લખાણ પર જાઓ

યોગશાસ્ત્ર

વિકિપીડિયામાંથી

યોગની પ્રબળતા એ જ કર્મરૂપ લાકડાંને બાળવામાં અગ્નિની ગરજ સારે છે. યોગ સિઘ્રતાથી કર્મોને બાળે છે. નવીન કર્મબંધ થતો નથી તેથી જીવ મુક્તિ પામે છે. - શ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્ર.

પ્રાસ્તાવિક[ફેરફાર કરો]

પ્રસ્તુત ગ્રંથની સમીક્ષા કરીએ તો એમ કહી શકાય કે સાચા સુખના કામીને કે જીવનના રહસ્યનું સંશોધન કરનારને માટે આ ગ્રંથ સર્વ સામગ્રી પુરી પાડે છે. શુદ્ધ સાધન, સાધ્ય અને સાધનાની કેડી આ ગ્રંથમાં સરળપણે મળી રહે છે.

પરમાર્થ દ્દષ્ટિએ જોઈએ તો જન્મ મરણની મુક્તિ કેમ મળે? અર્થાત મનુષ્ય જન્મનું કર્તવ્ય શું છે તેનો બોધ, બાળ, વૃદ્ધ કે યુવા જે તરવાને ઇચ્છુક છે તેને સંપુર્ણપણે મળી રહે તેમ છે. સામાન્ય સાધક શુદ્ધ વ્યવહારથી સન્માર્ગનો પ્રારંભ કેવી રીતે કરે તે માર્ગાનુસારીપણાના ગુણોથી દર્શાવ્યું છે. પરમાર્થ માર્ગનો પ્રારંભ કેવી રીતે કરે તે સમ્યગ દર્શાનદિથી વિશદપણે જણાવ્યું છે અને પરિભ્રમણથી મુક્તિ કેમ થાય તે ધ્યાન માર્ગથી જણાવ્યું છે.

પ્રસ્તુત ગ્રંથમાં વિશાળ એવા જૈનદર્શનનું રહસ્ય સરળપણે, સ્પષ્ટપણે અને સંક્ષિપ્તમાં નિરુપણ કર્યું છે. સિંધુમાં બિંદુ સમાન હોવા છતાં જેમ સાગરના જળનો સ્વાદ અનુભવવા એક ટીપું બસ થાય તેમ આ ગ્રંથ જૈન દર્શનના પ્રાયોગિક સાહિત્યસાગરનો અણસાર આપે છે. તેમાં સિદ્ધાંતોની પ્રરૂપણા ગૌણ છે પરંતુ તે સિદ્ધાંતો જેમાં સમાય તેવા બોધની રચના દષ્ટાંત સહિત સવિશેષપણે છે. જેથી સાધકને તે વધુ ઉપયોગી બની રહે છે. જીવનમાં સતધર્મનો આરંભ અને પરિણામે મોક્ષ એનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.

'નમો દુર્વારસગાદિ વૈરિવાર નિવારણે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને.'

ઘણા પુરુષાર્થ દ્વારા દૂર કરી શકાય એવા રોગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર તેવા અર્હત યોગીઓના સ્વામી અને જગતના જીવોનું રક્ષણ કરનાર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરું છું.

અ ભગવાન મહાવીર કેવા છે?

'પન્નગે ચ સુરેંદ્રે ચ કૌશિકે પાઅસંસ્પૃશિ, નિવિશેષ મનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ'

દંશ મારવાની બુદ્ધિથી પગને સ્પર્શ કરનાર પૂર્વ જન્મના કૌશિકગોત્રી સર્પના ઉપર અને નમન કરવાની બુદ્ધિથી પગનો સ્પર્શ કરનાર ઇંદ્રના ઉપર પણ તે ભગવાનનું મન સરખા ભાવવાળું છે તે શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરું છું.

અનુભવનો આધાર[ફેરફાર કરો]

પ્રસ્તુત યોગશાસ્ત્ર વાસ્તવમાં આચાર્યજીએ યોગના અનુભવથી લખ્યું છે, તેમાં અન્ય ગ્રંથોનો અને પરંપરાનો આધાર જરૂર છે, છતાં આ ગ્રંથના બારમા પ્રકાશ પરથી તેમના અનુભવનો આધાર મળે છે તે નીચેના નિર્દેશ પરથી જણાય છે :

"સિદ્ધાંતરૂપ (શાસ્ત્રશ્રુત) સમુદ્રમાંથી કેટલોક ભાગ લઈને તથા સદગુરુના અનુભવની પરંપરાનો કેટલોક ભાગ લઈ અને મને પોતાને જે અનુભવ થયો એમ ત્રણેનો આધાર મેળવીને આ યોગશાસ્ત્ર બનાવું છું."

તેમના અનુભવમાં આ યોગસામર્થ્ય કેવું ભાસ્યું હતું તે માટે જણાવે છે કે :

'દુનિયાની નાના પ્રકારની વિપત્તિઓના સમૂહરૂપ વેલીઓને કાપવા માટે આ રત્નત્રય-યોગ, એક તીક્ષ્ણ ધારવાળા કુહાડા સરખો છે અને કોઈ પણ પ્રકારના મંત્ર તંત્ર વિનાનું વશીકરણ કરી શકે તેવું મોહરૂપી લક્ષ્મીનું એ મૂળ છે.'

ગ્રંથના પ્રારંભમાં યોગની વ્યાખ્યા જ પૂર્ણતાની પ્રાપ્તિના પ્રયોજનરૂપ દર્શાવી છે. યોગ શબ્દ યુજ ધાતુ પરથી આવ્યો છે. યોગ એટલે જોડાવું. ક્યાં જોડાવું ? મોક્ષ માર્ગમાં. મોક્ષનું કારણ યોગ કહ્યું છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ ત્રણ યોગ છે. યોગ તો અસંખ્ય પ્રકારના છે પણ મોક્ષમાર્ગને જોડતા યોગ આ ત્રણ છે. જો કે આ પડતા કાળમાં આ યોગમાર્ગ તત્ત્વરૂપે કંઈ લુપ્ત થયો જણાય છે, આ શાસ્ત્રના છેલ્લા અધ્યાયમાં ધ્યાનયોગથી વર્તમાનમાં જીવો યોગમાર્ગ કેવી રીતે પ્રાપ્ત કરી શકે તેનું નિરૂપણ છે.

યોગનું સામર્થ્ય[ફેરફાર કરો]

ગમે તેવાં ઘન વાદળાં પણ પ્રચંડ પવનથી વિખરાઈ જાય છે, તેમ સમ્યગદર્શનાદિ યોગના પ્રભાવથી અનંત પ્રકારનાં કર્મો નાશ પામે છે, વળી ઘણાં લાકડાં આદિ બળતણ અગ્નિના સ્પર્શથી બળીને ભસ્મ થાય છે, તેમ દીર્ઘકાળનાં કર્મો કે પાપો પણ યોગરૂપી અગ્નિથી નાશ પામે છે. લાકડાં એકઠાં કરવામાં જેટલો સમય લાગે, તેટલો બળતાં લાગતો નથી. તેમ ઘણાં કર્મો ભેગાં થતાં ભલે કાળ ગયો હોય પણ યોગના બળે તે અલ્પ સમયમાં નાશ પામે છે. સમ્યગદર્શનાદિ યોગ સમયે કર્મોનું જે ઉપાર્જન થાય તેવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય કે યોગનું વિદ્યમાનપણું નથી.

યોગની લબ્ધિ[ફેરફાર કરો]

વર્તમાનયુગમાં આ યોગની આરાધનાનું અલ્પત્વ થયું ચે, તેથી તેની લબ્ધિઓ પણ પગટપણે જણાતી નથી. હઠયોગની પ્રક્રિયામાં કોઈ પ્રસંગો જાણવા મળે ચે, પણ તે સર્વ દૈહિક હોવાથી આત્મસાધનામં બાધક બનવાનો સંભવ હોવાથી તેની ગૌણતા થઈ છે. કારણકે આ યોગસાધક યોગીનાં કફ, થૂંક, મળ કે સરીરનો સ્પર્શ પણ ઔષધિનું કામ કરતાં હોય છે. એક ઇંદ્રિય વડે પાચે ઇંદ્રિયનું કાર્ય થઈ શકે છે. સુવર્ણસિદ્ધિ થઈ શકે છે. સુંદર રસ કે ગંધ પણ શરીરમંથી પ્રગટે છે. આકાશ્ગમન, અનુશાસન કરવાનું સામર્થ્ય, અવધિજ્ઞાનાદિ જેવી સંપદા વગેરે આ યોગનાં પરિણામો છે, જે મર્યાદિત છે. ચતાં યોગનું વાસ્તવિક ફળ તો મોક્ષ છે. યોગસાધનાનું ધ્યેય અને પરિણામ મોક્ષ છે, જો તેમ ન હોય તો તે યોગ સમ્યગ નથી, કેવળ ક્રિયાત્મક પ્રયોગ છે.

અત્યંત મહત્ત્વપૂર્ણ યોગને દ્દષ્ટાંતથી સમજવા પ્રસ્તુત ગ્રંથમાં દ્દષ્ટાંતો આપ્યાં છે તે સાધકને પ્રેરણાદાયી છે. મનાદિ યોગ તે ચંચળતાનું પરિણામ છે, જ્યારે દર્શનાદિ યોગ સ્થિરતા રૂપ છે. તે દ્દષ્ટાંતોથી સમજાય છે.

દ્દષ્ટાંત[ફેરફાર કરો]

૧. દ્દષ્ટાંત : સનત ચક્રવર્તી મુનિ થયા.

આ દ્દષ્ટાંત મુનિની યોગ દ્વારા પ્રાપ્ત થયેલી લબ્ધિનું માહાત્મ્ય જણાવે છે. વાસ્તવમાં લબ્ધિ કે સિદ્ધિઓ પ્રગટ થવી તે યોગનું સ્વરૂપ કે માહાત્મ્ય નથી, પરંતુ સમગ્ર દર્શનાદિ યોગ દ્વારા મોક્ષ પ્રગટ થવો તે યોગ છે.

૨. દ્દષ્ટાંત : ચક્રવર્તી ભરતરાજા એક પળમાં ચાલી નીકળ્યા.

૩. દ્દષ્ટાંત : યોગિની મરૂદેવા માતા : હાથીની અંબાડીમાં બેઠા જ યોગ સાધ્યો.

સરળ જીવો યોગથી પરમપદ પામે છે તે તો સમજાય છે, પણ મહાપાપી જ્યારે યોગને સાધે છે ત્યારે મુક્તિ તેની પાસે આવે છે. તે માટે જુઓ દ્દઢપ્રહારીનું દ્દષ્ટાંત.

૪. દ્દષ્ટાંત : મહાત્મા દ્દઢપ્રહારીની યોગસાધના. શુદ્ધ યોગના અવલંબનથી પાપી પણ પાવન બની પરમપદને પામે છે તે યોગનું મહાન સામર્થ્ય છે.

ચિલાતિપુત્ર, રોહિણેય ચોર આ સર્વ જીવો યોગ દ્વારા જ મુક્તિ પામ્યા. યોગસાધન વગરનું માનવજીવન વ્યર્થ છે.

સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ મનાયા છે પણ તેમાં મોક્ષ જ શ્રેષ્ઠ છે. અને તે યોગ દ્વારા જ પ્રગટ થાય છે. તે યોગ એટલે સમ્યગ દર્શન, જ્ઞાન, ચરિત્ર છે. રત્નત્રય એ યોગ છે. તેનો વિસ્તાર હવે કહેવામાં આવે છે.

પ્રકરણ : જ્ઞાનયોગ[ફેરફાર કરો]

ગીતાર્થ જનોએ જિનભાષિત તત્ત્વના સ્વરૂપને યથાર્થપણે જાણવું તેને સમ્યગજ્ઞાન કહ્યું છે. તેનો સંક્ષેપથી કે વિસ્તારથી બોધ થવો તેને પણ વિદ્વાન પુરુષોએ સમ્યગજ્ઞાન કહ્યું છે.

આ તત્ત્વ નવ પ્રકારનાં છે. તેનું સંક્ષેપથી સ્વરૂપ નીચે પ્રમાણે છે :

જીવ : ચૈતન્ય સ્વરૂપ, દસ પ્રાણોથી જીવનાર, ઉપયોગ લક્ષણવાળો જીવ છે. તે જીવો સંસારી અને સિદ્ધ એમ બે પ્રકારે છે. સંસારી જીવોના બેથી માંડી ૫૬૩ સુધીના ભેદ છે. તેમાં મુખ્ય ત્રસ અને સ્થાવર છે. તે જંતુ, નારક, મનુષ્ય, દેવ, વગેરે.

ત્રસ : જે સુખ અને દુ:ખનો અનુભવ કરી શકે ને હાલી ચાલી શકે, જેમ કે તડકેથી છાંયે, છાંયેથી તડકે જઈ શકે.

સ્થાવર : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ. વનસ્પતિમાં જીવ છે. તે સુખધુ:ખની લાગણી અલ્પ માત્રામાં અનુભવી શકે છે પરંતુ ચાલી શકતા નથી. અગ્નિથી બળે કે તડકે તપે તેનું દુ:ખ લાગે પરંતુ ચાલી ન શકે. ખસી ના શકે તો સ્થાવર કહેવાય.

સર્વ સંસારી જીવો કર્મો અને દેહ સહિત હોય છે. સ્વશક્તિએ શુદ્ધ હોવા છતાં વિભાવ દશાએ સંસારરૂપ બંધનમાં થાય છે. સર્વ કર્મોનો નાશ થતાં તે સિદ્ધપણે પ્રગટ છે. તેના ભેદ નથી. ભેદ માત્ર સંસારી જીવના છે.

અજીવ : જેનામાં ચેતના, પ્રાણ કે ઉપયોગ નથી તે સર્વ પદાર્થો અજીવ છે. ટેબલ, ખુરશી વગેરે. અજીવના પાંચ ભેદ છે.

૧. ધર્માસ્તિકાય : અરૂપી હોવાથી ચક્ષુગોચર નથી તે તેના ગુણથી જાણી શકાય છે. જીવ અને અજીવ તમામ પદાર્થોને એક સ્થાનેથી બીજે સ્થાને ગતિ કરવામાં સહાય કરે છે. તે લોકાકાશવ્યાપી અને અસંખ્યાત પ્રદેશી છે.

અધર્માસ્તિકાય : અરૂપી, અસંખ્યાત પ્રદેશી છે. જીવ ને અજીવ સ્થિતિમાં સહાયક છે.

આકાશાસ્તિકાય : અરૂપી છે. અવકાશ આપવાનો ગુણ છે. સર્વ જીવ અને અજીવ દ્રવ્યોને જગ્યા આપે છે. જ્યાં જીવાદિ પદાર્થો છે તે લોકાકાશ છે. અને તે સિવાયનું આકાશ અલોકાકાશ છે. બંને મળી અનંત પ્રદેશ છે. વાદળી, વાદળાં તે પૌદગલિક સ્કંધો છે, આકાશ નથી.

કાળ : અરૂપી છે. જૂનાને નવું કરવું, વર્તના કાળ છે. સૂર્યાદિ ગ્રહોથી કાળનો વ્યવહાર તે વ્હવહાર કાળ છે. દરેક પ્રદેશ પર રહેલા કાળાણુ તે નિશ્ર્ચય કાળ છે.

પુદ્દગલ : રૂપી છે. રસ, સ્પર્શ, ગંધ ને વર્ણવાળું છે. તેના સૂક્ષ્મ પરમાણૂં ચક્ષુગોચર નથી. અનંત પરમાણુનો સ્કંધ બને છે તે ઉપભોગ્માં આવે છે અને દ્દષ્ટિગોચર થાય છે. જીવ સાથે અને જીવથી અલગ આ પુદ્દગલો હોય છે.

જીવ અને પુદ્દગલોનો સંયોગ તે સંસાર છે.

પુદ્દગલ સિવાય ચાર દ્રવ્યો આત્માને બંધન કરતાં નથી. પુદ્દગલનો સંયોગ પામીને જીવ અજ્ઞાનવશ રાગદ્વેષ કરે છે. મોહના જોરે પુદ્દગલમાં આસક્ત થાય છે.

આશ્રવ : મન, વચન, કાયાની શુભ ક્રિયા તે શુભ આશ્રવ અને અશુભ ક્રિયાથી થતો અશુભ આશ્રવ તે મિથ્યાત્વ, અવિરતિ કષાય ને યોગથી થાય છે.

સંવર : શુભાશુભ કર્મોને રોકતી આત્માની નિર્મળ શક્તિ.

નિર્જરા : સત્તામાં પડેલાં અને ઉદ્દયમાં આવતાં કર્મોનો અંશે નાશ કરવની આત્માની શક્તિ.

મોક્ષ : અનાદિકાળનાં અનંત કર્મોનો સર્વથા નાશ થવો તે મોક્ષ. શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવું તે મોક્ષ.

આ નવ તત્ત્વોની યથાર્થ સમજ શ્રદ્ધા અને હેય - ઉપાદેયનું વિવેકસહિત જ્ઞાન આત્મદર્શનનું કારણ બને છે. અને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિ પામીને જીવ મુક્તિગામી થાય છે.

પ્રકરણ : દર્શનયોગ[ફેરફાર કરો]

જિનેશ્ર્વર ભગવાને જણાવેલાં તત્ત્વોની શ્રદ્ધા થવી, પદાર્થથી પ્રતીતિ થવી તે સમ્યકશ્રદ્ધાન છે. તે સદ્દગુરુના ઉપદેશ દ્વારા પ્રગટ થાય છે. તેને દર્શનયોગ કહેવામાં આવે છે. સમ્યગ શ્રદ્ધા સહિતનું જ્ઞાન સમ્યગ છે. જ્ઞાનથી જાણેલાં તત્ત્વો પર સમ્યગશ્રદ્ધા ન થાય ત્યાં સુધી પ્રતીતિ ન થાય.

સંસારમાં રખડતા જીવને નદીધ્રોળ પથ્થરના ન્યાયે સવિશેષ મનુષ્યજન્મમાં જીવનાં પરિણામ શુદ્ધ થતાં કર્મોનો ક્ષયોપશમ થાય છે. ત્યાર પછી તે ધર્મભાવનાનો વિકાસ સાધે છે અથવા સદ્દગુરુના ઉપદેશ દ્વારા બોધ પામે છે ત્યારે તેને સમ્યકત્વરૂપ રત્નત્રયીની પ્રાપ્તી થાય છે અર્થાત આ સમ્યગદર્શન નૈસર્ગિક કે નિમિત્તથી થાય છે.

આવો આત્મપ્રભાવ પ્રગટ થવા છતાં જીવને મોહનીય કર્મનું જોર વધી જતાં સંસારમાં અધિક પર્યટન કરે છે અને કોઈવાર સમ્યકત્વ વમી પણ જાય છે, માટે જીવે સાવધાન રહીને ચારિત્રની શુદ્ધિ કરવી તેને ચારિત્રયોગ કહે છે.

પ્રકરણ : ચારિત્રયોગ[ફેરફાર કરો]

સર્વ દોષવાળા મન, વચન, કાયાદિ યોગોનો ત્યાગ કરવો તેને ચારિત્ર કહેવામાં આવે છે. વ્યવહારથી અહિંસાદિ વ્રતના ભેદે કરી પાંચ પ્રકારે ચારિત્ર કહેલું છે. પરમાર્થથી વીતરાગતા ચારિત્રયોગ છે.

અર્થાત જીવે આત્માને શ્રુતજ્ઞાન અને સ્વભાવજ્ઞાનથી જાણ્યો, દર્શન દ્વારાઅ તેનો નિર્ણય અને પ્રતીત થઈ તે પ્રમાણે ચારિત્રમાં આચરણ થયું. આમ થવાથી સહેલાઈથી માર્ગ પ્રાપ્ત થાય છે. જો અંશે દોષો નાશ પામે તો દેશવ્રતરૂપે દેશચારિત્ર છે, મુનિને મહવ્રત હોય છે અને સંપૂર્ણપણે દોષો નાશ પામે તો તે પૂર્ણચારિત્ર પામે છે. પાંચ મહાવ્રત ચારિત્રયોગ તે મોક્ષનું કારણ છે.

આચાર્યજીએ આ પાંચ મહાવ્રતો સાથે સમ્યગયોગનું નિરૂપણ કરીને પ્રથમ વ્રતના ભેદ દર્શાવ્યા છે. તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્ર છે જેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે :

અહિંસા - પ્રમાદથી કે અસદબુદ્ધિથી નાના મોટા કે ત્રસ સ્થાવર જીવોનો નાશ કરવો નહિ કે મન, વચન, કાયાથી દુભાવવા નહિ તે દ્રવ્ય અહિંસા છે. રાગાદિ ભાવ ન કરવા તે ભાવ અહિંસા છે.

સત્ય - અન્યને હિતકારી અને મધુર લાગે તેવું સત્ય વચન બોલવું. અહિતકર કે અપ્રિય વચન, કપટ સહિતનું વચન સત્ય નથી તેનો ત્યાગ કરવો.

અચૌર્ય : કોઈ વસ્તુ આપ્યા વગર કે પૂછ્યા વગર લેવી નહિ. કોઈનું ધન હરણ કરવું તે તેના પ્રાણ લેવા જેવું છે, માટે અદત્તનો ત્યાગ કરવો.

બ્રહ્મચર્ય : દૈહિક વિષયોનો મન, વચન, કાયાથી ત્યાગ કરવો, કરાવવો, અનુમોદવો, અર્થાત દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી કોઈ પણ પ્રકારે વિકલ્પ કે વાસના ન જાગવી જોઈએ.

અપરિગ્રહ : આંતર કે બાહ્ય આરંભ પરિગ્રહ રૂપ સર્વ પદાર્થોનો ત્યાગ, તે પદાર્થોમાં રહેલા મમત્વનો ત્યાગ, તૃષ્ણા- ઇચ્છા શાંત થાય, તો જ જીવ સમતા અનુભવે અને પરિગ્રહ પરિણામ કરી શકે. આ પાંચ મહાવ્રતને સુદ્દઢ કરવા સાધકે દરેકની પાંચ પાંચ ભાવનાઓથી વાસિત થવાનું છે. તેનો વિસ્તાર શાસ્ત્રમાં જોવો.

વળી આ ચારિત્રયોગની વિશેષતા અને પવિત્રતા પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં રહી છે. મન, વચન, કાયાના યોગોનો નિરોધ તે ગુપ્તિ, ચારિત્રનો મુખ્ય માર્ગ છે અને યત્નાપૂર્વક શાસ્ત્રાજ્ઞા પ્રમાણે મનાદિ યોગનો પ્રસંગોપાત્ત સમ્યગ વ્યાપાર કરવો તે સમિતિરૂપ ચરિત્ર છે. તેનો વિસ્તાર શાસ્ત્રમાંથી જાણવો.

આચાર્યશ્રીએ ગૃહસ્થના જીવનમાં યોગની પાત્રતા માટે માર્ગાનુસારિતા દર્શાવી છે.

પ્રકરણ : માર્ગાનુસારીનાં પાંત્રીસ અંગો[ફેરફાર કરો]

પરમાર્હ્તમાર્ગને અનુસરવાની પ્રારંભની ભૂમિકા તે માર્ગાનુસારી.

૧. ન્યાયોપાર્જિત ધન.

૨. ઉત્તમ આચારવાળાની પ્રશંસા - પ્રમોદભાવ.

૩. જુદા ગોત્રવાળા સાથે વિવાહ સંબંધ ન કરવો.

૪. પાપથી ડર રાખવો.

૫. દેશના પ્રસિદ્ધ આચાર પ્રમાણે વર્તવું.

૬. કોઈના અવર્ણવાદ ન બોલવા.

૭. ખાસ કરીને રાજ્યના કર્તાનો અવર્ણવાદ ન બોલવો.

૮. ધર્માનુરાગી પડોશી સાથે નિવાસ કરવો.

૯. મકાનમાં પેસવા નીકળવાના ઘણા દ્વારો રાખવા નહિ.

૧૦. સદાચારીની સોબત કરવી.

૧૧. ઉપદ્રવવાળાં સ્થાનોનો ત્યાગ કરવો અને બીજે વસવું.

૧૨. માતા પિતા વડીલોની ભક્તિ કરવી. નાનાઓ પ્રત્યે પ્રેમ રાખવો.

૧૩. કોઈની સાથે ઝગડા કરવા નહિ.

૧૪. નિંદનીય કાર્ય કરવું નહિ.

૧૫. આવક અનુસાર ખર્ચ કરવું.

૧૬. સ્થિતિ અનુસાર અને વિવેકસહ વસ્ત્રપરિધાન કરવું.

૧૭. બુદ્ધિને સ્વચ્છ રાખવી, તેના આઠ ગુણો પેદા કરવા.

૧૮. નિરંતર ધર્મકથા સત્સંગ સાંભળવા.

૧૯. અજીર્ણ થયું યોહ તો ભોજન ન કરવું.

૨૦. વખતસર સાત્ત્વિક ભોજન કરવું.

૨૧. અન્યોન્ય ધર્મ, અર્થ અને કામને બાધા ન આવે તેવું પ્રયોજન રાખવું.

૨૨. સાધુ, અતિથિ, દીનજનોની યથાશક્તિ ભક્તિ કરવી.

૨૩. ખોટો કદાગ્રહ રાખવો નહિ.

૨૪. ગુણવાનના ગુણનો પક્ષ કરવો.

૨૫. નિષેધ કરેલા દેશમાં ગમન ન કરવું.

૨૬. પોતાના ગુણ અને શક્તિ માટે બિનપક્ષપાતી થવું.

૨૭. વ્રતીનું, જ્ઞાનીનું, વ્રદ્ધનું યોગ્યતા અનુસાર વિનય પૂજન કરવું.

૨૮. પોષણ કરવા લાયક પોતાનું, પરિવારનું પોષણ કરવું. દીર્ઘદ્દષ્ટિવાન થવું.

૨૯. ગુણ અને અવગુણનું અંતર જાણનાર.

૩૦. ગુણીનો ઉપકાર માનનાર.

૩૧. લોકને વલ્લભ લજ્જાવાન, દયાવન, સૌમ્ય થવું.

૩૨. લોભ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, છ શત્રુઓને જીતનાર થવું.

૩૩. દેશવિરતિ ચારિત્ર પાળનાર થવું.

૩૪. (અહિંસાદિ વ્રતોનું પાલન કરવું) સત્યનો માપ દંડ રાખવો.

૩૫. બીજાના ગુણોને ધારણ કરનાર.

આ માર્ગાનુસારીના ગુણો જેણે ધારણ ક્રયા છે તે ગૃહસ્થ સાધક જ સમ્યગદર્શન, જ્ઞાન ને ચારિત્રયોગ રૂપ સમક્તિને પાત્ર છે. તે સાધક સૌ પ્રથમ, સતદેવ, સતગુરુ, અને સતધર્મમાં શ્રદ્ધાવાન હોય છે. વીતરાગ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને દયારૂપ ધર્મમાં જ દ્દઢ શ્રદ્ધા તે સમક્તિનું મહત્ત્વનું અંગ છે, આ સમક્તિનાં પાંચ ભૂષણ છે.

ધર્મભાવનાની સ્થિરતા, ધર્મપ્રચારરૂપ પ્રભાવના, સાધુજનો પ્રત્યે ભક્તિ, જિનેશ્વરે કહેલા તત્ત્વમાં શ્રદ્ધા, તીર્થપ્રવાસ ને તીર્થના અનુરગી સાધુજનોની સેવામાં ઉદ્યમી, સાધક પાંચ અણુવ્રતોને ધારણ કરે છે. વ્યસનોનો, પરસ્ત્રી ગમનનો, માંસાહારનો, રાત્રિભોજનનો, અભક્ષ આહારનો, ત્યગી હોય છે. તે અનુક્રમે બાર વ્રતોનો ધારક બને છે.

પ્રકરણ : બાર વ્રત :

આગળ જણાવેલા અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિણામ જાણવા. હવે પાંચ અણવ્રતની રક્ષા માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત દર્શાવે છે.

૬. દિગપરિણામ વ્રત : આરંભ - સમારંભ આદિ અનેક ક્રિયાના દોષોથી બચવા માટે અને અહિંસાદિ વ્રતની રક્ષા માટે ચરે દિશાઓમાં જવા - આવવાનું ક્ષેત્ર મર્યાદિત કરવું, જેથી પરંપરાએ દોષ ન લાગે.

૭. ભોગોપભોગ : એકવાર ઉપયોગમાં અવતાં આહારાદિ ભોગનાં સાધનો અને વસ્ત્રપાત સ્ત્રી આદિ વારંવાર ઉપભોગમાં આવતા સાધનોની મર્યાદા કરવી.

૮. અનર્થદંડ : આર્તરૌદ્રધ્યાનના નિમિત્તોનો ત્યાગ કરવો તથા હિંસા થાય તેવા નિરર્થક સાધનોના સંગ્રહની મર્યદા કરવી કે ત્યાગ કરવો.

૯. સામાયિક : ૪૮ મિનિટનું સમતાપૂર્વક પાપ-વ્યાપારના ત્યાગરૂપ વ્રત.

૧૦. દેશાવનશિક : ગ્રહસ્થે રોજ પોતાની મર્યાદા રાખી ક્ષેત્રનું આવાગમન કરવું.

૧૧. પૌસધોપવાસ : યથા શક્તિ પૌષધવ્રત કરવું. (મર્યાદિત સમયનું સાધુપણું.)

૧૨. અતિથિસંવિભાગ : સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા કે રૂડા જીવોનો પ્રેમપૂર્વક સત્કાર કરી ભોજન આપવું. (વિશેસપણે ત્યાગી માનવા).

શ્રાવકનાં નિત્યકર્મ, જિનભક્તિ, ગુરુવંદન, આવશ્યક ક્રિયાઓની વિશેષતા બતાવી છે.

સવિશેષ ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોથી થતાં કર્મબંધન અને તેનો પરિહાર કેમ કરવો તેનો ઉપાય ઉત્તમ પ્રકારે બતાવ્યો છે. કષાયો રહિત જીવન જીવવા બાર ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. જીવ સમક્તિ પામ્યા પછી જ શુભાશુભ કર્મોનો નાશ કરવા ધ્યાન- યોગને પાત્ર થાય છે.

પ્રકરણ : ધ્યાનયોગ[ફેરફાર કરો]

આચાર્યજીએ દર્શાવેલા ધ્યાનયોગ એ જૈનદર્શનનો મુખ્ય પાયો હોવા છતાં આજે સાધુ અને શ્રાવકમાં તે ગૌણ થયો છે તેની યથાર્થ વિધિ પણ આજે લુપ્ત થઈ છે. ધ્યાનના સાધકને પૂર્ણ માર્ગદર્શન મળી રહે તેવા ધ્યાનયોગમાં અષ્ટાંગ યોગનો કેટલોક આધાર લીધો છે તે આરાર્યજીની વિશાળ દષ્ટિ ને ઉદારતા છે અને તેમાં ધ્યાનયોગનો પદ્ધતિસરનો ક્રમ સરળપણે સમજાય છે.

ધ્યાનની આગળની ભૂમિકા માટે તેઓએ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનની વિધિસહિત પ્રક્રિયા બતાવી છે, સાધક ગૃહસ્થ ચોથા ગુણસ્થાનની ભૂમિકા માટે રૂપસ્થ ધ્યાન સુધી પહોંચી શકે છે. રૂપાતીત ધ્યાનના મુખ્યત્વે મુનિ અધિકારી છે.

ત્યાર પછી જૈન દર્શન અન્વયે ધર્મધ્યાનના વિવિધ પ્રકારો પૈકી ચાર ધ્યાન દર્શાવ્યા છે.

આજ્ઞા વિચય - જિનાજ્ઞા સહિત તત્ત્વનું ચિંતન અપાય વિચય - રાગદિથી ઉત્પન્ન થતાં દુ:ખોનું ચિંતન વિપાક વિચય - કર્મફળનો ઉદ્દયનો વિચાર કરવો. સંસ્થાન વિચય - જગતના ઉત્પાદ, વ્યય ને સ્થિરતાનું ચિંતન.

ધર્મધ્યાનનો અધિકારી જ્ઞાની કે સમીપ મુક્તિગામી જીવ છે. યોગ્ય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પામીને જીવ શુકલ ધ્યાનમાં પ્રવેશ કરે છે અને તેને પરિણામે મોક્ષ પામે છે અને સાદિ અનંતકાળ સુધી અવ્યાબાધ આત્મસુખમાં મગ્ન રહે છે.

યોગશાસ્ત્રનો અગત્યનો અધ્યાય આચાર્યજી એ અનુભવથી ટાંક્યો છે.

આ શાસ્ત્રનો બારમો પ્રકાશ આચાર્યશ્રીના અનુભવનો છે, તેથી સાધક કે શ્રમણ માત્રને, વિશેષ ઉપયોગી છે. તેનો સંક્ષિપ્ત સાર અત્રે રજુ કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે અગિયાર પ્રકાશો આગમ અને ગુરુગમથી આલેખ્યા છે, હવે બારમો પ્રકાશ સ્વાનુભવસિદ્ધિ છે તેને પ્રકાશું છું.

પ્રકરણ : સ્વાનુભવસિદ્ધ[ફેરફાર કરો]

યોગનો સર્વ આધાર મન ઉપર છે માટે મનની ભિન્ન ભિન્ન અવસ્થાઓ જાણવી જોઈએ.

મનના ભેદો :

૧. વિક્ષિપ્ત - મનમાં અતિ ચપળતા હોય છે.

૨. યાતાયાત - મન કાંઈ પણ શાંત અને આનંદવાળું છે. પ્રથમ કક્ષામાં આ બે મન વિકલ્પને ગ્રહણ કરવાવાળા છે.

૩. શિલષ્ટ - મનની સ્થિરતાની વૃદ્ધિ થવાથી વિશેષ આનંદવાળું છે.

૪. સિલીન - નિશ્ર્ચલ અને પરમાનંદવાળી અવસ્થા છે. ત્રીજું ને ચોથું મન ઉચ્ચ ભૂમિકાવાળું છે.

જ્ઞાનસ્વરૂપ, આનંદમય શુદ્ધ આત્મા અનંત ગુણવાન આત્મા પરમાત્મસ્વરૂપ છે.

આત્માને શરીરથી જુદો જાણવો. આત્મા અને દેહને જુદો જાણનાર યોગી આત્મસ્વરૂપને પ્રગટ કરે છે.

સંસારના પ્રપંચમય - આજ્ઞાનમય અંધકારમાં પડેલા જીવને જ્ઞાનમાર્ગ બતાવનાર ગુરુ છે. માટે ગુરુના ઉઅપદેશથી સાધકે આત્મભાવમાં પ્રીતિ કરવી.

મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી. આત્માને શાંતિ તથા નિશ્ર્ચયપણે ધારી રાખવો તે યોગીનું કર્તવ્ય છે.

મનના વિકલ્પ્ને શમાવવા કોઈ આકૃતિ, વિવિધ વિષયોનું, સદ્દવિચારનું કે સદ્દગુણનું અવલંબન લઈ તેમાં દ્દઢતાથી એકાગ્ર થવું જેથી સમગ્ર શક્તિ એક જ માર્ગમાં વહન થાય છે. મન અસ્થિર થાય તો વારંવાર પ્રયત્ન કરી અવલંબનમાં પાછું લાવવું. મનને કેળવવા માટે નિયમિત સદ્દશાસ્ત્રવચન રાખવું. જેનાથી વિચારશક્તિ પ્રબળ કરવી.

અનેક પ્રકારની ઇચ્છા, તૃષ્ણા, ભય, રોગનો ત્યાગ કરનાર મનની વિચારદશાને કેળવી શકે છે. અંતમાં વિચારની પણ નિવૃત્તિ સાધવાની છે. વિચારનો વ્યાયામ વિશ્રાંતિ પામે છે ત્યારે આત્માની અનુભૂતિ થાય છે.

જગતના પદાર્થોમાંથી સુખબુદ્ધિ ટળે છે ત્યારે ઉદાસીનતા આવે છે. એ ઉદાસીનતાથી પરમતત્ત્વમાં લીન થવાય છે. કોઈ એકાંત નિર્જન સ્થાનમાં સ્થિર આસને મનની એકાગ્રતા અને ઉદાસીનતા વડે ઇંદ્રિયોનો નિગ્રહ થતાં આત્મભાવ જ્ઞાન પ્રગટ થાય છે.

તત્ત્વજ્ઞાન પ્રગટ થવાનાં ચિહ્નો :

શરીરમાં કોલળતા આવે છે. કલેશરહિત જીવન નિપજે છે. ઉન્મનીભાવ (અમનસ્કપણું) આવે છે તેથી યોગી તે સમયે દેહભાવથી સંપૂર્ણપણે ભિન્નતા અનુભવે છે. શુદ્ધ ધ્યાનની અવસ્થાએ યોગી સિદ્ધના જેવો હોય છે. મોક્ષ થાઓ કે ન થાઓ, યોગી પરમાનંદને અનુભવે છે.

નવસો વર્ષ પૂર્વે હેમચંદ્રાચાર્યે પ્રસ્તુત યોગશાસ્ત્રમાં યોગ સંબંધી રહસ્યને શ્રીમાન ચાણક્યવંશના કુમારપાળ રાજાની અત્યંત પ્રાર્થનાથી આ ગ્રંથરચના કરી હતી, તેમાં બાર પ્રકરણ કે પ્રકાશ છે. કાળને જાણી ધર્મનું વહન કરનાર તેઓ કળિકાળસર્વજ્ઞ હતા. તેઓએ અનેક ગ્રંથોની રચના કરી છે. પ્રસ્તુત ગ્રંથમાં સાધક કે શ્રમણને પૂર્ણ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે, માટે યોગશાસ્ત્રનું વાંચન - મનન અવશ્ય કરવું.


પુરવણી[ફેરફાર કરો]

આચાર્યશ્રીએ મનશુદ્ધિ માટે તથા જગતના વ્યવહારમાં સમદ્દષ્ટિ કેળવાય તે માટે મૈત્રી આદિ ભાવાનાઓને જીવનમાં અગત્યનું સ્થાન આપ્યું છે. આ ચાર ભાવના જ્ઞાનીમુનિઓને પણ ધર્મધ્યાનમાં પ્રવેશ કરનારું ઉત્તમ સાધન મનાય છે.

મૈત્રીભાવના : હે જીવ ! જગતમાં તું અલ્પ સમય માટે જન્મ્યો છે. કાળ તો માથે ભમે છે પછી શું કરવા જગતના જીવો સાથે મિત્રતા ધારણ ન કરવી ! જગતમાં કોઈ જીવો રાય હોય કે રંક હોય, મિત્રતાનો ભાવ રાખે કે શત્રુભાવ રાખે પણ મારે તો તે સર્વ જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિરૂપ મૈત્રીભાવ ધારણ કરવો છે. સૌમાં મૈત્રીભાવના સુખ આપનારી છે. તેમાં સર્વ જીવો પ્રત્યે સમાનભાવ વર્તે છે તેને ભગવાને સમક્તિનું લક્ષણ કહ્યું છે.

પ્રમોદ ભાવના : હે જીવ ! તું જગતમાંથી સાથે શું લઈ જવાનો છે તે જાણે છે? શુભાશુભ સંસ્કાર સિવાય તારી સાથે કાંઈ આવવાનું નથી. જો તું સુખ ઈચ્છતો હોય તો અન્યના ગુણને ગ્રહણ કરવાની બુદ્ધિ રાખ. કોઈના ધન, સંપત્તિ, માન, ઐશ્ર્વર્ય કે ગુણો જોઈને ઈર્ષ્યા ન કરતો પણ તેના ગુણોની અનુમોદના કરજે. તેમાં ખુશી થજે. એવી પ્રમોદભાવનાથી હે જીવ ! તું ઘંણા ગુણોને ધારણ કરી સાચા સુખને પ્રાપ્ત કરીશ. અને ધર્મધ્યાનમાં પ્રવેશ પામી મુક્તિને પ્રાપ્ત કરીશ.

કરુણાભાવના : હે જીવ ! આ વિશ્ર્વમાં તું એક મહાન કાર્ય માટે જન્મ્યો છે. તું માનવ થઈને દયાનું ઝરણું બની જજે. કોઈ પણ જીવને મન, વચન, કાયાથી દુ:ખ ન પહોંચાડીશ. સૌને સુખ આપવાનો પ્રયત્ન કરજે. દુ:ખી જીવો પ્રત્યે કરુણા લાવી તેમને જે પ્રકારી સહાય કરી શકાય તે કરવા હંમેશાં તત્પર કરજે. આત્મસ્વરૂપનું ભાન ભૂલેલા જીવોની ધર્મભાવના જાગૃત કરજે. અજ્ઞાનીને જ્ઞાનને માર્ગે વાળજે. તેમના પ્રત્યે માતા જેવો વાત્સલ્યભાવ રાખજે કે જે સ્વપરકલ્યાણરૂપ છે.

મધ્યસ્થભાવના : હે જીવ ! કોઈ પુણ્યયોગે તું ધર્મ પામ્યો છે. જગતમાં જીવો અજ્ઞાનવશ દૈવગુરુધર્મની કે તારા કોઈ ધર્મ અનુષ્ઠાનની નિંદા કરે, જિનાઆજ્ઞા વિરિદ્ધ ચાલે ત્યારે પણ તું ક્રોધ કે દ્વેષ ન કરતાં તે જીવો પ્રત્યે મધ્યસ્થભાવના રાખજે. તે ઇચ્છે તો તેને બોધ આપજે. તે ન સાંભળે તો તું નિરાકૂળ રહેજે. તે જીવોને તેમનો સમય સુધારશે તેમ માની મધ્યસ્થ ભાવ રાખજે. સ્વિશેષ તું પોતે શત્રુ અને મિત્રના ભેદ ભૂલી, રાગ અને દ્વેષથી દૂર રહી, અપેક્ષાઓ અને આકાંક્ષાઓથી ઉદ્દાસીન થઈ મધ્યસ્થભાવના રાખજે. એ જ તારું ધર્મધ્યાન છે.

આત્મભાવના : હે આત્મા ! તું સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી અસંગ છે. તું શુદ્ધ દર્શન, જ્ઞાન અને ચરિત્ર સ્વરૂપ છે. દેહથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. હે આત્મા ! ક્રોધાદિ કષાયથી ભિન્ન પાંચે ઇન્દ્રિયોના વિષયથી ભિન્ન સતચિદાનંદસ્વરૂપ છે. રાગાદિ વિભાવજનિત ભાવથી ભિન્ન વિતરાગસ્વરૂપ છે. તું કેવળ નિર્વિકલ્પ નિજ ઉપયોગ સ્વરૂપ છે. એવા શુદ્ધ આત્માની હું ઉપાસના કરું છું.

પરમસુખસ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા છે તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો તે સદ્દગુરુઓને નમસ્કાર.

દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થા. હે જીવ ! અંતરમુખ થી, શ્તિર થાઈ તે આત્મામાં રહે. તો અનંત અપાર આનંદ અનુભવ પ્રાપ્ત કરીશ. તે જ તારા જીવનની સાર્થકતા અને સફળતા છે.

સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલા થજો. સદ્દગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો. દુ:ખિયા પ્રતિ કરુણા, અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા. શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો ર્હદયમાં સ્થિરતા.

કષાયજય[ફેરફાર કરો]

સર્વ સંસારી જીવને ક્રોધ, માન, માયા અને લોભ આ પ્રકારો હોય છે. તેની તીવ્રતા કે મંદત્તા પ્રમાણે અલ્પધિક વેગવાળા હોય છે. આ ચાર કષાય (કે કસાય) કહેવાય છે.[૧]

ક્રોધ : સ્વપરને પીડાકારી છે. અધોગતિમાં લઈ જનારો છે. સુખનો નાશ કરનારો છે. તેને રોકવાનો ઉપાય ક્ષમા ભાવ છે. મનમાં ઉત્તમભાવના રાખીને સાહસ કરીને ક્ષમાભાવ ધારણ કરવો.

માન : વિનયને, શ્રુતજ્ઞાનને અને શીલને નાશ કરવા વાળો કષાય માન છે. તેની સાથે આઠ પ્રકારના મદ જોડાય છે. ભલભલા જ્ઞાની મુનિઓને પણ આ માન કષાયે પછડ્યા છે માટે માનશશત્રુનો ત્યાગ કરી સુખ માટે પ્રયત્નવાન જીવે નમ્રતા કે વિનય ધારણ કરવો.

માયા : કપટ, છળ, પ્રપંચ અસત્યને પેદા કરે છે. પાપ કરવું અને છૂપાવવું તે માયા છે. મિથ્યાત્વને પોષણ આપનારી તિર્યંચગતિમાં લઈ જનારી છે. માર્ગેચ્છાવાને સરળતા ધારણ કરવી.

લોભ : લોભ સર્વ જાતના દોષોની ઉત્પત્તિની ખાણ સમાન છે. સર્વ ગુણોનો નાશ કરનાર છે. પાપનો બાપ મનાય છે. ઉપરની ભૂમિકાએ પહોંચેલા મુનિઓને અવળે પાસે નાખ્યા છે. તૃષ્ણાની ભગિની છે. જીવની સાથે વળગેલી રહે છે.

આવા લોભને જીતવા જીવે સંતોષ ધારણ કરવો. સાદું જીવન જીવવું અને મનની શુદ્ધિ રાખવી.

કષાય જય સાથે જીવે ઇંદ્રિયોના વિષયોને વિષપાન સમાન જાણી સંયમ કેળવવો. સંયમ જીવન બ્રેક વગરની ગાડી જેવું છે. ઇંદ્રિયોના વિષયો જય કર્યા વગર કષાય જય થવો સંભવ નથી.

ઇંદ્રિયોની પરાધીનતાથી જીવ મરણને શરણ થાય છે. હાથી કામવાસનાથી ફસાય છે. માછલી રસાસ્વાદથી ફસાય છે. ભ્રમર સુગંધથી ફસાય છે. પતંગીયું જ્યોતિથી અને હરણ મોરલીના નાદથી ફસાઈને મરણને શરણ થાય છે. મનુષ્યે તો પોતાની સદ્દબુદ્ધિનો ઉપયોગ કરી ઇંદ્રિયો ઉપર સંયમ કેળવવો.

નોંધ[ફેરફાર કરો]