લખાણ પર જાઓ

પ્રતિક્રમણ

વિકિપીડિયામાંથી

પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું, પાપની આલોચના કરવી, અશુભ યોગમાંથી શુભયોગમાં આવવું અને વ્રતોમાં લાગેલ અતિચારોથી પાછા ફરીને આવવાની ક્રિયા. પ્રતિક્રમણ એ આવશ્યક સૂત્રના છ અધ્યાયમાંનો એક છે પણ લૌકિક બોલચાલની ભાષામાં આવશ્યક સૂત્રની ક્રિયાને જ પ્રતિક્રમણ તરીકે પણ ઓળખાય છે. જૈન ધર્મ પાળતાં દરેક જૈન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધાં રોજ બે વખત પ્રતિક્રમણ કરે તેવો નિયમ છે. એક પ્રતિક્રમણ સવારનું હોય છે જેને ‘રાઈ પ્રતિક્રમણ’ કહેવાય છે. સાંજનું પ્રતિક્રમણ ‘દેવસી પ્રતિક્રમણ કહેવાય છે. આ ઉપરાંત ખાસ દિવસોનાં પ્રતિક્રમણ પણ હોય છે. જેમકે, ચૌદસની તિથિએ કરવાનું પખ્ખી પ્રતિક્રમણ કહેવાય. ચાતુર્માસ શરૂ થાય ત્યારે, ચાતુર્માસ પુરૂ થાય ત્યારે, ફાગણ મહિનાની પહેલી ચૌદસ આ દિવસોના પ્રતિક્રમણને ચૌમાસી પ્રતિક્રમણ કહેવાય. તેમ જ સૌથી મહત્વનું પ્રતિક્રમણ તે પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવતું (ભાદ્રપદ મહિનાની ચોથી તિથિ) સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય છે. આમ કુલ પ્રતિક્રમણ પાંચ હોય છે. અજિતશાંતિ સ્તવનની ૩૮મી ગાથામાં આમ છેઃ પક્ખિઅ–ચઉમ્માસિઅ,–સંવચ્છરિએ અવસ્સ ભણિયવ્વો, સોઅવ્વો સવ્વેહિં, ઉવસગ્ગ–નિવારણો એસો.