિંમત પણ શામેલ કરી હતી. કે. કે. બિરલાએ સરકારને આ મિલકત રૂપિયા ૫૪ લાખ અને સાત એકર શહેરી જમીનના બદલામાં વેચી, આને ખૂબ જ નફાકારક સોદો માનવામાં આવતો હતો. [૫] બિરલા હાઉસ ૧૫ ઑગસ્ટ ૧૯૭૩ ના દિવસે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું, અને તેનું નામ ગાંધી સ્મૃતિ રાખવામાં આવ્યું. આ ઈમારતના સંગ્રહાલયમાં ગાંધીજીના જીવન અને મૃત્યુ સાથે સંકળાયેલા ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે. મુલાકાતીઓ ઈમારત અને મેદાનની મુલાકાત લઈ શકે છે, અહીં તેઓ ગાંધીજી જ્યાં રહેતા હતા તે સંરક્ષિત ઓરડો અને સાંજના ફરવા જતા, જ્યાં તેમને ગોળી વાગી હતી તે મેદાન પરનું સ્થળ જોઈ શકે છે. ગાંધીજીને તેમની પ્રાર્થના દરમિયાન જે સ્થળે ગોળી મારવામાં આવી હતી ત્યાં શહીદની સ્તંભ બાંધવામાં આવ્યો છે.

શહીદ સ્તંભ તે સ્થાનને દર્શાવે છે જ્યાં "રાષ્ટ્રપિતા" ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી.

ગાંધી સ્મૃતિ અથવા બિરલા હાઉસ તીસ જાન્યુઆરી માર્ગ પર આવેલું છે, કે જે નવી દિલ્હીના કેન્દ્રીય વ્યાવસાયિક ક્ષેત્ર કનૉટ પ્લેસથી થોડા કિલોમીટર દૂર છે.

આ ઘરની બહાર એક સ્તંભ છે જેના પર સ્વસ્તિકનું પ્રતીક છે. તે જ આધારસ્તંભમાં ધ્યાન ધ્વનિ માટેનું ઓમનું પ્રતીક પણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The Eternal Gandhi". Sacred World. મૂળ માંથી 3 માર્ચ 2019 પર સંગ્રહિત. મેળવેલ 11 November 2018.
  2. "Gandhi Smriti and Darshan Samiti Delhi". KahaJaun. મેળવેલ 12 June 2019.
  3. "THE VOICE OF THE MAHATAMA, Dr. Pragnya Ram". મૂળ માંથી 7 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 2 September 2015.
  4. Bhavan's Journal, Volume 32, Issues 13-24 Published 1986, p. 28-29
  5. Tushar A. Gandhi, 'Let's Kill Gandhi!': A CHRONICLE OF HIS LAST DAYS, THE CONSPIRACY, MURDER. INVESTIGATIONS AND TRIAL (New Delhi, Delhi: Rupa & Co, 2007).p 570-71

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

બિરલા હાઉસ સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર