લખાણ પર જાઓ

પ્રાથમિક જૂથ

વિકિપીડિયામાંથી

પ્રાથમિક જૂથ અથવા પ્રાથમિક સમૂહ એટલે એવો સમૂહ કે જેના સભ્યો વચ્ચે પરસ્પર ગાઢ, પ્રત્યક્ષ, નિકટના અને સહાનુભૂતિ તેમજ સહકારપૂર્ણ સંબંધ હોય. પ્રાથમિક જૂથનો ખ્યાલ અમેરિકન સમાજશાસ્ત્રી ચાર્લ્સ હોર્ટન કૂલે દ્વારા તેમના પુસ્તક 'સામાજિક સંગઠન' (Social Organization)માં આપવામાં આવ્યો હતો. વ્યક્તિનું સામાજીકરણ કરવામાં પ્રાથમિક જૂથો મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. આવા પ્રાથમિક જૂથોમાં કુટુંબ, રમત-ગમત માટેનું બાળકોનું જૂથ તેમજ પડોશ અને પડોશના મોટેરાઓનું જૂથ વગેરેનો સમાવેશ થાય છે.

વ્યાખ્યા

[ફેરફાર કરો]
પ્રાથમિક જૂથનો ખ્યાલ આપનાર ચાર્લ્સ હોર્ટન કૂલે

'સામાજિક સંગઠન' (Social Organization) નામના પોતાના ગ્રંથમાં કૂલેએ, વ્યક્તિનું સામાજીકરણ કરવામાં મહત્ત્વનું પ્રદાન કરનારા પ્રથમિક જૂથોનો ખ્યાલ આપ્યો છે. કૂલેના મત મુજબ, જે જૂથના સભ્યો વચ્ચે પરસ્પર ગાઢ, પ્રત્યક્ષ અને સહાનુભૂતિ તેમ જ સહકારપૂર્ણ સંબંધ હોય તે પ્રાથમિક જૂથ છે. આવા પ્રાથમિક જૂથો વ્યક્તિના સામાજિક વલણો અને આદર્શોનું નિર્માણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘનિષ્ટ આત્મિય સંબંધને પરિણામે પ્રાથમિક જૂથની દરેક વ્યક્તિ પોતે સમૂહની સમગ્રતાનો ભાગ છે એવો ભાવ અનુભવે છે અને ઘણી બાબતોમાં પ્રાથમિક જૂથનું જીવન અને ઉદ્દેશો, જૂથની દરેક વ્યક્તિનું નિજી જીવન અને ઉદ્દેશ બની જાય છે. આ ભાવ સમૂહની વ્યક્તિઓ 'અમે' કહીને વ્યક્ત કરે છે. 'અમે' શબ્દ, પ્રાથમિક જૂથના સભ્યો વચ્ચેની પરસ્પર સહાનુભૂતિ અને તાદાત્મ્યતાની અભિવ્યક્તિ કરે છે.[]

લક્ષણો

[ફેરફાર કરો]

કૂલેએ પ્રાથમિક સમૂહના નીચે મુજબના લક્ષણો દર્શાવ્યા છે:[]

  • પ્રાથમિક જૂથના લોકો મહદ્અંશે એકબીજાની નજીકમાં રહેતાં હોય છે. કુટુંબના સભ્યો તો મોટેભાગે એક જ આવાસમાં સાથે જ રહેતાં હોય છે. એકબીજાની સમીપમાં રહેવાથી તેમના વચ્ચે સતત પ્રત્યક્ષ સંપર્ક રહે છે અને એકબીજાના વિચારો, ભાવનાઓ અને લાગણીઓનું આદાન-પ્રદાન તેમની વચ્ચે થતું રહે છે, તેથી સભ્યો વચ્ચે સમજૂતી અને સદભાવ વધે છે. શારીરિક સમીપતા સભ્યો વચ્ચે માનસિક સમીપતા અને આત્મીય સંબંધોની તક પૂરી પાડે છ્.
  • પ્રાથમિક સમૂહનું કદ નાનું હોય તે આવશ્યક છે. વિશાળ સમૂહમાં વ્યક્તિઓ વચ્ચે નિકટનો સ્થાયી સંબંધ સ્થાપી શકાતો નથી. સમૂહ વિશાળ હોય ત્યારે સમૂહના સભ્યો વચ્ચેના સંબંધો ઉપરછલ્લા અને ઔપચારિક બની જાય છે. જ્યારે નાના સમૂહમાં સભ્યો એકબીજાને સારી રીતે જાણે છે અને તેથી તેમની વચ્ચે આત્મીયતા હોય છે. વિશાળ સમૂહમાં આવી આત્મીયતાનો અભાવ હોય છે.
  • પ્રાથમિક સમૂહના સભ્યો વચ્ચે સ્થાયી સંબંધો હોય છે અને સંબંધો સ્થાયી હોવાથી ઘનિષ્ટ બને છે. સભ્યો વચ્ચે પરસ્પર સહાનુભૂતિ વધે છે અને સ્નેહની લાગણી વધે છે, સભ્યો વચ્ચે અંદરોઅંદર મતભેદ કે ઘર્ષણ થાય તો સંબંધને દુરસ્ત રાખવા અને ટકાવી રાખવાના પ્રયત્નો માટે સભ્યો પ્રયત્નો કરે છે.
  • આ સમૂહમાં પ્રત્યેક સભ્ય સમૂહનાં સામાન્ય ઉદ્દેશને પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ હોય છે. પોતાની જરૂરિયાતો અને વિચારોનો સમૂહની જરૂરિયાતો અને વિચારો સાથે મેળ બેસાડે છે. સમૂહનાં ઉદ્દેશો તેના ઉદ્દેશો બની જાય છે, અને સમૂહના ધ્યેયને સભ્યો પોતાનું ધ્યેય ગણે છે. આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ કુટુંબ છે. જેમ કે, માતા કષ્ટ સહન કરીને પણ બાળકને આરામ આપે છે, કારણ કે બાળકનો આનંદ અને કલ્યાણ એ જ માતાના જીવનનો ઉદ્દેશ હોય છે.
  • પ્રાથમિક સમૂહમાં વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ અંગત સ્વાર્થ કે અંગત હિત સાધવા માટે હોતો નથી. ઉદાહરણ તરીકે; માતા સુંદર છે, સેવા કરે છે તેથી બાળકને ગમે છે એવું નથી હોતું. પિતા કમાય છે અને ભરણપોષણ કરે છે એથી એ બાળકને ગમે છે એવું નથી હોતું. પરંતુ પ્રાથમિક સમૂહનું અસ્તિત્વ કુદરતી હોય છે અને સમુહના સભ્યો વચ્ચેનો સંબંધ સ્વયં-સ્ફુરિત અને સ્વાભાવિક હોય છે.
  • આવા જૂથોમાં વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ એકબીજાના સમગ્ર વ્યક્તિત્વ સાથે હોય છે. જૂથના દરેક સભ્યો બીજા સભ્યોને સમગ્રતામાં જાણે છે અને તેમને તેમની સમગ્રતામાં સ્વીકારે છે. સભ્યોની વચ્ચેનો વ્યબહાર અને આદાન-પ્રદાન એકબીજાના સમગ્ર વ્યક્તિત્વને અનુલક્ષીને થાય છે. જેમ કે; પિતાને તેના પુત્રના સ્વાસ્થ્યનો, શિક્ષણનો, ચારિત્ર્યનો અને તેના જીવનના સર્વાંગી વિકાસનો ખ્યાલ હોય છે. વ્યક્તિ પોતાના મિત્રના કે પ્રિયજનના અવગુણ અને નબળાઈથી વાકેફ હોવા છતાં તેને ચાહે છે અને તેના અવગુણો અને નબળાઈને પણ સહાનુભૂતિપૂર્વક નિભાવી લે છે. આવી આત્મીયતા પ્રાથમિક સમૂહની બહારના વ્યક્તિ સાથેના સંબંધોમાં જોવા નથી મળતી.
  • કુટુંબ, પડોશ અને એવા અન્ય પ્રાથમિક સમૂહોમામ્ સમૂહ-જીવનના નિયમન માટે ઔપચારિક નિયમો હોતા નથી. આ સમૂહમાં વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની સ્વતંત્રતા ઉપર મર્યાદા મૂકે છે. પોતાના આપ્તજનો, સ્નેહીઓ અને મિત્રોની લાગણી દૂભાય એવું વર્તન કરતાં તે ખચકાય છે. કોઈ વ્યક્તિ ગેરવર્તન કરે કે આડે માર્ગે વળે તો તેને તેમ કરતાં રોકવા માટે સમગ્ર સમૂહ મળીને પ્રયત્ન કરે છે.
  • આ જૂથમાં સભ્યના અંગત હિત ઉપર સમૂહના સંયુક્ત હિતનું વર્ચસ્વ હોય છે. સમૂહની દરેક વ્યક્તિ સમૂહના હિત ખાતર યથાશક્તિ ફાળો આપવા તત્પર રહે છે. જેમ કે કુટુંબની કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે ઘરની અન્ય વ્યક્તિઓ પણ પોતાની અંગત પ્રવૃત્તિઓ છોડીને બિમારની સારવારમાં સમય ગાળે છે. મોટાભાગના માબાપ પોતાની જરૂરિયાતો પર અંકુશ મૂકીને પોતાના સંતાનોને સારુ શિક્ષણ આપે છે.

કૂલેએ દર્શાવેલા પ્રાથમિક જૂથો

[ફેરફાર કરો]

માનવીના સામાજિક જીવન ઘડતર ઉપર પ્રગાઢ અસર કરનારા પ્રાથમિક સમૂહોમાં કૂલે કુટુંબ, રમત-ગમત માટેનું બાળકોનું જૂથ અથવા ટીમ અને પડોશ કે પડોશના મોટેરાઓના જૂથનો સમાવેશ કરે છે.[]

કુટુંબ

[ફેરફાર કરો]

કૂલેએ કુટુંબને પ્રાથમિક જૂથ ગણાવ્યું છે. માનવીના સામાજિક જીવનની શરૂઆત કુટુંબરૂપી પ્રાથમિક સમૂહમાં થાય છે. જન્મથી જ મનુષ્યને અનેક શારીરિક અને માનસિક જરૂરિયાતો હોય છે. જન્મ પછી લાંબા સમય સુધી બાળક કોઈ ક્રિયા જાતે કરી શકતું નથી, આથી શરૂઆતમાં માનવબાળ પરાવલંબી હોય છે. કુટુંબના સભ્યો, ખાસ કરીને માતા-પિતા બાળકની આ પરાવલંબીતા દૂર કરે છે. બાળકની માવજત કરવામાં માતા મહત્ત્વનો ભાગ ભજવે છે. શારીરિક જરૂરિયાતો ઉપરાંત બાળકને સ્નેહ અને સલામતી જેવી માનસિક જરૂરિયાતો હોય છે. તેની આ જરૂરિયાતો ખૂબ જ સહાનુભૂતિભર્યા પ્રત્યક્ષ સંબંધો ધરાવતું કુટુંબ સંતોષી શકે છે.[]

બાળકોનું રમત-ગમતનું જૂથ

[ફેરફાર કરો]

કૂલે માને છે કે બાળકોના રમત-ગમતના જૂથમાં સભ્યોની વચ્ચે સહાનુભૂતિપૂર્ણ સક્રિય સંબંધો જોવા મળે છે જે વ્યક્તિના સામાજિક આદર્શોનું નિર્માણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળક મોટું થાય તેમ કુટુંબની બહાર તે સમાન વયના અને સમાન અભિરુચિના બીજાં બાળકો સાથે ખાસ કરીને રમતગમત માટે એક વર્તુળ રચી લે છે. તેઓ રમતમાં હોય ત્યારે એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. આ વય જૂથમાં બાળકો વચ્ચે માત્ર કાર્યાત્મક નહિ, પણ ભાવાત્મક સંબંધ પણ હોય છે. આ જૂથને પોતાનાં ધોરણો હોય છે અને જૂથમાં દરેક સભ્ય તે ધોરણો પ્રમાણે વર્તન કરે છે. ભેરુઓ વચ્ચે અવાર-નવાર વિવાદ, ખેંચતાણ, મતભેદ જેવી પ્રક્રિયાઓ થાય છે જે જૂથને મજબૂત કરવામાં અને આગળ ધપાવવામાં ભાગ ભજવે છે. આ જૂથનાં સભ્યો સતત સહકારની આપ-લે કરે છે અને તેથી સહભાગીદારીની ભાવના અનુભવે છે. દરેક વ્યક્તિ માને છે કે તે પોતાની ટીમનો એક ભાગ છે. આખી ટીમ પોતાનાં વ્યક્તિત્વનો ભાગ છે એવું તે અનુભવે છે. 'વિજય અમારો છે', 'આપણી ટીમ ઝિંદાબાદ' એવાં સૂત્રોચ્ચાર કરતા ટીમના સભ્યોમાં તેમની ટીમ પ્રત્યેની એકતાનો ભાવ અને અભિગમ વ્યક્ત થાય છે.[]

પડોશ અને પડોશના મોટેરાઓનું જૂથ

[ફેરફાર કરો]

કૂલે માને છે કે કુટુંબના સભ્યોની જેમ પડોશીઓ વચ્ચે પણ ગાઢ, પ્રત્યક્ષ અને સહાનુભૂતુપૂર્ણ સંબંધો હોય છે. ઘણીખરી બાબતોમાં, ખાસ કરીને સારા-માઠા પ્રસંગોમાં પડોશીઓ એકબીજાને સહકાર આપે છે. મનુષ્યે ધરતી સ્થાયી નિવાસ શરૂ કર્યો ત્યારથી નાની વસાહતો કે નાનાં ગામડાઓમાં એકબીજાના પડોશમાં રહેતી વ્યક્તિઓ વચ્ચે સમજૂતી અને સહકારની પ્રક્રિયાઓ જોવા મળે છે અને આવા સમૂહોની દરેક વ્યક્તિનું જીવન ગ્રામીણ જીવનનું અંગ બની રહે છે. વર્તમાન સમયમાં મનુષ્યનું જીવન ખૂબ ગતિશીલ બન્યું છે અને સંચાર-સુવિધાઓને લીધે વ્યક્તિના સંપર્કનું ફલક ખૂબ વિશાળ બન્યું છે. તેથી પડોશીનું મહત્ત્વ ઓછું થઈ રહ્યું છે. પરંતુ દુનિયાના ઘણાખરા વિસ્તારોમાં અને નાના શહેરોમાં હજુ પડોશરૂપી પ્રાથમિક સમૂહ વ્યક્તિનું સામાજીકરણ કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે.[]

આલોચના

[ફેરફાર કરો]

કૂલેનાં પ્રાથમિક સમૂહનાં ખ્યાલમાં તેમણે આ સમૂહનું જે મહત્વ દર્શાવ્યું છે તેને બધા સમાજશાસ્ત્રીઓ સ્વીકારે છે તેમ છતાં આ ખ્યાલમાં રહેલી ત્રુટિઓ તરફ જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ ધ્યાન દોર્યું છે.[]

પ્રાથમિક સમૂહમાં 'અમે-પણા'ની ભાવના હોય છે અને આ સમૂહના સભ્યો વચ્ચે મોઢામોઢનાં સંબંધો હોય છે — આ બે મુદ્દાઓને અનુલક્ષીને સમાજશાસ્ત્રી ડેવિસે કેટલીક મુશ્કેલીઓ દર્શાવી છે. ડેવીસના મત મુજબ, પ્રાથમિક સમૂહ માટે તે સભ્યોમાં પ્રત્યક્ષ સંબંધ હોવો જરૂરી છે, પરંતુ કૂલે તેની વિસ્તૃત ક્ષિતિજો જોઈ શક્યા નથી. ડેવીસ કહે છે કે બધા જ સમૂહોમાં અમુક અંશે 'અમે-પણા'ની ભાવના હોય છે. કેમ કે આ ભાવના વગર સમૂહની એકતા ટકી શકે નહિ. મોઢામોઢનાં સંબંધ સુધી જ 'અમે-પણા'ની ભાવના સીમિત હોય શકે નહિ. તેમજ મોઢામોઢનો સંબંધ હોવા છતાં આ ભાવનાનો અભાવ પણ હોઈ શકે. લાગણી અને સહકારની ભાવના માટે પ્રત્યક્ષ, મોઢામોઢના સંબંધ જરૂરી હોવા છતાં આવશ્યક નથી અને જ્યાં પ્રત્યક્ષ સંબંધ હોય ત્યાં આવી લાગણી હોય જ તેવું નથી. દાખલા તરીકે મૈત્રી શારીરિક સમીપતા ઉપર આધારિત નથી, પરંતુ અરસ-પરસ આદાન-પ્રદાન, ત્યાગ અને આદર ઉપર આધારિત છે. આ બાબતોને લીધે જેમની વચ્ચે મૈતી બંધાય છે તેઓ નિકટ રહેવાનું પસંદ કરે છે. એવું બ બને ત્યારે શારીરિક દૂરતા અને ભૌતિક અંતર હોવા છતાં માનસિક સમીપતા અનુભવાય છે. જ્યારે બીજી તરફ, શારીરિક રીતે ગમે તેટલા નજીક હોવા છતાં સંબંધમાં દૂરતા હોઈ શકે. જેમકે, એક સિપાઈ પોતાના ઉપરી અફસરની સાથે ને સાથે રહી ફરજ બજાવતો હોય ત્યારે પણ એ બંન્ને નજીક હોવા છતાં તેમનો સંબંધ ઔપચારિક હોય છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ વ્હોરા ૧૯૮૪, p. ૩૨.
  2. વ્હોરા ૧૯૮૪, p. ૩૮–૪૧.
  3. વ્હોરા ૧૯૮૪, p. ૩૨–૩૩.
  4. વ્હોરા ૧૯૮૪, p. ૩૩–૩૪.
  5. વ્હોરા ૧૯૮૪, p. ૩૪.
  6. ૬.૦ ૬.૧ વ્હોરા ૧૯૮૪, p. 45.

સંદર્ભસૂચિ

[ફેરફાર કરો]
  • વ્હોરા, સારાબહેન એચ. (૧૯૮૪). ચાર્લ્સ હોર્ટન કૂલેનું સમાજશાસ્ત્ર (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૩૨–૪૭.

પૂરક વાચન

[ફેરફાર કરો]