લખાણ પર જાઓ

રતિ

વિકિપીડિયામાંથી
રતિ
પ્રેમ, શારીરિક ઇચ્છા અને જુસ્સાની દેવી
રતિ
જોડાણોદેવી
રહેઠાણકામલોક
શસ્ત્રતલવાર
વાહનપોપટ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીકામદેવ
બાળકોહર્ષ અને યશ (પુત્રો)[]
માતા-પિતાપ્રજાપતિ દક્ષ
ગ્રીક સામ્યએફ્રોડાઈટા
રોમન સામ્યવિનસ

રતિ (સંસ્કૃત: रति) પ્રેમ, શારીરિક ઇચ્છા, વાસના, આવેગ અને જાતીય આનંદની હિન્દુ દેવી છે.[][][][] સામાન્ય રીતે પ્રજાપતિ દક્ષની પુત્રી તરીકે વર્ણવવામાં આવતી રતિ, પ્રેમના દેવતા કામદેવની સ્ત્રી સમકક્ષ, મુખ્ય સાથીદાર અને સહાયક છે. કામદેવના સાથી તરીકે, તેણીને ઘણીવાર તેમની સાથે દંતકથા અને મંદિરના શિલ્પમાં દર્શાવવામાં આવે છે. તે કામદેવની સાથે પૂજાનો પણ આનંદ માણે છે.

હિન્દુ શાસ્ત્રો રતિની સુંદરતા અને વિષયાસક્તતા (કામુકતા) પર ભાર મૂકે છે. તેઓ તેને એક કુમારિકા તરીકે દર્શાવે છે જે પ્રેમના દેવને મોહિત કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે શિવ તેના પતિને સળગાવીને રાખ કરી દે છે, ત્યારે રતિની આજીજી અથવા તપશ્ચર્યા જ કામદેવના પુનર્જન્મના વરદાન તરફ દોરી જાય છે. કામદેવનો પુનર્જન્મ પ્રદ્યુમ્ન તરીકે થાય છે, જે કૃષ્ણ અને રુક્મિણીના પુત્ર છે. રતિ - માયાવતીના નામે – જન્મ સમયે જ માતા-પિતાથી વિખૂટા પડેલા પ્રદ્યુમ્નના ઉછેરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે તેની આયા તેમજ તેની પ્રેમિકા તરીકે વર્તે છે, અને પ્રદ્યુમ્નના હાથે મૃત્યુ પામવાની નિયતિ ધરાવતા રાક્ષસ-રાજાને મારીને તેના માતાપિતા પાસે પાછા ફરવાનો માર્ગ જણાવે છે. પાછળથી કામદેવ-પ્રદ્યુમ્ન રતિ-માયાવતીને પત્ની તરીકે સ્વીકારે છે.

નામકરણ

[ફેરફાર કરો]

દેવી રતિનું નામ સંસ્કૃત મૂળ રમ પરથી પડ્યું છે, જેનો અર્થ "આનંદ કરવો" અથવા "સુખમાં હોવું" એવો થાય છે. ક્રિયાપદમૂળ સામાન્ય રીતે કોઈપણ પ્રકારના આનંદનો ઉલ્લેખ કરે છે, તેમ છતાં તે સામાન્ય રીતે શારીરિક અને વિષયાસક્ત આનંદના અર્થો વહન કરે છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દ્રષ્ટિએ, રતિ શબ્દ એવી કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ કરે છે જેનો આનંદ માણી શકાય છે; પરંતુ, તેનો ઉપયોગ હંમેશાં જાતીય પ્રેમના સંદર્ભમાં કરવામાં આવે છે.[]

દંતકથા

[ફેરફાર કરો]

જન્મ અને વિવાહ

[ફેરફાર કરો]
ઘોડા પર સવાર રતિ

કાલિકા પુરાણમાં રતિના જન્મ વિશે નીચેની વાર્તા વર્ણવવામાં આવી છે. ૧૦ પ્રજાપતિઓના સર્જન પછી, બ્રહ્મા - સર્જક-દેવતા - તેમના મનમાંથી પ્રેમના દેવતા કામદેવનું સર્જન કરે છે. કામદેવને પોતાના પુષ્પબાણ ચલાવીને દુનિયામાં પ્રેમ ફેલાવવાનો આદેશ આપવામાં આવે છે. પ્રજાપતિ દક્ષને કામદેવ માટે પત્ની પ્રસ્તુત કરવાનો અનુરોધ કરવામાં આવે છે. કામદેવે સૌ પ્રથમ બ્રહ્મા અને પ્રજાપતિઓ સામે તેના પુષ્પબાણનો ઉપયોગ કરે છે, જેઓ બધા જ બ્રહ્માની પુત્રી સંધ્યા ("સંધ્યાકાળ-પરોઢ/સંધ્યા") તરફ વ્યભિચારી રીતે આકર્ષાય છે. ભગવાન શિવ, બ્રહ્માના ઘૃણાસ્પદ કૃત્યથી ગુસ્સે થઈ જાય છે અને તેની નિંદા પ્રકટ કરે છે. બ્રહ્મા અને પ્રજાપતિઓ પોતાના કૃત્યથી શરમાય છે, તેમના હાથ પગ ધ્રૂજે છે અને ભયથી પ્રસ્વેદ ઉત્ત્પન થાય છે. દક્ષના પ્રસ્વેદમાંથી રતિ નામની એક સુંદર સ્ત્રીનો ઉદય થાય છે, જેને દક્ષ કામદેવને તેનીની પત્ની તરીકે પ્રસ્તુત કરે છે. તે જ સમયે, ઉશ્કેરાયેલા બ્રહ્મા કામને ભવિષ્યમાં શિવ દ્વારા સળગાવીને રાખ કરી દેવાનો શ્રાપ આપે છે. જો કે, કામની વિનંતી પર, બ્રહ્મા તેને ખાતરી આપે છે કે તેનો પુનર્જન્મ થશે.[] બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, બ્રહ્મા તેના માટે ઝંખના કરે છે તે પછી સંધ્યાએ આત્મહત્યા કરી હતી. ભગવાન વિષ્ણુ તેને સજીવન કરે છે અને તેનું નામ રતિ રાખે છે, અને તેની સાથે કામદેવ લગ્ન કરે છે. શિવ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંધ્યાની આત્મહત્યા પછી, તેણી દક્ષના પરસેવાથી રતિ તરીકે પુનર્જન્મ લે છે.[] કેટલાક ગ્રંથોમાં શિવને રતિના પિતા તરીકે વર્ણવવામાં આવ્યા છે.[]

મહાકાવ્ય મહાભારતના પરિશિષ્ટ હરિવંશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામ અને રતિને હર્ષ અને યશ નામના બે સંતાનો છે. જો કે, વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રતિને નંદી તરીકે માત્ર એક જ પુત્ર છે - હર્ષ.[] મહાભારત તેમજ રામાયણ મહાકાવ્યો પણ રતિને કામની કારક હોવાનું સમર્થન આપે છે.[૧૦]

માયાવતી તરીકે પુનર્જન્મ

[ફેરફાર કરો]

તારકાસુર રાક્ષસે સૃષ્ટિમાં વિનાશ વેર્યો હતો અને માત્ર ભગવાન શિવનો પુત્ર જ તેને મારી શકે તેમ હતો, પરંતુ શિવ પોતાની પહેલી પત્ની સતીના મૃત્યુ પછી તપસ્વી માર્ગ તરફ વળ્યા હતા. આમ કામદેવને દેવતાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે શિવને પુનઃ પ્રેમમાં પાડી દો. કામદેવ રતિ, મધુ અથવા વસંત સાથે કૈલાસ પર્વત પર ગયા અને શિવ તરફ પોતાના પ્રેમ-બાણ ચલાવ્યા (દંતકથાના અન્ય સંસ્કરણમાં, કામદેવે શિવના મનમાં પ્રવેશ કર્યો) અને કામેચ્છાને જાગૃત કરે છે. કામના બાણથી ઘાયલ થઈને શિવ પાર્વતી તરફ આકર્ષાય છે, જે સતીનો પુનર્જન્મ છે. પરંતુ શિવ વ્યથિત થઈને તેમના ત્રીજા લોચન દ્વારા કામદેવને ભસ્મ કરી નાખે છે.[૧૧][૧૨][૧૩]

દ્વારકા પરત ફરતા માયાવતી (રતિ) અને પ્રદ્યુમ્ન (કામદેવ).

ભાગવત પુરાણમાં વધુમાં વર્ણન કરવામાં આવ્યું છે કે દુઃખથી પીડાતી રતિ કામદેવના મૃત્યુથી પાગલ થઈ જાય છે.[૧૧] મત્સ્ય પુરાણ અને પદ્મ પુરાણના સંસ્કરણોમાં તે પોતાના પતિની રાખને પોતાના શરીર પર લગાડે છે.[૧૩]

ભાગવત પુરાણમાં આગળ, રતિ સખત તપસ્યા કરે છે અને પાર્વતીને વિનંતી કરે છે કે તેણી તેના પતિને પુનર્સ્થાપિત કરવા માટે શિવ સાથે મધ્યસ્થી કરે. પાર્વતીએ તેને ખાતરી આપી હતી કે કામદેવનો પુનર્જન્મ પૃથ્વી પરના ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે થશે, અને રતિએ અસુર સંબરના ઘરે તેની રાહ જોવી પડશે.[૧૧] કથાના અન્ય સંસ્કરણો જેમ કે મત્સ્ય પુરાણ, પદ્મ પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ અને કથાસરિતસાગરમાં શિવ જ રતિને કામના પુનર્જન્મનું વરદાન આપે છે.[૧૨][૧૩][૧૪] અન્ય સંસ્કરણોમાં, તેણી કામદેવને આ વિનાશકારી કાર્ય માટે મોકલનારા દેવતાઓને શાપ આપે છે અને દેવતાઓનો એક સમૂહ અથવા બ્રહ્મા, શિવ અથવા સર્વોચ્ચ દેવી પાર્વતી પાસેથી શોક કરતી રતિ માટે રાહત માંગે છે. બ્રહ્માનંદ પુરાણની જેમ કેટલીક દંતકથાઓમાં, આંસુ સારતી રતિ અને દેવતાઓની વિનંતી સાંભળીને દેવી પાર્વતી તરત જ કામદેવને પુનર્જીવિત કરે છે.[૧૫] સંસ્કૃતના જાણીતા કવિ કાલિદાસે કુમારસંભવનો અધ્યાય ચાર જે શિવ અને પાર્વતીના લગ્ન અને તેમના પુત્ર કાર્તિકેયના જન્મની કથા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેને રતિની દુર્દશાની ચર્ચા કરતા તેણીને સમર્પિત કર્યો છે. અધ્યાય ચાર વર્ણવે છે કે રતિ તેના પતિના મૃત્યુની સાક્ષી છે અને તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે, અને પછી ચિતા પર પોતાને અગ્નિદાહ આપવાનો પ્રયાસ કરે છે. એક સ્વર્ગીય અવાજ તેને સમયસર રોકે છે અને કહે છે કે શિવના લગ્ન પછી, તે તેના પતિને પુનર્જીવિત કરશે.[૧૬]

સ્કંદ પુરાણનો કેદાર ખંડ અધ્યાય એક ખૂબ જ અલગ જ સંસ્કરણ પ્રસ્તુત કરે છે. આ સંસ્કરણમાં, કામના દહન પછી, પાર્વતીને ચિંતા છે કે તે કામની ગેરહાજરીમાં શિવને પ્રાપ્ત કરી શકશે નહીં. પાર્વતીને રતિ દ્વારા આશ્વાસન આપવામાં આવે છે, જે ભારપૂર્વક કહે છે કે તે કામને પુનર્જીવિત કરશે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા શરૂ કરશે. એક વાર દૈવી ઋષિ નારદ તેને પૂછે છે કે "તે કોની હતી". ઉશ્કેરાઈને રતિ નારદનું અપમાન કરે છે. દ્વેષી નારદ સંબર રાક્ષસને રતિના અપહરણ માટે ઉશ્કેરે છે. સંબર તેને તેના ઘરે ઉપાડી જાય છે, પરંતુ તેણીને સ્પર્શ કરવામાં અસમર્થ રહે છે કારણ કે દેવી (રતિ) એ આદેશ આપ્યો હતો કે જો તે તેણીને સ્પર્શ કરશે તો તેણી રાખ થઈ જશે. ત્યાં, રતિ "રસોડાની પ્રભારી" બને છે અને તેને માયાવતી તરીકે ઓળખવામાં આવે છે.[૧૭]

ચેન્નકેશવ મંદિર, બેલુરની મંદિરની દિવાલ પર રતિ સાથે કામ (ડાબે)

ભાગવત પુરાણ અને કથાસારિતસાગર જણાવે છે કે શિવની સલાહથી રતિ સંબરની રસોડાની દાસી માયાવતીનું સ્વરૂપ ધારણ કરે છે અને સંબરના ઘરે પોતાના પતિના આગમનની રાહ જુએ છે. સંબરને આગાહી કરવામાં આવી છે કે પુનર્જન્મ લેનાર કામ તેનો નાશ કરનાર હશે. સંબરને જાણ થાય છે કે કામનો પુનર્જન્મ કૃષ્ણ અને તેની મુખ્ય પત્ની રુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે થયો હતો. તે બાળકને ચોરીને સમુદ્રમાં ફેંકી દે છે, જ્યાં બાળકને માછલી ગળી જાય છે. આ માછલી માછીમારો પકડીને સંબરાના રસોડામાં મોકલે છે. જ્યારે માછલી ચીરવામાં આવે છે, ત્યારે અંદરથી એક બાળક માયાવતીને મળી આવે છે, જે તેને ઉછેરવાનું નક્કી કરે છે. દૈવી ઋષિ નારદ માયાવતીને જણાવે છે કે તેણી રતિ છે અને બાળક કામ છે, અને તેણીએ તેનો ઉછેર કરવાનો હતો. જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ માયાવતીનો માતૃપ્રેમ પત્નીના જુસ્સાદાર પ્રેમમાં બદલાઈ જાય છે. પુનર્જન્મ પામેલો કામ તેની આ પ્રવૃત્તિનો વિરોધ કરે છે, કારણ કે તે તેણીને તેની માતા માને છે. માયાવતી તેને નારદ દ્વારા વર્ણવવામાં આવેલા તેમના પાછલા જન્મોનું રહસ્ય જણાવે છે અને તે તેણીનો પુત્ર નથી, પરંતુ કૃષ્ણ અને રુક્મિણીના પુત્ર હોવાનું જણાવે છે. માયાવતી પ્રદ્યુમ્નને જાદુ અને યુદ્ધમાં પશિક્ષિત છે અને તેને સંબરને મારી નાખવાની સલાહ આપે છે. પ્રદ્યુમ્ન સંબરને હરાવે છે અને તેની હત્યા કરે છે. તે માયાવતીને પત્ની બનાવીને કૃષ્ણની રાજધાની દ્વારકા પરત ફરે છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવે છે.[૧૧]

વિષ્ણુ પુરાણ અને હરિવંશમાં પણ આવું જ વર્ણન છે, જો કે તેમાં રતિના પુનર્જન્મને માયાદેવી કહેવામાં આવે છે અને તેણીને અસુર સંબરની દાસી ને બદલે તેની પત્ની તરીકે વર્ણવવામાં આવી છે. આ બંને શાસ્ત્રો એમ કહીને તેની પવિત્રતાની રક્ષા કરે છે કે રતિએ સંબરને મંત્રમુગ્ધ કરવા માટે એક ભ્રાંતિપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું હતું. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં સ્પષ્ટ પણે કહેવાયું છે કે રતિ સંબાર સાથે સૂતી નથી, પરંતુ તેને માયાવતીનું ભ્રાંતિરૂપ પ્રદાન કરે છે.[૧૧][૧૮][૧૯] રતિ-માયાવતી આ કથાના તમામ વર્ણનોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જેમાં તેણી તેની માયા દ્વારા - સંબર અને કામ-પ્રદ્યુમ્ન (જેને તે તેના "પુત્ર" તરીકે ઉછેરે છે) બન્નેને તેણીના પ્રેમી બનવાની ખાતરી આપે છે. અંતે બધા ગ્રંથો તેની શુદ્ધતા પર ભાર મૂકે છે, જે બીજા પુરુષ દ્વારા અસ્પૃશ્ય છે.[૧૯]

હરિવંશમાં પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધને "રતિનો પુત્ર" તરીકે વર્ણવવામાં આવ્યો છે.[૨૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Manmatha Nath Dutt (2020). A Prose English Translation of Harivamsha.
  2. Swami Ram Charran (2007). The Vedic Sexual Code: Enjoy a Complete and Fulfilling Relationship With Your Lover. AuthorHouse. pp. 151, 209.
  3. Doniger O'Flaherty, Wendy (1980). Women, androgynes, and other mythical beasts. University of Chicago Press. pp. 39, 103. ISBN 0-226-61850-1.
  4. Patricia Turner and estate of Charles Russell Coulter (2000). Dictionary of ancient deities. Oxford University Press US. pp. 258, 400. ISBN 0-19-514504-6.
  5. ૫.૦ ૫.૧ Kramrisch pp. 253–4
  6. (Monier-Williams 2008, p. 867)
  7. Rati: Mani pp. 644–5
  8. Chandra, Suresh (2001). Encyclopaedia of Hindu gods and goddesses (2 આવૃત્તિ). Sarup & Sons. p. 273. ISBN 81-7625-039-2.
  9. Hopkins p. 165
  10. Hopkins p. 199
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ W.J. Wilkins (1900). "Kamadeva". Hindu Mythology, Vedic and Puranic. Sacred Texts Archive. ISBN 1-4021-9308-4.
  12. ૧૨.૦ ૧૨.૧ Kama: Mani pp. 378–9
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Benton p. 41
  14. Benton p. 66
  15. Benton pp. 52, 61
  16. Kale, M R; Kālidāsa (1999) [1923]. Kumārasambhava of Kālidāsa (7 આવૃત્તિ). Motilal Banarsidass. p. xxiv. ISBN 81-208-0161-X. See also the English translation and Sanskrit original of canto IV
  17. Dongier, Wendy (1993). Purāṇa perennis: reciprocity and transformation in Hindu and Jaina texts. SUNY Press. pp. 52, 75. ISBN 0-7914-1382-9.
  18. Hopkins p. 214
  19. ૧૯.૦ ૧૯.૧ Benton pp. 71–3
  20. Hopkins p. 164