ચક્રેશ્વરી
ચક્રેશ્વરી | |
---|---|
ચકેશ્વરી દેવી, ત્રિલોક તીર્થ ધામ ખાતે. | |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | ગોમુખ |
ચકેશ્વરી અથવા અપ્રતિચક્રા દેવી એ જૈન શાસ્ત્ર અનુસાર તીર્થંકર ઋષભદેવની સંરક્ષક દેવી અથવા યક્ષિણી (સહાયક દેવી) છે. તેઓ સારવાગી જૈન સંપ્રદાય(ખંડેલવાલ)ના ઉપદેશક દેવી છે.
ચિહ્નશાસ્ત્ર
[ફેરફાર કરો]આ દેવીનો રંગ સોનેરી છે. તેમનું વાહન ગરુડ છે. તેમને આઠ હાથ છે. ચિત્રમાં દેખાય છે તેમ તેમના ઉપરના બે હાથમાં બે ચક્રો અને અન્ય હાથોમાં ત્રિશૂલ / વજ્ર, ધનુષ્ય, તીર, ફાંસો, અંકુશ છે જ્યારે છેલ્લો હાથ વરદમુદ્રા સાથે દર્શાવવામાં આવ્યો છે.
માતા શ્રી ચક્રેશ્વરી દેવી જૈન તીર્થ
[ફેરફાર કરો]પંજાબમાં અટ્ટેવાલી ગામમાં માતા શ્રી ચક્રેશ્વરી દેવી જૈન તીર્થ નામનું ચક્રેશ્વરી દેવીનું પ્રસિદ્ધ મંદિર છે.[૧]
આ પ્રાચીન મંદિર લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને તે સરહિંદ-ચંદીગઢ રોડ પર સરહિંદ શહેરમાં આવેલા અટ્ટેવાલી ગામમાં આવેલું છે. એવી દંતકથા છે કે રાજા પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં ભગવાન આદિનાથના આશીર્વાદ મેળવવા માટે રાજસ્થાનથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ હિમાચલ પ્રદેશના કાંગડાના પ્રાચીન જૈન મંદિરમાં (જે હજુ કાંગડાના કિલ્લામાં મોજુદ છે) બળદ ગાડામાં જતા હતા. યાત્રાળુઓ માતા ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પણ લાવ્યા હતા જે ભગવાન આદિનાથના પ્રખર ઉપાસક (આદિષ્ઠાયક દેવી અથવા ભગવાન આદિનાથની શાસન દેવી તરીકે ઓળખાય છે) હતા. માર્ગમાં આ સંઘ આ મંદિરની હાલની જગ્યા સરહિંદમાં રાતવાસો કરવા માટે રોકાયો.
બીજા દિવસે સવારે જ્યારે સંઘ આગળ વધવા માટે તૈયાર થયો ત્યારે માતા શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિને લઈ જતો રથ યાત્રાળુઓના ઘણા પ્રયાસ છતાં આગળ વધ્યો નહીં. ભક્તોને આ રહસ્યનું કારણ ન સમજાતા તેઓ મૂંઝાયા. પછી એકાએક મૂર્તિને લઈ જતી પાલખીની અંદર પ્રકાશપૂંજ આવ્યો અને આકાશવાણી થઈ કે, “આ જગ્યા મારું નિવાસસ્થાન બને”. તીર્થયાત્રીઓએ કહ્યું "મા, આ બધો રેતાળ વિસ્તાર છે, અહીં પાણી નથી, અહીં આજુબાજુ ગઈકાલે અમારી દુઃખદ રાત પસાર થઈ હતી". અવાજે જવાબ આપ્યો, "આ સ્થાનની ઉત્તર તરફ થોડાક ગજ દૂર જમીન ખોદશો અને તમને પાણી મળશે". યાત્રાળુઓના આશ્ચર્ય વચ્ચે તેમણે માત્ર થોડા ફૂટ ખોદ્યું અને પાણીનો ફુવારો વહેવા લાગ્યો. યાત્રાળુઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ આ સ્થાન પર માતા ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સ્થાપિત કરી અને ત્યાં એક સુંદર મંદિર બનાવ્યું. યાત્રાળુઓ પણ અહીં સ્થાયી થયા. જ્યાં પાણીનો ફુવારો ફૂટ્યો હતો તે જગ્યાને અમૃત-કુંડ તરીકે ઓળખાતા નાના કૂવા તરીકે વિકસાવવામાં આવી છે. આજે પણ આ કુંડનાં પાણીને ભક્તો પવિત્ર માને છે અને તેઓ તેને સાચવવા માટે ઘરે લઈ જાય છે.
આ સ્થળને જમવા અને રહેવાની સગવડ સાથે સંપૂર્ણ યાત્રાધામમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જોકે માતા ચક્રેશ્વરી દેવીની પ્રાચીન મૂર્તિ તેના મૂળ સ્થાને જ છે. નજીકમાં ભગવાન આદિનાથનું એક મોટું મંદિર નિર્માણાધીન છે. માતા ચક્રેશ્વરી દેવીની આધ્યાત્મિક શક્તિઓને મંદિરની એક દિવાલ પર ખૂબ જ સુંદર કાચના કામ દ્વારા ભવ્ય શૈલીમાં દર્શાવવામાં આવી છે.
દર વર્ષે કારતક મહિનામાં અહીં મેળો ભરાય છે. સમગ્ર વિશ્વમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો આ સ્થળની ખૂબ જ આદર સાથે મુલાકાત લે છે. આ સ્થળનો મહિમા ઘણો છે. માતા ચક્રેશ્વરી દેવીના પ્રખર ઉપાસક દિવાન ટોડરમલ જૈને ગુરુ ગોવિંદ સિંહની માતા અને બે પુત્રોના મૃતદેહના અગ્નિસંસ્કાર માટે જમીન સંપાદન કરવા માટે સરહિંદના નવાબ વજીર ખાનને સોનાના સિક્કા ચૂકવ્યા હતા. તેઓ ગુરુદ્વારા જ્યોતિ સ્વરૂપમાં મૃત્યુ પામ્યા હતા.[૨] સરહિંદ શહેર અંબાલા અને લુધિયાણાની વચ્ચે લગભગ ૫૦ કિમી અંતરે આવેલું છે. આ સ્ટેશનોથી આ સ્થળે સડક માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. આ મંદિર પ્રસિદ્ધ ગુરુદ્વારા જ્યોતિ સ્વરૂપની એકદમ નજીક આવેલું છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ જાગરણ સંવાદદાતા (૧૫ ઓક્ટોબર ૨૦૧૬). "माता श्री चक्रेश्वरी देवी जैन मंदिर में वार्षिक उत्सव शुरू" (હિન્દીમાં). જાગરણ (દૈનિક). મૂળ માંથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪.
- ↑ "Pilgrims pay obeisance at Mata Chakreshwari Devi temple" (અંગ્રેજીમાં). uniindia.com. ૧૫ ઓક્ટોબર ૨૦૧૬. મૂળ માંથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪.
નોંધ
[ફેરફાર કરો]- Shah, Umakant P. (1987), Jaina-rūpa-maṇḍana: Jaina iconography, Abhinav Publications, ISBN 81-7017-208-X, https://books.google.com/books?id=m_y_P4duSXsC