ટિંડોળી

વિકિપીડિયામાંથી

ટિંડોળી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Cucurbitales
Family: Cucurbitaceae
Genus: 'Coccinia'
Species: ''C. grandis''
દ્વિનામી નામ
Coccinia grandis

ટિંડોળી અથવા ઘિલોડી એક બહુવર્ષાયુ વેલાવર્ગમાં આવતી વનસ્પતિ છે. ટિંડોળા અથવા ઘિલોડા તરીકે ઓળખાતાં તેનાં ફળ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફળનો ઉપયોગ આયુર્વેદના શાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યો છે[૧]. આ ફળ પુખ્ત થાય ત્યાં સુધી લીલા રંગનાં હોય છે, જ્યારે પાકી જાય ત્યારે લાલ રંગનાં જોવા મળે છે[૨]. આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં સુરત, તાપી, નવસારી, વડોદરા, ખેડા, અમદાવાદ, જૂનાગઢ જેવા જિલ્લામાં ટિંડોળાનું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં લેવામાં આવે છે. ટિંડોળાનું વાવેતર ચોમાસુ તથા ઉનાળુ પાક તરીકે કરી શકાય છે[૩].

ટિંડોળાના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. સારા નિતારવાળી, મધ્યમ કાળી, બેસર, ગોરાડુ અને ફળદ્રુપ ભાઠાની જમીન આ પાક માટે વધુ માફકસરની ગણાય છે.

ટિંડોળાની ખેતી[ફેરફાર કરો]

ટિંડોળાની વાવણી એક વર્ષ જૂના વેલાઓના ટૂકડા વડે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ટિંડોળાની ટૂંકા ફળવાળી જમીન પર ફેલાતી જાતનું વાવેતર ગાંઠ અથવા કંદ વડે કરવામાં આવે છે. રોપણી માટે રોગ-જીવાતથી મુકત વેલા પસંદ કરી ૪૦થી ૫૦ સે.મી. લંબાઈના ૩થી ૪ ગાંઠોવાળા ટૂકડા તૈયાર કરવામાં આવે છે. દરેક ખામણાની મધ્યમાં બે ટૂકડા રોપવામાં આવે છે. વેલાના ટૂકડાના બંને છેડા જમીનની બહાર રહે તથા મધ્યભાગ જમીનમાં ૫થી ૭ સે.મી. ઉંડાઈએ રહે તે રીતે રોપણી કરવી. એક હેકટરમાં રોપણી માટે ૧૦ હજાર નંગ ટૂકડા રોપી શકાય છે. સામાન્ય રીતે ટિંડોળાનું વાવેતર ૨ બાય ૧ મીટરના અંતરે ખામણા બનાવીને કરવામાં આવે છે.

ટિંડોળાના વાવેતર માટે જમીન તૈયાર કરતી વખતે ૧૫થી ૨૦ ટન સારૂં કહોવાયેલું છાણિયું ખાતર આપવાથી તેમ જ અનુકૂળતા હોય તો લીલો પડવાશ કરવાથી ઉત્પાદન સારૂં મેળવી શકાય છે. ટિંડોળાના પાક માટે દર હેકટરે ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તથા ૫૦ કિ.ગ્રા. પોટાશ રોપણી કર્યા બાદ સ્ફૂરણ વખતે આપવું જરૂરી છે. ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજનનો હપ્તો ફૂલ બેસે ત્યારે અને ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજનનો હપ્તો આરામની અવસ્થા પછી આપવો.

ટિંડોળાના વેલાને ટેકાની જરૂર હોય છે. જાતે ઉગી નીકળતા વેલા વાડનો કે મોટા પથ્થરનો સહારો લે છે, જ્યારે ખેતી કરી ઉગાડેલા વેલાને ટેકો આપવા લાકડા, સિમેન્ટ કે વાંસના થાંભલાનો મંડપ બનાવી ઉપરના ભાગે તારની જાળી બનાવવામાં આવે છે. ગુજરાતમાં ટિંડોળાની ખેતીમાં હેકટર દીઠ સરેરાશ ૨૦ હજાર કિ.ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે[૪].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Taur D.J., Patil R.Y.,"Mast cell stabilizing, antianaphylactic and antihistaminic activity of Coccinia grandis fruits in asthma". Chinese Journal of Natural Medicines. 9 (5) (pp 359-362), 2011.
  2. http://www.plantnames.unimelb.edu.au/new/Coccinia.html#grandis સંગ્રહિત ૨૦૧૧-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન Michel H. Porcher (2006). Sorting Coccinia names]
  3. http://www.divyabhaskar.co.in/article/DGUJ-2184879-4083672.html દિવ્યભાસ્કર વર્તમાનપત્ર
  4. http://www.divyabhaskar.co.in/article/DGUJ-2184879-4083672.html દિવ્યભાસ્કર વર્તમાનપત્ર