ચુલનો મેળો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ચુલનો મેળો હોળીનાં બીજા દિવસે એટલે ધુળેટીના રોજ ગરબાડા તાલુકાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણીયાર ગામે ભરાય છે.[૧] પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ પણ ધુળેટીના દિવસે ચુલનો મેળો માણે છે.[૨]

સમય[ફેરફાર કરો]

ચુલનો મેળો માર્ચ મહિનામાં ભરાય છે.

વિશેષતા[ફેરફાર કરો]

ચુલના મેળામાં બપોર સુધીમાં વિવિધ સ્થળેથી લોકો એકઠાં થાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં એકાદ ફૂટ પહોળો અને પાંચથી છ ફૂટ લંબાઈનો એક મોટો ખાડો ખોદીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ ખાડામાં બાવળના લાકડાંના મોટા કોલસા (કટકા) વગેરેને સળગાવીને અંગાર પાડવામાં આવે છે. આ પ્રસંગે બધા આદિવાસી લોકો પોતાના હાથમાં નાળિયેર લઇને પાણીનો ઘડો અથવા લોટો લઈ ઉઘાડા પગે અંગારા પર સાત વાર એક છેડે થી બીજે છેડે ચાલે છે. ત્યારબાદ અગ્નિદેવને પગે લાગી નારિયેળ વધેરે છે.[૨] શ્રદ્ધા સાથે પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરતા આદિવાસીઓ ધગધગતા અંગારઓા ઉપર ઉઘાડા પગે ચાલીને બહાર નીકળી જાય છે છતાં તેમના પગ થોડા પણ દાઝતા નથી. અને લોકો પોતાના બાળકો અને પ્રાણીઓના(ઢોરઢાંખર) રક્ષણ માટે અગ્નિદેવતાની બાધા રાખે છે.[૩]

કેટલાક પુરુષો અને નાની વયના છોકરાઓ શરીરે હળદર ચોળે છે. આંખે આંજણ લગાડે છે અને આંજણ કાળા ટપકાં ગાલે પણ લગાવે છે. ફૂગી બાયના પીળા કે લીલા ડગલી જેવા પોલકાં અને લાલ ઓઢણીમાં રાઠવી સ્ત્રીઓ પણ આ મેળામાં પોતાના બાળકો લઈને આવે છે. હાથમાં તલવાર અને લાકડીઓ સાથે ઢોલ ના તાલે નાચતા સ્ત્રી-પુરુષો અને બાળકો ચુલના મેળામાં મસ્તી કરે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ કાલરીયા, અશોક (2019–20). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પાનાઓ ૫૦-૫૧.CS1 maint: date format (link)
  2. ૨.૦ ૨.૧ જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પાનાઓ ૧૮૧.
  3. સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પાનાઓ ૮૮. ISBN 97-89-381265-97-0.