સભ્ય:Darbar Ranjitsinh, der

વિકિપીડિયામાંથી
  1. દાન_ની_હોડ
    પિયુ મિલન માટે તડપડતી નારી પિયુ પંથ ઉપર ડોક ઢાળીને નીરખ્યા કરતી હોય, ને પછી શ્રમથી ઢળી પડેલા ગળા ઉપર જેવી લાલાશ પ્રગટે; એવી રક્તરંગી કોર આભલા ને માથે ખેંચાઇ ગઈ છે. શ્રમિત નિરાશ ચેહરા ઉપરથી ટપકતા પ્રસ્વેદ બુંદ જેવા ગુલાબી લાલ કિરણો ગગન માથેથી ટપકી ર'યાં'તાં. ઉષારાણી ની છાબડી સુના મારગ માથે વેરાઈ ગઇ ને પીળા-લાલ રંગનાં છાંટણાં ધરતી માથે છંટાવા માંડ્યાં; એવે ટાણે થરાના દરબારગઢમાં વાઘેલા પરથીરાજજી દાઢી માથે હાથ ફેરવતા-ફેરવતા સરજી મીરની વાણી સાંભળી ર'યા છે.
       થરાનો દરબારગઢ એટલે ગઢવી, બારોટ ને મીર જેવી કવિ કોમ માટે માથાનું ઓશીકું મૂકીને બેસવાનો આશરો ! વાઘેલાના દરબારમાં જાચવા માટે દૂર દૂરથી સરસ્વતીના પુત્રો આવે. મહારાજા પરથીરાજજી ગાંડાતૂર બનેલા મેઘરાજાની જેમ વરસી પડે. દાનની ગંગા વહે. માંગનારા માગે તે આપી દે..... પરથીરાજજીએ કેટલાક કવિઓને થરામાં વસાવેલા. તેમાંનો એક કવિ એટલે સરજી મીર.....!
   આજ સરજી મીરના મીઠા ગળામાંથી સાકરના ગાંગડા જેવાં વેણ કચેરીમાં પથરાઈ ર'યાં. સરજી મીરે વાઘેલા વંશના મહાપરાક્રમી રાજવીઓની પેઢીઓની ચોપડો ખોલ્યો.
    માલાજી વાઘેલાના રાજકુમાર કુંપોજી. કુંપાજીના કુંવર દુદાજી ને દુદાજીના કુંવર દેવાજીએ થરા ગામનું તોરણ બાંધ્યું. દેવાજીની વીરતાની વાતો કરતાં કરતાં વાઘેલાની કચેરીમાં શોર્યનું પૂર વહેવા માંડ્યું. દેવાજીના ખેમાજી ને ખેમાજીના જામાજી. જામાજી વાઘેલા તો લોકજબાન પર રમતુ પાત્ર. જામાજીની વાત ને લડાવી લડાવીને સરજી મીરે વાઘેલાની કચેરીમાં રંગ લાવી દીધો. જામાજીથી પરથીરાજજી સુધી દુર્જનસિંહ, જાલમસિંહ, દોલતસિંહ, અખેરાજસિંહ, સરદારસિંહજી વગેરે રાજવીઓની જુદી જુદી વાતો આગળ વધતી ગઈ ને વાઘેલાઓ મીરને બિરદાવતા રહ્યા.....
    વાહ..... વાહ..... રંગ..... સરજી મીર..... રંગ તુને.....!'
    અમલ કસુંબાનો દોર ચાલ્યા કરે છે. એક પા સીસમની ખરલમાં માળવી અમલની બટ્ટીઓ 'લસરક-લસરક' ઘૂંટાઈ રહી છે. ને હિગળોકિયા રંગનો કસુંબો તૈયાર થઈ રહ્યો છે. વાઘેલાઓ એકબીજાને જુદી જુદી આણ દઈ ને અમલની અંજલિઓ દઈ રહ્યા છે.
    અજંલિઓમાંથી લાલઘૂમ અમલના બુંદ ટપક.....ટપક થાવા માંડ્યાં ને સરજી મીરે અમલનું કવન ઉપાડ્યું--
    'મુસા વાહણ, ગજબદન, હરણ રોમ હંમેશ;
    અમલ લય'તાં આપને, ગાઢા રંગ ગણેશ.
    જોગ ધ્યાન ધરે સદા, પારવતી રો પીવ,
    અમલ લય'તાં આપને, શીવજી રંગ સદીવ.
    કીધ ખાંકર લંકરો, જીત ભયંકર જંગ,
    અમલ લય'કર આપને, રઘુવર કિંકર રંગ.
    કુળ રાવણ રો ખે કિયો, સુરનર નાગ સવાથ,
    અમલ લય'તાં આપરે, રંગ રંગ રઘુનાથ.
    જ્યાં સરજી મીરે અમલના આવા ગુણ ગાયા કે વાઘેલાઓ અમલની હથેળીયું ભરી ભરીને સરજી મીરના મોંઢામાં ઠાલવવા માંડ્યા. 'હા..... ના..... હા..... ના.....' કરતાં તાંસળીભાર અમલ સરજી મીરના પેટમાં પેસી ગ્યું..... ને આ તો અમલ ! થ્યુ જઈ ને પરગટ.. ને વાઘેલાની પ્રસિદ્ધ બિરદાવલી ગાતાં ગાતાં મીર તો થરાની હદ બારો નીકળી ગ્યો ને પોંચ્યો થરાથી વીસ ગાઉ દૂર સાંપરાના દરબારગઢમાં ! સાંપરાની ગાદી ઉપર ઈ ટાણે દસાજી દરબાર હતા.
    "વાહ..... ! દસાજી... વાહ ! સાંપરાના ધણી... !
    વાઘેલા સાંભળીને ભડક્યા.
    "મીર..... શું બોલો છો ?"
    "વાહ... સગાળશા.... વાહ... !  રાજા કરણનો ત્રીજો અવતાર ! વાહ દસાજી, વાહ... !" મીર તો અફીણના નશામાં તણાતો જતો હતો.
    "સરજી મીર... ! હાંઉ કરી જાઓ... ! એક વાઘેલે ત્રાડ નાખી.
    "વાહ દસાજી વાહ... ! કળજગને માથે તો એક જ મણિ... !"
    "સરજી મીર... ! આ થરાનો દરબારગઢ છે આઈ સાંપરા કયા આવ્યું ?"
    એક વાઘેલો ઊભો થયો ને તેણે પ'કાર ફેક્યો.
    "હા ' લ્યા !" મીરના  મોમાંથી આશ્ચર્ય સહ ઉદ્દગાર સરી પડ્યો.
    " પરથીરાજજી બાપુની વાત કરતાં કરતાં સાંપરાના ધણીની વાત શે' ઉપાડી, સરજી મીર ? ! " એક અનુભવ ડાહ્યા વાઘેલા વૃદ્ધે પૂછ્યું. ઘડીભર તો સરજી મીરના મોં ઉપર કાળો રંગ ફરી ગયો, પણ બીજી જ પળે તેણે જીભને સંભાળતાં કહ્યું- "વાઘેલા, તોબા, મારે આંખોનું રતન; અન્નદાતા, પણ તેજની વાત્યું નીકળી છે, તો એ તારલાને સે ભુલાય ?"
    "એટલે અમે દીવડા ને દસોજી તારલો ?" વાઘેલાની ભ્રમર ખેંચાઈ.
    "બાપુ, તમે તો ઝળહળતા સૂરજ ને ઈ તો આકાશમાં દૂર દૂર ટમકતો તારલો..... પણ એને ય તેજ તો પોતાનું જ છે હો..... !" સરજી મીરે કહ્યું.
    "સરજી મીર, દસોજીમાં એવું તે શું ભાળી ગ્યા છો ?"
    "હજૂર, દસોજી છે મામૂલી જાગીરદાર પણ દિલ દરિયા જેવડું હોં !" મીરે છાતીને ખેંચીને ટટ્ટાર કરતાં કહ્યું.
    "એમ.....!" દસોજી, થરાના વાઘેલા તો કવિઓને માથાં આપી દે હોં... !" એક વાઘેલાએ સરાણ માથે ઘસાતી તલવારમાંથી નીકળે એવા અવાજે કહ્યું.
    "હા, ઈ તો આંખમાથા પર... ! સરજી મીરે હાથને માથા પર અડાડતા કહ્યું.
    "ને સાંપરાનો ધણી માથું ના આલે તો કંઈ નઈ, એના પગની પીંડા લઈ આવો, તો જાણું સરજી મીર; કે ઈ તેજનો ભરેલો તારલો છે... !

પરથીરાજજી વાઘેલાએ સરજી મીરની કિકીઓમાં વેણનો ઘા કરતાં કહ્યું.

    "ભલે..... મારા ધણી, દસોજીની પીંડી લઈ ને થરાના દરબારગઢમાં આવીશ, નઈ તો છેલ્લા રામ રામ !"સરજી મીરે કહ્યું ને ભેટ છોડી નાખી. મીર ઊભો થઈ ગયો.
    તાંસળી તાંસળી અમલ પીને બેઠેલા જોરાવર વાઘેલાઓની નસ ને નાડીઓમાંથી અમલ બધું જાણે પાણી, પાણી થઈ ગ્યું...! રતુમડી થઈ ગયેલી મીર સરજીની આંખો ય અમલ વગરની ધોળી ફક્ક થઈ ગઈ ! દરબારગઢમાં ઘડી પહેલાં જે ઉલ્લાસનું વાતાવરણ હતું; તેને બદલે શોકની કાળી છાયા પથરાઈ ગઈ.
    થરાના દરબાર પરથીરાજજી વાઘેલાનો માનીતો કવિ મીર સરજી શિહોરીની પડખે નાનકડી જાગીર દબાવીને બેઠેલા સાંપરાના ધણીની દોઢીએ આવીને ઊભો રહ્યો ને તેણે દસાજીને બિરદાવવા માંડ્યા.
    સાંપરાની નાનકડી કચેરીમાં આનંદના જાણે ધોધ ઉમટ્યા ! કચેરી આખી મીરની વાણીના પૂરમાં તણાવા માંડી, દસોજીની છાતી વે'ત વે'ત ઊંચી  થઈ ગઈ. લટભેર દસાજીથી બોલાઈ ગયું -
    "માગો માગો... કવિરાજ, માંગી લ્યો..."
    "બાપુ, હું તો થરાના ધણી પરથીરાજજી વાઘેલાનો કવિ. મારો ધણી પરથીરાજજી રાજા કરણનો અવતાર છે. મારે શી ખોટ હોય ?" સરજી મીરે કહ્યું.
    "સરજી મીર, કવિરાજને ગમે ત્યાં જાચવાનો હક્ક હોય. આજ મને ઊલટ વ્યાપી છે, ન'ઈ માગો તો કવિરાજ, સાંપરાના ધણીને... લાંછન રઈ જાસે."
    "ધન-દોલત કે સોના-ચાંદી નો મારે ખપ નથી. ઘોડા-હાથી કે ગાયો ય નથી જોઈતી. ઈ બધું આપવાવાળો તો મારો રાજા પરથીરાજજી વાઘેલો બેઠો છે, પણ, મારે તો..." અને આગળ બોલતાં સરજી મીર અટકી ગયો.
    " બોલો... બોલો સરજી મીર, કો' તો રાજ-રજવાડાં દઈ દઉં; ને કો' તો માથું ઉતારી દઉં...!" સાંપરાનો ધણી ટકુક્યો.
    "વાહ.... ! રંગ તને, સાંપરાના ધણી...! તારું માથું તો સવા લાખનું, બાપ ! પણ, દેવું હોય તો તારા શરીરનું એક અંગ દઈ દે...! " મીરે અવાજમાં લાગણીનો સ્વર ભરતાં કહ્યું.
    " કયું અંગ દઈ દઉં, મીર.....! બોલો..."
    " દેવી હોય તો પગની પીંડી દઈ દે, દસાજી.....!_મીરે તપેલા લોખંડ માથે જાણે ઘા ઝીંક્યો.
    " દસાજી બાપુના પગની પીંડી ?" બે ચાર દરબારીઓ ઉભડક બેઠા થઈ ગયા.
    "હા, બાપુની જીવતી પાની....! " સરજી મીરે ચોખવટ કરી.
    દરબારીઓની આંખોના રંગ ફરી ગ્યા. મીરને કાચો ને કાચો ખાઈ જવા દરબારીઓનાં ડાચાં પહોળાં થઈ ગ્યાં.
    "ગજબ કરી નાખ્યો, મીર ! આવી તે માગણી હોતી હસે ?" એક દરબારી ઊભો થઈ ને મીર તરફ ધસ્યો.
    " સબૂર..." દસોજીએ દરબારીને અટકાવ્યો.
    " કવિરાજ, બોલો, પીંડી ક્યારે જોઈ એ ?"
    "આવતીકાલે સવારે..."મીરે કહ્યું.
    દસોજીએ મરક-મરક હસતાં બીજે દી' સવારે મીરને બોલાવ્યો..
    અંગેઅંગમાંથી આળસનાં અંધારાં ખંખેરીને દા'ડો ક્ષિતિજમાં ચડીને ચમકવા માંડ્યો. સુંગલ તળાવમાં હિલોળા લેતાં પાણીમાં સૂરજનું બિંબ પણ નાચવા માંડ્યું. હવાની લહેરો પાણીમાં ભીંજાઈને મહાદેવજીના મંદિરની ધજા ઉપર જઈને વિંટળાવા માંડી. એવે ટાણે તળાવના પાણીમાં સ્નાન કરીને બહાર નીકળેલા કો'ક જોગંન્દર જેવો દસોજી, હાથમાં મૂકી દીધી. અને જાણે કાંઈ બન્યું ના હોય તેમ દસોજી હાલતો થઈ ગયો. સરજીની આંખમાંથી આંસુના ધોધ વછૂટયા.
    મારતા ઘોડે થરાના દરબારગઢમાં આવેલા મીરે દરબારગઢની વચ્ચે સાંપરાના દરબારની પીંડી મોંઘા કપડાની અંદરથી ઉકેલવા માંડી. જાણે આંખમાંથી રતન ઉકેલાતું હોય એમ ઉકેલાઈ ગયેલી પીંડીને જોઈને થરાના દરબાર પરથીરાજજી વાઘેલાના મોંમાથી પ્રશંસાનાં પુષ્પો વેરાવા માંડ્યાં-
    "ધન્ય... ધન્ય.... સાંપરાના ધણી, ખરો દાતા ! બેસો મીર...."
    " હવે કેમ બેસું, બાપુ ? પગની પીંડીનું લોહી, પાણી બનીને થીજી રહ્યું છે. અંગેઅંગ બળતરા ઊઠી છે."મીરે વેદનાથી પગની પાનીએ હાથ ફેરવતાં કહ્યું.
    સાંપરાના ધણીની વેદના પ'ડના અંગ માથે અનુભવતો મીર પીંડી ને રેસમી કપડામાં વીંટી ફરી પાછો સાંપરા ક તરફ આવવા હાલી નીકળ્યો.
    મીરનું અંતર કોરાઈ જાય છે. જેવી બળતરા સાંપરાના દરબારને નહિ થતી હોય એવી બળતરા મીરના પગમાં ઊઠી છે. પગ આખો જકડાઈ ગયો છે. લોહીનો ધોરિયો જાણે વહેતો બંધ થઈ ગયો છે.
    મીરનો ઘોડો સાંપરાની બાજુમાં દેવ જસરાજની દેરીએ આવીને ઊભો રહ્યો. દેવ જસરાજ આગળ કાયા પાડી નાખવા મીર બેઠો. રાત આખી મટકું માર્યા વગર બેઠેલા મીરના અંતરમાંથી વાણી ઊઠી અને તે બળને સહારે ઊભો થયો. જસરાજની દેરી પાસે શણીનું એક ઝાડ ઊભું હતું, તેણે તેનાં પત્તાં એકઠાં કર્યાં અને તે લઈ દસોજીના દરબરગઢે જઈ ને ઊભો રહ્યો.
     પીંડી ઉપર પીંડી રાખી તેના ઉપર વાટેલી શણી ચોપડી ને ઉપર પાટો બાંધતાં મીરે કહ્યું -" બાપુ, મારા પુણ્ય-ધરમની દુહાઈ છે. પીંડી હારે પીંડી મળી જાસે."
    ને પછી મીરે એક દોહરો કીધો-
    " દેવા શરે તું દેવ હે, જસ લિયે જસરાજ;
    મીર સરજી અરજી કરે, જાહેર કરો મહારાજ....!"

નોંધ : સાંપરાના દરબારે મીર સરજીને ૨૫ વીઘા જમીન આપી. મીર સરજીએ સાંપરામાં વસવાટ કર્યો. તેના વંશજો હાલ પણ સાંપરામાં રહે છે. આ બનાવ લગભગ સો વર્ષ (હાલ ના પ્રમાણે ઘણા વરસ થાય) બન્યો હતો. આ લોકવાર્તાની વિગત રાજુ મીર પાસેથી મળી છે.

  થરાના પૃથ્વીરાજજીએ કવિરાજને આંસુભરી આંખે વિદાય આપી.

(હાલ દસાજી અને એમના ભાઈ જોગાજી ના વંશજો સાંપરા, ધારપુર, હાજીપુર, મોડોત્રી, બોરસણ, આંબલિયાસણ, કુણઘેર વગેરે ગામમાં વસે છે.) માહિતી નો સ્ત્રોત... (લોક હૈયા ભીના ભીના ભાગ 1) માહિતી પ્રદાન - કુલદીપસિંહ વાઘેલા (ગોધાવી) લિ. - રણજીતસિંહ વાઘેલા (ધારપુર) નોંધ.... આ લખાણ માં કોઈએ છેડછાડ કરવી નહિ