મહંમદ ઘોરી

વિકિપીડિયામાંથી

મોઇઉદ્દિન મહંમદ ઘોરી અથવા મૂળ નામ પ્રમાણે શહાબુદ્દીન મહંમદ ઘોરી (૧૧૪૯ - માર્ચ ૧૫, ૧૨૦૬) એ ઘોરી સામ્રાજ્યનો સુલતાન/રાજા હતો જેણે તેના ભાઈ ઘીયાસુદ્દીન મહંમદની જોડે ભાગીદારીમાં ૧૧૭૩થી ૧૨૦૨ સુધી અને અંતમાં મુખ્યત્વે ૧૨૦૨ થી ૧૨૦૬ના ૪ વર્ષના ટૂંકા ગાળા દરમ્યાન ઘોરી સામ્રાજ્ય પર એકલા રાજ કર્યું હતું.

મહંમદ બિન કાસમ દ્વારા ઇસ ૭૧૨માં કરવામાં આવેલ સિંધ ઉપરના હુમલા બાદ પૂરા ૫૫૦ વર્ષ સુધી ભારતના ઉત્તર-પૂર્વીય ભાગો ઉપર ઇસ્લામિક આક્રમણોનો ક્રમ ચાલુ રહ્યો હતો. મહંમદ ઘોરીએ તે ક્રમ ચાલુ રાખતાં તેના શાસન દરમ્યાન ભારતમાં કાયમી ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટે પાયાનું કામ કર્યું હતું.

શરૂઆતનો જીવનકાળ[ફેરફાર કરો]

ઘોરીનો જન્મ ૧૧૪૯માં હાલના અફઘાનિસ્તાનમાં આવેલ ઘોર પ્રદેશમાં થયો હતો. તે પ્રદેશના સ્થાનિક વડા નો પુત્ર હતો અને તેનો એક મોટો ભાઈ હતો.

ભારત ઉપર આક્રમણ[ફેરફાર કરો]

મોટા ભાઈને મદદ કરીને ઘોરી સામ્રાજયને પશ્ચિમમાં વિસ્તાર્યા બાદ તેણે પૂર્વમાં ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ૧૧૭૫માં મુલતાન જીત્યા બાદ ૧૧૭૮માં તેણે સૈન્યને દક્ષિણમાં હાલના પાકિસ્તાનમાં સ્થિત ઉચ્ચ તરફ વાળ્યું અને હાલના ગુજરાત-રાજસ્થાનનો રણ-પ્રદેશ ઓળંગીને ચાલુક્ય વંશના પાટનગર અણહીલવાડ (પાટણ) તરફ આગળ વધ્યો. મૂળરાજે (બીજો) તેનો હાલના રાજસ્થાનના સિરોહી જીલ્લામાં સ્થિત એવા માઉન્ટ આબુની નજીકના ક્યારા (ભૂતકાળમાં કયાદરા તરીકે ઓળખાતા) ગામે સામનો કર્યો અને ઘોરીનો કારમો પરાજય થયો. અહી નોંધવા જેવી વાત એ હતી કે અન્ય હિંદુ રાજાઓએ મૂળરાજને ટેકો આપ્યો હતો અને તેઓએ ભેગા લડીને વિજય મેળવ્યો હતો.