યોગેન્દ્ર શુક્લા

વિકિપીડિયામાંથી
યોગેન્દ્ર શુક્લા

યોગેન્દ્ર શુક્લા (૧૮૯૬–૧૯૬૦) એ ભારતીય રાષ્ટ્રવાદી તથા બિહારમાં જન્મેલા સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે સેલ્યુલર જેલમાં (કળાપાણીની) સજા ભોગવી અને તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (એચ. એસ. આર. એ.)ના સ્થાપકોમાંના એક હતા. બસાવાન સિંહ (સિન્હા)ની સાથે તેઓ બિહારથી કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક હતા.[૧]

યોગેન્દ્ર શુક્લા અને તેમના ભત્રીજા બૈકુંઠ શુક્લા (૧૯૦૭–૧૯૩૪) બિહારના લાલગંજ મુજફ્ફરપુર જિલ્લો (હાલમાં વૈશાલી જિલ્લો)ના જલાલપોર ગામના વતની હતા. ઈ. સ. ૧૯૩૨ થી ૧૯૩૭ સુધી, યોગેન્દ્રએ બિહાર અને ઉત્તર પ્રદેશના ક્રાંતિકારી આંદોલનના નેતા તરીકે કળાપાણીમાં (આંદામાન જેલ) જેલની સજા ભોગવી. તે તેના ઘણા પરાક્રમો માટે પ્રખ્યાત બન્યા. તે ભગત સિંહ અને બટુકેશ્વર દત્તના વરિષ્ઠ સહયોગી હતા અને તેમને તાલીમ પણ આપી હતી. તેમને તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સજા તરીકે માટે કુલ સાડા સોળ વર્ષ કરતાં વધુ સમય માટે જેલની સજા સંભળાવવામાં આવી હતી. જુદી જુદી જેલમાં કેદ દરમિયાન તેમને ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો, જેથી તેમનું લોખંડી શરીર ક્ષીણ બન્યું હતું. બીમાર હાલતમાં તેનું મોત નીપજ્યું હતું અને તેઓ અંધ પણ બની ગયા હતા.

કળાપાણીની સજા[ફેરફાર કરો]

ઑક્ટોબર ૧૯૩૨માં, જ્યુડિશિયલ સેક્રેટરી, ગવર્નર ઈન કાઉન્સિલ, એ. સી. ડેવીઝે, ડી. આઈ. જી. (સી. આઈ. ડી.)ને અમુક ક્રાંતિકારીઓને આંદામાન જેલમાં ખસેડવા માટે તેમના નામ, તેમનો દોષ, તેમની સજાની માહિતી સાથે ક્રાંતિકારી કેદીઓની યાદી માંગી.[૨] ડી.આઈ.જી. (સી.આઈ.ડી.) એ યોગેન્દ્ર શુક્લા, બાસવાન સિંહ (સિન્હા), શ્યામદેવ નારાયણ ઉર્ફે રામ સિંહ, ઇશ્વર દયાલ સિંહ, કેદાર મણિ શુક્લા, મોહિતચંદ્ર અધિકારી અને રામ પ્રતાપસિંહના નામો સૂચવ્યા.

યોગેન્દ્ર શુક્લા, કેદાર મણિ શુક્લા અને શ્યામદેવ નારાયણને ડિસેમ્બર, ૧૯૩૨માં આંદામાનમાં મોકલી દેવામાં આવ્યા.[૨] ૧૯૩૭માં, યોગેન્દ્ર શુક્લાને ૪૬ દિવસની ભૂખ હડતાલના પરિણામ રૂપે હજારીબાગ સેન્ટ્રલ જેલમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા. જ્યારે શ્રી કૃષ્ણ સિન્હાએ ૧૯૩૭માં કોંગ્રેસના પ્રથમ મંત્રાલયની રચના કરી, ત્યારે તેમણે રાજકીય કેદીઓનો મુદ્દો ઉપાડ્યો હતે અને ૧૫ મી ફેબ્રુઆરી ૧૯૩૮ ના દિવસે તેમના મંત્રાલયે આ મુદ્દે રાજીનામું આપ્યું હતું. પરિણામે, વાઇસરોયે તેમની માંગણીઓ સ્વીકારી અને યોગેન્દ્ર શુક્લાને સાથે સાથે અન્ય રાજકીય કેદીઓને માર્ચ, ૧૯૩૮માં છોડવામાં આવ્યા.

કળાપાણીથી મુક્ત થયા બાદ[ફેરફાર કરો]

યોગેન્દ્ર શુક્લા તેમની મુક્તિ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને મુઝફ્ફરપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા.[૨] તેઓ ૧૯૩૮ માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા, પરંતુ પાછળથી જયપ્રકાશ નારાયણ>ના કહેવાથી કોંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા. સ્વામી સહજાનંદ સરસ્વતીની જગ્યાએ અખિલ ભારતીય કિસાન સભાની કેન્દ્રીય સમિતિના સભ્ય બન્યા પછી, ૧૯૪૦ માં તેમની ધરપકડ કરવામાં આવી.

ભારત છોડો આંદોલન[ફેરફાર કરો]

ઑગસ્ટ, 1942 માં મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે, યોગેન્દ્ર શુક્લાએ સ્વતંત્રતા માટે ભૂગર્ભ આંદોલન શરૂ કરવાના દૃષ્ટિકોણ સાથે જયપ્રકાશ નારાયણ, સૂરજ નારાયણ સિંહ, ગુલાબચંદ ગુપ્તા, રામનંદન મિશ્રા અને શાલીગ્રામ સિંહની સાથે હજારીબાગ સેન્ટ્રલ જેલની દીવાલને ફાંદી.[૨] જયપ્રકાશ નારાયણ તે સમયે બીમાર હતા, શુક્લા, જયપ્રકાશ નારાયણને ખભા પર લઈ, ૧૨૪ કિલોમીટર ચાલીને તેમને ગયા પહોંચ્યા.[૩]

અંગ્રેજ સરકારે શુક્લાની ધરપકડ માટે રૂ. ૫૦૦૦નું ઈનામ રાખ્યું. ૭ ડિસેમ્બર ૧૯૪૨ ના દિવસે મુજફ્ફરપુરમાં તેની ધરપકડના રોજ થઈ હતી.[૨] સરકારનું માનવું હતું કે તેમની ધરપકડના એક દિવસ પહેલા શુક્લાએ ચાર કેદીઓને મુજફ્ફરપુર જેલમાંથી છૂટવામાં મદદ કરી હતી. તેમના નામ હતા : સૂરજદેવસિંહ, રામ બાબુ કાલવાર, બ્રહ્માનંદ ગુપ્તા અને ગણેશ રાય.

યોગેન્દ્ર શુક્લાને બક્સર જેલમાં બંદી બનાવાયા અને ત્રણ વર્ષ સુધી કેદમાં રહ્યા હતા.[૨] માર્ચ ૧૯૪૪ માં, તેમણે બક્સર જેલમાં ભૂખ હડતાલ શરૂ કરી.

આઝાદી દરમિયાન અને પછી[ફેરફાર કરો]

એપ્રિલ, ૧૯૪૬ માં તેમને છોડવામાં આવ્યા. ૧૯૫૮માં, તેમને પ્રજા સમાજવાદી પક્ષ વતી બિહાર વિધાનસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ૧૯૬૦ સુધી તે પદે રહ્યા.[૨] લાંબા ગાળાની જેલના જીવનના પરિણામે ૧૯૬૦ માં, તેમને ગંભીર માંદગી લાગુ પડી. ૧૯૬૦ ના નવેમ્બર મહિનામાં તેમનું અવસાન થયું.

સંદર્ભ[ફેરફાર કરો]

  • મન્મથ નાથ ગુપ્તા, ભારતીય ક્રાંતિકારી ચળવળનો ઇતિહાસ, (પ્રથમ 1939 માં પ્રકાશિત), સોમૈયા પબ્લિકેશન્સ, 1972.
  • નૈના સિંહ ધૂત, સુરિન્દર સિંઘ, રાજકીય સંસ્મરણોની ભારતીય રજૂઆત, મનોહર પબ્લિશર્સ, નવી દિલ્હી, 2005, ISBN 978-8173046339.
  • જયપ્રકાશ નારાયણ: સિલેક્ટેડ વર્ક્સ, જયપ્રકાશ નારાયણ, એડ. બિમલ પ્રસાદ દ્વારા, મનોહર, 2000, ISBN 978-8173043871.
  • પી.એન. ઓઝા, બિહારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઇતિહાસ, 1885-1985, કે.પી. જયસ્વાલ સંશોધન સંસ્થા, 1985.
  • શંકર શરદ, જેપી: જયપ્રકાશ નારાયણ : જીવનચરિત્ર, વિચારો, પત્રો, દસ્તાવેજો, સાહિત્ય ભવન, 2 જી આવૃત્તિ, 1977.
  • એન.એમ.એસ.પ્રાઇવાસ્તવ, કોલોનિયલ બિહાર, સ્વતંત્રતા અને ત્યારબાદ: એ હિસ્ટ્રી ઓફ સર્ચલાઇટ, કે.પી. જયસ્વાલ સંશોધન સંસ્થા, પટના, ભારત, 1998.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • [૧] ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ સત્તાવાર જીવનચરિત્ર, જ્યારે તેમના પરની સ્ટેમ્પ બહાર પાડવામાં આવી.

નોંધો[ફેરફાર કરો]

  1. Surendra Mohan (21 March 2009). "Dr Lohia's Life and Thought: Some Notes". XLVII (14). Mainstream. મેળવેલ 2009-03-23.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ Srivastava, N.M.P. (1988). Struggle for Freedom: Some Great Indian Revolutionaries. K.P.Jayaswal Research Institute, બિહાર સરકાર, પટના.
  3. Distance between Hazaribagh Central Jail and Gaya