વિકીયા વાવ
વિકીયા વાવ | |
---|---|
![]() | |
અન્ય નામો | વિકીયાની વાવ, ઘૂમલી વાવ, વિક્રમાદિત્ય વાવ |
સામાન્ય માહિતી | |
સ્થાન | 21°52'59"N, 69°45'39"E |
નગર અથવા શહેર | ઘુમલી, ગુજરાત |
દેશ | ભારત |
બાંધકામની શરૂઆત | અંદાજે ૧૧મી સદી |
વિકીયા વાવ બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી પાસે આવેલી એક ઐતિહાસિક વાવ છે.[૧] આ વાવ જેઠવા રાજપૂત રાજા ખેતોજીએ પોતાના પિતા વિક્રમાદિત્યના માનમાં અંદાજે ૧૧મી સદીમાં બાંધી હોવાનું મનાય છે. આ વાવનું નામ પાછળથી અપભ્રંશ થતા વિકીયા વાવ બન્યું. આ વાવ અત્યારે રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[૨]
ઈતિહાસ
[ફેરફાર કરો]આ વાવનું બાંધકામ જેઠવા રાજપૂત રાજા ખેતોજી, જેઓ જેઠવા વંશના ૧૧૯મા વંશજ હતા, દ્વારા પોતાના પિતા વિક્રમાદિત્યના માનમાં અંદાજે ૧૧મી સદીમાં કરાવ્યું હતું. ઘુમલી જેઠવા વંશની રાજધાની હતી. વિક્રમાદિત્ય ગુજરાતના સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજવી રા' નવઘણના સમકાલિન હોવાનો અંદાજ છે.[૧]
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ વાવ ૧ પ્રવેશ અને ૩ કૂટ સાથેની નંદા પ્રકારની વાવ છે. વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં પથરાયેલી છે; જેમાં પૂર્વ તરફ પ્રવેશ છે અને પશ્ચિમ તરફ કૂવો છે.[૧] પ્રવેશથી લઈને કૂવાની દિવાલ સુધી આ વાવની લંબાઈ ૬૫.૭ મીટર છે. પ્રવેશવા માટેની પગથિયાવાળી પરસાળ ૪.૫૦ મીટર પહોળી અને ૬૦ મીટર લાંબી છે.[૧] વિકીયા વાવના બાંધકામની શૈલી ઘણી રીતે નવલખા મંદિર, ઘુમલીને મળતી આવે છે.[૧]
માળખાકીય વિશેષતા
[ફેરફાર કરો]કૂટ
[ફેરફાર કરો]વાવમાં કુલ ત્રણ કૂટ છે: પ્રથમ કૂટ બે માળનો છે, મધ્યનો કૂટ ચાર માળનો, છેલ્લો કૂટ જમીનની અંદર પાંચ માળ સુધી ઊંડો છે. દરેક કૂટના મધ્ય ભાગમાં ચાર સ્તંભો અને છેડે ચાર ભીંતસ્તંભો છે. દરેક માળે સીડીઓ એકબીજાની સામે ગોઠવાયેલી છે.[૧]
સ્તંભ અને શિલ્પો
[ફેરફાર કરો]પ્રવેશદ્વારના કૂટ પરના સ્તંભો મિશ્રિત પ્રકારના છે અને તેના વર્તુળાકાર ભાગ પર પશુમુખની હારમાળા કોતરાયેલી છે. બ્રેકેટ્સ પર વિવિધ પ્રકારની આકૃતિઓ કોતરેલી છે: ફૂલ ચાટતો હરણ, બચ્ચાને ધવડાવતું શ્વાન, વળેલી સૂંઢવાળું હાથીનું માથું, ઘૂંટણિયે પડેલો ગેંડો, પ્રેમમાં મગ્ન બે હંસ, શણગારેલા પેટવાળો રીંછ, દર્શકો તરફ નગ્ન નિતંબ બતાવતો વાંદરો, કાન ફફડાવતા માણસનું માથું, ફૂલ ખાતો હાથી.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૪૯-૧૫૧. ISBN 978-0-391-02284-3.
- ↑ "પુરાતત્વ ખાતાના રાજ્ય રક્ષિત સ્મારકોની યાદી" [List of State Protected Monuments of Archaeology Department] (PDF). Sports, Youth and Cultural Activities Department, Government of Gujarat.