ધ ગોડફાધર (ફિલ્મ)
| ધ ગોડફાધર | |
|---|---|
| દિગ્દર્શક | ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા |
| લેખક |
|
| કથા | મારિયો પુઝો |
| આધારીત | ધ ગોડફાધર (મારિયો પુઝોની નવલકથા) |
| નિર્માતા | આલ્બર્ટ એસ. રુડ્ડી |
| કલાકારો |
|
| છબીકલા | ગોર્ડન વિલીસ |
| સંપાદન |
|
| સંગીત | નીનો રોટા |
નિર્માણ |
|
| વિતરણ | પેરામાઉન્ટ પિક્ચર્સ |
રજૂઆત તારીખો |
|
અવધિ | ૧૭૭ મિનિટ્સ |
| દેશ | અમેરિકા |
| ભાષા | અંગ્રેજી |
| બજેટ | $૬૦-૭૨ લાખ |
| બોક્સ ઓફિસ | $૨૫-૨૯ કરોડ |
ધ ગોડફાધર એ ૧૯૭૨ માં બનેલી હોલીવુડ ની એક ભવ્ય ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મારીયો પુઝો સાથે મળીને આ ફિલ્મની વાર્તા અને પટકથા લખ્યા હતા. આ ફિલ્મ મારીયો પુઝોની જ અતિસફળ અને બેસ્ટ સેલર નવલકથા 'ધ ગોડફાધર' પર આધારિત છે. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, અલ પચિનો, જેમ્સ કાન, ડાયેન કીટન અને રિચાર્ડ કેસ્ટેલાનો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિશ્વ સિનેમાના ઇતિહાસની સર્વકાલીન મહાન અને સૌથી પ્રભાવશાળી ગેંગસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.[૧][૨]
વાર્તા
[ફેરફાર કરો]ફિલ્મની વાર્તા મારિયો પુઝોની આ જ નામની નવલકથા પર આધારિત છે. વાર્તા ૧૯૪૦ના દાયકાના અંતમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને ૧૯૫૫ સુધીના સમયગાળામાં ન્યૂયોર્ક શહેરમાં સક્રિય પાંચ માફિયા પરિવારો કોર્લિયોન, તાતાગ્લિયા, ક્યુનિયો, સ્ટ્રાચી અને બારઝિની વચ્ચેના સત્તાસંઘર્ષની આસપાસ ફરે છે. તેના કેન્દ્રમાં કોર્લિયોન પરિવારના વડા ડોન વિટો કોર્લિયોન છે, જેઓ પોતાના ગુનાહિત સામ્રાજ્યને વફાદારી, સન્માન અને પરિવારના મૂલ્યોના આધારે ચલાવે છે. આ કારણે લોકો તેમને 'ગોડફાધર' તરીકે ઓળખે છે.
વિટો પોતાના મોટા પુત્ર સેન્ટિનો 'સોની' કોર્લિયોન અને દત્તક પુત્ર ટોમ હેગનની મદદથી પરિવારનો કારોબાર ચલાવે છે. ટોમ એક વકીલ હોવાની સાથે પરિવારનો સલાહકાર પણ છે. બીજી તરફ, વિટોનો નાનો પુત્ર માઈકલ પરિવારના ગુનાહિત વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સ તરફથી લડીને પરત ફરેલો માઈકલ યુદ્ધનો હીરો છે અને પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી. પોતાની બહેન કોનીના કાર્લો રિઝી સાથેના લગ્ન દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડ કેઈ એડમ્સને પરિવાર સાથે પરિચય કરાવે છે અને તેને સ્પષ્ટ કહે છે કે તે પોતાના પરિવારના વ્યવસાયનો ભાગ નથી.
કોનીના લગ્નના દિવસે ડોન વિટો પોતાની પાસે મદદ માગવા આવતા લોકોને નિરાશ કરતો નથી. સિસિલિયન પરંપરા મુજબ, દીકરીના લગ્નના દિવસે ગોડફાધર પાસે મદદ માગવા આવનારાઓની વાત સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી તેમનું કામ કરવું એ તેની જવાબદારી માનવામાં આવે છે.
આ મુલાકાતીઓમાં વિટોનો ધર્મપુત્ર, જાણીતા ગાયક અને અભિનેતા જોની ફોન્ટેનનો પણ સમાવેશ થાય છે. ફોન્ટેનને એક મોટી ફિલ્મમાં ભૂમિકા જોઈતી હોય છે, પરંતુ ફિલ્મના નિર્માતા જેક વોલ્ટ્ઝ તેની સામે અંગત દ્વેષ રાખતો હોવાથી તેને ભૂમિકા આપવા તૈયાર નથી. વિટો ટોમ હેગનને લોસ એન્જલસ મોકલે છે જેથી તે વોલ્ટ્ઝને ફોન્ટેનને ભૂમિકા આપવા માટે સમજાવી શકે. પરંતુ વોલ્ટ્ઝ પોતાની વાત પરથી હટતો નથી. હેગન ત્યાંથી પાછો ફર્યા પછી બીજા દિવસે સવારે વોલ્ટ્ઝ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેને પોતાના પલંગમાં તેના કિંમતી રેસિંગ ઘોડા ખાર્તુમનું કપાયેલું માથું જોવા મળે છે. આ ભયાનક સંદેશા બાદ વોલ્ટ્ઝ ઝૂકી જાય છે અને જોની ફોન્ટેનને ફિલ્મમાં ભૂમિકા મળે છે.
ક્રિસમસ નજીક આવતાં પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય છે. શહેરનો ડ્રગ વેપારી વર્જિલ 'ધ ટર્ક' સોલોઝો ડોન વિટો પાસે ડ્રગ્સના વ્યવસાયમાં ભાગીદારીની દરખાસ્ત લઈને આવે છે. સોલોઝોને તાતાગ્લિયા પરિવારનું સમર્થન હોય છે અને તે વિટોના રાજકીય તથા પોલીસ સંપર્કોનો લાભ લેવા માગે છે. પરંતુ વિટો ડ્રગ્સના વ્યવસાયમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. તેના થોડા સમય બાદ સોલોઝોના માણસો વિટો પર ગોળીબાર કરે છે. વિટો ગંભીર રીતે ઘાયલ થાય છે, પરંતુ જીવતો બચી જાય છે.
વિટો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી સોની પરિવારનો કાર્યકારી વડો બને છે. સોનીના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. દરમિયાન માઈકલ પોતાના પિતાને હોસ્પિટલમાં મળવા જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે પોલીસ કેપ્ટન મેકક્લસ્કીએ વિટોના બોડીગાર્ડ્સને હોસ્પિટલમાંથી હટાવી દીધા છે. માઈકલને સમજાય છે કે હવે સોલોઝો ફરીથી વિટોની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે.
માઈકલ પોતાના પિતાને હોસ્પિટલના બીજા રૂમમાં ખસેડે છે અને બહાર ઊભો રહીને તેમની રક્ષા કરે છે. સોલોઝોના હત્યારાઓને તે પોતાની હાજરીથી ડરાવીને પાછા ફરવા મજબૂર કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલો કેપ્ટન મેકક્લસ્કી ત્યાં પહોંચે છે અને માઈકલ પર હુમલો કરીને તેનું જડબું તોડી નાખે છે. થોડા સમય બાદ ટોમ હેગન અન્ય બોડીગાર્ડ્સ સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે છે.
પરિવારના વ્યવસાયથી હંમેશાં દૂર રહેનાર માઈકલ હવે સમજી જાય છે કે જ્યાં સુધી સોલોઝો અને મેકક્લસ્કી જીવતા છે ત્યાં સુધી તેના પિતા સુરક્ષિત નથી. તે બંને સાથે એક બેઠક યોજવાની યોજના બનાવે છે. પરિવાર શરૂઆતમાં આ વિચારથી ચોંકી જાય છે, પરંતુ અંતે તેની યોજના સ્વીકારે છે અને રેસ્ટોરન્ટમાં યોજાનારી બેઠક માટે બંદૂક છુપાવી રાખે છે.
રેસ્ટોરન્ટમાં માઈકલ સોલોઝો અને મેકક્લસ્કી બંનેને ગોળી મારીને હત્યા કરે છે. ત્યારબાદ તે પોલીસ અને વિરોધી માફિયા પરિવારોના બદલા̀થી બચવા માટે અમેરિકા છોડીને સિસિલી ભાગી જાય છે.
સિસિલીમાં રહેતા દરમિયાન માઈકલ સ્થાનિક યુવતી એપોલોનિયા વિટેલીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરે છે અને માઈકલ થોડા સમય માટે પોતાની જૂની દુનિયાથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગે છે. પરંતુ તેની આ શાંતિ લાંબી ચાલતી નથી. તેના બોડીગાર્ડ ફેબ્રિઝિયોને બારઝિનીના માણસો લાંચ આપીને પોતાની તરફ કરી લે છે. ફેબ્રિઝિયો માઈકલની કારમાં બોમ્બ ગોઠવે છે. વિસ્ફોટમાં માઈકલ બચી જાય છે, પરંતુ એપોલોનિયાનું મોત થાય છે.
આ દરમિયાન ન્યૂયોર્કમાં કોર્લિયોન અને બાકીના ચાર પરિવારો વચ્ચે ગેંગવૉર શરૂ થઈ ચૂક્યું છે. સોનીને ખબર પડે છે કે તેની બહેન કોનીનો પતિ કાર્લો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સોની ગુસ્સામાં કાર્લોને માર મારીને કોનીને ફરી ક્યારેય હાથ ન લગાવવાની ચેતવણી આપે છે. પરંતુ કાર્લો ફરીથી કોની સાથે મારપીટ કરે છે અને આ વખતે કોની પોતાના પરિવારને મદદ માટે બોલાવે છે.
ગુસ્સામાં સોની કોનીના ઘરે જવા નીકળે છે, પરંતુ રસ્તામાં હાઇવે ટોલ બૂથ પાસે બારઝિનીના માણસો તેના પર હુમલો કરે છે અને સોનીની હત્યા કરી નાખે છે.
વિટો પોતાના પુત્રના મૃત્યુથી તૂટી જાય છે, પરંતુ બદલો લેવાના બદલે યુદ્ધનો અંત લાવવાનું નક્કી કરે છે. તે ન્યૂયોર્કના પાંચેય માફિયા પરિવારોના વડાઓની બેઠક બોલાવે છે અને શાંતિ સમજૂતી કરાવે છે. આ સમજૂતી દરમિયાન ડ્રગ્સના વ્યવસાયને મર્યાદિત રીતે સ્વીકારવામાં આવે છે અને માઈકલને સુરક્ષિત રીતે અમેરિકા પરત આવવાનો રસ્તો મળે છે.
માઈકલ સિસિલીમાં થયેલા હુમલા બાદ અમેરિકા પરત ફરે છે. હવે તે પહેલા જેવો નિર્દોષ યુવાન રહ્યો નથી. પરિવારના વ્યવસાયની વાસ્તવિકતા સ્વીકારીને તે ધીમે ધીમે પોતાના પિતા પાસેથી કોર્લિયોન પરિવારની જવાબદારી સંભાળવા લાગે છે. તે કેઈ એડમ્સ સાથે લગ્ન કરે છે અને તેને વચન આપે છે કે થોડા વર્ષોમાં તે પરિવારના વ્યવસાયને કાયદેસર બનાવી દેશે.
માઈકલ પોતાના ભાઈ ફ્રેડોને મળવા લાસ વેગાસ જાય છે. ત્યાં ફ્રેડો કેસિનોના માલિક મો ગ્રીનના પ્રભાવ હેઠળ રહે છે. માઈકલ મો ગ્રીન સાથે તેના કેસિનોમાં કોર્લિયોન પરિવારનો હિસ્સો ખરીદવાનો સોદો કરવા માગે છે, પરંતુ ગ્રીન તેને નકારી કાઢે છે અને બારઝિની પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવે છે. માઈકલ ત્યારબાદ ફ્રેડોને ગ્રીનનો પક્ષ લેવા બદલ ઠપકો આપે છે અને પરિવાર વિરુદ્ધ ક્યારેય ન જવાની ચેતવણી આપે છે.
વિટોને હવે સમજાઈ જાય છે કે સોનીના મૃત્યુ પાછળ તાતાગ્લિયા કરતાં બારઝિનીનો હાથ હતો. તે માઈકલને ચેતવણી આપે છે કે એક દિવસ કોઈ કોર્લિયોન માણસ બારઝિની સાથે માઈકલની બેઠક ગોઠવવાની ઓફર કરશે અને એ જ સમયે માઈકલની હત્યા કરવાનો પ્રયાસ થશે. આ વ્યક્તિ કોણ હશે તે ઓળખી લેવાની જવાબદારી માઈકલની રહેશે.
થોડા સમય બાદ વિટો પોતાના પૌત્ર એન્થની સાથે બગીચામાં રમતા હોય છે ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થાય છે.
વિટોના અંતિમ સંસ્કાર દરમિયાન કોર્લિયોન પરિવારનો કેપો સાલ્વાતોર ટેસિયો માઈકલને બારઝિની સાથે બેઠક ગોઠવવાની ઓફર કરે છે. આથી માઈકલને પોતાના પિતાની આગાહી સાચી હોવાનું સમજાય છે અને ટેસિયો જ પરિવારનો દેશદ્રોહી હોવાનું બહાર આવે છે.
ત્યારબાદ માઈકલ પોતાના ભત્રીજાના બાપ્તિસ્મા સમારોહમાં ગોડફાધર તરીકે હાજરી આપે છે. ચર્ચમાં તે બાળકના ગોડફાધર તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યો હોય છે, ત્યારે બીજી તરફ તેના માણસો તેના આદેશ મુજબ એક પછી એક તેના તમામ મુખ્ય વિરોધીઓની હત્યા કરે છે. મો ગ્રીન અને ન્યૂયોર્કના અન્ય માફિયા પરિવારોના વડાઓ પણ આ હત્યાકાંડમાં માર્યા જાય છે.
ટેસિયોને તેના વિશ્વાસઘાત માટે પકડી લેવામાં આવે છે. ત્યારબાદ માઈકલ કાર્લો રિઝી પાસેથી સોનીની હત્યામાં તેની ભૂમિકા અંગે કબૂલાત મેળવે છે. કાર્લો સ્વીકારે છે કે તેણે બારઝિની સાથે મળીને સોનીને ફસાવવાની યોજના બનાવી હતી અને કોની સાથેનો તેનો દુર્વ્યવહાર પણ આ જ યોજનાનો ભાગ હતો. માઈકલ તેને ઠપકો આપે છે અને પછી બહાર જવા દે છે. પરંતુ કાર્લોને સુરક્ષિત સ્થળે લઈ જવાના બહાને ક્લેમેન્ઝા તેની કારમાં જ તેની હત્યા કરી નાખે છે.
ઘરે પાછા ફર્યા બાદ કોની માઈકલ પર કાર્લોની હત્યાનો આરોપ મૂકે છે. કેઈ જ્યારે માઈકલને પૂછે છે ત્યારે તે કાર્લોની હત્યા કરવાનો ઇનકાર કરે છે. પરંતુ થોડા સમય બાદ પરિવારના કેપો માઈકલ પાસે આવે છે અને તેને વફાદારીની ખાતરી આપે છે. કેઈ આ દૃશ્ય જોઈ રહી હોય છે ત્યારે ક્લેમેન્ઝા માઈકલના હાથને ચુંબન કરીને તેને 'ડોન કોર્લિયોન' કહીને સંબોધે છે. ત્યારબાદ નેરી દરવાજો બંધ કરી દે છે અને કેઈથી માઈકલની નવી દુનિયાને અલગ કરી દે છે.
આ રીતે, પરિવારથી દૂર રહેવા માગતો યુદ્ધનો હીરો માઈકલ કોર્લિયોન અંતે પોતાના પિતાની જગ્યાએ કોર્લિયોન પરિવારનો નવો ડોન બનીને ન્યૂયોર્કની માફિયા દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા બની જાય છે.
કલાકારો
[ફેરફાર કરો]- માર્લોન બ્રાન્ડો — ડોન વિટો કોર્લિયોન: કોર્લિયોન પરિવારના વડા અને ગુનાહિત સામ્રાજ્યના ડોન
- અલ પચિનો — માઈકલ કોર્લિયોન: ડોન વિટો કોર્લિયોનનો સૌથી નાનો પુત્ર
- જેમ્સ કાન — સોની કોર્લિયોન: વિટોનો મોટો પુત્ર અને પરિવારનો કાર્યકારી વડો
- રોબર્ટ ડુવાલ — ટોમ હેગન: કોર્લિયોન પરિવારના કન્સિલિયેરી, વકીલ અને વિટોના દત્તક પુત્ર
- રિચાર્ડ એસ. કાસ્ટેલાનો — પીટર ક્લેમેન્ઝા: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ
- ડાયાન કીટન — કેઈ એડમ્સ: માઈકલની પ્રેમિકા અને પાછળથી તેની પત્ની
- જોન કેઝેલ — ફ્રેડો કોર્લિયોન: વિટોનો વચલો પુત્ર
- તાલિયા શાયર — કોની કોર્લિયોન: વિટોની એકમાત્ર પુત્રી
- જિયાન્ની રુસો — કાર્લો રિઝી: કોનીનો પતિ
- અલ લેટિએરી — વર્જિલ સોલોઝો: ડ્રગ્સનો વેપારી અને કોર્લિયોન પરિવારનો વિરોધી
- રિચાર્ડ કોન્ટે — ડોન એમિલિયો બારઝિની: બારઝિની પરિવારના વડા અને કોર્લિયોન પરિવારના મુખ્ય હરીફ
- વિક્ટર રેન્ડિના — ફિલિપ તાતાગ્લિયા: તાતાગ્લિયા પરિવારના વડા
- સ્ટર્લિંગ હેડન — ન્યૂયોર્ક પોલીસ કેપ્ટન મેકક્લસ્કી: સોલોઝોના પૈસે કામ કરતો ભ્રષ્ટ પોલીસ અધિકારી
- અલ માર્ટિનો — જોની ફોન્ટેન: ગાયક, અભિનેતા અને ડોન વિટોનો ધર્મપુત્ર
- અબે વિગોડા — સાલ્વાતોરે ટેસિયો: કોર્લિયોન પરિવારનો કેપોરેજિમ
- લેનિ મોન્ટાના — લુકા બ્રાસી: વિટોનો વફાદાર અને ખતરનાક માણસ
- જોની માર્ટિનો — પૉલી ગેટો: કોર્લિયોન પરિવારનો સૈનિક
- એલેક્સ રોકો — મો ગ્રીન: લાસ વેગાસનો કેસિનો માલિક અને માફિયા સભ્ય
- રૂડી બોન્ડ — કાર્માઇન ક્યુનિયો: ક્યુનિયો પરિવારના વડા
- ડોન કોસ્ટેલો — વિક્ટર સ્ટ્રાચી: સ્ટ્રાચી પરિવારના વડા
- મોર્ગાના કિંગ — કાર્મેલા કોર્લિયોન: વિટોની પત્ની
- જ્હોન માર્લી — જેક વોલ્ટ્ઝ: હોલીવૂડ ફિલ્મ નિર્માતા
- વિટો સ્કોટી — નાઝોરીન: બેકર અને ડોન વિટોનો પરિચિત
- સિમોનેટા સ્ટેફાનેલી — એપોલોનિયા વિટેલી-કોર્લિયોન: માઈકલની સિસિલિયન પત્ની
- એન્જેલો ઇન્ફાંટી — ફેબ્રિઝિયો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ
- ફ્રાન્કો ચિત્તિ — કાલો: સિસિલીમાં માઈકલનો બોડીગાર્ડ
- કોરાડો ગાઇપા — ડોન તોમ્માસિનો: સિસિલિયન માફિયા વડા અને ડોન વિટો કોર્લિયોનના જૂના મિત્ર.
નિર્માણ
[ફેરફાર કરો]મારિયો પુઝો જ્યારે આ નવલકથા લખી રહ્યા હતા અને પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નહોતું, ત્યારે જ પેરામાઉન્ટ પિક્ચર્સનું ધ્યાન તેમની વાર્તા તરફ ગયું હતું. તે સમયે પુઝો આર્થિક મુશ્કેલીમાં હતા. માર્ચ ૧૯૬૭માં પેરામાઉન્ટે પુઝોની આવનારી નવલકથા પરથી ફિલ્મ બનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેના હક્કો મેળવવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ નવલકથા પૂર્ણ થાય તે પહેલાં જ પેરામાઉન્ટે તેના ફિલ્મી હક્કો ૧૨,૫૦૦ અમેરિકન ડોલરમાં ખરીદી લીધા હતા. ફિલ્મનું નિર્માણ થાય તો પુઝોને વધુ ૮૦,૦૦૦ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
નવલકથા ૧૯૬૯માં પ્રકાશિત થઈ ત્યારે તેને અસાધારણ વ્યાવસાયિક સફળતા મળી. તે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સતત ૬૭ અઠવાડિયા સુધી રહી હતી અને બે વર્ષમાં તેની ૯૦ લાખથી વધુ નકલો વેચાઈ હતી. નવલકથાની આ જબરદસ્ત સફળતા બાદ પેરામાઉન્ટે તેના પરથી ભવ્ય ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.
૧૯૬૯માં પેરામાઉન્ટે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પોતાની સત્તાવાર યોજના જાહેર કરી અને ફિલ્મને ૧૯૭૧ના ક્રિસમસના દિવસે રજૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું.
દિગદર્શન અને લેખન
[ફેરફાર કરો]પેરામાઉન્ટના નિર્માતા રોબર્ટ ઇવાન્સ ઇચ્છતા હતા કે ફિલ્મનું દિગ્દર્શન કોઈ ઇટાલિયન-અમેરિકન દિગ્દર્શક કરે, જેથી ફિલ્મમાં માફિયા અને ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. આ નિર્ણય પાછળ પેરામાઉન્ટની અગાઉની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર મોટી ફ્લૉપ પણ એક કારણ હતી. ઇવાન્સને લાગતું હતું કે ફિલ્મમાં ઇટાલિયન મૂળના કલાકારો અને સર્જનાત્મક લોકોનો અભાવ તેની નિષ્ફળતાનું એક કારણ હતો.
આ માટે પેરામાઉન્ટે તે સમયે માત્ર ૨૯ વર્ષના અને હોલીવૂડમાં હજુ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહેલા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઓફર કરી. કોપોલા પોતે ઇટાલિયન-અમેરિકન હતા, પરંતુ શરૂઆતમાં તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ના પાડી હતી. તેમને મારિયો પુઝોની નવલકથા ખાસ પસંદ નહોતી અને શરૂઆતમાં તેઓ તેને સસ્તી અને ગંદી વાર્તા માનતા હતા. જોકે, આર્થિક મુશ્કેલીઓ અને પરિસ્થિતિને કારણે અંતે તેમને ફિલ્મનું દિગ્દર્શન સ્વીકારવું પડ્યું.
ત્યારબાદ નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ મારિયો પુઝોને કોપોલા સાથે ફિલ્મની પટકથા લખવા માટે જોડ્યા. પુઝોની મૂળ નવલકથાને આધાર બનાવીને બંનેએ ફિલ્મની વાર્તા અને પટકથાને પડદા માટે ફરીથી તૈયાર કરી.
ફિલ્મ નિર્માણના બજેટ અંગેની મુશ્કેલીઓ
[ફેરફાર કરો]પેરામાઉન્ટ પિક્ચર્સે ૨૩ માર્ચ ૧૯૭૦ના રોજ આલ્બર્ટ એસ. રડ્ડીને ફિલ્મના નિર્માતા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. સ્ટુડિયોના અધિકારીઓ તેમના ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા અને અગાઉની ફિલ્મો મર્યાદિત બજેટમાં પૂર્ણ કરવા માટે તેઓ જાણીતા હતા. પેરામાઉન્ટ આ ફિલ્મને ઓછા બજેટમાં બનાવવા માગતું હતું, કારણ કે તેની અગાઉની મોટા બજેટની ગેંગસ્ટર ફિલ્મ ધ બ્રધરહુડ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સ્ટુડિયોને એવું લાગતું હતું કે દર્શકો હવે ગેંગસ્ટર ફિલ્મોમાં ખાસ રસ નહીં લે.
પરંતુ પેરામાઉન્ટને સતત ફ્લૉપ ફિલ્મો ની નિષ્ફળતા બાદ એક સફળ હિટ ફિલ્મની પણ જરૂર હતી. મારિયો પુઝોની નવલકથા ધ ગોડફાધરની જબરદસ્ત લોકપ્રિયતા જોઈને સ્ટુડિયોને લાગ્યું કે આ વાર્તા ફિલ્મ માટે યોગ્ય તક બની શકે છે. તેથી પેરામાઉન્ટે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રડ્ડીને તેનું નિર્માણ સોંપ્યું.
કોપોલાને દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મને શક્ય તેટલા ઓછા ખર્ચે બનાવવાનું ઇચ્છતું હતું. સ્ટુડિયો શરૂઆતમાં ન્યૂયોર્કને બદલે સેન્ટ લુઇસ જેવા સસ્તા શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવાની અને જરૂરી સેટ ઊભા કરવાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્કમાં શૂટિંગ કરવું ઘણું મોંઘું પડવાનું હોવાથી ફિલ્મનું બજેટ લગભગ ૨.૫ મિલિયન અમેરિકન ડોલરની આસપાસ રાખવાની સ્ટુડિયોની ઇચ્છા હતી.
પરંતુ કોપોલા આ બાબતે શરૂઆતથી જ મક્કમ હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વાર્તાના સમયગાળા મુજબ ૧૯૪૦ના દાયકાના ન્યૂયોર્કનો અસલી માહોલ જોવા મળે. આધુનિક સમયમાં શૂટિંગ કરીને જૂના સમયનો દેખાવ ઊભો કરવો તેમને યોગ્ય લાગતું નહોતું. તેથી જૂની કારો, કપડાં, રસ્તાઓ, ઇમારતો અને સેટ સહિત ફિલ્મના દરેક ભાગમાં તે સમયનો માહોલ ઊભો કરવા માટે વધુ ખર્ચ કરવો પડ્યો.
ખાસ કરીને માઈકલ કોર્લિયોનનું પાત્ર આ સમયગાળા સાથે સીધું જોડાયેલું હતું. ફિલ્મની શરૂઆતમાં તે બીજા વિશ્વયુદ્ધમાંથી મરીન ઓફિસર તરીકે પરત ફરેલો યુવાન છે, જે ભણેલો-ગણેલો છે અને પોતાના પરિવારના માફિયા વ્યવસાયથી દૂર રહેવા માગે છે. જો વાર્તાને આધુનિક સમયમાં મૂકવામાં આવી હોત, તો માઈકલના પાત્રની પૃષ્ઠભૂમિ સહિત વાર્તાના ઘણા મહત્વના પાસાં બદલાઈ જાત. આ કારણથી કોપોલા માટે ૧૯૪૦ના દાયકાનો સમયગાળો જાળવી રાખવો ખૂબ મહત્વનો હતો.
આ ઉપરાંત ફિલ્મના સિસિલી સાથે જોડાયેલા દૃશ્યોને લઈને પણ સ્ટુડિયો અને કોપોલા વચ્ચે મતભેદ થયા હતા. પેરામાઉન્ટ ઇટાલીના સિસિલીમાં જઈને શૂટિંગ કરવા માટે થનારો વધારાનો મુસાફરી અને નિર્માણ ખર્ચ બચાવવા માગતું હતું. સ્ટુડિયોની ઇચ્છા હતી કે માઈકલ સોલોઝો અને કેપ્ટન મેકક્લસ્કીની હત્યા કર્યા બાદ સિસિલી ભાગી જાય તેવા દૃશ્યો અમેરિકામાં જ કોઈ યોગ્ય લોકેશન અથવા સેટ બનાવીને શૂટ કરી લેવામાં આવે.
પરંતુ કોપોલા માટે સિસિલી માત્ર વાર્તાનું એક સ્થળ નહોતું; તે કોર્લિયોન પરિવારના મૂળ અને માઈકલના જીવનમાં આવતા સૌથી મહત્વના વળાંક સાથે જોડાયેલું હતું. સિસિલીના પહાડી ગામડાં, જૂની ગલીઓ અને ઓલિવના બગીચાઓમાં માઈકલનું જીવન ફિલ્મમાં એક અલગ જ ભાવનાત્મક રંગ લાવે છે. ત્યાં જ તેને એપોલોનિયા સાથે પ્રેમ થાય છે અને તેના મૃત્યુ બાદ માઈકલના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. કોપોલાને લાગતું હતું કે આ વાતાવરણ કોઈ અમેરિકન સેટ પર સાચી રીતે ઊભું કરી શકાય તેમ નહોતું.
૧૯૭૧માં પ્રોડક્શન ટીમ સિસિલી પહોંચી ત્યારે મૂળ કોર્લિયોન ગામ સમય સાથે ઘણું બદલાઈ ગયું હતું. ત્યાં આધુનિક ઇમારતો, નવી કારો અને અન્ય આધુનિક વસ્તુઓ દેખાતી હોવાથી ૧૯૪૦ના દાયકાનો માહોલ ઊભો કરવો મુશ્કેલ હતો. આથી કોપોલાએ સિસિલીના સાવુકા અને ફોર્ઝા ડી'આગ્રો જેવા જૂના અને નાના ગામડાંઓને પસંદ કર્યા, જ્યાં તે સમયનો માહોલ હજુ પણ ઘણો અંશે જળવાઈ રહ્યો હતો.
સિસિલીમાં શૂટિંગ, જૂના સમયનો માહોલ ઊભો કરવા માટેના સેટ અને પ્રોપ્સ તથા વિન્ટેજ કારોના ખર્ચને કારણે ફિલ્મનું બજેટ શરૂઆતની યોજના કરતાં ઘણું વધી ગયું. અંતે ફિલ્મનું નિર્માણ લગભગ ૬થી ૭ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે થયું, જે પેરામાઉન્ટના શરૂઆતના અંદાજ કરતાં બમણાથી પણ વધુ હતું. [૩]
રસપ્રદ વાત એ છે કે અલ પચીનોના દાદા-દાદી પણ સિસિલીના કોર્લિયોન ગામમાંથી જ હતા. તેથી ફિલ્મમાં માઈકલ જે ભૂમિ પર પોતાના પરિવારના મૂળ સાથે જોડાય છે, તે સ્થળ સાથે પચીનોના પોતાના પરિવારનો પણ વાસ્તવિક સંબંધ હતો.
અસલી માફિયા સાથેનો વિવાદ
[ફેરફાર કરો]મારિયો પુઝોની સુપરહિટ નવલકથા ધ ગોડફાધર પરથી પેરામાઉન્ટ પિક્ચર્સ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે અસલી માફિયા વર્તુળોમાં તેનો વિરોધ શરૂ થયો. કેટલાક માફિયા સભ્યોને પહેલેથી જ પુઝોની નવલકથા પસંદ નહોતી અને તેઓ માનતા હતા કે તેમાં ઇટાલિયન-અમેરિકન લોકોને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે આ જ વાર્તા ફિલ્મના રૂપમાં પડદા પર આવવાની હતી, જેના કારણે તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો.
ન્યૂયોર્કની પાંચ મુખ્ય માફિયા પરિવારોમાંના એક કોલંબો પરિવારના વડા જોસેફ "જો" કોલંબોએ પોતાની ઇટાલિયન-અમેરિકન સિવિલ રાઇટ્સ લીગ મારફતે ફિલ્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. [૪] ફિલ્મના નિર્માણ દરમિયાન મળેલી ધમકીઓ અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ જો કોલંબો સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ફિલ્મમાં "માફિયા" અને "કોસા નોસ્ટ્રા" જેવા શબ્દોના ઉપયોગને ટાળવામાં આવ્યો.
આ સમજૂતી બાદ કોલંબોએ ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી કરવાને બદલે ફિલ્મને સહકાર આપ્યો અને શૂટિંગ દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડી. રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં ડોન વિટો ના વફાદાર ખતરનાક બોડીગાર્ડ લુકા બ્રાસીનું પાત્ર ભજવનાર લેની મોન્ટાના વાસ્તવિક જીવનમાં કોલંબો પરિવાર સાથે જોડાયેલા હતા અને જો કોલંબોના બોડીગાર્ડ તરીકે પણ કામ કરતા હતા.
શૂટિંગ દરમિયાન અસલી માફિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સેટ પર નજર રાખતા હતા. ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં કોનીના લગ્નના લાંબા દૃશ્યમાં જોવા મળતા કેટલાક પૃષ્ઠભૂમિના લોકો ખરેખર માફિયા વર્તુળો સાથે જોડાયેલા હતા. આ કારણે ફિલ્મના ઘણા દૃશ્યોમાં દેખાતું વાતાવરણ માત્ર અભિનય પૂરતું નહોતું, પરંતુ તે સમયની વાસ્તવિક ઇટાલિયન-અમેરિકન માફિયા દુનિયાની નજીકનું પણ હતું.
કલાકારોની પસંદગી
[ફેરફાર કરો]ડોન વિટો કોર્લિયોનનું પાત્ર ફિલ્મનું સૌથી મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર હતું. કોપોલા ઇચ્છતા હતા કે આ ભૂમિકા માર્લોન બ્રાન્ડો ભજવે. બ્રાન્ડોમાં ડોન વિટો માટે જરૂરી વ્યક્તિત્વ, રુઆબ અને પાત્રમાં ઊંડાઈ લાવવાની ક્ષમતા હતી, પરંતુ પેરામાઉન્ટ બ્રાન્ડોને લેવા તૈયાર નહોતું. તેનું એક કારણ એ હતું કે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને તેમના સેટ પરના મુશ્કેલ સ્વભાવને કારણે સ્ટુડિયો પણ ચિંતિત હતો. તેમ છતાં, કોપોલા પોતાની પસંદગી પર અડગ રહ્યા.
બ્રાન્ડોએ ખાનગી રીતે આપેલા સ્ક્રીન ટેસ્ટમાં વિટો કોર્લિયોનના પાત્ર માટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે મોઢામાં કપાસ ભરીને અવાજમાં ભારેપણું લાવ્યું અને અરીસાની સામે પાત્રની હાવભાવ તથા બોલવાની રીત અજમાવી. આ સ્ક્રીન ટેસ્ટ જોયા બાદ પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થયા અને અંતે પેરામાઉન્ટે કોપોલાને બ્રાન્ડોને ડોન વિટોની ભૂમિકા માટે લેવાની મંજૂરી આપી, પરંતુ કેટલીક શરતો સાથે. બ્રાન્ડોએ પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમમાં કામ કરવું અને શૂટિંગ દરમિયાન તેમના કારણે ફિલ્મના નિર્માણમાં કોઈ વિલંબ ન થાય તેની ખાતરી માટે બોન્ડ આપવો જરૂરી હતો. ફિલ્મની કમાણીમાં હિસ્સો મળવાના કરારને કારણે બ્રાન્ડોએ અંતે આશરે ૧૬ લાખ અમેરિકન ડોલર કમાયા.
માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પણ કોપોલાની પસંદગી શરૂઆતથી જ અલ પચીનો હતા. પરંતુ પેરામાઉન્ટ આ મુખ્ય ભૂમિકા માટે કોઈ મોટા સ્ટારને લેવા માગતું હતું. તે સમયે પચીનો હજી નવા કલાકાર હતા. કોપોલા જોકે પોતાની પસંદગી પર અડગ રહ્યા, કારણ કે તેમને પચીનોમાં માઈકલના પાત્ર માટે જરૂરી તીવ્રતા અને અંદરની શાંતિ બંને જોવા મળતી હતી. પચીનો ઇટાલિયન મૂળના હોવાથી પણ કોપોલાને લાગતું હતું કે તે આ પાત્રને વધુ સ્વાભાવિક રીતે રજૂ કરી શકશે.
પેરામાઉન્ટે અંતે પચીનોને પસંદ તો કર્યા, પરંતુ શરૂઆતના શૂટિંગ દરમિયાન તેમના અભિનયથી સ્ટુડિયો સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો અને તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ચર્ચા પણ થઈ હતી. કોપોલાએ તેમને તક આપવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. ફિલ્મના થોડા શરૂઆત ના દૃશ્યો શૂટ કર્યા બાદ તેમણે સીધું માઈકલનું લુઇઝ રેસ્ટોરન્ટ ગોળીબાર નું પ્રસિદ્ધ દૃશ્ય વહેલું શૂટ કર્યું, જેમાં માઈકલ વર્જિલ સોલોઝો અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન મેકક્લસ્કીની ગોળી મારીને હત્યા કરે છે.
આ દૃશ્યમાં અલ પચીનોએ જે તીવ્ર અને સંયમિત અભિનય કર્યો તે જોઈને પેરામાઉન્ટના અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે માઈકલ કોર્લિયોનના પાત્ર માટે પચીનો કરતાં વધુ યોગ્ય પસંદગી કદાચ કોઈ નહીં હોય. ત્યારબાદ પચીનોને ફિલ્મમાં જાળવી રાખવામાં આવ્યા.
ટોમ હેગનના પાત્ર માટે કોપોલાની શરૂઆતથી જ પસંદગી રોબર્ટ ડુવાલ હતા. અન્ય કેટલાક કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ અંતે કોપોલાની પસંદગી માનવામાં આવી અને ડુવાલને ટોમ હેગનની ભૂમિકા મળી.
જોની ફોન્ટેનના પાત્ર માટેની પસંદગીની વાત થોડી રસપ્રદ હતી. તે સમયે નાઇટક્લબમાં જાણીતા ગાયક અલ માર્ટિનોને એક મિત્રે મારિયો પુઝોની નવલકથા વાંચ્યા બાદ કહ્યું હતું કે જોની ફોન્ટેનનું પાત્ર તેમના વ્યક્તિત્વને મળતું આવે છે. માર્ટિનોએ ત્યારબાદ ફિલ્મના નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીનો સંપર્ક કર્યો અને રડ્ડીએ તેમને આ ભૂમિકા આપી.
પરંતુ કોપોલા ફિલ્મના દિગ્દર્શક બન્યા બાદ માર્ટિનોને આ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ગાયક વિક ડેમોનને પસંદ કરવામાં આવ્યા. માર્ટિનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમણે પોતાના ગોડફાધર અને માફિયા બોસ રસેલ બુફાલિનોનો સંપર્ક કર્યો. બુફાલિનોની મદદથી એવા સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કોપોલાને રડ્ડીએ અગાઉ માર્ટિનોને ભૂમિકા આપી હતી તેની જાણ જ નહોતી.
આ દરમિયાન વિક ડેમોને પણ આખરે આ ભૂમિકા છોડી દીધી. તેનું એક કારણ ઓછું મહેનતાણું હતું, જ્યારે બીજું કારણ માફિયા સાથે કોઈ વિવાદ ઊભો ન થાય તેવું તેમનું માનવું હતું. અંતે જોની ફોન્ટેનની ભૂમિકા ફરીથી અલ માર્ટિનોને જ આપવામાં આવી.
જોની ફોન્ટેનનું પાત્ર વાસ્તવિક જીવનમાં ફ્રેન્ક સિનાત્રાથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. વાર્તામાં ફોન્ટેન પોતાના ગોડફાધરની મદદથી ફિલ્મમાં ભૂમિકા મેળવે છે, તેવી જ રીતે સિનાત્રાએ પણ પોતાના માફિયા સાથેના નજીકના સંબંધોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં કામ મેળવ્યું હોવાની ચર્ચા હતી. આ કારણે સિનાત્રા આ પાત્રથી ખાસ નારાજ હતા. નવલકથા પ્રકાશિત થયા બાદ એક રેસ્ટોરન્ટમાં સિનાત્રા અને લેખક મારિયો પુઝો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
કોપોલાએ ફિલ્મમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને પણ નાની-મોટી ભૂમિકાઓ આપી હતી. તેમની બહેન તાલિયા શાયરને કોની કોર્લિયોનની મહત્વની ભૂમિકા મળી હતી. તે સમયે તેમની નાની દીકરી સોફિયા કોપોલા હજી શિશુ હતી, છતાં તેણે ફિલ્મના અંતિમ બાપ્તિસ્માના દૃશ્યમાં કોની અને કાર્લોના નવજાત પુત્ર માઈકલ ફ્રાન્સિસ રિઝીનું પાત્ર ભજવ્યું હતું.
કોપોલાના પિતા કાર્મિન કોપોલા પણ ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે જોવા મળે છે અને એક દૃશ્યમાં પિયાનો વગાડતા નજરે પડે છે. તેમની પત્ની, માતા અને બે પુત્રોએ પણ ફિલ્મમાં નાની ભૂમિકાઓમાં એક્સ્ટ્રા તરીકે હાજરી આપી હતી.
પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ સંપાદન
[ફેરફાર કરો]૭ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ફિલ્મનું મુખ્ય શૂટિંગ પૂર્ણ થયું. ત્યારબાદ પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન સૌથી મોટો પડકાર ફિલ્મની લાંબી લંબાઈનો હતો. ફિલ્મનો પ્રારંભિક કટ ઘણો લાંબો હતો અને પેરામાઉન્ટને ચિંતા હતી કે જો ફિલ્મ આટલી લાંબી રહેશે તો એક દિવસમાં ઓછા શો રાખી શકાશે, જેના કારણે થિયેટરોની કમાણી પર પણ અસર પડી શકે.
આથી પેરામાઉન્ટે કોપોલાને ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કહ્યું. કોપોલા અને નિર્માતા આલ્બર્ટ એસ. રડ્ડીએ ફરીથી એડિટિંગ શરૂ કર્યું અને વાર્તા માટે જરૂરી ન હોય તેવા અનેક દૃશ્યો કાપી નાખ્યા. ખાસ કરીને સોની સાથે જોડાયેલા કેટલાક દૃશ્યો દૂર કરવામાં આવ્યા, કારણ કે તે મુખ્ય વાર્તાને આગળ વધારવામાં ખાસ મદદ કરતા નહોતા. સપ્ટેમ્બર ૧૯૭૧માં ફિલ્મનો પ્રથમ રફ કટ તૈયાર થયો અને ત્યારબાદ પણ દૃશ્યો ઉમેરવા તથા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી. નવેમ્બર સુધીમાં કોપોલા અને રડ્ડીએ ફિલ્મનો લગભગ અંતિમ કટ તૈયાર કરી લીધો હતો. ડિસેમ્બર ૧૯૭૧ના અંતથી જાન્યુઆરી ૧૯૭૨ દરમિયાન પેરામાઉન્ટના અધિકારીઓ અને થિયેટર પ્રદર્શકોને ફિલ્મ બતાવવામાં આવી.
પ્રકાશન
[ફેરફાર કરો]થિયેટર રિલીઝ
[ફેરફાર કરો]ધ ગોડફાધરનું વિશ્વ પ્રીમિયર ૧૪ માર્ચ ૧૯૭૨ના રોજ ન્યૂયોર્ક શહેરના લોવ્ઝ સ્ટેટ થિયેટરમાં યોજાયું હતું. ફિલ્મની આ રજૂઆત તેની અગાઉ નક્કી કરાયેલી ૧૯૭૧ની ક્રિસમસ ડેની રિલીઝ તારીખ કરતાં લગભગ ત્રણ મહિના મોડી હતી. પ્રીમિયરમાંથી મળેલી આવક ધ બોયઝ ક્લબ ઑફ ન્યૂયોર્કને દાનમાં આપવામાં આવી હતી.
ફિલ્મના સત્તાવાર પ્રીમિયર પહેલાં જ તેના માર્કેટિંગ અભિયાનના ભાગરૂપે દેશભરના ૪૦૦થી વધુ પસંદગીના થિયેટરો પાસેથી એડવાન્સ બુકિંગ દ્વારા આશરે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી.
૧૫ માર્ચે ફિલ્મ ન્યૂયોર્ક શહેરના પાંચ થિયેટરોમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ ૧૭ માર્ચે ટોરોન્ટોના ઇમ્પિરિયલ થિયેટરમાં અને ૨૨ માર્ચે લોસ એન્જલસના બે થિયેટરોમાં તેનું પ્રદર્શન શરૂ થયું. અંતે ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ ધ ગોડફાધર સમગ્ર અમેરિકામાં રિલીઝ કરવામાં આવી અને પાંચ દિવસમાં જ દેશભરના ૩૧૬ થિયેટરોમાં પહોંચી ગઈ.
રી રિલીઝ
[ફેરફાર કરો]ધ ગોડફાધર ફિલ્મ તેની ભવ્ય સફળતા અને સિનેમા જગતમાં સ્થાનને કારણે સમય-સમય પર થિયેટરોમાં ફરીથી રિલીઝ થતી રહી છે, જેમ કે વર્ષ ૧૯૯૭માં તેની ૨૫મી વર્ષગાંઠ પર અને ત્યારબાદ ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૮માં તેને વિશ્વભરના જુદા-જુદા દેશોના થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૨માં ફિલ્મના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપ અને એશિયા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ડૉલ્બી સિનેમા અને 4K ફોર્મેટમાં તેનું પુનઃપ્રદર્શન કરવામાં આવ્યું હતું, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતભરના પીવીઆર અને આઈનોક્સ સિનેમાઘરોમાં આ આખી ટ્રિલોજીને 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી.[૫]
હોમ મીડિયા
[ફેરફાર કરો]ફિલ્મના ટેલિવિઝન પ્રસારણના અધિકારો એનબીસીને બે રાતના એક પ્રસારણ માટે વિક્રમજનક ૧૦ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. ધ ગોડફાધરનું થિયેટરમાં રજૂ થયેલું સંસ્કરણ અમેરિકન નેટવર્ક ટેલિવિઝન પર એનબીસી દ્વારા માત્ર થોડા ફેરફારો સાથે પ્રસારિત થયું હતું.
આગામી વર્ષે કોપોલાએ અમેરિકન ટેલિવિઝન માટે ખાસ કરીને ધ ગોડફાધર સાગા તૈયાર કરી, જેમાં ધ ગોડફાધર અને ધ ગોડફાધર પાર્ટ ૨ને બંને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવેલા દૃશ્યો સાથે કથાના સમયક્રમ પ્રમાણે જોડવામાં આવી હતી. એનબીસી પર ૧૮ નવેમ્બર ૧૯૭૭ના રોજ પ્રસારિત થયેલા આ સંસ્કરણમાં હિંસા, જાતીય સામગ્રી અને અપશબ્દોની તીવ્રતા ઘટાડવામાં આવી હતી. ૧૯૮૧માં પેરામાઉન્ટે ધ ગોડફાધર એપિક નામનું બોક્સ સેટ બહાર પાડ્યું, જેમાં પ્રથમ બે ફિલ્મોની વાર્તા વધારાના દૃશ્યો સાથે સમયક્રમ પ્રમાણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ટેલિવિઝન પ્રસારણ માટેના ફેરફારો કરવામાં આવ્યા નહોતા. ૧૯૯૨માં ધ ગોડફાધર ટ્રિલોજી રજૂ કરવામાં આવી, જેમાં ત્રણેય ફિલ્મો મુખ્યત્વે સમયક્રમ પ્રમાણે ગોઠવવામાં આવી હતી.
ધ ગોડફાધર ડીવીડી કલેક્શન ૯ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પેકેજમાં ત્રણેય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક ફિલ્મ સાથે કોપોલાની ટિપ્પણી પણ હતી. તેમાં ધ ગોડફાધર ફેમિલી: અ લુક ઇનસાઇડ ધરાવતી એક વધારાની ડિસ્ક પણ હતી. ડીવીડીમાં કોર્લિયોન પરિવારનું વંશવૃક્ષ, ધ ગોડફાધરની સમયરેખા અને એકેડેમી પુરસ્કાર સ્વીકારવાના ભાષણોના દૃશ્યો પણ સામેલ હતા.
પેરામાઉન્ટ પિક્ચર્સે ધ ગોડફાધર, ધ ગોડફાધર પાર્ટ ૨ અને ધ ગોડફાધર કોડા: ધ ડેથ ઑફ માઈકલ કોર્લિયોન (ત્રીજી ફિલ્મના પુનઃસંપાદિત સંસ્કરણ)ને ધ ગોડફાધરના પ્રીમિયરની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પુનઃસ્થાપિત અને પુનઃમાસ્ટર કર્યા હતા. આ ફિલ્મોને મર્યાદિત સમય માટે થિયેટરોમાં ફરી રજૂ કરવામાં આવી હતી અને બ્લૂ-રે તથા 4K બ્લૂ-રે પર હોમ મીડિયા માટે પણ રજૂ કરવામાં આવી હતી. આ ડિસ્ક સંસ્કરણો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.[૬]
સ્વાગત
[ફેરફાર કરો]ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને માર્લોન બ્રાન્ડો અને અલ પચિનોના અભિનય, ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાના દિગ્દર્શન, પટકથા, વાર્તા, સિનેમેટોગ્રાફી, સંપાદન, સંગીત અને માફિયા જગતના ચિત્રણની પ્રશંસા કરવામાં આવી હતી.
કોપોલા માત્ર મારિયો પુઝોની નવલકથાની વાર્તાને પડદા પર ઉતારવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. તેમણે નવલકથામાં વર્ણવાયેલા ઘણા સામાન્ય પ્રસંગો અને ઘટનાઓને પોતાની સર્જનાત્મક દૃષ્ટિ અને સિનેમાની સમજથી વધુ અસરકારક અને યાદગાર દૃશ્યોમાં રૂપાંતરિત કર્યા હતા. તેમણે મૂળ નવલકથાની વાર્તા અને તેની ભાવનાને જાળવી રાખીને ઘણા પ્રસંગોમાં એવા દૃશ્યાત્મક અને નાટ્યાત્મક તત્વો ઉમેર્યા, જેના કારણે ફિલ્મને નવલકથાથી અલગ એક આગવી સિનેમેટિક ઓળખ મળી હતી.
ધ ગોડફાધરે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની દિગ્દર્શક તરીકેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમને હોલીવુડના અગ્રણી દિગ્દર્શકોમાં સ્થાન અપાવ્યું, જ્યારે અલ પચિનોને વિશ્વભરમાં મોટી ઓળખ અપાવી અને તેમને હોલીવુડના મોટા સ્ટાર તરીકે સ્થાપિત કર્યા. માઈકલ કોર્લિયોન તરીકેના તેમના અભિનયને ફિલ્મ જગતમાં અત્યંત તીવ્ર, સંયમિત અને પ્રભાવશાળી અભિનયના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક માનવામાં આવે છે,[૭] તથા ફિલ્મના અન્ય કલાકારો અને સર્જનાત્મક ટીમના ઘણા સભ્યોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી.
બોક્સ ઓફિસ
[ફેરફાર કરો]ધ ગોડફાધર ૨૪ માર્ચ ૧૯૭૨ના રોજ સમગ્ર અમેરિકામાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે પાંચ થિયેટરોમાંથી $૫૭,૮૨૯ની કમાણી કરી હતી, જ્યારે ટિકિટના ભાવ $૩થી વધારીને $૩.૫૦ કરવામાં આવ્યા હતા.[૮] આશરે ૬૦થી ૭૦ લાખ અમેરિકન ડોલર ($૬.૫ મિલિયન; તે સમયના આશરે ₹૪.૯ કરોડ)ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર ($૨૫૦–૨૯૧ મિલિયન; તે સમયના આશરે ₹૧૮૮–૨૧૮ કરોડ)ની કમાણી કરી અને બોક્સ ઓફિસ પર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૧૯૭૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને ૧૯૭૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે રહી હતી.
ફિલ્મે તેની મૂળ રિલીઝ દરમિયાન અમેરિકા અને કેનેડામાં થિયેટર ભાડામાંથી આશરે ૮.૧૫ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરી હતી. ૧૯૭૩માં ફરીથી રિલીઝ કરવામાં આવતા તેની કમાણી વધીને ૮.૫૭ કરોડ ડોલર થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭ સહિત વિવિધ વર્ષોમાં થયેલા પુનઃપ્રદર્શનોને ગણતાં ફિલ્મે વિશ્વભરમાં આશરે ૨૫થી ૨૯ કરોડ અમેરિકન ડોલરની બોક્સ ઓફિસ કમાણી કરી છે.
ફિલ્મની મૂળ સફળતા એટલી મોટી હતી કે તેણે ગોન વિથ ધ વિન્ડને પાછળ છોડીને અમેરિકામાં સૌથી વધુ થિયેટર ભાડું મેળવનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ૧૯૭૫માં જૉઝની રિલીઝ સુધી તેની પાસે રહ્યો હતો. વિદેશી બજારોમાં પણ ફિલ્મને સફળતા મળી અને વિશ્વભરમાં થિયેટર ભાડામાંથી આશરે ૧૪.૨ કરોડ ડોલરની કમાણી થઈ હતી.
ધ ગોડફાધરની સફળતાનો પેરામાઉન્ટ પિક્ચર્સની માલિક કંપની ગલ્ફ એન્ડ વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટો નાણાકીય પ્રભાવ પડ્યો. ૧૩ ડિસેમ્બર ૧૯૭૨ના લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીની પ્રતિ શેર કમાણી ૭૭ સેન્ટથી વધીને ૩.૩૦ ડોલર થઈ ગઈ હતી.
૧૯૯૭થી અત્યાર સુધી થયેલા અનેક પુનઃપ્રદર્શનો બાદ ફિલ્મની વિશ્વભરની બોક્સ ઓફિસ કમાણી આશરે ૨૫થી ૨૯.૧ કરોડ અમેરિકન ડોલર સુધી પહોંચી છે. ધ ગોડફાધરને વિશ્વભરમાં આશરે ૧૨.૮ કરોડ દર્શકોએ થિયેટરોમાં જોઈ હતી. ઉત્તર અમેરિકામાં ટિકિટના ભાવમાં થયેલા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ધ ગોડફાધર આજે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના ૨૫માં સ્થાન ધરાવે છે.
પુરસ્કારો અને નામાંકનો
[ફેરફાર કરો]ધ ગોડફાધર ને ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારોમાં સાત પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી: બેસ્ટ ફિલ્મ – ડ્રામા, અલ પચિનો અને માર્લોન બ્રાન્ડો માટે બેસ્ટ એક્ટર – ડ્રામા, જેમ્સ કાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સંગીત, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ પટકથા. ફિલ્મે બેસ્ટ પટકથા, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર – ડ્રામા (માર્લોન બ્રાન્ડો), બેસ્ટ ઓરિજિનલ સંગીત અને બેસ્ટ ફિલ્મ – ડ્રામા એમ પાંચ પુરસ્કારો જીત્યા હતા.
માર્લોન બ્રાન્ડો બે મહિના અગાઉ યોજાયેલા ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર સમારોહમાં પણ હાજર રહ્યા નહોતા. તેમણે એકેડેમી પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કર્યો અને બેસ્ટ એક્ટરનો ઑસ્કર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે તેઓ ૧૯૭૧માં જ્યોર્જ સી. સ્કૉટ બાદ બેસ્ટ એક્ટરનો ઑસ્કર નકારનાર બીજા અભિનેતા બન્યા હતા. બ્રાન્ડોએ તેમની જગ્યાએ અમેરિકન ઇન્ડિયન અધિકાર કાર્યકર સચીન લિટલફેધરને મોકલ્યા હતા. તેમણે પુરસ્કાર સ્વીકારવાના મંચ પરથી બ્રાન્ડો દ્વારા પુરસ્કાર નકારવાના કારણો રજૂ કર્યા હતા, જે હોલીવુડ અને ટેલિવિઝનમાં અમેરિકન ઇન્ડિયનોના ચિત્રણ અંગેના તેમના વિરોધ સાથે સંબંધિત હતા.
અલ પચિનો પણ આ સમારોહમાં હાજર રહ્યા નહોતા. તે સમયે એવી અફવા હતી કે તેઓ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટેના એકેડેમી પુરસ્કારના નામાંકનથી નારાજ હતા, કારણ કે ફિલ્મમાં તેમનો પડદા પરનો સમય તેમના સહકલાકાર અને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીતનાર બ્રાન્ડો કરતાં વધુ હતો અને તેથી તેમને બેસ્ટ એક્ટરની શ્રેણીમાં નામાંકિત કરવા જોઈતા હતા. જોકે, પચિનોએ પોતાની આત્મકથા સોની બોયમાં આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે સમયે તેઓ અચાનક મળેલી પ્રસિદ્ધિને કારણે "ડરી ગયા" હતા અને આ અફવા વિશે તેમને જીવનના ઘણા વર્ષો પછી જ જાણ થઈ હતી.
| પુરસ્કાર | શ્રેણી | નામાંકિત | પરિણામ |
|---|---|---|---|
| ૪૫મા એકેડેમી પુરસ્કારો | શ્રેષ્ઠ ફિલ્મ | આલ્બર્ટ એસ. રુડ્ડી | જીત્યો |
| શ્રેષ્ઠ દિગ્દર્શક | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | નામાંકિત | |
| શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો (પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો) | જીત્યો | |
| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | જેમ્સ કાન | નામાંકિત | |
| રોબર્ટ ડુવૉલ | નામાંકિત | ||
| અલ પચિનો | નામાંકિત | ||
| શ્રેષ્ઠ રૂપાંતરિત પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | જીત્યો | |
| શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | નામાંકિત | |
| શ્રેષ્ઠ ફિલ્મ એડિટર | વિલિયમ રેનોલ્ડ્સ અને પીટર ઝિનર | નામાંકિત | |
| શ્રેષ્ઠ સાઉન્ડ | બડ ગ્રેન્ઝબેક, રિચાર્ડ પોર્ટમેન અને ક્રિસ્ટોફર ન્યૂમેન | નામાંકિત | |
| શ્રેષ્ઠ મૂળ નાટકીય સંગીત | નિનો રોટા | રદ કરવામાં આવ્યું | |
| ૨૬મા બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કારો | શ્રેષ્ઠ અભિનેતા | માર્લોન બ્રાન્ડો | નામાંકિત |
| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | રોબર્ટ ડુવૉલ | નામાંકિત | |
| મુખ્ય ફિલ્મ ભૂમિકાઓમાં સૌથી આશાસ્પદ નવોદિત અભિનેતા | અલ પચિનો | નામાંકિત | |
| શ્રેષ્ઠ ફિલ્મ સંગીત | નિનો રોટા | જીત્યો | |
| શ્રેષ્ઠ પોશાક ડિઝાઇન | એના હિલ જૉન્સ્ટન | નામાંકિત | |
| ૨૫મા ડિરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | ફિલ્મમાં ઉત્કૃષ્ટ દિગ્દર્શકીય સિદ્ધિ | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | જીત્યો |
| ૩૦મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો | શ્રેષ્ઠ ફિલ્મ – ડ્રામા | જીત્યો | |
| શ્રેષ્ઠ દિગ્દર્શક – મોશન પિક્ચર | ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | જીત્યો | |
| શ્રેષ્ઠ અભિનેતા – ડ્રામા | માર્લોન બ્રાન્ડો | જીત્યો | |
| અલ પચિનો | નામાંકિત | ||
| શ્રેષ્ઠ સહાયક અભિનેતા – મોશન પિક્ચર | જેમ્સ કાન | નામાંકિત | |
| શ્રેષ્ઠ પટકથા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | જીત્યો | |
| શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | જીત્યો | |
| ૧૫મા ગ્રેમી પુરસ્કારો | ચલચિત્ર અથવા ટેલિવિઝન વિશેષ માટે લખાયેલ શ્રેષ્ઠ મૂળ સંગીત | નિનો રોટા | જીત્યો |
| ૨૫મા રાઇટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા પુરસ્કારો | અન્ય માધ્યમ પરથી રૂપાંતરિત શ્રેષ્ઠ ડ્રામા | મારિયો પુઝો અને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા | જીત્યો |
સાંસ્કૃતિક પ્રભાવ અને વારસો
[ફેરફાર કરો]ધ ગોડફાધરને અત્યાર સુધીની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગેંગસ્ટર ફિલ્મોની શૈલીમાં પણ તેને એક સીમાચિહ્નરૂપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.[૯] ૧૯૯૦માં તેને યુએસ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવણી માટે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેને "સાંસ્કૃતિક, ઐતિહાસિક અથવા સૌંદર્યલક્ષી રીતે મહત્વપૂર્ણ" માનવામાં આવી હતી. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી.
ધ ગોડફાધર પહેલાં પણ ગેંગસ્ટર વિષય પર ઘણી ફિલ્મો બની ચૂકી હતી, પરંતુ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ ફિલ્મમાં ઇટાલિયન-અમેરિકન ઇમિગ્રન્ટ સંસ્કૃતિ, પરિવાર અને પરંપરાઓને જે રીતે રજૂ કરી તે ખૂબ જ અલગ હતી. ફિલ્મે માફિયા સાથે જોડાયેલા પાત્રોને માત્ર ગુનેગાર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાના આંતરિક સંઘર્ષ ધરાવતા જટિલ માનવી તરીકે રજૂ કર્યા. આ બાબતને કારણે ધ ગોડફાધર ગેંગસ્ટર ફિલ્મોમાં એક નવા પ્રકારની વાસ્તવિકતા અને ઊંડાણ લાવી.
અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ધ ગોડફાધરને સિટિઝન કેન પછી અમેરિકન સિનેમાની બીજી સૌથી મહાન ફિલ્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ ધ ગોડફાધર પાર્ટ ૨ (૧૯૭૪) અને ધ ગોડફાધર પાર્ટ ૩ (૧૯૯૦) નામની બે સિક્વલ ફિલ્મો બની હતી.
ડોન વિટો કોર્લિયોનની પ્રખ્યાત પંક્તિ, "હું તેને એવી ઓફર કરીશ જેને તે નકારી શકશે નહીં", ૨૦૧૪માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના AFI's 100 Years...100 Movie Quotesમાં સિનેમાના ઇતિહાસની બીજી સૌથી યાદગાર ફિલ્મી પંક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની પંક્તિનો વિચાર ધ ગોડફાધર માટે નવો નહોતો. ફ્રેન્ચ લેખક હોનોરે દ બાલ્ઝાકે પોતાની ૧૮૩૫ની નવલકથા લે પેરે ગોરિયોમાં પણ લગભગ આ જ અર્થ ધરાવતી પંક્તિનો ઉપયોગ કર્યો હતો. ૧૯૩૩ની ફિલ્મ રાઇડર્સ ઑફ ડેસ્ટિનીમાં પણ આના જેવી જ પંક્તિ જોવા મળે છે.
ધ ગોડફાધરની લોકપ્રિયતા અને પ્રભાવ માત્ર તેની યાદગાર પંક્તિઓ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. ૨૦૧૪માં ધ હોલીવુડ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૨,૧૨૦ હોલીવુડ ઉદ્યોગના વ્યાવસાયિકોએ ધ ગોડફાધરને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી.
ધ ગોડફાધર અને તેની સિક્વલ ધ ગોડફાધર ભાગ IIની જબરદસ્ત સફળતાએ ઇટાલિયન-અમેરિકન માફિયા અને સંગઠિત અપરાધને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ માર્ટિન સ્કોર્સીસની ગુડફેલાસ અને ડેવિડ ચેઝની ધ સોપ્રાનોસ જેવી જાણીતી કૃતિઓ પર પણ તેની અસર જોવા મળી. ઇટાલિયન-અમેરિકન સંસ્કૃતિના ફિલ્મોમાં ચિત્રણ પર થયેલા અભ્યાસોમાં પણ ધ ગોડફાધરના આ ક્ષેત્ર પરના વ્યાપક પ્રભાવની નોંધ કરવામાં આવી છે.
અસલી માફિયા સંસ્કૃતિ પર અસર
[ફેરફાર કરો]ધ ગોડફાધર ફિલ્મને અસલી માફિયા જગતના કેટલાક લોકો તરફથી પણ આશ્ચર્યજનક રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગેમ્બિનો ક્રાઇમ ફેમિલીના ભૂતપૂર્વ અંડરબોસ સાલ્વાટોર “સેમી ધ બુલ” ગ્રેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો તેને પોતાની જ જિંદગી જેવી લાગી હતી. તેના જણાવ્યા મુજબ, અન્ય ઘણા માફિયા સભ્યોને પણ ફિલ્મ જોતી વખતે આવો જ અનુભવ થયો હતો.
લેખક એન્થોની ફિયાટોના જણાવ્યા મુજબ, ફિલ્મ જોયા બાદ પેટ્રિઆર્કા ક્રાઇમ ફેમિલીના સભ્યો પાઉલી ઇન્ટીસો અને નિકી ગિસોએ વિટો કોર્લિયોનની બોલવાની અને વર્તવાની રીતથી પ્રેરણા લીધી હતી. ખાસ કરીને ઇન્ટીસોએ પોતાની વાત કરવાની રીતમાં ફેરફાર કર્યો અને વિટો કોર્લિયોન જેવી શાંત તથા વિચારશીલ ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો.
ફિલ્મનો પ્રભાવ માત્ર અમેરિકન માફિયા પૂરતો સીમિત રહ્યો નહોતો. ૨૦૨૫માં ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇટાલીમાં સિસિલિયન માફિયામાં જોડાનારા કેટલાક નવા સભ્યોને ધ ગોડફાધર જોવા માટે કહેવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. તેનું એક કારણ એ પણ જણાવાયું હતું કે જૂના માફિયા સભ્યોને લાગતું હતું કે નવી પેઢીમાં અગાઉના સમયની જેમ “સન્માન” અને માફિયા સંસ્કૃતિની સમજ રહી નથી. આ રીતે ધ ગોડફાધર માત્ર માફિયા પર બનેલી ફિલ્મ ન રહી, પરંતુ કેટલાક અસલી માફિયા લોકો માટે પણ તેમની પોતાની દુનિયાને સમજવા અને રજૂ કરવાની એક પ્રકારની માર્ગદર્શિકા બની ગઈ.
વિશ્વ સિનેમા પર અસર
[ફેરફાર કરો]ધ ગોડફાધરની સફળતા અને તેના અનોખા કથાનક, પાત્રાલેખન તથા માફિયા પરિવારના ચિત્રણનો વિશ્વભરના સિનેમા પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો. ફિલ્મથી પ્રેરિત થઈને વિવિધ દેશોમાં ગુનાહિત પરિવાર, સત્તા અને વારસાની આસપાસ ફરતી અનેક ફિલ્મો બનાવવામાં આવી હતી.
હોલીવુડ અને અન્ય
[ફેરફાર કરો]ધ ફ્રેશમેન (૧૯૯૦) એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે, જેમાં માર્લોન બ્રાન્ડોએ ધ ગોડફાધરમાં ભજવેલા ડોન વિટો કોર્લિયોનના પાત્રની પેરોડી કરી હતી. બેટલ્સ વિધાઉટ ઓનર એન્ડ હ્યુમેનિટી (૧૯૭૩) જાપાની યાકુઝા જગત પર આધારિત ફિલ્મ હતી અને તેને ઘણીવાર "જાપાનીઝ ગોડફાધર" તરીકે ઓળખવામાં આવે છે. હોલીવુડ ની રોડ ટુ પરડિશન (૨૦૦૨)માં પણ પિતા-પુત્રના સંબંધો, સંગઠિત અપરાધ અને ગુનાહિત દુનિયાની પૃષ્ઠભૂમિ જેવા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે.
ભારતીય સિનેમા
[ફેરફાર કરો]ભારતીય સિનેમામાં પણ ધ ગોડફાધરની વાર્તા અને પાત્રોથી પ્રેરિત થઈને અનેક ફિલ્મો બની છે. બોલિવૂડમાં ધ ગોડફાધરની અસર ખૂબ જલદી જોવા મળી હતી. ફિરોઝ ખાને અમેરિકામાં ધ ગોડફાધર જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને ધર્માત્મા (૧૯૭૫) બનાવી હતી, જેને ધ ગોડફાધરનું ભારતીય સિનેમામાં બનેલું સૌથી પહેલું જાણીતું રૂપાંતરણ માનવામાં આવે છે.
ત્યારબાદ ધર્મેન્દ્ર અભિનીત ઝુલ્મ કી હુકુમત (૧૯૯૨), રામ ગોપાલ વર્માની અમિતાભ બચ્ચન અભિનીત સરકાર (૨૦૦૫)[૧૦] અને પ્રકાશ ઝાની અજય દેવગણ, રણબીર કપૂર અભિનીત રાજનીતિ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં પણ ધ ગોડફાધરની અસર જોવા મળી હતી. રાજનીતિમાં ધ ગોડફાધરની માફિયા-પરિવારની કથાને મહાભારતના પાત્રો અને રાજકીય સંઘર્ષ સાથે જોડીને એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી હતી.
દક્ષિણ ભારતીય સિનેમામાં નાયકન (૧૯૮૭, તમિલ) ધ ગોડફાધરથી પ્રેરિત સૌથી જાણીતી ફિલ્મોમાંની એક છે. મણિ રત્નમ દ્વારા દિગ્દર્શિત અને કમલ હાસન અભિનીત આ ફિલ્મમાં મુંબઈના અપરાધ જગતની પૃષ્ઠભૂમિમાં એક શક્તિશાળી ગેંગસ્ટરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. મલયાલમ ફિલ્મ ભીષ્મ પર્વમ (૨૦૨૨)માં પણ પરિવાર, સત્તા અને અપરાધની દુનિયા સાથે જોડાયેલા વિષયોમાં ધ ગોડફાધરની અસર જોવા મળે છે.
અન્ય માધ્યમોમાં પ્રસ્તુતિ
[ફેરફાર કરો]ફિલ્મને વિવિધ પ્રકારનાં મનોરંજન માધ્યમોમાં અનેક વખત સંદર્ભિત કરવામાં આવી છે અને તેની પેરોડી પણ કરવામાં આવી છે.
- સેટરડે નાઇટ લાઇવ: જૉન બેલુશીએ એક રમૂજી સ્કેચમાં વિટો કોર્લિયોનનું પાત્ર ભજવ્યું હતું.
- ધ સોપ્રાનોસ: આ અપરાધ આધારિત ટેલિવિઝન શ્રેણીમાં ધ ગોડફાધરના અનેક સંદર્ભો જોવા મળે છે.
- ધ સિમ્પસન્સ: આ એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીમાં ફિલ્મના અનેક દૃશ્યોની પેરોડી કરવામાં આવી છે.
- મોડર્ન ફેમિલી: શ્રેણીના એક એપિસોડમાં ધ ગોડફાધરના પ્રસિદ્ધ બાપ્તિસ્માના દૃશ્યની પેરોડી કરવામાં આવી હતી.
- ધ ગોડફાધર (વિડિયો ગેમ): ૨૦૦૬માં આવેલી આ વિડિયો ગેમ ફિલ્મ પર આધારિત હતી. તેમાં એલ્ડો ટ્રાપાની નામના પાત્રની વાર્તા કોર્લિયોન પરિવાર અને ફિલ્મની ઘટનાઓ સાથે જોડાય છે. રોબર્ટ ડુવૉલ, જેમ્સ કાન અને માર્લોન બ્રાન્ડોએ પોતાના અવાજ અને દેખાવ માટે યોગદાન આપ્યું હતું, પરંતુ અલ પાચિનોએ તેમાં ભાગ લીધો નહોતો. તે સમયે અલ પાચિનો તેમની અન્ય પ્રખ્યાત ક્લાસિક મૂવી સ્કરફેસ (૧૯૮૩) ની સ્કારફેસ: ધ વર્લ્ડ ઇઝ યોર્સ નામની બીજી વિડિયો ગેમ માટે ટોની મોન્ટાનાના અવાજ અને દેખાવનું કામ કરી રહ્યા હતા. એક જ સમયગાળામાં બે અલગ-અલગ વિડિયો ગેમ માટે પોતાના ચહેરા અને અવાજનો ઉપયોગ ન થાય તે માટે તેમણે ધ ગોડફાધરની રમતમાં પોતાનો અવાજ અને દેખાવ આપવાની મંજૂરી આપી નહોતી. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ આ વિડિયો ગેમ પ્રત્યે જાહેરમાં અસંમતિ વ્યક્ત કરી હતી.[૧૧]
- ઝૂટોપિયા: ૨૦૧૬ની એનિમેટેડ ફિલ્મમાં મિસ્ટર બિગનું પાત્ર વિટો કોર્લિયોનની પેરોડી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
- ધ ઑફર: ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરામાઉન્ટ+ પર આ ૧૦ એપિસોડની ડ્રામા શ્રેણીનું પ્રસારણ શરૂ થયું હતું, જે ધ ગોડફાધરના નિર્માણની પાછળની વાર્તા પર આધારિત છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Sandesh. "ધ ગોડફાધર : `બાપ ઓફ ઓલ માફિયા' હોલિવૂડની આ ફિલ્મની ચર્ચાઓ આજે". Sandesh. મેળવેલ 2026-08-27.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Sandesh. ""2 કલાક 55 મિનિટની આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે મચાવ્યો ગદર, IMDb 9.2 રેટિંગ સાથે મચાવી રહી છે ધૂમ!"". Sandesh. મેળવેલ 2026-08-29.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: url-status (link) - ↑ "ધ ગોડફાધર પાછળની પડદા પાછળની વાર્તા". Lodi News-Sentinel. United Press International. ૧૪ માર્ચ ૧૯૭૨. p. ૯. મૂળ સંગ્રહિત માંથી ૨૧ નવેમ્બર ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ Gage, Nicholas (૧૯ માર્ચ ૧૯૭૨). "થોડા પારિવારિક ખૂન, પરંતુ આ તો શો બિઝનેસ છે". ધ ન્યૂયોર્ક ટાઇમ્સ. મૂળ સંગ્રહિત માંથી ૨૫ જુલાઈ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "ધ ગોડફાધર ટ્રિલોજી: ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મો 4K રેસ્ટોરેશન સાથે ભારતીય થિયેટરોમાં". ધ હિન્દુ. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૨૬.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "ધ ગોડફાધર ટ્રિલોજી ફાઇનલી 4Kમાં રજૂ થશે". ૧૩ જાન્યુઆરી ૨૦૨૨. મૂળ સંગ્રહિત માંથી ૨૫ નવેમ્બર ૨૦૨૨ પર સંગ્રહિત. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૨૬.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ ઠાકર, જયેશ (૨૬ એપ્રિલ ૨૦૨૬). "ધ ગોડફાધર: એક એવું પાત્ર જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા". સંદેશ. મેળવેલ ૩૦ ઑગસ્ટ ૨૦૨૬.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "તે બધાનો 'ગોડફાધર' છે" (Englishમાં). ઇન્ટરનેટ આર્કાઇવ. ૨૨ માર્ચ ૧૯૭૨.
{{cite book}}: Check date values in:|date=(મદદ)CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Gambino, Megan (January 31, 2012). "ધ ગોડફાધર ની અસર શું છે?". Smithsonian. મૂળ સંગ્રહિત માંથી September 10, 2018 પર સંગ્રહિત. મેળવેલ 30 August 2026.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "ધ ગોડફાધરના ૫ ભારતીય રૂપાંતરણો". Firstpost. March 10, 2022. મેળવેલ 30 August 2026.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "કોપોલા ધ ગોડફાધર વિડિયો ગેમથી નારાજ". શોબિઝ ડેટા. ૮ એપ્રિલ ૨૦૦૫. મૂળ માંથી ૧૦ એપ્રિલ ૨૦૦૬ પર સંગ્રહિત. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૨૬.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)