શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર
—  ગામ  —

શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધારનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°12′29″N 70°22′39″E / 22.207988°N 70.37746°E / 22.207988; 70.37746
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો કાલાવડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ
શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર

શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધારભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જામનગર જિલ્લાનાં કાલાવડ શહેરથી ૨૦ કિલૉમીટર દક્ષિણે આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ તાલુકાનું મુખ્ય યાત્રાધામ છે. આ યાત્રાધામ સુધી પહોચવા માટે કાલાવડ થી જૂનાગઢ હાઇવે ઉપર ૧૫ કિલોમીટરે દાણીધારનું બસસ્ટૅન્ડ આવેલું છે, જ્યાંથી પુર્વદિશાએ ૫ કિલોમીટરે શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર આવેલી છે.

દેવસ્થાન[ફેરફાર કરો]

શ્રી નાથજીદાદાનું સમાધિસ્થાન[ફેરફાર કરો]

દાણીધારની જગ્યામાં શ્રી નાથજીદાદાનું સમાધીસ્થાન એ મુખ્ય દેવસ્થાન છે, કારણકે આ જગ્યામાં જ્યારે શ્રી નાથજીદાદાએ સેવા પ્રવ્રૂતિ ચાલુ કરી ત્યારે કોઇ પણ મંદિર હતુ નહી. જ્યારે શ્રી નાથજીદાદાએ તથા બીજા દશ આત્માએ જીવતા સમાધી લીધી ત્યાર પછી તેની ઉપર એક નાની દેરી અને તેની સાથે મોટો ઓટો બનાવ્યો હતો. જે દેરી છે તેમાં નીચે શ્રી નાથજીદાદા અને ચારણ દંપતીની સમાધી છે અને ત્યાં તેમની ચરણ પાદુકા પધરાવવામાં આવી છે. તેમજ અન્ય નવ સમાધી દેરીની સામેની બાજુએ તેજ ઓટા ઉપર ચરણ પાદુકા પધરાવવામાં આવેલી છે.જે સંવત ૧૬૭૯ જેઠ વદ ચોથનાં રોજ બનાવવામાં આવેલી છે. સમય જતા આ સમાધી સ્થાન ઉપર તે જ જગ્યાએ નવી દેરી તથા ઓટો બનાવ્યો છે.

અત્યારે હાલ આ સ્થાને દાદાની રજા લઇને શ્રી ઉપવાસીબાપુએ પોતાના શિષ્યો દ્વારા જીર્ણૉધાર કરાવ્યો છે. આ નુતનમંદીર જે સમયે જગ્યામાં શ્રી સવંત્સર મહાવિષ્ણુયાગ યજ્ઞ (૩૬૫ દિવસ) ચાલુ થયો ત્યાંરથી પુરો થયો ત્યાં સુધીમાં બનેલ છે, એટલે કે પુરા એક વર્ષ નાં સમય ગાળામાં બનેલ છે. જેથી તે મંદીરનો એક એક આરસ પથ્થર યજ્ઞમા શ્ર્લોકનાં મંત્રોચારની સાથે મુકવામાં આવેલ છે. અત્યારે આ જગ્યામાં શ્રી નાથજીદાદાનું નુતન સમાધી મંદીર શોભી રહયું છે. આ મંદીર આરસ પથ્થરનું છે, જેની ઉપર બાવન ગજની ધજા ફરકે છે. તેમજ આ મંદીરમાં શ્રી નાથજીદાદાની મુર્તિ પધરાવવામા આવેલી છે. જેની પ્રાણપ્રતિષ્ઠા તા. ૩૧/૦૩/૨૦૦૭ નાં દિવસે કરવામાં આવેલી છે. તેમજ બીજા બધા મંદીરો ઉપર નાની ધજા ચડે છે પરંતુ સમાધી સ્થાન ઉપર બાવન ગજની ધજા ચડે છે. તેનો અધિકાર ફકત ગુર્જર રાજપુતમાં ચૌહાણ કુટુમ્બને જ છે. તેમજ આ સ્થાન જગ્યામાં બરોબર વચ્ચે આવેલું છે. તેમજ આ સમાધી રોહિણીના ઝાડની નીચે આવેલી છે, કારણકે શ્રી નાથજીદાદા આ ઝાડની નીચે બેસીને તપ તથા ભકતો સાથે સત્સંગ કરતા હતા. તે રોહિણીનું ઝાડ આશરે ૫૦૦ વર્ષ પહેલાનું છે.

શ્રી ગંગારામબાપુનો ધુણો[ફેરફાર કરો]

દાણીધારની જગ્યામાં શ્રી ગંગારામબાપુનો ધુણો આવેલો છે. આ સ્થળ જગ્યાની પુર્વ દિશાએ આવેલું છે. જ્યાંરે ગંગારામબાપુ નાથજીદાદા સાથે જગ્યામાં હતા ત્યાંરે તે આ ધુણા ઉપર ભુત સ્વરૂપે બેસતા હતા અને ચલમ પીતા હતા. તેમજ અગ્નિની સાક્ષીએ પોતાના ગુરૂમારાજનુ ધ્યાન ધરતા હતાં. જ્યારે ગંગારામબાપુએ શ્રી નાથજીદાદાની સાથે સવંત ૧૬૭૯ જેઠ વદ ચોથના દિવસે સમાધી લીધી ત્યારે આ ધુણો ખુલ્લી જગ્યામાં તળાવની સામેની બાજુએ હતો.

જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ સ્થળે પ્રગતિ થતી ગઇ. અને થોળા વર્ષ પહેલા જ ધુણા ઉપર મંદીર બનાવવામાં આવ્યુ છે. આ ધુણામાં તે સમયથી ચિપીયો પણ હાલમાં મોજુદ છે. તેમજ આ ધુણે બેસીને શ્રી ઉપવાસીબાપુએ ઘણું તપ કરેલ છે. તેમજ સાંજના સમયે આ ધુણે જવાની મનાઇ છે કારણકે ત્યાં ગંગારામબાપુની ભુત સ્વરૂપે ત્યા હાજરી હોય છે. તેમજ ત્યાં સ્ત્રીઓને જવાની મનાઇ છે. જગ્યાને ફરતે દિવાલ બનાવેલ હોવાથી અત્યારે આ ધુણો જગ્યાની અંદર આવી ગયેલ છે.

શ્રી મોતીરામ ( સ્વાન ) - ટૉડા[ફેરફાર કરો]

ઇતિહાસ સાક્ષી પુરે છે કે આપણા ભારત વર્ષમાં ફફ્ત મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે. આમ જોઈએ તો આપણા દેવી-દેવતાઓ એ પોતાના વાહન તરીકે અલગ અલગ પશુ પક્ષીને પસંદ કર્યા છે. આ સિવાય પણ કચ્છનાં સંતશ્રી ડાડા મેકરણ એ લાલીયો(ગધેડો) અને મોતીયો(કુતરો) બન્નેને પોતાના સાથી બનાવ્યા હતાં. અને તેની મદદથી કચ્છનાં રણમાં ભુલા પડેલાં તથા તરસ્યા લોકોની સેવા કરી હતી.

તેવી જ રીતનાં સંતશ્રી પ્યારેરામબાપુ જૂનાગઢ શહેરનાં ઉપરકોટનાં કિલ્લાની દક્ષિણે આવેલા પોતાના ધુણે રહેતા હતાં. તે સ્થળ પ્યારેરામબાબા ની ગુફા તરીકે આજે પણ ઓળખાય છે. તે જગ્યાએ રોજે રોજ એક કુતરો આવીને બેસે, થોળા સમય પછી કુતરો ત્યાંજ રહેવા લાગ્યો. ધીરે ધીરે આ સંત અને કુતરાનાં મન એક થવા લાગ્યાં. તેનુ નામ મોતીરામ રાખ્યું હતુ. બન્યું એવુંકે એક દિવસ શ્રી પ્યારેરામબાપુ અને બીજા તેમના અન્ય સેવકો સાથે દ્વારકા ની યાત્રાએ નીકળ્યાં.તે દરમિયાન આ કુતરો પણ સંઘની સાથે જ આવેલ. રસ્તામાં શ્રી પ્યારેરામબાપુ એ નાથાજી કરીને એક બહારવટીયાને કંઠી બાંધી શિષ્ય બનાવેલ અને તેનુ નામ નાથજી રાખ્યું અને તેને પણ પોતાના સંઘની સાથે દ્વારકા લઈ ગયા હતાં.

જ્યારે ત્યાંથી પરત ફરતી વખતે કાલાવડ થી જૂનાગઢ ની વચ્ચે દાણીની ધાર ઉપર જગ્યા બાંધીને નાથજીને ભુખ્યાને ભોજન આપવા, ગાયોની સેવા કરવા, તરસ્યાને પાણી આપવા, રસ્તો ભુલેલાને યોગ્ય માર્ગ ચિંધવા માટે રોકાઈ જવા આદેશ આપ્યો. તે સમયે આ જગ્યાએ તે સમયનાં રજવાડાની હદમાં પ્રવેશ કરવા માટે દાણ(કરવેરા) ઉઘરાવવામાં આવતા હતાં, તેથી તે ધારનુ નામ દાણીધાર પડ્યું હતું. શ્રી નાથજી ને પોતાના ગુરૂનો આદેશ મળતા તેઓ ત્યાં રોકાણા અને તેમની સાથે મોતીરામ કુતરાને પણ ત્યાં રાખતા ગયાં. મોતીરામ ત્યાં શ્રી નાથજીદાદા અને ટોડા ગામ તેમના સેવક જીવુભા વચ્ચે સંદેશાનુ કામ કરતા હતાં. સમય જતા દાણીધારથી મોતીરામનાં ગળે તેલની ટબુળી બાંધી આપે અને તે ટોડા ગામમાં જઈ તેલ લઈ આવતો.

એક દિવસ શ્રી નાથજીદાદાએ પોતે સમાધી લેવાના છે તે માટે સંદેશાની ચિઠ્ઠી લખીને મોતીરામનાં ગળામાં બાંધી ને ટોડા ગામે મોકલ્યો. ત્યાંથી જીવુભાને ગોતી રૂબરૂ ચિઠ્ઠી આપી, પણ સમય ઘણો બરબાદ થયો અને દાણીધારમાં શ્રી નાથજીદાદા અને અન્ય દશ શિષ્યો સાથે જીવતા સમાધી નો સમય થઈ જતાં મોતીરામે ટોડા ગામની બહાર તળાવની પાળે પોતાનાં દેહનો ત્યાગ કરીને શ્રી નાથજીદાદા સાથે પોતાના જીવ ભળી ગયો.

આમ મોતીરામ કુતરો હોવા છતાં પણ એક સંતની સેવા કરવાથી તે પણ સંતની વ્યાખ્યામાં પહોચી ગયો. આજે પણ તેમની સમાધી ટોડા ગામમાં શોભી રહી છે અને ત્યાં શ્રીફળ અને ધજા ચડે છે.

શ્રી રામજી મંદીર, શ્રી શિવ મંદીર, શ્રી ખૉડીયાર માતાજી મંદીર[ફેરફાર કરો]

રામજીમંદીર જયારે શ્રી નાથજીદાદાએ દાણીધારમાં જગ્યા બાંધી તે સમયથી જ છે. રામજીમંદીર દાણીધાર જગ્યામાં શ્રી નાથજીદાદાની સમાધી તથા જમણી બાજુએ જે ધર્મશાળા આવેલી છે તેની વચ્ચે આવેલું છે. આ મંદીર પહેલાતો નાનો ઓરડામાં આવેલું હતુ પરંતુ જયારે જગ્યામાં મહંત તરીકે શ્રી ઉપવાસીબાપુ આવ્યા ત્યાંર પછી તે જ જગ્યાએ નવું મંદીર બનાવવામાં આવેલ છે.

આ નુતનમંદીર બનાવવા માટે બાપુએ વિક્રમ સંવત ૨૦૫૦ ની આસપાસથી જ થોડુ થોડુ કામ ચાલુ કરાવી દીધેલ હતું. ત્યાર બાદ જેમ જેમ વ્યવસ્થા થતી ગઈ તેમ મંદીરનું કામ આગળ થતુ ગયું. આ મંદીર બનવામાં આશરે ચાર પાંચ વર્ષ જેવો સમય પસાર થઇ ગયો હશે. આમ મંદીર વિક્રમ સંવત ૨૦૫૪ એટલે કે ઈ.સ. ૧૯૯૮ માં તૈયાર થઇ ગયું. આમ આ મંદીરની પ્રાણપ્રતિષ્ઠા શ્રી ઉપવાસીબાપુનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ત્યાંરે મંદીરમાં વચ્ચે શ્રી રામપંચાયત, જમણી બાજુએ શ્રી શિવલીંગની સ્થાપના, ડાબી બાજુએ શ્રી ખોડીયારમાતાજી ની મુર્તિની સ્થાપના, ઉતર દિશાએ શ્રી હનુમાનજી અને દક્ષિણ દિશાએ શ્રી ગણપતીજી ની સ્થાપના કરવામાં આવેલ છે. આ મંદીરની પ્રાણપ્રતિષ્ઠા વખતે માણસોને પ્રાસાદ લેવા માટે ખેતરમાં મોટો મંડપનો સમીયાણો ઉભો કરવામાં આવેલ હતો તેમજ દરેક કાઉન્ટ ઉપર પ્રસાદ પહોંચાડવા માટે ટ્રેકટરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તે સમયે એક લાખથી પણ વધારે ભક્તોએ પ્રસાદનો લાભા લીધો હતો.

શ્રી રામજીમંદીરમાં દર વર્ષે રામનવમી, જન્માષ્ટમી તેમજ દરેક તહેવાર ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. તેમજ કારતક સુદ એકમે એટલે કે નવાં વર્ષનાં દિવસે જગ્યાનાં સેવક તરફથી ભગવાનને અન્નકુટનો ભોગ ધરવામાં આવે છે. દુર દુરથી માણસો દર્શને આવે છે.

શ્રી ઉપવાસીબાપુનું સ્મૃતિમંદીર[ફેરફાર કરો]

દાણીધાર જગ્યાનાં જે છેલ્લા મહંતશ્રી ઉપવાસીબાપુ હતાં, તેઓ એ પોતાના દાણીધારની જગ્યાનાં ૨૪ વર્ષનાં સમયગાળા દરમિયાન ઘણા સેવાનાં, ધર્મનાં અને સામાજીક કાર્યો કર્યા હતાં. તેઓની પ્રેરણાથી જગ્યામાં વિશાળ ધર્મશાળાઓ, નુતન મંદીર, નુતન ગૌશાળા તેમજ ઐતિહાસીક ગણીશકાય તે શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ (૩૬૫ દિવસ) નું આયોજન. આવા અનેક ધાર્મિક કાર્યો કરીને લોકોને ધર્મનું સાચુ જ્ઞાન આપીને જ્યારે યજ્ઞ ચાલુ હતો તે દરમિયાન પોતાની જીવનલીલા સંકેલીને બ્રહ્મલીન થયાં. તે દિવસે બાપુએ અગાઉથી જ કહેલું કે હવે મારો સમય કાળ પુરો થવામાં છે જેથી હું મારૂ શરીર રૂપી ખોર્યુ છોળીને જાવ ત્યાંરે મારા દેહને અગ્નિસંસ્કાર કરશો.

બાપુનાં કહેવા મુજબ જ તેઓએ પોતાની જીવનલીલા સંકેલી ત્યાંર બાદ શ્રી નાથજીદાદાની સમાધી અને તેની ડાબીબાજુએ આવેલી નવી ભોજનાલય અને ધર્મશાળાની વચ્ચે જે ખાલી જગ્યા છે, તેમાં તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતાં. આ જગ્યા ઉપર તેમનાં શિષ્યો દ્વારા એક નાનું સ્મ્રૂતિમંદીર બનાવવામાં આવેલુ છે. જે મંદીર બનવામા લગભગ ૨ મહિના જેવો સમય લાગેલ છે. જ્યાં તેમની મુર્તિ પધરાવવાની છે.

શ્રી હનુમાનજી મંદીર[ફેરફાર કરો]

હિન્દુ ધર્મનું કોઇ પણ દેવસ્થાન હોય જ્યાં હનુમાન અને ગણેશ નું સ્થાપન ન હોય તે તો કેવી રીતે બને. આવીજ રીતે દાણીધાર જગ્યામાં પણ ઘણાં સમયથી જ શ્રી નાથજીદાદાની સમાધીથી પાંચ છ ફુટ જમણી બાજુએ લગભગ દશ બાર ફુટ ઉંચુ હનુમાન મંદીર આવેલું છે. આ મંદીરમાં છ ફુટ ઉંચી મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે.

આ મંદીરનો જીર્ણોધાર થોડા સમય પહેલા માછરડા ગામના દરબારે કરાવેલ છે. તેમજ દર વર્ષે હનુમાન જયંતી ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ દિવસે રામભકતો દ્વારા ખાસ પ્રસાદ આપવામાં આવે છે તેમજ આજુબાજુનાં ગામનાં લોકો વિશાળ સંખ્યામાં આ દિવસે દર્શનનો લાભ લઇ પ્રસાદ લે છે. આ હનુમાન મંદીર જગ્યામાં જ આવેલું છે.

શ્રી નાગદેવતા[ફેરફાર કરો]

ભગવાન શિવ જેને પોતાના ગળામાં ધારણ કરીને બેઠા છે તે નાગને આપણાં હિંદુ ધર્મ માં નાગદેવતા તરીકે પુજયે છીએ. આમ પણ નાગદેવતાને વાસંગીદાદા, સરમરીયાદાદા જેવા નામથી ઓળખીયે છીએ. તેથીજ દાણીધાર જગ્યામાં પણ નાગદેવતાની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થળ શ્રી હનુમાન મંદીર તથા રામજીમંદીરની વચ્ચે આવેલું છે, જે પીપળાનાં ઘટાદાર વ્રૂક્ષની નીચે ઓટા રૂપે બનાવવામાં આવેલ છે.

થોડા સમય પહેલાં જ શ્રી ઉપવાસીબાપુને નાગદેવતાએ સ્વપ્નમાં આવીને કહેલ કે મારી સ્થાપના આ જગ્યાએ કરજે. તેની સાથે નીશાની રૂપે એવું પણ કહેલકે જ્યાંરે હું દર્શન આપુ પછી પીપળાનાં ઝાડ નીચે થળમાં સમાઈ જઇશ. જ્યાંરે બીજા દિવસે સ્વપ્ન મુજબ જ ઘણા માણસોની હાજરી માં બન્યું હતું. આમ બાપુએ ત્યાર બાદ તે જગ્યાએ શ્રી નાગદેવતાની સ્થાપના કરેલ છે. ત્યાં હાલમાં અખંડ ઘી નો દિવો ચાલુજ છે.

શ્રી ખૉડીયાર માતાજીનો કોઠૉ[ફેરફાર કરો]

દાણીધાર જગ્યાની પશ્ચિમ દિશાએ આવેલા આ સ્થળે પહેલા તો ફકત કોઠો જ હતો. આ કોઠો દાણીધાર જગ્યાની ગૌશાળાથી લગભગ ૧૦૦ મીટર દુર આવેલું છે. જ્યાં શ્રી ખોડીયાર માતાજી ની સ્થાપનાં તેમજ કાલભૈરવનું પણ સ્થાનક છે. આ જ્ગ્યાએ જે કોઠો છે તેની અંદર ભોંયરૂ પણ છે જે દાણીધાર થી જૂનાગઢ સુધીનું હતું. પણ ખુબજ પૌરાણીક સમયનુ હોવાથી તે અત્યારે બંધ થઈ ગયું છે એટલેકે બુરાઈ ગયું છે.

પહેલાનાં સમયમાં રાજનાં માણસો તેમજ સાધુ સંતો આ ભોયરાનો ઉપયોગ જૂનાગઢ ઝડપથી પહોંચવા માટે કરતા હતાં. કારણકે રોડ રસ્તો વાંકો ચુકો થઇને જાતો હોય છે, તેના કરતા આ રસ્તો ઝડપથી પહોંચી જાય છે. આમ પણ બધી જગ્યાએ આવા ભોયરાઓ જોવા મળે છે. બે વર્ષ પહેલા જ આ કોઠાને ચણીને ત્યાં મંદીર બનાવવામા આવેલું છે.

કાલાવડ થી આવી ત્યારે આ કોઠો પહેલા આવે છે ત્યાર બાદ દાણીધારની જગ્યા ચાલુ થાય છે પણ આ કોઠો દાણીધારની જમીનની હદમાં જ આવે છે. આ કોઠો આજુબાજુનાં વિસ્તારની સૌથી ઉંચી જગ્યાએ આવેલો છે. જ્યાં ભક્તો દ્વારા શ્રીફળની માનતા ચડાવવામાં આવે છે. માટે આ કોઠો ઘણાં સમયની યાદગીરી રૂપે હજુ ઉભો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દાણીધાર જગ્યાનાં સંતો[ફેરફાર કરો]

શ્રી પ્યારેરામબાપુ - જૂનાગઢ[ફેરફાર કરો]

શ્રી નાથજીદાદાનાં ગુરૂ શ્રી પ્યારેરામબાપુ છે. હાલમાં શ્રી પ્યારેરામબાપુનો મઢ જૂનાગઢશહેરમાં ઉપરકોટ કિલ્લાનાં દક્ષિણ ભાગમાં જે ગુફાઓ આવેલી છે, તેની બાજુમાં આવેલ છે. આ જગ્યાએ લક્ષ્મીનારાયણનું મંદીર, શ્રી પ્યારેરામબાપુનું સમાધી સ્થાન, શ્રી ગંગારામબાપુનું સ્થાપન, શ્રી દિગમ્બરીમાતાની સમાધી તેમજ આ જગ્યાનાં અન્ય મહંતોની સમાધીઓ આવેલી છે.

શ્રી પ્યારેરામબાપુનું મુળ નામ પર્વતસિંહ હતું. તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો તેમ કહેવાય છે. તેમના પિતા સૈન્યમાં હોવાથી બાળપણ રાજસ્થાન નાં મારવાડમાં વિત્યુ હતું. તેથી તેને નાનપણથી જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને એ કારણથી જ પર્વતસિંહ તન અને મનથી બળવાન બન્યા હતાં.તેના નાનપણનાં તે સમયે બન્યું એવુંકે પર્વતસિંહને મીના લોકોની સાથે દોસ્તી થઇ હતી જેથી મીના કોમતો પહેલેથીજ લુંટ અને ખુન કરવા માટે પ્રખ્યાત હતી. અને પર્વતસિંહ પણ તેના રવાડે ચડી ગયા.પર્વતસિંહ પોતે શકિતશાળી અને હિમંતવાન તો હતાંજ એટલે થોળા જ સમયમાં તે ડાકુઓનાં સરદાર બની ગયા હતાં. જેથી તેમનું નામ મારવાડ પંથકમાં પ્રખ્યાત થયું હતુ અને તેમના નામથી લોકો ડરતા હતાં. એક દિવસ અભયપુર નામનાં ગામ ઉપર પર્વતસિંહની ગેરહાજરીમાં તેમની ટોળકીએ હુમલો કર્યો અને સામે ગામનાં ઠાકુર લાલસિંહ રાઠૉડ, તેમના પત્નિ અને પુત્રી પણ ધર્મનાં યુધ્ધમાં જોડાઇ ગયાં અને ડાકુઓ પર તુટી પડયાં.આ લડાઇમાં ડાકુઓ તો વધારે સંખ્યામાં હતાં જેથી ડાકુનાં ટોળાએ લાલાસિંહને તેમના પરિવાર સહિત મારી નાખ્યાં અને આ સમાચાર મળતા જ પર્વતસિંહ ત્યાં દોડી આવ્યા અને આવીને જોયું તો લાલસિંહ પરિવાર સહિત ધર્મ અને કર્તવ્ય માટે મરી પડ્યા હતાં.

આ દ્રશ્ય જોઇ પર્વતસિંહને અંતરમાંથી આર્તનાદ થયો કે આમાં તારૂ કર્તવ્ય શું છે ? ત્યાંરથી તેનો આત્મા જાગી ગયો અને આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે સમયે પોતાની ટોળકીને છોળી હથિયાર હેઠા મુકીને ભકિત ભાવ તથા ગરીબોની સેવામાં લાગી ગયાં. અને સમય જતા તેમને ગુરૂનો સાક્ષાત્કાર થયો અને શ્રી રામાનુંજાચાર્ય (શેષ નારાયણ અવતાર) નાં સમ્પ્રદાયની વૈષ્ણવી દિક્ષા લીધી અને ત્યાંરથી પર્વતસિંહ માંથી બન્યાં મહાત્મા શ્રી પ્યારેરામજીબાબા. ત્યાર બાદ ફરતાં ફરતાં તે ગુજરાત રાજ્યનાં ગિરનાર પર્વતે અને તેનાં પ્રથમ પગથિયાની આસપાસ ધુણો ધખાવ્યો. ત્યારે બન્યું એવુંકે પગથિયા પાસે માણસોની ભીડ થતી હોવાથી બાપુને કોઇએ બીજી જગ્યાએ પોતાનો ધુણો ખસેડવા માટે વિનંતી કરી. તેથી શ્રી પ્યારેરામબાપુ પોતાનો ધુણો ત્યાંથી લઇને અત્યારે જે જગ્યાં છે તે જગ્યાએ ફરીથી ધુણો ચેતન કર્યો. અને ત્યાં રામાયણનું વાંચન તથા ધર્મજ્ઞાન આપવા માંડ્યું. તેમજ ગંગારામ જેવા આત્માનો ઉધાર કર્યો. તે ઉપરાંત દિગમ્બરીમાતાનું અભિમાન ઉતાર્યુ.

સમય જતાં તેમને ત્રણ શિષ્યો પણ કર્યા. જે શ્રી નાથજીદાદા, શ્રી ગંગારામબાપુ, શ્રી મોતીરામ(સ્વાન) હતાં.અને ત્યાંરબાદ પોતાના ગુરુની આજ્ઞા મળવાથી શ્રી નાથજીદાદા એ દાણીધારની જગ્યા બાંધી અને સમય જતાં પોતાના ગુરુ શ્રી પ્યારેરામબાપુની આજ્ઞાથી ગંગારામ અને મોતીરામ પણ દાણીધારની જગ્યામાં આવી ગયા હતાં. આથી શ્રી નાથજીદાદાની જગ્યાનું ગુરૂદ્વારા શ્રી પ્યારેરામબાપુની જગ્યા કહેવાય છે. અને શાસ્ત્રો પણમાં પણ કહેવાય છે કે શિષ્ય ગમે તેવો સિધ્ધ હોય તો પણ પોતાના ગુરૂનું સ્થાન ઉંચુ હોય છે. માટે જ આજે પણ દાણીધારની જગ્યામાં કાંઇ પણ ઉત્સવ હોય તો પહેલું આમંત્રણ શ્રી નાથજીદાદાની ગુરુગાદીએ અપાય છે.

ગાદીની ગુરુ પરંપરા[ફેરફાર કરો]

શ્રી રામાનુંજાચાર્ય, શ્રી રાઘવાનંદજી, શ્રી રામાનંદજી, શ્રી અનંતાનંદજી, શ્રી યોગાનંદજી, શ્રી નેનુરામજી, શ્રી પ્યારેરામજી, શ્રી નાથજીદાદા (દાણીધાર).

શ્રી ઉપવાસીબાપુ (શ્રી ચત્રભુજદાસજી)[ફેરફાર કરો]

શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધારમાં જે સંતૉ થયાં છે, તેમાનાં એક સંત એટલે શ્રી ઉપવાસીબાપુ (શ્રી ચત્રભુજદાસજી)

શ્રી ઉપવાસીબાપુનૉ બાલ્યકાળ[ફેરફાર કરો]

શ્રી ઉપવાસીબાપુનૉ જન્મ આશરે સંવત ૧૯૩૭ ની આસપાસ માનવામાં આવે છે. તે સાત આઠ વર્ષની ઉમંરે જ રાજસ્થાનમાંથી તેના ઘરેથી તપ માટે ચાલી નીકળેલા અને જૂનાગઢ આવ્યાં હતાં. આમ પણ નાનાપણથી જ તેમને ભગવાનમાં અખુટ શ્રધ્ધા હતી એટલે તેમના દર્શન કરવા માટે અને ગુરૂની શોધમાં નીકળી ગયા હતાં. જ્યારે તે જૂનાગઢ આવ્યાં ત્યારે તેમને જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જતા રસ્તામાં રામટેકરી ની જગ્યા આવે છે તે સ્થળે જ રોકાયા.

આ રામટેકરી ની જગ્યાનાં મહંત શ્રી૧૦૦૮ શ્રી રામલખનદાસજી ગુરુશ્રી૧૦૦૮ શ્રી ગોવિંદદાસજી હતાં. તે સમયે શ્રી રામલખનદાસબાપુ સમજી ગયા હતા કે આ છોકરો કોઇ સામાન્ય નથી, જેથી સમય અનુસાર તેને ભણવા માટે વ્યવસ્થા કરી આપી હતી. અને તે ઉપરાંત બીજા વિધાર્થીને ભણવામાં સરળતા પડે તે માટે રામટેકરીએ જ રહેવા તથા જમવા માટે ૨૫૦ વિધાર્થી રહી શકે તેવી છાત્રાલય બનાવવામાં આવી હતી. આમ શ્રી ઉપવાસીબાપુ નાનપણથી જ જૂનાગઢ આવી ગયા હતાં. તેમજ તેમનું પુર્વાશ્રમનું નામ જાણી શકાયુ નથી. આ રીતે તે રામટેકરી એ રહેતા હતાં.

શ્રી ઉપવાસીબાપુની કિશૉરાવસ્થા[ફેરફાર કરો]

શ્રી ઉપવાસીબાપુ પહેલેથી જ ભણવામાં ખુબજ હોશિયાર હતાં અને ભકિતમાં તો પહેલેથી જ રસ હતો. તેમજ ભણવાનાં સમય સિવાય તે રોજ સવારે વહેલા ઉઠીને નાહીને પુજાપાઠ કરવા, તેમજ જગ્યાની સાફ સફાઇ કરવી, ગિરનાર ની યાત્રાએ આવેલા યાત્રાળુની સેવા કરવી, તેમજ છાત્રાલયમાં રહેતા અન્ય વિધાર્થીને જમવાની વ્યવસ્થા કરવી આવી બધી જવાબદારીઓ તેઓ નિભાવતા હતાં. આ બધુ જોઇ રામલખનદાસજી ખુશ થતા હતાં. જે વ્યકિત નમે તે સવને ગમે. ધીરે ધીરે તે પોતાના ગુરૂને ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા છે તે વાતો કરવા લાગ્યા હતાં. આમ જગ્યાનુ કામ અને ભકિતમાં દ્રઢ બનતા જતા હતાં.

દાણીધાર જગ્યાનાં મહંતો[ફેરફાર કરો]

શ્રી નાથજીદાદા ગુરૂશ્રી પ્યારેરામબાપુ (જૂનાગઢ)[ફેરફાર કરો]

દાણીધારની જ્ગ્યામાં આજુબાજુનાં ગામમાં કાવળ ફેરવીને રૉટલા(ટુકડૉ) ઉઘરાવીને જ્ગ્યામાં ભુખ્યાને ભૉજન કરાવીને સદાવ્રત એટલેકે અન્નક્ષેત્ર ચાલુ કરનાર સંતશ્રી નાથજીદાદાએ દાણીધારની ગાદી સ્થાપી હતી. જેથી તે જગ્યાનાં પ્રથમ મહંત ગણાય છે. તેમજ દાણીધાર જ્ગ્યા વૈષ્ણવ સંમ્પ્રદાય માં આવે છે, કારણકે શ્રી નાથજીદાદાના ગુરૂ શ્રી પ્યારેરામબાપુ એ રામાનુજાચાર્યનાં વારસાગત શિષ્ય ગણાય છે, જે ગલતાગાદી થી જૂનાગઢ આવેલા. આમ આ જગ્યામાં ઠાકરની પુજા થાય છે.

 • શ્રી કરણદાસજી
 • શ્રી લધીરામ
 • શ્રી હરીરામજી
 • શ્રી સેવાદાસજી
 • શ્રી બાળકદાસજી ગુરૂશ્રી સેવાદાસજી
 • શ્રી ખૉડીદાસજી
 • શ્રી જદુરામજી
 • શ્રી ટીડારામજી
 • શ્રી નરભેરામજી
 • શ્રી રામદાસજી ગુરૂશ્રી નરભેરામજી
 • શ્રી જીવણદાસજી

શ્રી ઉપવાસીબાપુ (શ્રી ચત્રભુજદાસજી) ગુરૂશ્રી રામલખનદાસજી (રામટેકરી-જૂનાગઢ)[ફેરફાર કરો]

શ્રી ઉપવાસીબાપુ (શ્રી ચત્રભુજદાસજી) આ ગાદી ઉપર ઇ.સ.૧૯૮૨ ની આવ્યા. તેમનાં સમય કાળ દરમિયાન આ જગ્યામાં તેમણે ઘણુ બધુ તપ કર્યુ જેથી આ ભુમીને શ્રી ઉપવાસીબાપુની તપૉભુમી પણ કહેવાય છે. શ્રી ઉપવાસીબાપુ જ્યારે જગ્યામાં આવ્યા ત્યારે રૉકાવવા માટે ખાસ કૉઇ વ્યવસ્થા ન હતી, પરંતુ તેમના તપૉબળથી તેમનૉ શિષ્યગણ પણ ઘણૉ હતૉ, જેમને નિમિત બનાવીને જગ્યામાં વિકસની વણજાર ખડી કરી હતી. તેમજ તેનાં સમયનું એક યાદગાર અને સફળ આયૉજન એટલે સંવત્સર મહાવિષ્ણુયાગ યજ્ઞ(૩૬૫ દિવસ). આ યજ્ઞ વિશે તેમજ તેમનાં આયૉજન વિશે દાણીધાર જગ્યામાં સવંત્સર મહાવિષ્ણુયાગ યજ્ઞ (૩૬૫ દિવસ) નાં લેખમાં વધારે વિગતથી વાંચી શકશો.

દાણીધાર જગ્યામાં ઉજવાતા પ્રસંગો[ફેરફાર કરો]

શ્રી નાથજીદાદાની સંવત્સરી[ફેરફાર કરો]

શ્રી નાથજીદાદાની સવંત્સરીનો ઉત્સવ અહીં ખુબજ ધામધુમથી ઉજવાય છે. વિક્રમ સંવત ૧૬૭૯ જેઠ વદ ચોથ નાં દિવસે શ્રી નાથજીદાદાએ તેમજ તેની સાથે બીજા ૧૧ જીવાત્માએ જીવતા સમાધી લીધેલ, તે ઉપરાંત દાદાનાં સેવક મોતીરામ નામના સ્વાને પણ ટોડા ગામમાં સમાધી લીધેલ. તે દિવસથી દાણીધાર જગ્યામાં સવંત્સરીનો ઉત્સવ ખુબજ ધામધુમથી ઉજવાય છે. આ દિવસે સવારે શ્રી નાથજીદાદાનાં સમાધી મંદીરને અવનવા ફુલોથી શણગારવામાં આવે છે. વહેલી સવારે આ સમાધીએ શ્રીફળ નું તોરણ બંધાય છે. ત્યારબાદ બધી સમાધીએ તેમનાં ચરણપાદુકાનું પુજન કરવામાં આવે છે. પુજન વિધી પુર્ણ થયા બાદ ચૌહાણ કુંટુંમ્બ દ્વારા શ્રી નાથજીદાદાની બાવનગજ ની ધજા ચડાવવામાં આવે છે. તેમજ સમાધીએ થાળ ધરવામાં આવે છે. તેમજ ગંગારામબાપુનાં ધુણે પણ તે મુજબ જ પુજા વિધી થાય છે. તે દરમિયાન બહેનો દ્વારા ગીત તેમજ કિર્તનો ગાવામાં આવે છે અને નાથજીદાદાની જય નાં અવાજોથી આખી જગ્યા ગુંજી ઉઠે છે. તે સમય દરમિયાન ટોડા ગામે આવેલી મોતીરામ સ્વાનની સમાધીએ પણ પુજા કરવામાં આવે છે તેમજ ત્યા પણ ગુંદી ગાંઠીયાનો પ્રસાદ ધરવામાં આવે છે અને શ્રીફળનું તોરણ બાંધવામાં આવે છે.

એક બે દિવસ પહેલા જ અલગ અલગ જગ્યાનાં સાધુ સંતો આવી પહોંચે છે જેનાં માટે અહીં અલગથી જ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ સવારથી જ સંતની આ જગ્યામાં દુરદુરથી જગ્યાનાં સેવકો દર્શનાર્થે આવવા લાગે છે. આ દિવસે સવારે ૯ વાગ્યાથી જ આજુબાજુનાં ગામની રાસમંડળીઓ આવી પહોંચે છે. આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી કલાથી બધાને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં નાની મોટી ચકરડીઓ, દુકનો અને અલગ અલગ વસ્તુ વેચવાવાળાઓ આવી પહોંચે છે અને વેપાર કરે છે. અહીં આજુબાજુનાં ગામડાઓ માંથી સ્ત્રી, પુરૂષો તેમજ બાળકો સહપરિવાર દર્શનાર્થે આવે છે. આખો દિવસ આવી ઉજવણી ચાલે છે. સાંજનો પ્રસાદ લીધાબાદ રાત્રે ૯ વાગ્યે સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભજનો નો કાર્યક્રમ ગોઠવાય છે. જે સવાર સુધી ચાલે છે. આ સંતવાણીનાં કાર્યક્રમમાં બહારથી આવેલા સાધુસંતો અને અન્ય પધારેલા ભક્તો ભક્તિની લહેરમાં લીન થઈ જાય છે. આમ સવારે સૌ કોઈ પોતપોતાની રીતે આ જગ્યામાંથી વિદાય લે છે. આ તમામ વ્યવસ્થા જગ્યાનાં ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે.

શ્રી નાથજીદાદાના શ્રાધ્ધનો ઉત્સવ[ફેરફાર કરો]

શ્રી નાથજીદાદાના શ્રાધ્ધનો ઉત્સવ ભાદરવા વદ ૪ (ચોથ)ના દિવસે ખુબજ ધામધુમથી ઉજવાય છે. આ દિવસે ખુબજ મોટો મેળો ભરાય છે.

શ્રી ઉપવાસી બાપુની પુણ્યતિથી[ફેરફાર કરો]

આ જગ્યામાં શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ (૩૬૫ દિવસ) શરૂ હતો તે દરમિયાન જગ્યાનાં મહંતશ્રી ચત્રભુજદાસજીબાપુ(ઉપવાસીબાપુ)નું ટુંકી માંદગી બાદ વિક્રમ સંવત ૨૦૬૨ ચૈત્ર સુદ ૧૧ ને રવિવાર તા.૦૯.૦૪.૨૦૦૬ નાં દિવસે તેમનુ અવસાન (બ્રહ્મલીન) થયેલ. ત્યારનાં પછીનાં વર્ષથી જગ્યામાં સેવકો દ્વારા તેમની પુણ્યતિથી ઉજવવામાં આવે છે. આ દિવસની આગલે દિવસે જગ્યામાં તેમના સેવકો તથા ભારતનાં અલગ અલગ જગ્યાએથી સાધુસંતો નું આગમન શરૂ થઈ જાય છે. સાધુઓને રહેવા તથા પ્રસાદની વ્યવસ્થા અલગ વિભાગમાં જ કરવામાં આવે છે.

આ દિવસે સવારે નિયત સમયમુજબ તેમની ચરણપાદુકાનું પુજન કરવામાં આવે છે. તેમનાં સ્મૃતિમંદીરને ફુલોથી શણગારવામાં આવે છે. બપોર સુધીમાં તો આજુબાજુનાં ગામનાં સેવકો તથા જૂનાગઢથી સાધુસમાજ પણ આવી પહોંચે છે. ત્યારબાદ ૧૨ વાગ્યે પ્રસાદ માટે હરિહરની હાકલ પડે છે. બધાજ દર્શનાર્થીને અહીં ભોજનશાળામાં નીચે બેસાડીને પીરસીને પ્રસાદ આપવામાં આવે છે. તે ઉપરાંત જગ્યામાં કાયમી અન્નક્ષેત્ર ચાલતુ હોવાથી સાંજે પણ આરતી થયા બાદ તુરંત પ્રસાદ લઈને રાત્રે ૯.૦૦ વાગ્યે સંતવાણી ભજન તથા ધુન શરૂ થાય છે. જે મોડી રાત્રિ સુધી ચાલે છે. આમ શ્રી નાથજીદાદાની જગ્યામાં જગ્યાનાં ૧૩ માં મહંતની પુણ્યતિથી આ દિવસે ઉજવવામાં આવે છે.

દાણીધાર જગ્યામાં શ્રી નાથજી ગૌશાળા[ફેરફાર કરો]

આપણા શાસ્ત્રોમાં પણ ગાય ને મા નું સંબોધન આપવામાં આવ્યુ છે. તેમજ ગાય વૈજ્ઞાનીક દ્રષ્ટીએ પણ ઘણીજ ઉપયોગી પશુ માનવામાં આવે છે. તેમજ તેનું દુધ પીવા માટે, ગૌવમુત્ર પીવાથી પેટમાં થતાં ઘણા રોગથી બચી શકાય છે, ગાયનાં છાણને શરીરે ચોપડીને સ્નાન કરવાથી ચામડીનાં ઘણાખરા રોગ થતા નથી. આમ પણ આપણા રૂષિમુનીઓ તથા સંતો પોતાનાં આશ્રમ અને જગ્યામાં પહેલેથી જ ગાય રાખતા અને અત્યારે પણ રાખે છે. આવી જ રીતે દાણીધાર જગ્યામાં શ્રી નાથજીદાદા એ ગાયો માટે ગૌશાળા બનાવેલ હતી. અને તેની સેવા કરતા હતા.

આશરે સંવત ૧૬૫૦ ની આસપાસ નો સમશ હશે, એક દિવસ સવારે જગ્યાની સામે તળાવને કાંઠે એક ત્રણ પગવાળી ગાય આવે છે જેને દાદાએ જ્ગ્યાની ગૌશાળામાં રાખી હતી અને આજે પણ આ ગાયનો વસ્તાર દાણીધાર ગૌશાળામાં છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ગૌશાળામાં ગાયોની સંખ્યામાં વધારો થતો ગયો છે. આજે લગભગ ૧૫૦ થી વધારે ગયોનો નિભાવ થાય છે.

ગાયોને રહેવા માટે વિશાળ છતવાળા હોલ તેમજ છાપરા બનાવવામાં આવ્યા છે. તેમજ તેમના નિરણ (ઘાસ) ને રાખવા માટે દરવાજા બંધ હોલ બનાવવામાં આવ્યાં છે. આ ઘાસ દુષ્કાળ પડે તો પણ ચાર વર્ષ ચાલે તેટલું વધારે રાખવામાં આવે છે. ગાયોને ચરવા માટે જગ્યાની જમીન પણ આવેલી છે. ગાયોને રહેવા તથા પુરતું ઘાસ મળી રહે તે માટે તમામ વ્યવસ્થા જ્ગ્યાનાં મહંત શ્રી ૧૦૦૮ શ્રી ઉપવાસીબાપુ ના આવ્યા પછી તેમનાં માર્ગદર્શનથી કરવામાં આવી છે. તેત્રીસ કરોડ નહિ, તેત્રીસ કોટી એટલે પ્રકારના, દેવો નો વાસ છે...માટે તેની સેવા કરવાથી કોઇપણ માણસ મોક્ષગતી ને પામે છે. અત્યારે ગૌશાળાનો તમામ વહીવટ શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ દાણીધાર સંભાળે છે.

દાણીધાર જગ્યામાં શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ (૩૬૫ દિવસ)[ફેરફાર કરો]

ભારત દેશ એ તો સંતોની ભુમી છે. આ ભારત દેશમાં ભગવાને પોતે પણ જન્મ ધારણ કરેલ છે. આ ભુમીમાં શ્રી રામ, શ્રી કૃષ્ણ જેવા વિષ્ણુ અવતાર થયા છે. તેમાય ગુજરાત રાજયની સૌરાષ્ટ્ર ની સંતો અને મહંતો, સતિ અને શુરાઓની પાવનકારી અને પવિત્ર ભુમી કે જયાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું પરાક્રમ બતાવીને રાજ કર્યુ. આવીજ ભુમીકે જયાં અગસ્ત્ય ઋષિ નો આશ્રમ હોય અને શ્રી નાથજીદાદાએ તપ કર્યુ હોય તેમજ શ્રી ઉપવાસીબાપુની તપોભુમી તરીકે વિખ્યાત જગ્યા છે, તે જગ્યાએ શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ (૩૬૫ દિવસ) થયેલ.

જેમ મનુસ્મ્રુતિ ૩/૭૬ માં કહયું છે કે, અગ્નિમાં વિધી પુર્વક આપેલી આહુતી વિષ્ણુમાં સ્થિર થાય છે. વિષ્ણુથી ભરણપોષણ થાય છે. વૈભવ-અંત સમયે મોક્ષ થાય છે. જેથી આ યજ્ઞ સૌએ કરવો જોઈએ. આવી રીતે પોતાના ગુરૂશ્રી ૧૦૦૮ શ્રી રામલખનદાસજી(રામટેકરી-જૂનાગઢ) પાસેથી પ્રેરણા લઇને શ્રી ૧૦૦૮ શ્રી ઉપવાસીબાપુ(શ્રી ચત્રભુજદાસજી) એ આ યજ્ઞનું આયોજન તેમજ સંચાલન કરેલ. આ યજ્ઞ પ્રારંભ વિક્રમ સંવત ૨૦૬૨ મહા સુદ પંચમી તા.૨/૨/૨૦૦૬ ગુરૂવારનાં શુભ દિવસે ગુજરાત તથા ભારત દેશના ઘણા બધા સંતો અને મહંતો ની હાજરીમાં થયો હતો. આ યજ્ઞમાં અઢાર બ્રાહ્મણો તથા યજમાન દંપતિ દ્વારા પુજન અર્ચન અને હોમ હવન થતો. દરરોજ ત્રણ પ્રહરો (સવાર, બપોર અને સાંજ હોમાત્સક વિધી) થઇ હતી. આવી રીતે એક વર્ષ દરમિયાન અઢાર કરોડ પ્રણવ જપ મંત્ર થયેલ હતાં. તેમજ વૈદિક રૂચાઓથી હોમ હવન થતો તેમાં ખાખરો, લીલા વ્રક્ષ કાષ્ટ સાથે ઘી, તેલ, અને જવ યુકત આહુતીઓ દરરોજ અપાતી હતી.

આ યજ્ઞ દરમિયાન શ્રી નાથજીદાદાનું નુતન મંદીર બાંધવામા આવ્યું હતું. તેમજ આ યજ્ઞ પુરો એક વર્ષ (૩૬૫ દિવસ) ચાલેલ તે દરમિયાન જગ્યામાં રહેવા માટે ધર્મશાળા, ચા-પાણી તેમજ ત્રણ ટાઇમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમજ વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારો ખુબજ ધામધુમથી ઉજવાયા હતાં. શ્રી નાથજીદાદાની જગ્યાનો સેવક ગણ ખુબજ મોટો હોવાથી દરરોજ માણસોની મેદની ઉભરાતી હતી અને આ યજ્ઞનાં દર્શનનો લાભ લેતી હતી. જ્યારે આ યજ્ઞની પુર્ણાહુતી તા.૨/૨/૨૦૦૭ નાં રોજ કરવામાં આવી હતી. આવી રીતે ૩૬૫ દિવસ સતત શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ આપણા ભારત વર્ષનાં ઇતિહાસમાં બહુજ ઓછા થયેલ છે. આ યજ્ઞ જીવ માત્રનાં કલ્યાણાર્થે શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર માં તે સમયનાં મહંતશ્રી સંતશ્રી ઉપવાસીબાપુએ કરેલ હતો.

નજીકમાં અન્ય મંદીરો[ફેરફાર કરો]

નજીકનાં ગામો[ફેરફાર કરો]

 • મુળીલા - આ ગામ દાણીધાર જગ્યાથી ઉત્તરે આવેલુ છે. જયાંથી દાણીધાર આવવા માટૅ કાચો રસ્તો છે.
 • નપાણીયા ખીજડીયા - આ ગામ દાણીધાર જગ્યાથી ઈશાન ખુણે આવેલુ છે. જયાંથી દાણીધાર આવવા માટૅ કાચો રસ્તો છે.
 • ખરેડી - આ ગામ દાણીધાર જગ્યાથી અગ્નિ ખુણે આવેલુ છે. જયાંથી દાણીધાર આવવા માટૅ કાચો રસ્તો છે.
 • બામણગામ - આ ગામ દાણીધાર જગ્યાથી દક્ષિણમાં આવેલુ છે. જયાંથી દાણીધાર આવવા માટૅ કાચો રસ્તો છે.
 • ભાવીભી ખીજડીયા - આ ગામ દાણીધાર જગ્યાથી દક્ષિણમાં આવેલુ છે. જયાંથી દાણીધાર આવવા માટૅ વાયા બામણગામ થઈને કાચો રસ્તો છે. તે ઉપરાંત ટૉડા થઈને ડામર રોડ રસ્તો છે.
 • ટૉડા - આ ગામ દાણીધાર જગ્યાથી વાયવ્યા દિશામાં આવેલુ છે. જે કાલાવડ થી જૂનાગઢ રોડ ઉપર આવેલુ છે. આ ગામ દાણીધાર જગ્યાની સાથે ઘણા સમયથી જોડાયેલ છે,એક કહેવત છે કે, ટૉડા થી તેલ આવેને દાણીધાર દીવૉ થાય.
 • રીનારી - આ ગામ દાણીધાર જગ્યાથી પશ્ચિમ દિશામાં આવેલુ છે. જે કાલાવડ થી જૂનાગઢ રોડ ઉપર આવેલુ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]