દૌલતસિંહ કોઠારી

વિકિપીડિયામાંથી
દૌલતસિંહ કોઠારી
વર્ષ ૨૦૧૧ની ભારતીય ટપાલટિકિટ પર ડૉ. કોઠારી
જન્મની વિગત(1906-07-06)6 July 1906
મૃત્યુ4 February 1993(1993-02-04) (ઉંમર 86)
દિલ્હી, ભારત

દૌલતસિંહ કોઠારી (૬ જુલાઈ ૧૯૦૬ – ૪ ફેબ્રુઆરી ૧૯૯૩) એક ભારતીય વૈજ્ઞાનિક અને કેળવણીકાર હતા.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ડી.એસ.કોઠારીનો જન્મ ૬ જુલાઈ ૧૯૦૬ના રોજ રાજપૂતાના રજવાડા ઉદયપુરમાં થયો હતો.[૧] ૧૯૧૮ના પ્લેગ રોગચાળામાં તેમના પિતાનું અવસાન થયું હતું અને તેમનો ઉછેર તેમની માતાએ કર્યો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ ઉદયપુર અને ઇન્દોર ખાતે લીધું હતું અને મેઘનાદ સહાના માર્ગદર્શન હેઠળ ૧૯૨૮માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર માં અનુસ્નાતકની પદવી મેળવી હતી. પીએચ.ડી. માટે કોઠારીએ અર્નેસ્ટ રુથરફોર્ડની દેખરેખ હેઠળ કેમ્બ્રિજ યુનિવર્સિટીની કેવેન્ડિશ પ્રયોગશાળામાં કામ કર્યું હતું. આ માટે તેમની ભલામણ મેઘનાદ સહા દ્વારા કરવામાં આવી હતી.

શિક્ષણવિદ્ તરીકેની ભૂમિકા[ફેરફાર કરો]

ભારત પરત ફર્યા બાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ૧૯૩૪થી ૧૯૬૧ સુધી વિવિધ કક્ષાએ રીડર, પ્રોફેસર અને ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા તરીકે કામ કર્યું. તેઓ ૧૯૪૮થી ૧૯૬૧ દરમિયાન સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર હતા અને ત્યારબાદ ૧૯૬૧માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા જ્યાં તેઓ ૧૯૭૩ સુધી કાર્યરત રહ્યા હતા.[૧] તેઓ ૧૯૬૪-૬૬ના ભારતીય શિક્ષણ આયોગના અધ્યક્ષ હતા, જે કોઠારી કમિશન તરીકે પ્રખ્યાત હતું, જે ભારતમાં શિક્ષણના આધુનિકીકરણ અને માનકીકરણ માટે ભારતમાં સ્થાપવામાં આવેલું પ્રથમ એડહોક કમિશન હતું.[૨] [૩]

સિદ્ધિઓ અને સન્માન[ફેરફાર કરો]

ડી. એસ. કોઠારી ૧૯૬૩માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના સુવર્ણજયંતી અધિવેશનમાં તેના પ્રમુખ હતા. તેઓ ૧૯૭૩ માં ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ પરના તેમના સંશોધન અને વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર્સની થિયરીએ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી.[૧]

તેમને ૧૯૬૨માં પદ્મભૂષણ અને ૧૯૭૩માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૪] તેમને અલ્હાબાદ યુનિવર્સિટી એલ્યુમની એસોસિયેશન દ્વારા પ્રાઉડ પાસ્ટ એલ્યુમની તરીકે પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.[૫] ૨૦૧૧માં ટપાલ વિભાગે તેમના સન્માનમાં સ્મારક ટિકિટ બહાર પાડી હતી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેન્દ્રીય હિન્દી નિદેશાલય દ્વારા ૧૯૯૦માં તેમને આત્મારામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૬] દિલ્હી યુનિવર્સિટી (નોર્થ કેમ્પસ)ની અનુસ્નાતક વિભાગના કુમાર છાત્રાલયો પૈકીના એક છાત્રાલય (હોસ્ટેલ)નું નામ તેમના નામ પરથી આપવામાં આવ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Daulat Singh Kothari – The Architect of Defence Science in India. vigyanprasar.gov.in
  2. J C Aggarwal (2009). Landmarks In The History Of Modern Indian Education, 6E. Vikas Publishing House. પૃષ્ઠ 626. ISBN 9788125924029.
  3. "Indian Education Commission 1964-66". PB Works. 2015. મેળવેલ 20 June 2015.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
  5. "Allahbad University Alumni Association : Our Proud Past". 15 January 2008. મૂળ માંથી 15 January 2008 પર સંગ્રહિત.
  6. "List of Awardees". Khsindia. મૂળ માંથી 30 જુલાઈ 2016 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2019. Check date values in: |archive-date= (મદદ)