સંત રાધેશ્યામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાધેશ્યામ એક ગુજરાતી સંત હતા, જેઓ તેઓ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ અને આદ્ય કવિ અથવા આદિ કવિ તરીકે ઓળખાતા નરસિંહ મહેતાની પ્રેમલક્ષણા ભક્તિની પ્રસાદી પામેલા વિરક્ત કૃષ્ણભક્ત પણ ગણાય છે[૧]. તેમનું સંસારી નામ હવે જાણીતું નથી, પરંતુ તેઓ નિરંતર ‘રાધેશ્યામ’ની ધૂન કરતા હોવાથી તેઓ ‘રાધેશ્યામ’ નામથી ઓળખાવા લાગ્યા હતા. કૃષ્ણભક્તિનાં પદો અને પ્રેમલક્ષણા ભક્તિ માટે તેઓ જાણીતા બન્યા. જાન્યુઆરી 1, 1992ના રોજ તેમનું જૂનાગઢમાં અવસાન થયું[૨].

જીવન[ફેરફાર કરો]

સંત રાધેશ્યામનો જન્મ જામનગરની વડનગરા નાગર જ્ઞાતિમાં શ્રી કલ્યાણરાય દલપતરામ હાથીને ત્યાં વિ. સ. 1954ના ચૈત્ર માસમાં વદ આઠમે ((ઇસ્વી સન 1898, એપ્રિલ માસ, ૧૪મી તારીખ) થયો હતો. તેમનો જન્મ હાલના રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં થયો હતો.

તેમનાં માતુશ્રીનું નામ દિવાળી મા હતું, જેઓ જામનગરના શ્રી ઉમિયાશંકર માંકડનાં પુત્રી હતાં. દિવાળી મા સમજપૂર્ણ જ્ઞાનમય ભક્તિભાવભર્યાં,  અત્યંત નરમ, વત્સલ અને કરુણાળુ સ્વભાવનાં હતાં.

બાળક રાધેશ્યામને માતાની હૂંફમાં જ્ઞાનમયી ભક્તિના સંસ્કારોને વિકસાવવાની તક મળી. રાધેશ્યામને બાળપણથી જ ‘માતા સિવાય બીજા કોઈમાં ચિત્ત જ નહીં, અંતરથી કોઈનો સંગ જ નહીં’, એવો સંસાર પ્રતિ અનાસક્તિનો યોગ સધાયો હતો[૧].

રાધેશ્યામે વર્ષ 1909થી 1916 દરમિયાન જામનગર, રાજકોટ, મુંબઈ શહેરોમાં શાળા અભ્યાસ કર્યો. કોલેજનો અભ્યાસ તેમણે મુંબઈ અને જૂનાગઢમાં પૂરો કર્યો. વર્ષ 1922માં, તેમણે મુંબઈમાં એલ.એલ.બી.નો અભ્યાસ પૂરો કર્યો.

શાળા અને કોલેના અભ્યાસ દરમિયાન થયેલા વિવિધ અનુભવોને કારણે તેમનું મન સંસારમાંથી ઉઠતું ગયું હતું. એલ.એલ.બી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે વકીલાત શરૂ કરી હતી. પરંતુ અહીં પણ ન્યાય-અન્યાય, વર્ષો સુધી વિના કારણ ખેંચાતા કેસ વગેરે જોઈને તેઓ સંસારથી વિરક્ત થતા ગયા.

વર્ષ 1933માં, 20 મેના રોજ ગંભીર બીમારી દરમિયાન તેમણે આંતરસ્ફૂર્ણાથી ઇશ્વરને પૂર્ણ સમર્પણ કર્યું[૧]. તે પછી તેમણે પોતાની વકીલાત સંકેલી લીધી અને ઘર સહિત જે કંઈ હતું તે બધું જ અન્યોને સોંપીને ગુજરાતમાં વિવિધ સ્થળે તિર્થાટન કર્યું.

સત્સંગ અને પદો[ફેરફાર કરો]

1939થી રાધેશ્યામ જૂનાગઢ આવીને વસ્યા. આ પછીનાં વર્ષો દરમિયાન પણ તેમનો પ્રવાસ ચાલુ રહ્યો. તેની સાથોસાથ તેમનો સત્સંગ પણ વિસ્તરતો ગયો.

રાધેશ્યામ પ્રેમભક્તિનાં પદો માટે પણ જાણીતા બન્યા. તેમણે લખેલાં 250થી વધુ પદોનો સંગ્રહ ‘કૃષ્ણ કિર્તનાવલી’ નામે પુસ્તક સ્વરૂપે 1992માં પ્રકાશિત થયો હતો[૨]. તેમનાં નીચેનાં પદો વિશેષ જાણીતાં છેઃ

 1. પીધી રે મેં તો પ્રેમરસભર પ્યાલી...
 2. સખી મેરા સાંવરા રસભીના રસાળ...
 3. તુમ ક્યા જાનો મૈયા શ્યામ કી સુરત કૈસી હૈ...
 4. શ્યામસુંદર ઘનશ્યામ જો, એવા પ્રભુને ક્યારે નીરખીએ રે લોલ...
 5. પ્યારે રાધેરાધે બોલો, અંતર કે પટ ખોલો...
 6. ગુંજત ગુંજત મધુરા મોર...

પુસ્તકો[ફેરફાર કરો]

રાધેશ્યામે 1979માં નરસિંહ મહેતાનાં ભજનોનો અંગ્રેજી અનુવાદ (Selected Poems of Mehta Narsinh) પ્રકાશિત કર્યો[૧].

આ ઉપરાંત રાધેશ્યામે નીચેનાં પુસ્તકો લખ્યાંઃ

 1. ગીતાબોધ (અનુવાદ)
 2. ગીતા (સમશ્લોકી અનુવાદ)
 3. ભાગવત એકાદશ સ્કંધ (અનુવાદ)
 4. ભાગવત એકાદશ સ્કંધ (સમશ્લોકી અનુવાદ)
 5. કૃષ્ણ કિર્તનાવલી ભાગ-1
 6. કૃષ્ણ કિર્તનાવલી ભાગ-2
 7. પરમ ભાગવત મ્હેતા નરસિંહનું સાચું દર્શન
 8. શિવશક્તિસ્તવન ને સાદો પૂજનવિધિ
 9. શ્રી સત્યનારાયણ વ્રત ને પૂજનવિધિ
 10. જનોઈવ્રત પાલન
 11. શ્રી કૃષ્ણચરિત્ર ને ભાગવત-સત્યદર્શન
 12. રાધેશ્યામ આસનનો યોગને સત્સંગ
 13. રાધેશ્યામ ધર્મબોધ યાને સંતવાણી
 14. રાધેશ્યામ ભજન, ધૂન ને નિત્યક્રમ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ‘એક સમર્પિત સંતનું આત્મવૃતાંત’, રાધેશ્યામ આસન વતી, રાધેશ્યામ સસ્તંગ મંડળ, દાતાર રોડ, જૂનાગઢ દ્વારા પ્રકાશિત પુસ્તક
 2. ૨.૦ ૨.૧ ‘કૃષ્ણ કિર્તનાવલી’ પુસ્તક, રાધેશ્યામ સત્સંગ મંડળ દ્વારા 1992માં પ્રકાશિત